તા. ૧૮મી એપ્રિલે મારી નાની બહેન હેમાંગિનીનો રાત્રે ફોન આવ્યો. એનો નિકટનો મિત્ર અક્રમ એમ. આર. તરીકે કામ કરે છે. તે કોરોનાનાં લક્ષણ ધરાવતો હતો, એવી જાણ થઈ. અક્રમ ૧૮મી એપ્રિલની સાંજથી ૧૦૪ નંબર પર સતત ફોન કરી રહ્યો હતો કે કૉર્પોરેશનની ટીમ આવીને તેને હૉસ્પિટલ સુધી પહોંચાડે. ઘણા ફોન છતાં કોઈ ન આવ્યું, એટલે તે જાતે સવારે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયો. ૧૯મીની રાત્રે એક વાગ્યે તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. મારે તેની સાથે ૨૦મી એપ્રિલે સવારે વાત થઈ. એ દિવસે સવારના અગિયાર વાગ્યા સુધી કોઈ દરદીને ચા-નાસ્તો કંઈ જ અપાયું ન હતું. દરદીઓ વચ્ચે પાણીનો એક જ જગ, એક જ ટોઇલેટ અને ગંદકીથી ભરેલો વૉર્ડ. ૧૯મીની સવારે દાખલ થયેલા અક્રમે ૨૨મી એપ્રિલ સુધી એક પણ ડૉક્ટર કે મૅડિકલ સ્ટાફને એક પણ વાર જોયાં નહીં. એક માત્ર રિસેપ્શનિસ્ટથી કામ ચાલતું હતું. સિવિલની ૧,૨૦૦ પથારીવાળી અલાયદી હૉસ્પિટલની ગુનાઇત બેદરકારી વિશે છાપાં, ન્યૂઝ ચેનલોમાં ભરપૂર આવ્યું. એટલે એની વિગતોમાં નથી જતી. દરરોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, રાજ્યના આરોગ્ય સચિવ અને શહેરના મ્યુનિસિપલ કમિશનરની વીડિયો કોન્ફરન્સના અહેવાલથી લોકો સમક્ષ આપણા તંત્રની સજ્જતાનું જે ફૂલગુલાબી ચિત્ર ઊભું થયું હતું, તે તાજેતરના અહેવાલોથી સાવ ભાંગી પડ્યું.
ભારતની સ્થિતિ
કોરોના વાઇરસ સામે આરોગ્યની સુવિધાઓ વધારવા માટે રૂ. ૧૫ હજાર કરોડનું પૅકેજ જાહેર કરવામાં આવ્યું. કોરોનાની મહામારી સમયે જ્યારે વિશ્વના અતિવિકસિત દેશો પણ હાંફી રહ્યા છે, ત્યાં ભારતનું શું ગજું? ભારત તો આરોગ્યની દૃષ્ટિએ ઘણું પછાત છે. નેશનલ હૅલ્થ પ્રોફાઇલ્સ, ૨૦૧૯ પ્રમાણે ભારત પોતાના જી.ડી.પી.ના ૧.૩ ટકા કરતાં પણ ઓછો ખર્ચ આરોગ્ય પાછળ કરે છે. વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન પ્રમાણે દર એક હજાર લોકોએ એક ડૉક્ટરનું પ્રમાણ આદર્શ છે, જ્યારે આપણા દેશમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ હૅલ્થ ઇન્ટેલિજન્સના નેશનલ હૅલ્થ પ્રોફાઇલ, ૨૦૧૯ પ્રમાણે, દર ૧૦,૯૨૬ લોકોએ માત્ર એક જ સરકારી ડૉક્ટર ઉપલબ્ધ છે. ‘ધ ઇકોનોમિક ટાઈમ્સ’(૨૯-૩-૨૦)માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ભારતની આરોગ્યની સુવિધાઓ વૈશ્વિક ધોરણો કરતાં ઘણી ઉતરતી છે. દર એક હજાર લોકો દીઠ ઇટાલીમાં ૪.૧ ડૉક્ટર-૩.૪ બેડ, દક્ષિણ કોરિયામાં ૧૧.૪ બેડ, અમેરિકામાં ૨.૬ ડૉક્ટર અને ૨.૯ બેડની સામે ભારતમાં ૦.૮ ડૉક્ટર અને ૦.૭ બેડનું પ્રમાણ છે. ઉપરાંત દેશની તમામ હૉસ્પિટલ(રેલવે, ડિફેન્સ પોલીસ, વગેરે)માં બધું મળીને કુલ ૪૦ હજાર વૅન્ટિલેટર છે. તેમાંથી ચાલુ સ્થિતિમાં કેટલાં છે તેનો આંકડો મળતો નથી. દા.ત. આસામ પાસે કુલ ૨૦૦ વૅન્ટિલેટર છે, તેમાંથી ૩૬ ચાલુ સ્થિતિમાં નથી. ઉપરાંત ૪૦ હજારમાંથી એવાં ઘણાં વૅન્ટિલેટર હશે જે આઇ.સી.યુ. સાથે જ ફીટ કરવામાં આવ્યાં હોય. એટલે તેમને ખસેડવા શક્ય નથી.
સમગ્રતંત્રના વિરોધાભાસી વલણો
સમગ્ર તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવની માઠી અસરો કોરોના મહામારી વચ્ચે ખૂલીને બહાર આવી. મજદૂરો-કામદારોનું વતન ભણી પ્રયાણ, ભૂખથી મોત, રૂ.૫૦૦ માટે બૅન્કની બહાર લાગતી લાઇનો, રાશનની દુકાને ઉભરાતા લોકો વગેરે તેનાં કેટલાંક ઉદાહરણ છે.
૧૩મી માર્ચના રોજ અખબારોમાં પ્રસિદ્ધ થયેલા આરોગ્ય મંત્રાલયના નિવેદન મુજબ, કોરોના વાઇરસ એ આરોગ્ય કટોકટી – હૅલ્થ ઈમરજન્સી ન હતો અને તેનાથી કોઈએ ગભરાવાની જરૂર ન હતી. એના બે જ દિવસમાં દેશના વડાપ્રધાને વીડિયો કૉન્ફરન્સથી સાર્ક દેશોને સંબોધન કરીને કોરોના વાઇરસ સામે લડવા માટે ઇમરજન્સી ફંડ ઊભુ કરવાની અપીલ કરી. પ્રશ્ન એ છે કે માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં આ 'ઈમરજન્સી' કેવી રીતે સર્જાઈ ગઈ?

દેશના અનેક વિસ્તારોમાં જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત પણ તેમાંથી બાકાત નથી. એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ આ આદેશના ભંગ બદલ રૂપિયા પાંચ હજારનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે. તો પણ ઘણા વખત સુધી કેન્દ્રની આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ કહેતી હતી કે તમામ લોકોએ માસ્ક પહેરવાની જરૂર નથી. જે વ્યક્તિને શરદી, ખાંસી, તાવ કે શ્વાસની તકલીફ હોય તેમણે જ માસ્ક પહેરવો જોઈએ. પ્રાથમિક તકેદારીનાં પગલાંરૂપે માસ્ક પહેરવાનો વિવાદ કે વિરોધાભાસ શા માટે હોવો જોઈએ? અને શરૂઆતમાં માસ્કની અછતને લીધે માસ્ક મૅડિકલ સ્ટાફ માટે રાખવાની અપીલ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કરી હતી. પરંતુ એ પરિસ્થિતિમાં ફેરફાર થયા પછી, વેળાસરના સંકલનના અભાવે આવી વિરોધાભાસી સ્થિતિ સર્જાય છે.
આરોગ્ય વિભાગની વેબસાઇટ પર કોરોના સામે લડવા માટે ‘સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર’ શીર્ષક હેઠળ બાર પાનાંની એક પી.ડી.એફ. મૂકેલી છે. તે મુજબ કોરોનાનાં લક્ષણો ધરાવતી કે ચેપગ્રસ્ત વ્યક્તિ ફોન કરે કે તરત જ માત્ર ૨૦ મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચવી જોઈએ. એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિતનો સ્ટાફ આ અંગે વિશેષ તાલીમયુક્ત અને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પી.પી.ઇ.) સાથે હોવો જોઈએ. એમ્બ્યુલન્સને દરેક વ્યક્તિના પરિવહન બાદ જીવાણુમુક્ત કરવી ફરજિયાત છે.
ધોરણ તો આપણે ઘણાં ઊંચાં નક્કી કર્યા છે. આપણા સચિવો પણ વીડિયો કૉન્ફરન્સમાં આવું જ બોલે છે અને ખરેખર એવું જ થતું હશે, તેમ લોકો માનતા હોય છે. પણ અક્રમે તો હૉસ્પિટલ જાતે જ પહોંચવું પડ્યું હતું. એ કોઈ 'અપવાદરૂપ કિસ્સો' નથી, 'સાધારણ. સહજ ઘટના' છે.
પી.એમ. કૅર તો છલકાઈ ગયું
Pmnrf.gov.inની વેબસાઇટ પર જોતાં જણાય છે કે ૨૦૧૩-૧૪થી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દર વર્ષે આવક વધી છે, જ્યારે તેની સામે ખર્ચ સાવ ઓછો થયો છે. ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં કુલ રૂ. ૭૮૩.૧૮ કરોડ જમા થયા છે. તેની સામે માત્ર રૂ. ૨૧૨.૫ કરોડ જ વપરાયા છે. આમ આ નાણાકીય વર્ષના રૂ. ૫૭૦.૬૮ કરોડ જમા બોલે છે. ઉપરાંત ૨૮ માર્ચ, ૨૦૨૦ના રોજ વડાપ્રધાને કરેલી પી.એમ. કેર્સ (પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ) ફંડની અપીલથી આવેલા ફાળાની રકમ ચોથી એપ્રિલે 'ધ પ્રિન્ટ'માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ રૂ. ૬,૫૦૦ કરોડથી ઉપર છે. આ ફંડ સંશોધન, આરોગ્ય સુવિધાઓના વિકાસ અને અન્ય ફાર્મા સુવિધાઓ માટે વપરાશે.
આ ફંડમાં સતત રૂપિયા જમા થયા હશે. (કેટલા તે વેબસાઇટ પરથી જાણવા મળતું નથી ને તેનો હિસાબ પણ આપણને આપવા તે બંધાયેલા નથી, એવી ફંડની જોગવાઈ છે. આટલા બધા રૂપિયાનું ભંડોળ હોય, પંદર હજાર કરોડ રૂપિયાનું પૅકેજ હોય, કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય મંત્રાલયનાં પોતાનાં બજેટ હોય, તો પછી મૅડિકલ-પેરામૅડિકલ સ્ટાફ, પોલીસ, સફાઇકર્મીઓ વગેરે જે હાલ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, મૃત્યુ પણ પામી રહ્યા છે, તેમના માટે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ખુદ આપણા આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ એન-૯૫ માસ્ક અને પર્સનલ પ્રોટેક્શન માટેની કીટ હજુ કેમ ખરીદાતાં નથી?
અમદાવાદ મૉડેલ
ગુજરાત અને તેના આર્થિક પાટનગર અમદાવાદમાં વીડિયો કૉન્ફરન્સનો દોર ચાલ્યો મુખ્ય આરોગ્ય સચિવથી શરૂ કરીને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, બધા જ આજકાલ વીડિયો કૉન્ફરન્સથી સંબોધન કરી રહ્યા છે. અલબત્ત સિવિલ હૉસ્પિટલ, અમદાવાદના દરદીઓની બેહાલી જોયા બાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને એક આવેદનપત્ર મોકલાવતાં બે દિવસ મથવું પડ્યું. બધા અધિકારીઓ ટી.વી.માં અને છાપામાં તો ઘણા દેખાય છે, પણ કોઈની તાકાત છે કે આવેદનપત્ર મોકલવા તેમનો સંપર્ક કરી શકે? એક સાધારણ નાગરિક તો બિચારો તંત્રનો સંપર્ક જ ન કરી શકે એવી અરાજકતાપૂર્ણ અમલદારશાહી ચાલી રહી છે.
હવે જરા ગુજરાત-અમદાવાદ મૉડેલની વાસ્તવિકતા જોઈએ. ૧૩મી એપ્રિલના અખબારી અહેવાલો મુજબ રાજ્યના મુખ્ય મંત્રીએ સોશિયલ મીડિયાથી વિશ્વભરના ગુજરાતીઓને સંબોધન કરીને કહ્યું હતું કે સમગ્ર દેશને વૅન્ટિલેટર, એન-૯૫ માસ્ક પૂરા પાડવા માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. ગુજરાતમાં સાડા નવથી દસ હજાર બેડની આગોતરા વ્યવસ્થા છે, જેમાંથી એક હજાર બેડ તો વૅન્ટિલેટરથી સજ્જ છે. ઉપરાંત ૧૮મી એપ્રિલના અખબારી અહેવાલો કહે છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ દ્વારા ગુજરાતને ૨૪ હજાર ટેસ્ટિંગ કીટનો પુરવઠો મળ્યો છે.
પરંતુ તાજા આંકડા પ્રમાણે, ગુજરાત દેશભરમાં દરદીઓ અને મૃત્યુના મામલે બીજા સ્થાને છે. કોરોનાના કેસ વધવા સામે ગુજરાતમાં હાલ ચેસ્ટ ફિઝિશિયન – પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર માત્ર ૩૦૦ છે. તેમાંથી સરકારી હૉસ્પિટલોમાં માંડ ૪૦-૫૦ ડૉક્ટર છે. બીજી બાજુ સિવિલ હૉસ્પિટલ, અમદાવાદની અલાયદી ૧,૨૦૦ બેડની કોરોના હૉસ્પિટલ જેમતેમ ઊભી તો થઈ ગઈ. પરંતુ આ હૉસ્પિટલમાં મૅડિકલ સ્ટાફની ૯૬૦ જગ્યા સામે માત્ર ૧૭૩નો જ સ્ટાફ મળ્યો છે. ૯૦ની જરૂરિયાત સામે માત્ર ત્રણ ચેસ્ટ ફિઝિશિયન, ૧૬૫ એમ.બી.બી.એસ. ડૉક્ટર, ૭૦૦ નર્સિંગ સ્ટાફ અને પાંચ એનેસ્થેટિસ્ટની જરૂરિયાત સામે માત્ર ૨૦ ડૉકટર અને ૧૫૦નો નર્સિંગ સ્ટાફ મળ્યો છે.
ખુદ સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં જાહેર હિતની એક અરજીના પ્રતિભાવમાં સરકારને આદેશ આપ્યો હતો કે પ્રાઇવેટ લૅબમાં પણ કોરોનાની તપાસ થવી જોઇએ અને ડૉકટર, મૅડિકલ સ્ટાફની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાત્કાલિક પગલાં ભરવા જોઇએ. રાજ્યના મુખ્ય મંત્રીએ પણ કહ્યું હતું કે રાજ્યમાં તમામની સારવાર નિઃશુલ્ક થશે. તો પછી ૨૨ એપ્રિલના અખબારી અહેવાલો અનુસાર, કોરોના પૅકેજના નામે મોંઘીદાટ ખાનગી હૉસ્પિટલને કેમ પરવાનગી આપી? આપણી સજ્જતા આ પ્રકારની છે!
સાચું કોણ?
રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવે તો એપ્રિલ મહિનો શરૂ થતાં જ દાવો કરી દીધો હતો કે રાજ્યના તંત્રએ છ દિવસમાં રૂબરૂ કે ફોન દ્વારા દિવસના ૯૯ લાખ લેખે ૬ કરોડ લોકોનો સર્વે પૂરો કરી દીધો છે. એક બાજુ રાજ્યના આરોગ્ય ખાતાએ સર્વે પૂર્ણ થયાનો દાવો કર્યો, તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ૧ એપ્રિલના રોજ એક વીડિયોમાં કહ્યું કે અમદાવાદમાં ઘરે ઘરે સર્વે માટે લિન્ક વર્કરોની મોટી ફોજ ઊતારાશે. હવે સર્વે પૂરો થઈ ગયો હોય તો બીજી વાર લિન્ક વર્કરોને સર્વે માટે કેમ ઊતારવાના? મતલબ આરોગ્ય સચિવ કે મ્યુનિસિપલ કમિશનર—બંનેમાંથી એકની વાત ખોટી છે. હાસ્યાસ્પદ વાત તો એ છે કે મ્યુનિસિપલ કમિશનરના વીડિયો બાદ બીજા દિવસે મધ્ય ઝોનના ડૅપ્યુટી હૅલ્થ ઓફિસર મેહુલ આચાર્યે માધ્યમોને જણાવ્યું હતું કે સર્વે પૂરો થઈ ગયો છે અને સર્વે માત્ર પૉઝિટિવ દરદીઓ ધરાવતા વિસ્તારોમાં જ કર્યો છે. હવે આ બધામાં સાચા કોને માનવા? દુઃખ તો એ વાતનું થાય છે કે આજ સુધી કોઇ સર્વે ટીમ મારા ઘર સુધી નથી પહોંચી, ન ફોનથી, ન રૂબરૂ.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હાલત
ગુજરાતના કુલ કોરોનાગ્રસ્ત દરદીઓમાં સૌથી મોટું પ્રમાણ – સૌથી વધારે કેસ અમદાવાદમાં છે. એ રીતે અમદાવાદ દેશનું સૌથી મોટું હૉટ સ્પૉટ બનવા તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વારંવાર લોકોની ચિંતા કરતા દેખાય છે. વીડિયોમાં તે લોકોને સમજાવે પણ છે કે તમે જેને મળો છો તે કોરોના પૉઝિટિવ હોઈ શકે છે. એટલે લૉક ડાઉનનું બરાબર પાલન કરો. તેમણે કોરોનાના ફ્રન્ટલાઇન વૉરિયર્સને અપીલ કરતા વીડિયોમાં જણાવ્યું હતું કે તેમને ચેપ લાગવાની સંભાવના સૌથી વધુ છે તેથી તે પોતાની સુરક્ષાનો ખ્યાલ રાખીને પોતાની ફરજ બજાવે.
આમ ખૂબ જ નિસબત દાખવતા મ્યુનિસિપલ કમિશનરે આ ફ્રન્ટલાઈન વૉરિયર્સ માટે એક અનૌપચરિક આદેશ જારી કર્યો છે. તે મુજબ કૉર્પોરેશનના કોઈ પણ સ્ટાફે પોતાનો કે અન્ય કોઈનો પણ, જેમનામાં કોરોનાનાં લક્ષણ દેખાતાં ન હોય તેમનો, કોઈ પણ સંજોગોમાં ટેસ્ટ કરવાનો નથી. કોઈ સ્ટાફ મૅમ્બરે પોતાનો ટેસ્ટ કરાવવો હોય તો પહેલાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, હૅલ્થની પરવાનગી મેળવવી પડશે. ત્યાં સુધી કે કોઈ પોલીસનો પણ ટેસ્ટ કરવો હોય તો પોલીસ કમિશનરની લેખિત પરવાનગી હોવી ફરજિયાત છે. જો કોઇ આ આદેશનો ભંગ કરશે તો ગંભીર પગલાં લેવાશે.
આવો અમાનવીય આદેશ આપવાની જરૂર કેમ પડી હશે? ૨૪મી એપ્રિલ સુધીમાં અમદાવાદમાં ૪૦ જેટલા પોલીસકર્મીઓ અને લગભગ ૫૦ જેટલા મ્યુનિસિપલ કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. આદર્શ સ્થિતિ અને જરૂરિયાત એ છે કે તેમના સંપર્કમાં આવેલાં તમામને તકેદારીના ભાગરૂપે ક્વૉરન્ટીન કરવાં જોઈએ અને તે તમામનો ટેસ્ટ પણ થવો જોઈએ. પરંતુ જો કૉર્પોરેશનનો આ સ્ટાફ ક્વૉરન્ટીન થઈ જાય તો આ મહામારીમાં કામ કોણ કરે? આમ પણ કોર્પોરેશન પાસે ન તો પૂરતો સ્ટાફ છે કે ન આ સંજોગોમાં ટાસ્ક ફોર્સ બનાવ્યો છે. સ્વયંસેવકો પણ નથી. એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર દેશમાં ટેસ્ટિંગમાં નંબર વન હોવાનો દાવો કરે છે. બીજી બાજુ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ કહે છે કે ૮૦ ટકા દરદીઓ કોરોનાનાં લક્ષણ ધરાવતા નથી. ખુદ વડાપ્રધાનને આ બાબતની ચિંતા છે. આ સંજોગોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્યકેન્દ્રમાં સુરક્ષાનાં કોઈ પણ સાધનો વગર રાતદિવસ મ્યુનિસિપાલટીના કર્મચારી તરીકે ખડે પગે ફરજ બજાવતા સ્ટાફમાંથી જો કોઈ સંક્રમિત હશે, તો તે સંક્રમિત છે તેવી જાણ કેવી રીતે થઈ શકશે? તેમનો ટેસ્ટ નહીં થાય તો તે વ્યક્તિ અને તેના સંપર્કમાં આવનાર તમામ ચેપનો શિકાર નહીં બને?
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટનો પુત્ર સંક્રમિત થાય તો તકેદારીના ભાગરૂપે સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ઘરે ક્વૉરન્ટીન થઈ શકે. ખુદ મુખ્યમંત્રી પણ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા બાદ ક્વૉરન્ટીન થઈ શકે. પરંતુ કૉર્પોરેશનના એક સાધારણ કર્મચારી કે સિવિલ હૉસ્પિટલની નર્સને પોતાનો કે પોતાના સંપર્કમાં આવનારનો જીવ બચાવવાનો અધિકાર નથી? એટલા માટે કે તે આ દેશનાં સાધારણ લોકો છે?
કોરોના સિવાયનાં જોખમ
આપત્તિ સમયે હંમેશાં માનવીય સંવેદનાઓ ખીલી ઊઠતી હોય છે. પણ કોરોનાએ તો દેશમાં અમીરગરીબના ભેદ અને કોમવાદી વલણને ખુલ્લાં કરી દીધાં છે. ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ૧૮મી એપ્રિલની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતમાં કોરોનાના ૩૦ ટકા કેસ તબલીઘી જમાતના કારણે છે. જો કે બાકીના ૭૦ ટકા કેસ વિશે આવી વિગત તેમણે ન આપી.
એક બાજુ લાખો મજૂરો હજારો કિલોમીટર ચાલ્યા, કેટલાં ય રસ્તામાં અકસ્માતથી ને ભૂખમરાથી મર્યા. પણ એ તો મજૂરો હતા, હરદ્વારમાં ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓ કે કોટાના વિદ્યાર્થીઓ ન હતા. એટલે તેમની પરવા કોણ કરે? ડૉક્ટરો માટે, ફ્રન્ટલાઈન વૉરિયર્સ માટે તાળીઓ વગાડી, દેશની એકતા અને તાકાત દર્શાવવા દિવા પ્રગટાવ્યા, પણ ક્યારે ય દેશની કથળતી જતી આરોગ્ય કે શિક્ષણ સેવા માટે આંદોલનમાં ન જોડાયા. લોકો તરીકે આપણો વિરોધાભાસ પણ નોંધવો જોઈએ. જનતા કરફ્યુના દિવસે આપણે જેમને બિરદાવ્યા એ જ લોકોને અનેક જગ્યાએથી કાઢવામાં પણ આવ્યા. ડૉક્ટર કે કોઈ પૅરામૅડિકલ સ્ટાફ પોતાની ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયો હોય તો તેમને સોસાયટીમાંથી કાઢી મૂકવાના, તેમના ઉપર હુમલાના બનાવો પણ બન્યા. ત્યાં સુધી કે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ આ અપમાન અને અવહેલનાનો ભોગ બનવું પડ્યું.
કોરોનાથી આપણી આંખો ઉઘડવી જોઈએ કે લોકોને બૉમ્બ, મિસાઇલ નહીં બચાવે. લોકોને બચાવશે દવાખાનાં, ડૉક્ટરો, નર્સો, આપણા ફ્રન્ટલાઇન વૉરિયર્સ. અલબત્ત, સુરક્ષા વગર કામ કરતાં કરતાં જો તે બચી શકશે તો. વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિ બાદ સેવાકીય ક્ષેત્રોમાં મુક્ત વ્યાપારની પરવાનગી આપવામાં આવી. પરિણામે શિક્ષણ-આરોગ્ય જેવાં ક્ષેત્રોને મળતી સબસિડી વર્લ્ડ બૅન્ક કે આઇ.એમ.એફ. જેવી સંસ્થાઓના ઇશારે કાપવામાં આવી. એટલે જ આજે વિશ્વના અતિવિકસિત ગણાતા દેશો પણ સાવ ભાંગી પડેલા દેખાય છે. કારણ કે આરોગ્યસુવિધાઓ તમામ દેશોમાં કથળેલી છે. અમેરિકા જેવા દેશમાં પણ માસ્ક અને પી.પી.ઈ.ની અછત છે. વૈજ્ઞાનિક સંશોધનોની અવગણના, આ પ્રકારનાં સંશોધનો કરતી સંસ્થાઓને પૂરતું ફંડ ન આપવું વગેરે ક્ષેત્રો વિશે પણ આપણે પુનઃવિચાર કરવો પડશે. આશા રાખીએ કે વિશ્વ આખું સંપૂર્ણપણે આંખો ખોલે અને ઝડપથી આપણે આ મહામારીમાંથી બહાર આવીએ.
e.mail : vaghelarimmi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 ઍપ્રિલ 2020
![]()


पूरा देश तालाबंदी में गया तो जैसे कोई एक ताला खुला ही रह गया. नई दिल्ली के गांधी शांति प्रतिष्ठान के बंद द्वार में बंद हुआ मैं देखता रहा सामने की सूनी पड़ी सड़क पर वह अबाध मानव-झुंड जो अपना पूरा अस्तित्व संभाले चल रहा था- लगातार-लगातार ! कोरोना से डरी नगरीय सभ्यता ने उनके मुंह पर अपने दरवाजे बंद कर दिए थे. वे सब जा रहे थे – भाग या दौड़ नहीं रहे थे, बस जा रहे थे. मैं जब-जब उन्हें देखता, मन कहीं दौड़ कर ‘पान सिंह तोमर’ के पास पहुंच जाता था ! यह फिल्म देखी है आपने ? मैंने जब से देखी तब से आज तक वैसी दौड़ दोबारा देख नहीं पाया हूं. इरफान उस फिल्म में बहुत कुछ कर गये हैं लेकिन जिस तरह दौड़ गये वह भारतीय सिनेमा का एक मानक है. ये अनगिनत और अनचाहे दिहाड़ी मजदूर, जो पता नहीं देश के किस कोने से निकले थे और पहुंचे थे अपनी राजधानी दिल्ली- और बिना स्वागत, बिना आवाज, बिना सूचना उन्होंने राजधानी का सारा कल्मष खुद पर ओढ़ लिया. मुझे खूब पता है कि उनमें से किसी ने भी दिल्ली की राजधानी वाला चेहरा देखा भी नहीं होगा, उनके लिए दिल्ली का चेहरा रोटी का चेहरा था.
વ્યવસાય અને રોજગારી ઉપર આ લૉક ડાઉનની બહુ મોટી અસર પડી છે. મોટી કંપનીઓને કે તેના ઉદ્યોગપતિઓને જઈ રહેલા નુકસાન વિશે અખબારો ચર્ચા કરી રહ્યાં છે, પણ નાના વેપારીઓને અને કારખાનાંવાળાઓને થઈ રહેલા નુકસાન અંગે ખાસ વિચારાતું હોય, એવું લાગતું નથી.