અત્યાર સુધી આપણે સૂત્રો બોલતા હતા : “બંધારણ બચાવો, દેશ બચાવો”. બંધારણ સામે શું ખતરો છે કે જોખમ છે અને શેનાથી બંધારણને બચાવવાનું છે, તે ચિત્ર આપણી સમજમાં આવતું ન હતું. તા. ૧૦-૧૧ ડિસેમ્બર, ૨૦૧૯ના દિવસે આપણને બંધારણ સામેનું જોખમ સમજાયું, જ્યારે આપણાં માથાં પર-દિલ પર હથોડો ઠોકાયોઃ “પુરવાર કરો કે તમે ભારતના નાગરિક છો !”
મારો જન્મ આ ધરતી પર થયો, મારા પૂર્વજો આ ધરતીમાં દટાયા અને અગ્નિસંસ્કાર પામ્યા. મારાં બાળકો આ ધરતી પર જન્મ્યાં. આ ધરતી-હવા-પાણી-આકાશ-પ્રકાશ કોઈ રાજકીય પક્ષે નથી બનાવ્યાં. અને હવે મારે પુરવાર કરવાનું કે હું આ દેશનો નાગરિક છું ?!
૧૩૦ કરોડ ભારતીયોનાં મનમાં-દિલમાં આ પલીતો ચાંપવાનું કારણ શું? આ નાગરિકતાના પુરાવાની વાત છે કે અમુક ધર્મના લોકોની નાગરિકતા છીનવવાની?
આ પ્રશ્નની વાત શરૂ થઈ આસામથી. બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા આ રાજ્યમાં ૧૯૭૯માં આંદોલન શરૂ થયું. કોઈ એક લોકસભાની બેઠક પર અણધાર્યું ભારે મતદાન થતાં આ મતદાન વિદેશી ઘૂસણખોરોએ કર્યું હોવાનું માની લેવાયું અને એટલે વિદેશી ઘૂસણખોરોને હાંકી કાઢવા માટેનું આ આંદોલન થયું. આ આંદોલન ૧૯૮૫માં પૂરું થયું.
ઇતિહાસમાં થોડા પાછળ જઈએ તો તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ચાલ હતી કે પાકિસ્તાનની હેરાનગતિને નાથવા પાકિસ્તાનના ભાગલા કરી નાંખવા. પશ્ચિમ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ)માં સ્થાનિક અસંતોષને ટેકો આપી ભારતીય લશ્કરની મદદથી કૉંગ્રેસે પાકિસ્તાનના બે ભાગલા કરી નાખ્યા અને નવો દેશ ઊભો થયો તે ‘બાંગ્લાદેશ’. આ પરિસ્થિતિમાં ઘણા હિંદુ-મુસ્લિમ શરણાર્થી ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યો(આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ)માં આવ્યા. ભારતે માનવતાનાં ધોરણે હિંદુ-મુસ્લિમ એવા તમામ શરણાર્થીને આશરો આપ્યો, પરંતુ આશરો આપનાર આ રાજ્યોમાં સમસ્યા ઊભી થઈ.
૧૯૩૧ની વસ્તી-ગણતરી મુજબ, ત્રિપુરા રાજ્યમાં આદિવાસીની વસ્તી ૫૬.૩૭ ટકા હતી, જે ૨૦૧૧માં ઘટીને ૨૮.૪૪ ટકા થઈ ગઈ છે. સ્થાનિક લોકોની વસ્તી ઘટી અને તેમના હાથમાંની જમીન, રોજગાર, રાજકીય સત્તા પણ ઘટ્યાં. આવું જ આસામમાં થયું. છેલ્લાં ૧૦ વર્ષમાં આસામી ભાષા બોલતા લોકોની સંખ્યા અડધો ટકો ઓછી થઈ છે અને બંગાળી ભાષા બોલનારા ૧.૫ ટકા વધ્યા છે. આસામમાં મોટા પાયે આવેલા અને આવી રહેલ શરણાર્થીને કારણે મતદારોનો નકશો બદલાયો. આ સ્થિતિ છઠ્ઠી સૂચિમાં આવરી લેવાયેલ તમામ રાજ્યોની છે, જ્યાં આદિવાસીનાં સંસાધનો-સત્તા બીજાઓના હાથમાં ચાલી ગઈ છે. આયોજનપંચના અહેવાલ મુજબ આદિવાસીઓની વસ્તી ૮.૦૮ ટકા હોવા છતાં દેશમાં જે લોકોને પોતાની માતૃભૂમિ છોડીને બીજે હટાવવામાં આવે છે, તેમાં આદિવાસીની ટકાવારી ૪૦ ટકા છે.
આસામનું આંદોલન સાત વર્ષ ચાલ્યું. છેલ્લે સમાધાન થયું, જે ‘આસામ કરાર’ નામે ઓળખાયું. આ કરારમાં નક્કી થયું કે “તારીખ ૨૪ માર્ચ, ૧૯૭૧ પહેલાં આસામમાં આવેલાં લોકોને જ ‘ભારતના નાગરિક’ ગણવામાં આવશે.” હવે વાત રહી ઘૂસણખોર કોણ છે તેમને શોધવાની. આથી કોણ નાગરિક અને કોણ ઘૂસણખોર, તે શોધવા માટે NRC (નાગરિકોનું રાષ્ટ્રીય નોંધણીપત્રક) બનાવવામાં આવશે, તેવું નક્કી થયું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ટાણે ભા.જ.પે. પોતાના પ્રચારમાં કહ્યું હતું કે આસામમાં કરોડોની સંખ્યામાં મુસલમાનો ઘૂસી ગયા છે અને તેમને વીણીવીણીને બહાર કાઢવામાં આવશે. ૨૦૧૯માં આ નોંધણી પૂરી થઈ. આ નોંધણીને સુપ્રીમ કોર્ટે પણ ટેકો આપ્યો. આ નોંધણીનું કામ છ વર્ષ સુધી ચાલ્યું. ભા.જ.પ.ની ગણતરી ઊંધી પડી. ૧૯ લાખ ઘૂસણખોરોની યાદી જાહેર થઈ, જેમાં ૬૦ ટકા ઘૂસણખોરો ‘હિંદુ’ હતા. આ નોંધણી કરાવવા પાછળ ૧૨ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો. પોતે ધારેલ પરિણામ ન આવતાં ભા.જ.પે. આ નોંધણીનો વિરોધ કર્યો અને જાહેરાત કરી કે આ નોંધણી આસામમાં ફરી વાર કરવામાં આવશે અને આવી જ નોંધણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવશે. ટૂંકમાં, ભા.જ.પ. એમના રાજકીય હિત માટે ફાવે તેવી નોંધણી કરાવવા ધારે છે, જેમાં હિંદુ ઘૂસણખોરોને નાગરિકતા મળે, પણ મુસલમાનોને નહીં.
૨૦૧૯ની સાલમાં દલિત શક્તિ કેન્દ્રમાં તાલીમ લેવા આવનાર યુવાનોમાંથી અડધાથી વધુ લોકો પાસે પોતાની જન્મતારીખ નથી હોતી, તો પછી એમનાં ૮૦ વર્ષનાં માબાપની જન્મતારીખ અને તેઓ ભારતમાં જન્મેલા હોવાનો પુરાવો ક્યાંથી લાવશે?
આ થઈ એક વાત. બીજી વાત બંધારણના ‘હાર્દ’ને ખતમ કરવા અંગેની લોકસભા અને રાજ્સભામાં ‘નાગરિકતા સુધારા ખરડો’, તા. ૧૦-૧૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ પસાર થયો. રાષ્ટ્રપતિ જાણે તલપાપડ હોય તેમ વળતે દિવસે મંજૂરીની મહોર પણ મારી દીધી અને આ ખરડો ‘કાયદો’ બની ગયો. આ કાયદાની મુખ્ય બાબત આ પ્રમાણે છે :
ભારતના બે પડોશી દેશ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ અને એક દૂરનો દેશ અફઘાનિસ્તાન. આ ત્રણેય મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં ધાર્મિક પજવણીથી ત્રાસીને જે લોકો ભારત આવ્યા હશે, તેમને ભારત ‘નાગરિકતા’ આપશે, પણ શરત એટલી કે આવા લોકો,
૧. હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, પારસી અને બૌદ્ધ હોય.
૨. એટલે કે આ લોકો મુસ્લિમ ન હોય.
ભારત બહુમતીના જોરે કોઈ એક ધર્મનો દેશ ન બની જાય તે માટે ડૉ. આંબેડકરે ભારતના બંધારણમાં કલમ ૧૪ દાખલ કરી, જેનો અર્થ એવો થાય છે કે “ધર્મ-વંશ-જ્ઞાતિ-જાતિ કે ભાષાના ભેદ સિવાય ભારતના તમામ નાગરિક સરખા. કાયદા સમક્ષ બધા સરખાં ગણાશે અને કાયદાનું બધાને સરખું રક્ષણ.”
મનુસ્મૃતિના વિચાર-વાતને લઈને ધાર્મિક પજવણીનો શિકાર બનેલ દલિતોને મુક્ત કરવા ડૉ. આંબડકરે ૨૫ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ મનુસ્મૃતિ સળગાવી હતી. મનુસ્મૃતિ-દહનમાં ડૉ. આંબેડકરની સાથે અન્ય હિંદુ નેતાઓ પણ હતા. ડૉ. આંબેડકરનો વિરોધ ‘ધર્મ’ સામે નહીં, પરંતુ ધર્મના નામે આચરાતા ‘અધર્મ’ સામે હતો.
ભારતનું બંધારણ તમામ જ્ઞાતિ-જાતિ-ધર્મ-ભાષા-પ્રદેશના ચૂંટાયેલા સાંસદોએ ૧૯૫૦માં સ્વીકાર્યું. આજે ૭૦ વર્ષ બાદ ભા.જ.પ. અને તેના સાથી પક્ષો ‘સમાનતા’ની કલમનો છેદ ઉડાડવા માગે છે. આ સીધો હુમલો ભારતની તમામ લઘુમતીઓ અને અને બંધારણને વરેલા નાગરિકો પર છે.
આ પલીતો એટલા માટે ચાંપવામાં આવ્યો છે કે જેથી દેશમાં કોમવાદ ભડકે અને ભારતના બંધારણનો પાયો ‘બિનસાંપ્રદાયિકતા’ છે તે તૂટી જાય અને સાંપ્રદાયિકતાના જોરે રાજકીય સત્તા જળવાઈ રહે. ઉપરાંતમાં, લઘુમતીના લોકો આ દેશમાં બીજા દરજ્જાના શરણાર્થી બની જાય.
આ પલીતાને શણગારવા માટે હિંદુ શરણાર્થી જોડે ખ્રિસ્તી, શીખ, જૈન, બુદ્ધોને જોડ્યા છે.
૧૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં બે પનોતા પુત્રો જન્મેલા : ગાંધી અને સરદાર, જેમણે ભારતને આઝાદ કરવાની જવાબદારી લીધી. એટલું જ નહીં, પણ આઝાદ ભારતને તમામ ધર્મો-ભાષા- જ્ઞાતિ-જાતિવાળો ‘બિનસંપ્રદાયિક’ અને અખંડિત દેશ બનાવ્યો. વૈચારિક રીતે ગાંધી-સરદારનો ડૉ. આંબેડકર સાથે મેળ ખાતો નહોતો, પણ બંધારણ ઘડવાની જવાબદારી ડૉ. આંબેડકરને સોંપી. આજે ગુજરાતના બે નેતાઓ ગાંધી-સરદાર-આંબેડકરની ટોપી પહેરી અખંડ ભારતને ખંડિત કરવાની આગેવાની લઈ રહ્યા છે.
પ્રશ્ન એ છે કે દેશમાં ઘૂસણખોરો કેટલા છે? સંસદમાં ગૃહમંત્રીએ કહ્યું કે નાગરિકતાના કાયદામાં સુધારા કરવાથી લાખો-કરોડો લોકોને રાહત મળશે, પણ તેમની વાતમાં વજૂદ નથી. તા. ૩૧-૧૨-૨૦૧૪ના રોજ લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ, ભારતમાં કુલ બે લાખ ૮૯ હજાર ૧૪૧ ઘૂસણખોરો (જેમની પાસે ભારતમાં રહેવાની પરવાનગી નથી.) છે. આમાંથી બાંગ્લાદેશી ૧,૦૩,૮૧૭; શ્રીલંકન ૧,૦૨,૪૬૭; તિબેટમાંથી ૫૮,૧૫૫; મ્યાનમાર(બર્મા)માંથી ૧૨,૪૩૪; પાકિસ્તાનમાંથી ૮,૭૯૯ અને અફઘાનિસ્તાનમાંથી ૩,૪૬૯ છે.
દુખિયારાને આશરો આપવો તે ભારતની સેંકડો વર્ષ પુરાણી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની સંસ્કૃતિ છે. એટલે કાયદામાં આવો સુધારો થાય તેની સામે કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ દુખિયારાને ધર્મના વાડામાં વહેંચી એકને આશરો આપવો અને બીજાને તગેડી મૂકવો, તે કોઈ રાજકીય પક્ષની સંસ્કૃતિ હોઈ શકે, ભારતની નહીં. વધુમાં તે ભારતના બંધારણની કલમ-૧૪ની વિરુદ્ધ છે.
આ સુધારા-નવા કાયદાના કારણે ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં આગ લાગી છે. આસામ સાથે સમજૂતી થયેલી કે ૨૪ માર્ચ, ૧૯૭૧ પછી આસામમાં આવેલ લોકોને નાગરિકતા આપવામાં નહીં આવે, પરંતુ નવો કાયદો ઠરાવે છે કે, તા. ૩૧-૧૨-૨૦૧૪ પહેલાંથી રહેનાર લોકોને (જો તે માત્ર હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ અને જૈન હોય તો તેમને) નાગરિક ગણવામાં આવશે. આસામ-સમજૂતીને કારણે ઉત્તર-પૂર્વ ભારતનાં સાત રાજ્યોના અન્ય પક્ષની સાથે મળી પ્રથમ વાર ભા.જ.પે. સત્તા મેળવી હતી.
હવે, આગને ઓલવવા અરુણાચલપ્રદેશ, મણિપુર, મિઝોરમ અને નાગાલૅન્ડ રાજ્યોને બરડે હાથ ફેરવી સમજાવવામાં આવી રહ્યાં છે કે તમારાં રાજ્યોને આ નવા કાયદાથી અસર નહીં થાય. આ ચાર રાજ્યોમાં આદિવાસી વસ્તી ધરાવતા દસ જિલ્લાઓમાં ‘ઇન્નર લાઇન પરમીટ’ બંધારણની છઠ્ઠી સૂચિ મુજબ અમલમાં છે. ‘ઇન્નર લાઇન પરમીટ’ એટલે કે આ વિસ્તારોની પંચાયતની પરવાનગી મેળવ્યા સિવાય તે વિસ્તારમાં બહારની કોઈ વ્યક્તિ વસવાટ નહીં કરી શકે. મૂળ અંગ્રેજોએ પોતાના ધંધા-કારોબારની એકહથ્થુ સત્તા જાળવી રાખવા ‘ઇન્નરલાઇન પરમીટ’ની જોગવાઈ કરેલ.
એ વાત સાચી કે સ્થાનિક પંચાયતની પરવાનગી વિના એ વિસ્તારમાં કોઈ વસવાટ નહીં કરી શકે, પરંતુ આ ચાર રાજ્યોના કુલ મળીને ૬૧ જિલ્લાઓ છે અને તેમાંથી માત્ર ૧૦ જિલ્લામાં ‘ઇન્નરલાઇન પરમીટ’ની જોગવાઈ છે.
ધાર્મિક પજવણી ભોગવતા ભૂખ્યા લોકોને આશરો આપવાની સુફિયાણી વાત ભા.જ.પ. કરી રહ્યું છે, ત્યારે એક હકીકત તેમને જરૂર યાદ કરાવવી છે કે ભારતના નાગરિક હોવા છતાં આભડછેટ માથે મેલું-ભેદભાવ અને અત્યાચારનો દલિતો આઝાદીનાં ૭૩ વર્ષ પછી પણ ભોગ બની રહ્યા છે અને શા માટે તેઓ ‘સમાન નાગરિક’ બની શક્યા નથી? હિંદુ હોવા છતાં તે મંદિરમાં પ્રવેશ ન કરી શકે અને હિંદુ હોવા છતાં સ્મશાનમાં દટાઈ કે અગ્નિસંસ્કાર પામી ન શકે, તે ધાર્મિક સતામણી કે બીજું કાંઈ? આવી ધાર્મિક સતામણી વધતે-ઓછે ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ અને શીખ ધર્મ અપનાવનાર દલિતો પણ ભોગવી રહ્યા છે. ભારતની ૧૬.૫ ટકા વસ્તી ધરાવતા ૨૧.૫ કરોડ દલિતોના અધિકારોની સુરક્ષા માટે અને તેમને ધાર્મિક સતામણીથી બચાવવા માટે કોઈ રસ્તો ખરો ?
૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ. અને તેના સાથીપક્ષોને લોકસભામાં મળેલ બહુમતી તે માત્ર અને માત્ર દલિત-આદિવાસીની અનામત બેઠકોને આભારી હોવા છતાં આ સરકારના શાસન હેઠળ દલિત-આદિવાસીઓ પર અત્યાચારો વધ્યા છે, તેવું સરકારના પોતાના આંકડા જણાવે છે. આ અત્યાચારોને રોકવા નિષ્ફળ ગયેલી કેન્દ્ર સરકાર બીજા દેશમાં રહેતા લોકોનાં દુઃખ મટાડવાની વાત કરે, તે વાતમાં દમ કેટલો ?
પણ બે વાત દીવા જેવી ચોખ્ખી છે :
એક, સૌથી વધુ મુસ્લિમ નિરાશ્રિતોની વસ્તી ધરાવતા પશ્ચિમ બંગાળમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી છે અને આ પ્રશ્ને વધુ પીડા ભોગવતા આસામમાં પણ. કોમવાદ ભડકાવી ચૂંટણી જીતવી તે જૂની કરામત છે.
બીજું, નાગરિકતાના પુરાવા શોધવા અને ભેગા કરવા ભારતના ૧૩૦ કરોડ લોકોને એવા ધંધે લગાડી દેવા કે જેનાથી દેશમાં ભયનું વાતાવરણ ઊભું થાય, તેવી ગણતરી આ રાજકારણમાં ચોખ્ખી દેખાય છે.
આસામમાં આવી નાગરિક-નોંધણી કરવા ૧૨ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો, તો ભારતનાં તમામ ૨૮ રાજ્યો અને નવ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી નોંધણી કરાવવા પાછળ લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય ! ભારતમાં આજે ય ધાન ન મળવાથી લાખો લોકો ભૂખથી લોકો મરે છે, લાખો બાળકો કુપોષિત છે અને બાળમરણનાં ૬૯ ટકા બાળકો કુપોષિત છે. કુપોષણના પ્રમાણમાં આપણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં પણ ઓછા પ્રગતિશીલ છીએ, બીજી બાજુ બેરોજગારીનો દર પણ વધી રહ્યો છે, ત્યારે હતાશાથી ભાંગી પડેલ લોકોનું ધ્યાન બીજે વાળવા આવું ગતકડું સરકાર માટે અસરકારક ઉપાય છે, તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.
સૌથી દુઃખ પમાડનાર ભારતની જનતા માટે આજે જામિયામિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં થયેલ ઘટના છે, જ્યાં કેન્દ્રના સીધા કાબૂ હેઠળ આવતી દિલ્હી પોલીસે યુનિવર્સિટીની પરવાનગી મેળવ્યા વગર છોકરા અને છોકરીઓની હૉસ્ટેલમાં ઘૂસી, હૉસ્ટેલ, લાઇબ્રેરી અને બાથરૂમ સુધ્ધામાં ઘૂસી બેરહમીથી માર માર્યો. આવો અત્યાચાર તો અંગ્રજોએ પણ ભારતની જનતા પર કર્યો નહોતો. વિચારોની અભિવ્યક્તિ કરવાનો મૂળભૂત અધિકાર બંધારણમાં આપવામાં આવ્યો છે. એટલે આ સીધો બંધારણ ઉપર હુમલો છે.
ભારતના નાગરિક તરીકે આપણે પસંદગી કરવાનો સમય આવી ગયો છે. આપણને બંધારણમાં આપવામાં આવેલ ‘સમાનતા’નો મૂળભૂત અધિકાર આપણે જાળવી રાખવો છે કે કેમ ? આપણે દેશનો બિનસાંપ્રદાયિક ઢાંચો, જેના કારણે દેશમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે પ્રદેશના ભેદ વગર લોકો સમાન નાગરિક તરીકે ઇજ્જતથી જીવી શકે કે આપણે એવી પરિસ્થિતિ પેદા કરવા દેવી છે કે જ્યાં બહુમતીના જોરે હિદુરાષ્ટ્રનું નિર્માણ થાય?
એક વાત સમજી લઈએ. હિંદુઓમાં નાત-જાતના વાડા ઉપરાંત, આવકની અસમાનતાને કારણે બધા હિંદુ સરખા નથી. આથી વાત હિંદુરાષ્ટ્રની થાય છે, તેમાં મલાઈ તો ટોચના પાંચ-સાત ટકાના ભાગે જ આવે છે અને બાકીના લોકોના ભાગે વૈતરું. આ અસમાનતા દૂર કરવા માટે બંધારણમાં કલમ ૧૫માં તમામ વર્ગોને વિકાસની સમાન તક આપવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકાર હેઠળ જ ઓ.બી.સી.(અન્ય પછાત વર્ગો)ને ડૉ. આંબેડકરના સિદ્ધાંત મુજબ અનામત આપવામાં આવી છે.
આપણી લડત એક જ હોઈ શકે : ‘નાગરિકતા-સુધારા કાયદો’ પાછો ખેંચાય અને સમગ્ર દેશના નાગરિકોની રાષ્ટ્રીય નોંધણીનો કાર્યક્રમ પડતો મુકાય.
E-mail : martin.macwan@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 07-08 તેમ જ 04
![]()


૨૦૧૭માં મોરારિબાપુ આયોજિત મહુવાના સંસ્કૃત પર્વમાં જવાનું થયું હતું. એ વખતે જલન માતરી સાથે સત્સંગ કરવાની તક મળી હતી. જલદ ગઝલના એ શાયરના સૌમ્ય સ્વભાવનો પરિચય તો થયો જ પણ એમના સ્વમુખે ગઝલ સાંભળવાની મજા પડી ગઈ. એ પહેલાં એક મુશાયરામાં જલનસાહેબના સ્વમુખે જ રહસ્યોના પરદા ગઝલ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એમની ગઝલ એમના જ અંદાજમાં સાંભળવી એ એક લહાવો છે. કારણ કે એમનો ગઝલ લખવાનો અને મુશાયરામાં ગઝલ રજૂ કરવાનો અંદાજ લગભગ સરખો જ છે. જે બુલંદી ગઝલના શબ્દોમાં દેખાય એવી જ બુલંદી પઠનમાં ય વર્તાય. રહસ્યોના પરદા ગઝલ ગુજરાતી ગઝલોની સર્વશ્રેષ્ઠ ગઝલોમાંની એક છે. અંગતપણે ખૂબ પ્રિય. નસીબને ચેલેન્જ કરવાની ખુમારી એકેએક શેરમાં પ્રગટ થાય છે. પ્રારબ્ધ કરતાં પુરુષાર્થનું માહાત્મ્ય કેટલું અગત્યનું છે એ વાત કવિએ આગવા મિજાજમાં રજૂ કરી છે.
કમાલ તો ત્યારે થાય છે જ્યારે આ ખુમારીભર્યા શબ્દોને એવા જ ધારદાર સંગીતનો સાથ મળે છે. અરેબિક અને ઇજિપ્શિયન સંગીતનો યથાયોગ્ય સ્પર્શ ધરાવતી આ ગઝલ પહેલી વાર સાંભળી ત્યારે થયું કે કોણ કહે છે કે સુગમ સંગીત ઢીલું ઢાલું છે! આ ગઝલ આજના ટીનેજરને સંભળાવો તો એ ય ઝૂમી ઊઠે એવું જબરજસ્ત ઓરકેસ્ટ્રેશન એમાં છે. સર્વકાલીન કહી શકાય એવી આ ગઝલ કોઈ પણ એજ ગ્રુપની વ્યક્તિને આકર્ષી શકે એમ છે. આ ગઝલ વિશે આશિત દેસાઈ કહે છે, "મને આ ખૂબ ગમતી ગઝલ છે. પહેલી નજરના પ્રેમ જેવી આ ગઝલ છે. મુખડું જોતાં સાથે જ ગમી ગયું હતું. ગઝલ રચનામાં જલનસાહેબની જબાન તેજાબી હોય છે. રહસ્યો વિશે માનવજાત હંમેશાં ગજબની ઉત્કંઠા ધરાવે છે. એટલે જ શાયર કહે છે કે આ રહસ્યોનો પડદો ઉઠાવીને ઇશ્વરને હાક મારી તો જો, ખબર પડી જશે એના અસ્તિત્વ વિશે. શબ્દો પ્રમાણે જ ધૂન તૈયાર કરી. મારી વિચિત્રતા કહો કે ખાસિયત, પણ મારે હંમેશાં કંઈક અસામાન્ય, અનયુઝવલ, ચેલેજિંગ કરવું હોય છે. જલનસાહેબ મારા ગમતા, પરંપરાના શાયર છે. એમની આ ટૂંકી બહેરની ગઝલની અરેન્જમેન્ટ મેં જ કરી છે કારણ કે હું માનું છું કે આપણું બાળક આપણે જ સંભાળવું જોઈએ, દાયણને ન અપાય. એ જ રીતે સંગીતકાર પોતાનું સ્વરબદ્ધ કરેલું ગીત બીજા એરેન્જરને આપે તો સંગીતકારે પોતે એ ગીતને જે ‘સંસ્કાર’ આપવા હોય એ કદાચ ન આપી શકે. ગઝલ વાંચતાં વાંચતાં જ લય મળતો ગયો ને કમ્પોઝ થતી ગઈ. રહસ્યમયતા બરકરાર રહે એટલે મેં સ્વરાંકન અરેબિક શૈલીમાં કર્યું. સંગીતકારો મને શ્રેષ્ઠ મળ્યા. સુરેશ લાલવાણી વાયોલીન પર, ચિન્ટુ સિંઘ ગિટાર પર, તબલાંમાં મુશર્રફ અને વિક્રમ પાટીલ તથા સુનીલ દાસનું સિતારવાદન હતું. તમે માનશો? અરેબિક વાદ્ય રબાબની ઇમ્પેક્ટ અમે સિતાર દ્વારા આપી હતી, જેમાં તારની ઉપર રૂમાલ ઢાંકીને મ્યુટ કરી દેવામાં આવે. મોરપીંછની રજાઇ … ગીતમાં પણ અમે આ પ્રયોગ કર્યો હતો. આ પ્રકારના ગીતમાં લોંગ નોટ્સ સારી ન લાગે એટલે સૂરની અને લયની રમત પણ રમ્યો છું. અરેબિક ફ્લેવર ઉમેરવાથી ગાયનનું સ્વરૂપ બદલાઈ ગયું જે શ્રોતાઓને બહુ પસંદ આવ્યું. જ્યાં જ્યાં આ ગઝલ ગાઈ છે ત્યાં બહુ જ ઉપડી છે. સાંભળવામાં સહેલી પણ ગાવામાં અઘરી એવી આ ગઝલ હવે મારો દીકરો આલાપ પણ ખૂબ સરસ ગાય છે.
‘ઇશ્કે હકીકી’ના લડાકુ શાયર જલન માતરીનું મૂળ નામ જલાલુદીન સઆહુદિન અલવી જેમનું તખલ્લુસ ‘જલન’ હતું. ૧ સપ્ટેમ્બર, ૧૯૩૪માં ખેડા જિલ્લાના માતર ગામે તેમનો જન્મ થયો હતો. એટલે તેઓ જલન માતરી કહેવાયા હતા. ૧૯૫૩માં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરી હતી. ૧૯૫૭થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટના હોદ્દા પર કાર્ય કર્યું અને ૧૯૯૨માં નિવૃત્ત થયા હતા. ૮૩ વર્ષની વયે ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮માં અવસાન થયું.