કોઈ દેશનો વડો પેટપૂજા કરવા માટે સામાન્ય માણસની જેમ કોઈક રેસ્ટોરાંમાં પહોંચી જાય એવું ભાગ્યે જ બને, અને એથી ય વિરલ વાત તો એ કે તેને 'હમણાં જગ્યા નથી' કહીને પાછો વાળવામાં આવે.
ન્યૂ ઝીલેન્ડનાં પ્રધાનમંત્રી જેસિંડા અર્ડન સાથે તાજેતરમાં આવું જ થયું હતું. દુનિયાના બીજા નેતાઓ તેમના સ્ટાફને અગાઉથી સંબંધિત સ્થળે મોકલી દે છે, પરંતુ જેસિંડા અને તેમનો સાથીદાર ક્લાર્ક ગેફોર્ડ વેલિંગ્ટનના પ્રખ્યાત કાફે પર ચૂપચાપ પહોંચી ગયાં હતાં, પરંતુ સોશ્યલ ડિસ્ટનસિંગના કારણે કાફેમાં જગ્યા ન હતી. એટલે તેમણે થોડી વાર રાહ જોઇને પછી ચાલતી પકડી હતી.
મેનેજરે તેમના માટે વિશેષ વ્યવસ્થા પણ કરી ન હતી, પણ જેવું એક ટેબલ ખાલી થયું કે તરત તે દોડતો પ્રધાનમંત્રી પાછળ ગયો હતો અને બંનેને પાછા લઇ આવ્યો હતો. જેસિંડાની ઓફિસે પાછળથી કહ્યું હતું, "પ્રધાનમંત્રી બીજા લોકોની જેમ જ રાહ જોવામાં માને છે." સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાદગીની વાતો ભાષણોને બદલે વ્યવહારમાં હોય તો આકર્ષક લાગે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 31 મે 2020
![]()


પૃથ્વીને આપણે નારંગી કે સંતરા જેવી કહીએ છીએ. કાર્લ માર્ક્સે આ જ રૂપકનો ઉપયોગ કરીને તેમના મહાગ્રંથ 'દાસ કેપિટલ'માં લખ્યું છે કે 'આ મૂડીવાદીઓ પૃથ્વીના ગોળાને સંતરાની માફક નિચોવશે.' અમેરિકા પોતાને ત્યાં કનાવા ઘાટીમાં માંડ બનાવી શકે તેવો ઝેરી વાયુ ભારતના હૃદયસમા ભોપાલમાં બનાવતા અચકાતું નથી, અને બંધ કંપનીના લિકેજના કારણે 30 હજાર નાગરિકો મરી જાય છે ! 1990 પૂર્વેની આ ઘટના યુરોપના દેશો સલામત સ્થળ અને સસ્તા શ્રમ માટે શું કરી શકે એની ચેતવણીરૂપ હતી. 1990 પછીના નવ્ય ઉદારવાદમાં આવી ઘટનાઓ વધી. કોરોના એનું જ પરિણામ જણાય છે. કોરોનાએ દુનિયા આખીને પોતાની ઝપેટમાં લીધી છે. તે એક વૈશ્વિક મહામારી છે અને વૈશ્વિકીકરણ સાથે એનો પ્રગાઢ સંબંધ છે.
કોરોનાના આ અનુભવ પછી આપણને એ સમજાયું છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓની નફો મેળવવાની અમાનુષી તરકીબો અને બીજી તરફ વૈશ્વિકીકરણના પ્રભાવમાં રાજ્ય દ્વારા ક્રમશ: આરોગ્ય સુવિધાઓનું ખાનગીકરણ એના પ્રસાર માટે ઘણી હદે જવાબદાર છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ આ વાઇરસ પ્રયોગશાળામાં નથી બન્યો એ ભલે કહ્યું. એ વાત સાવ સાચી પણ છે. છતાં આ સંકટ માનવસર્જિત છે તે સ્વીકારવું પડશે. 1906માં લખાયેલી અપ્ટન સિંક્લરની નવલકથા 'જંગલ'માં માંસ ઉત્પાદન કરતી કંપનીનું વર્ણન કરતાં લખાયું છે કે, 'તમે ત્યાંથી પસાર થાવ તો તમને ભૂંડની કિકીયારીઓ સિવાય બીજું કશું નહીં સંભળાય.' ગઈ સદીની આ કિકીયારીઓ આજે તો ખૂબ જ વધી ગઈ છે.
ફ્લુ, જીકા, મર્સ અને હવે કોરોના જેવાં વાઇરસ છે. રોબ વાલેસના પુસ્તક ‘બિગ ફાર્મ્સ મેક બિગ ફ્લુ’માં આની ઝીણી વિગતો છે.
ગુજરાતના શિક્ષણ મંત્રીએ 24મેએ ખુદ ફેસબુક પર આવીને, અને અન્ય માધ્યમો દ્વારા, જાહેરાત કરી કે રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા લેવાનાર સ્નાતક અને અનુસ્નાતક સ્તરની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણયનો થોડાંક વિદ્યાર્થી સંગઠનો, અધ્યાપક સંગઠનો, સેનેટસભ્યો, આચાર્યો અને અધ્યાપકો દ્વારા વિરોધ થઈ રહ્યો હોવાના સમાચાર વાંચવા મળ્યા છે. વિરોધનાં મુખ્ય અને દેખીતાં કારણો એકંદરે આ મુજબ છેઃ કોરોનાનો ચાલુ રહેલો ફેલાવો, અમદાવાદ-વડોદરા-સુરત જેવાં શહેરોમાં મોતની અને અસરગ્રસ્તોની સંખ્યા, હૉસ્ટેલમાં રહીને શહેરોની કૉલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા, હજારો વિદ્યાર્થીઓને સાંકળતી પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ-કૉન્ટૅક્ટ-ટ્રાન્સમિશનના પ્રશ્નો. આ દરેક પાસાની જટિલતા અને ગંભીરતાનો અંદાજ તેના અંગે અમસ્તો વિચાર કરવાથી પણ આવી શકે.