
e.mail : mahendraaruna1@gmail.com
![]()

e.mail : mahendraaruna1@gmail.com
![]()
આ મુશ્કેલ દિવસોમાં, આપણે બધા કંઈ ને કંઈ લખવા માંડ્યા છીએ. દરેક દાઝીલો જીવ વીડિયો બનાવીને કશી ને કશી ફિલસૂફી અથવા તો પોતાના વિચારો કે નિબન્ધો જાતે રજૂ કરે છે. સૂચક સૂત્રો બનાવીને રંગરંગીન પાર્શ્વભૂમાં મૂકે છે. ઘણા કોરોના-વૉરિયર બનીને એની સામે પડ્યા છે. આમ્સ્ટર્ડામમાં વસતી ૧૦ વર્ષની મારી પૌત્રી એમિએ પોતાના રૂમની દીવાલ પર વૉરિયર લાગે એવા વીરનું તોતિંગ પેઇન્ટિન્ગ કર્યું છે. ઘણા મિત્રો મનીષીઓનાં ઉપકારક અવતરણો સ-ચિત્ર મૂકે છે, ફૉરવર્ડ કરે છે. ઘણાને બચપણ સાંભર્યું છે. ઘણાને ગઝલો સૂઝી છે. ઘણાને કાવ્યો સ્ફુર્યાં છે. કાવ્યગાન અને વ્યાખ્યાનો માટે વેબિનાર શરૂ થયા છે. ફોન-કૉન્ફરન્સો પણ ચાલે છે.

એમિ માદિર શાહનું ચિત્ર / A painting by Emi Madir Shah (Amsterdam)
આમ, આજે, માનવીય સર્જકતા નામની મહાશક્તિ અપૂર્વપણે સંચરિત થઈ છે. કસોટીએ ચડી છે એમ પણ કહેવાય. આવા સમયે મને કામૂ યાદ આવે છે કેમ કે એમણે પણ માનવજીવન યુદ્ધના સંકટથી ગ્રસ્ત હતું એ બેફામ મરણો અને વ્યાપક જીવનનાશના દિવસોમાં જ પોતાની સૃષ્ટિ રચી હતી.
કામૂ ‘રાઈટિન્ગ ડીગ્રી ઝીરો’-શૈલીના લેખક હતા. રોલાં બાર્થે કામૂના ‘આઉટસાઇડર’-માં બોલચાલનું એટલે કે 'વાણીનું પારદર્શી રૂપ' જોયું છે. એટલે કે, બને એટલું નિરલંકાર લખવું. ઑક્ટોવિયો પાઝ કહે છે એમ લૅન્ગ્વેજને લૂલી લબડેલી નહીં પણ ‘ઇરેક્ટ’ રાખવી. જો કે કામૂની સૃષ્ટિમાં અલંકરણ છે જ નહીં એમ નહીં કહેવાય. ત્યાં સ્વાભાવોક્તિનું અલંકરણ અવશ્ય છે અને ભરપૂરે છે.

આલ્બર્ટ કામૂ / Albert Camus
પણ એવા કામૂ કદી કાવ્યો કરે? ના, ક્વચિત જ કર્યાં છે અને તે પણ આમ જ, કશા ઇરાદા વિના. જો કે એમનાં સર્જનોમાંના કેટલાયે ગદ્યખણ્ડોને કાવ્યો ગણી એમના ચાહકોએ એમની પ્રત્યેના ચાહને લગનથી દૃઢ કર્યા કર્યો છે.
સર્રીયાલિસ્ટોની જેમ કામૂએ સજ્જડ એવી અતાર્કિકતાના અને સાવ વસ્તુપરક હોવાનાં જોખમોને આવકાર્યાં છે. એમ કે, ભલે, એ રસ્તે પણ ઉકેલ જડી શકે છે. કવિતાને કામૂ વિજય ગણે છે – એક પ્રકારની પરમ અવસ્થાએ લઈ જનારો વિજય, એકમાત્ર શક્ય વિજય. મનની એ પરમ અવસ્થામાં જીવન અને મૃત્યુ, વાસ્તવ અને કલ્પના, ભૂત અને ભવિષ્ય જેવા પરસ્પરને છેદી નાખનારા ભેદો મટી જતા હોય છે.
આ મુશ્કેલ સમયમાં કામૂનું આ કાવ્ય મને ઘણું જ પ્રેરણાદાયક લાગે છે :
(ભાવાનુવાદ : સુમન શાહ)
કાવ્ય છે :
ધિક્કાર હતો
પણ વચ્ચે એની
મેં જોયું
મારામાં એક અદમ્ય પ્રેમ પણ હતો
આંસુ હતાં
પણ વચ્ચે એની
મેં જોયું
મારામાં એક અદમ્ય સ્મિત પણ હતું
અંધાધૂંધી હતી
પણ વચ્ચે એની
મેં જોયું
મારામાં એક શાન્તતા પણ હતી
એ સઘળાથી મને સમજાયું કે
શિયાળાની વચ્ચે
મેં જોયું
મારામાં એક અદમ્ય ઉનાળો પણ હતો
અને હું ખુશ થઈ ગયો એથી
કેમકે એ સમજાવે
દુનિયા ભલે ને મને ભટકાવતી
મારામાં છે કશુંક ઑર શક્તિશાળી
કશુંક ઑર સુન્દર
જે એને
મારી હટાવશે
= = =
(May 23, 2020 : Ahmedabad)
![]()
હું કોરોના
સાઈઠ દિવસમાં તમે મને
બરાબર ઓળખી લીધો હશે
તમે કર્યા કરો ગણતરી
તમને ફુરસદેય નહીં મળે જરી
હજી તો કેટલા ય જશે
કારણ કે હું કોઈને
કોરો ‘ના’ રાખવામાં માનું છું
સાંભળ્યુંને તમે ?
જવાબ આપો તો ગમે.
– તો સાંભળ
અમારાં મોત જોઈ
તું પોરસાય છે ખરું ને !
પણ એમાં તારી ઓછી કમાલ
અમારી જ વધુ છે વબાલ
તેં દસ્તક દીધા તો ય
અમે ઊંઘતા જ રહ્યા
વિદેશથી આવેલાને એર પોર્ટથી જ
તપાસ્યા ન તપાસ્યા, ને લીલી ઝંડી
તે વિદેશીઓ સાથે તું ય
વગર વિઝાએ દેશમાં ઘૂસી ગયો
અને એ પછી ય
માસ્ક, પીપીઇ, કિટ કે કશાની
તૈયારી કરવાની તંત્રે ત્રેવડ ન દેખાડી
એટલે જ તો અમારાં ડોક્ટર, નર્સ, સફાઈકર્મીઓ
જેમને અમે ‘કોરોના વૉરિયર્સ’નો
ખિતાબ આપ્યો,
વિમાનમાંથી ફૂલો વરસાવ્યાં
તે તારી ઝપટમાં આવતાં
તું મૂછમાં હસે છે
સરકારે સમયસર સ્વાસ્થ્યસાધનો ન આપ્યાં
એમાં તું દાવ મારી ગયો
બાકી તને તો ખબર છે
જે દેશથી તું અહીં આવ્યો
એના પાડોશી તાઇવાને, ન્યૂ ઝીલેન્ડે
તો તને બરાબરનો ધોઈ નાંખ્યો
લે હવે મને સાંભળ
તે તારા દેશમાં ય મારાથી બચ્યા જ છે ને !
તમે શું કો’ છો? પરપ્રાંતીય
તેઓ મજબૂરીવશ ‘દો ગજની દૂરી’ નથી રાખી શકતા
તો ય
તેમનાથી દૂર જ રહ્યો છું ને
મેં વિચાર્યું કે ખાલી ખિસ્સે
ભૂખ ન ભાંગનારાનાં ફેંફસાંને શું ચૂંથવાના
મને એમની દયા આવી
પણ તમારી અસંવેદનશીલ સરકારને
જરા ય દયા ન આવી
વતન જવા બસ, ટ્રેન ઝટ ન ફાળવતાં
તેઓ પગપાળા, સાઈકલ, ખાનગી બસોના છાપરે ચઢયા.
સરકારનું પોત છાપરે ચઢીને, ટ્રેન નીચે કચડાતાં પોકાર્યું
ચૂપચાપ પ્રભુને પ્યારા થઈ ગયા
મારી એક વાત લખી લેજો
જેટલા મારા વાઇરસથી મર્યા, મરશે તેના કરતાં
આ શ્રમિકોનું અપમાન, સાવકાપણું કરાયું
તેનાથી તેઓ તદ્દન ભાંગી ગયા
હવે પછી તમારા દેશના અર્થતંત્રને જે નુકસાન થશે
તે મારાથી થયેલા નુકસાન કરતાં અનેક ગણું હશે
અને હા એમના મોતનો હિસાબ
મારા ખાતામાં ન ખતવશો હોં
‘આત્મનિર્ભર ભારત’નાં ગુણગાન ગાતી
તમારી સરકારના ખાતામાં નાંખજો ભઈલા.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 મે 2020
![]()

