કોવિડ-૧૯ની મહામારી ફેલાઈ ત્યારથી ફક્ત ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ‘યુદ્ધ’, ‘મોરચો’, ‘લડાઈ’, ‘જંગ’, (ડૉક્ટર-નર્સ માટે) ‘મોખરે રહીને લડનારા’ જેવા શબ્દપ્રયોગ છૂટથી વપરાતા રહ્યા છે. તે વપરાય છે પરિસ્થિતિની ગંભીરતા — કંઈક અંશે, નાટ્યાત્મક ગંભીરતા — દર્શાવવા માટે. પરંતુ કેટલાક અભ્યાસીઓએ આ પ્રકારના શબ્દપ્રયોગો કેમ અસ્થાને અને નુકસાનકારક છે, તે તરફ ધ્યાન દોર્યું છે.
‘સાયન્ટિફિક અમેરિકન’ના બ્લૉગમાં એક ડૉક્ટરે સ્પષ્ટ કર્યું છે તેમ, યુદ્ધસમયની માનસિકતાનો મતલબ છે, કુછ ભી ચલતા હૈ. દુશ્મનને પરાસ્ત કરવા માટે જે કરવું પડે તે કરવું, જેનો પણ ભોગ આપવો પડે તેનો આપવો. (દા.,ત. ‘ડૉક્ટરોએ પણ શહીદ થવાની તૈયારી રાખવી અને જે એવી તૈયારી ન રાખે તે કાયર’) પરંતુ કોરોના સામેનો મુકાબલો મૅડિકલ સાયન્સનો મામલો છે. તેમાં યુદ્ધની માફક દે ધનાધન ન કરાય. તેમણે લખ્યું છે કે વાઇરસને હરાવવાની ઉતાવળ છે એ ખરું, પણ તેમાં યુદ્ધની માનસિકતા કામે લગાડીએ તો ડૉક્ટરો અને દરદીઓ બંનેના માથે મોટાં જોખમ આવી પડે. આડેધડ અને આયોજન વગરનાં લૉક ડાઉનથી માંડીને પૂરતી ચકાસણી કર્યા વગરની ટેસ્ટ કિટ જેવાં ઊડઝૂડ પગલાં ઘણે અંશે કથિત યુદ્ધની માનસિકતાને જ આભારી છે. કેમ કે, એવી મનોસ્થિતિમાં એક વાર જે સૂઝે તે કરી નાખવાનું હોય છે. પછી, દેખા જાયેગા.
મૅડિકલ સાયન્સમાં એવી ઉતાવળ ને ટૂંકા ગાળાના નિર્ણયો ભારે પડી શકે છે. તે ક્ષેત્રની મૂળ તાલીમ જ શાંતિથી, તબક્કાવાર, પૂરતી ચકાસણી અને ફેરચકાસણી કરીને, ક્ષેત્રનિષ્ણાતોની કડક નજર હેઠળથી સંશોધન પસાર કરાવીને આગળ વધવાની હોય છે. તેમાં શૉર્ટ કટ અપનાવવાનો અર્થ છે ભવિષ્ય માટે નવી આફતને તેડું આપવું. કોરોના જેવી આપત્તિના સમયમાં મૅડિકલ સાયન્સે વધુ ઉતાવળિયા નહીં, વધુ ઠરેલ થઈને વિચારવું પડે છે. કેમ કે, અમસ્તાં લોકોનાં મગજ તનાવથી તંગ હોય છે. રહી વાત ડૉક્ટર-નર્સ-સફાઈ કર્મચારી અને આગળ પડીને કામ કરતાં બીજાં લોકોની. તેમાંના ઘણાખરા વ્યક્તિગત ધોરણે ઉત્તમ કામગીરી કરી જ રહ્યા છે, પરંતુ તેમને યુદ્ધ પરિભાષાથી દૂર રાખીને બિરદાવીએ. તેમાં એમનું પણ ભલું છે ને આપણું પણ.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 ઍપ્રિલ 2020
![]()


“પરંપરાગત મૂડીવાદ મરી રહ્યો છે અથવા કમ-સે-કમ તે સામ્યવાદની કંઈક નજીક કહી શકાય તેવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે”, ઓસ્ટ્રેલિયાની એક રોકાણકંપની મેકારી વેલ્થ દ્વારા તેના રોકાણકારોને તાજેતરમાં કોરોના મહામારીના માહોલમાં આમ કહેવામાં આવ્યું છે. શું ખરેખર મૂડીવાદનું સ્વરૂપ કોરોના વાઇરસને લીધે બદલાશે? 1991માં સોવિયેત સંઘનું પતન થયું અને તેના 15 દેશોમાં ટુકડા થઈ ગયા ત્યારે લંડનના માતબર અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઈમ્સ’ દ્વારા તેના તંત્રીલેખનું શીર્ષક હતું: “સામ્યવાદ, એક ઈશ્વર, જે મરી ગયો!” અને મૂડીવાદે દુનિયાના નવા ઈશ્વર તરીકે તેની સાથે જ જન્મ લઈ લીધો! આજે કોરોના મહામારીને લીધે મૂડીવાદની રીતિનીતિ સામે કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે અને તે ટકશે કે તેનો મૃત્યુઘંટ વાગશે તેવા સવાલોના જવાબ શોધવામાં આવી રહ્યા છે.
આ મુશ્કેલ સમયમાં આપણે જેને પણ પૂછીએ કે શું ચાલે છે, તો એક જ જવાબ મળે છે : કશું નહીં. મિત્ર હોય કે પ્રિયજન તો કહે છે: કશું નથી, યાર ! કોઈ કોઈ તો અંગ્રેજીમાં કહે છે: નથિન્ગ ! કોઈ તો વળી, 'નથ્થિન્ગ' એમ ભાર દઈને પણ કહે છે. બપોરે પૂછો સાંજે રાતે કે સવારે, જવાબ મળશે: કશું નહીં.