ઇતિહાસ પામતો રહે છે પુનરાવર્તન
પણ કશું જ શીખતો નથી માણસ.
ન શીખ્યો પહેલા વિશ્વયુદ્ધમાંથી કશું જ
બીજામાંથી કશું જ,
કે શસ્ત્રહોડ આજે ય ચાલુ છે.
ધરતીની કૂખ બની ગઈ છે
ઊંડાં ઊંડાં ઊંડાં કોતરો જેવી,
મોટી મોટી હિમનદીઓ રહી છે ઓગળી,
સ્કાયસ્કૅપરો કાતરી કાતરીને ખાઈ રહ્યાં
લીલાં કુંજાર વનોને,
વિમાનો ને રોકેટોએ પાડી દીધાં
નીલા આસમાનમાં કાણાં,
પારજાંબલી કિરણો પણ આવે છે
ગળાયા વિના,
બની રહી છે ધરતી ગરમ અને ગરમ.
પ્લેગ આવ્યો અને ગયો,
ફલૂ આવ્યો અને ગયો,
બસ એમ જ કોરોના પણ આવ્યો છે ને જશે,
પણ તમે જોજો, નહીં સુધરે માનવી
ધર્મ હોય કે વિજ્ઞાન
દુરુપયોગ કરવાનું
એને કોઠે પડી ગયું છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 મે 2020
![]()


નવતર કોરોના વિષાણુએ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસે ભારતમાં દેખા દીધી હતી. ૨૨મી માર્ચની સરકાર ઘોષિત સ્વંયસંચારબંધી અને ૨૪મી માર્ચથી શરૂ થયેલી દેશવ્યાપી ચાળીસ દિવસની ઘરબંધીના અંતિમ ચરણમાં, કોરોનાકાળની ભારતના દલિતોની દુનિયા વિશે વિચારતાં થતી લાગણી પીડા, દુ:ખ અને શરમની છે. શાં રૂઠ્યાં અમ ભાગ્ય કે ભારતમાં અમે જનમ લીધો—એવો પ્રશ્ન સતત પીડે છે.
ગુજરાતમાં — ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. જો આમ જ ચાલ્યું, તો આવનારા દિવસોમાં કેટલા કેસની સંભાવના છે, તેનો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે ફેરવી તોળ્યા પહેલાં આપેલો આંકડો ગંભીર અને તોતિંગ હતો. એવા સમયમાં સરકારી અને સંસ્થાગત સાધનો ટાંચાં જ પુરવાર થાય.