પહેલા મધ્યપ્રદેશમાં અને અત્યારે રાજસ્થાનમાં જે બની રહ્યું છે એને માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા વાડરા જવાબદાર નથી; પણ કૉંગ્રેસના નેતાઓ જવાબદાર છે. હા ના કરતા છ વરસ થયાં પણ કૉંગ્રેસની અંદરથી કૉંગ્રેસને કેમ સજીવન કરવી એના વિશે કોઈ અવાજ નથી ઊઠતો. કોઈ ઊહાપોહ નથી, કોઈ પ્રશ્ન નથી, કોઈ આત્મચિંતન નથી કે કોઈ સૂચન નથી. જેમ ચાલે છે એમ ચાલવા દો અને બી.જે.પી. એના ભારથી ડૂબે ત્યાં સુધી રાહ જુઓ એવી કોઈક મનોવૃત્તિ કામ કરતી હોય એવું જોવા મળે છે.
ઈંગ્લેંડમાં મજૂર પક્ષનો ઉપરા ઉપર ચોથી વાર પરાજય શેના કારણે થયો તેની તપાસ કરવા એક અભ્યાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો ૧૫૪ પાનાંનો અહેવાલ હજુ મહિના પહેલાં રજૂ કરવામાં આવ્યો છે. ‘લેબર ટુગેધર’ નામથી ઓળખાતી સમિતિમાં મજૂર પક્ષના સંસદસભ્યો, પરાજિત થયેલા ઉમેદવારો, મજૂર સંગઠનના પ્રતિનિધિઓ, કર્મશીલો અને મજૂર પક્ષનાં કાર્યાલયોમાં કાર્યાલય-સચિવનું કામ કરનારાઓને લેવામાં આવ્યા હતા. સમિતિએ મજૂર પક્ષના પરાજયનાં દસ કારણો બતાવ્યાં છે, જેમાં એક કારણ પક્ષના નેતા જેરેમી કોર્બિનની ઘટેલી લોકપ્રિયતાનું પણ આપ્યું છે. ૨૦૧૭ની આમની સભાની ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષને ૪૨.૩ ટકા મત મળ્યા હતા અને મજૂર પક્ષને ૪૦ ટકા મત મળ્યા હતા. ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષને મળેલા મતોમાં માત્ર ૧.૩ ટકાનો વધારો થયો હતો, પરંતુ મજૂર પક્ષના મતોમાં ૭.૮ ટકાનો વધારો થયો હતો. માત્ર બે વરસમાં આટલો મોટો ઘટાડો કેમ થયો જ્યારે કે રૂઢિચુસ્ત પક્ષની સરકારનું કામ નબળું હતું? આનું કારણ હતું બ્રેક્ઝીટની બાબતમાં સ્પષ્ટ નીતિનો અભાવ અને તેને માટે પક્ષના નેતા જેરેમી કોર્બિનને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
જવાબદાર લોકતંત્રમાં જવાબદાર રાજકીય પક્ષ પોતાનું ઘર ઠીકઠાક ન કરે એવું તો ભારતમાં કૉંગ્રેસમાં બની રહ્યું છે. કૉંગ્રેસનો લોકસભાની ચૂંટણીમાં ઉપરા ઉપર બે વાર કારમો પરાજય થયો છે. પક્ષ સામે અસ્તિત્વનું સંકટ પેદા થયું છે અને શાસન કરવામાં નાદાર સાબિત થયેલા વર્તમાન શાસકો વિરોધ પક્ષોને ખતમ કરીને એક પ્રકારનો રાજકીય શૂન્યાવકાશ પેદા કરીને પોતાને અનિવાર્ય બનાવી રહ્યા છે. વિકલ્પો જ ખતમ કરી નાખો પછી આપણને કોણ હરાવાનું છે? નિયમિત ચૂંટણી યોજતા રહો અને વિકલ્પના રાજકીય શૂન્યાવકાશનો લાભ લઈને જીતતા રહો. સત્તાવારપણે દુનિયા કહેશે કે ભારત એક લોકતાંત્રિક દેશ છે. શું કૉંગ્રેસના નેતાઓને આ રમત સમજાતી નથી? શું કૉંગ્રેસના નેતાઓને સમજાતું નથી કે દેશનું લોકતંત્ર ખતરામાં છે? શું તેમને એટલી સમજ નથી કે મારવા માગનારાઓ મારી નાખે એ પહેલાં સચેત થઈને શક્તિ એકઠી કરવી જોઈએ?
આશ્ચર્ય એ વાતનું છે કે દેશના કોઈ પણ રાજકીય પક્ષોની તુલનામાં કૉંગ્રેસ પાસે બુદ્ધિધન ઘણું વધારે હોવા છતાં ય કૉંગ્રેસ દિશાહીન છે. બુદ્ધિધન માટે પંકાતા સામ્યવાદી પક્ષો પાસે પણ આટલું બુદ્ધિધન નથી. ડૉ. મનમોહન સિંહ, પી. ચિદમ્બરમ્, કપિલ સિબ્બલ, સલમાન ખુર્શીદ, મણિ શંકર ઐય્યર, જયરામ રમેશ, શશી થરૂર વગેરેની તુલનામાં બી.જે.પી.ના નેતાઓ વામણા લાગે. આમ છતાં ય કોઈ દિશામાંથી કોઈ ચિકિત્સાનો સૂર સંભળાતો નથી. શા માટે કોઈ માગણી નથી કરતું કે કોંગ્રેસે ‘લેબર ટુગેધર’ની જેમ ‘કૉંગ્રેસ ટુગેધર’ રચીને પક્ષની દિશા અને દશા વિષે જડમૂળથી મુક્ત અભ્યાસ કરવો જોઈએ.
એમાં ગાંધી પરિવારના નેતૃત્વની ચર્ચા થવી જોઈએ, એ નેતૃત્વની અનિવાર્યતા વિષે ચર્ચા થવી જોઈએ અને કૉંગ્રેસ પક્ષને પરિવારમુક્ત કઈ રીતે કરવો એની પણ ચર્ચા થવી જોઈએ. નેહરુ-ગાંધી પરિવારની કાખઘોડી સારા દિવસોમાં સત્તામાં ટકી રહેવા માટે ઉપયોગી થતી હતી, પણ અત્યારે પક્ષ ચિત્ત થઈ ગયો છે ત્યારે એ કાખઘોડી વિષે પુનર્વિચાર કરવો જોઈએ. આમ આગળ કહ્યું એમ પક્ષની અત્યારની અવસ્થા વિષે હવે ગાંધી પરિવાર જવાબદાર નથી, પણ કૉંગ્રેસના નેતાઓ જવાબદાર છે, જે તેજસ્વી તો છે પણ નમાલા છે. હવે આનાથી વધારે શું ગુમાવાનું છે? હા, કૉંગ્રેસનું યુગકાર્ય પૂરું થયું અને હવે કૉંગ્રેસ જીવતી થાય એવી કોઈ શક્યતા નથી એવા મત પર તેઓ પહોંચ્યા હોય તો વાત જુદી છે.
વાત એમ છે કે તેઓ બીમારીનું સ્વરૂપ જાણે છે અને તેનાં કારણો પણ જાણે છે. એકડે એકથી ખેડાણ કરવું પડે એમ છે અને તે કરે કોણ? ફાયદો શું? એક વિચારવી ગમે એવી કલ્પના તમારી આગળ રજૂ કરું છું. કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ એકમતીથી (જે અશક્ય છે, પણ એમ થાય તો) શશી થરૂરને કૉંગ્રેસનું નેતૃત્વ સોંપવું જોઈએ. એ યુવાન છે, ઉત્સાહી છે, વિદ્વાન છે, જગતના પ્રવાહોથી પરિચિત છે, કલ્પનાઓ કરી શકે છે, સપનાં જોતાં આવડે છે, યુવાનોને સપનાં જોતાં કરી શકે છે અને દક્ષિણ ભારતીય હોવા છતાં હિન્દી બોલી શકે છે. એ માણસ ભારતીય મધ્યમવર્ગ સાથે આવતીકાલના સુવર્ણ ભારતની કલ્પનાના તાર જોડી શકે એમ છે. શશી થરૂરમાં મને ન્યુ લેબરના ટોની બ્લેર નજરે પડે છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 જુલાઈ 2020
![]()


બુલંદ અવાજ, સશક્ત અભિનય અને સદાબહાર જુસ્સો. સંવાદ બોલે તો વનરાજ ગર્જના કરતા હોય એવું લાગે. એમણે ગુજરાતી સિવાય હિન્દી અને ઉર્દૂમાં પણ નાટકો કરેલાં. ૧૯૪૩માં ‘ઈપ્ટા’(ઇન્ડિયન પ્રોગ્રેસિવ થિયેટર એસોસિયેશન)ની સ્થાપના થઈ ત્યારે એમાં અનેક નામી કલાકારોની સાથે એ પણ જોડાયા હતા. ૧૯૪૯માં ઈપ્ટામાંથી છૂટા પડીને એમણે ‘રંગભૂમિ’ સંસ્થાની સ્થાપના કરી અંગ્રેજી ભાષા સહિત હિન્દી-ગુજરાતીમાં ઉત્તમ નાટ્યકૃતિઓની ભજવણી કરી હતી. ‘મૃચ્છકટિકમ્’ હિન્દી અને ગુજરાતીમાં ભજવાયું ત્યારે પ્રતાપભાઈએ સાવ અનોખા પાત્ર શકારની ભૂમિકા ભજવીને અપાર લોકચાહના મેળવી હતી. જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા પ્રતાપ ઓઝા નવી રંગભૂમિના પ્રણેતાઓમાંના એક. સંગીતમાં ઊંડો રસ ધરાવે અને સાયગલનાં ગીતો સરસ ગાઈ શકે. મિત્રોની મહેફિલમાં તો એમની પાસે સાયગલનાં ગીતો ખાસ ગવડાવવામાં આવે. સ્વાતંત્ર્ય સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત ગુણવંતરાય આચાર્ય લિખિત એમના ‘અલ્લાબેલી’ નાટકે જબરજસ્ત નામના મેળવી હતી. પ્રતાપ ઓઝા અને લીલા જરીવાલાના લીડ રોલમાં લોકચાહના પામેલું આ નાટક રિવાઈવ કરવાની પ્રતાપભાઈની ઘણી ઈચ્છા હતી જે સંજોગવશાત્ પૂરી થઈ શકી નહોતી. નાટકના વિષય, પાત્રની ગુણવત્તા વિશે હંમેશાં સભાન રહેતા પ્રતાપભાઈએ એમની સાથેની અંગત મુલાકાતમાં એક વાર બહુ સચોટ વાત કરી હતી કે મનોરંજન સસ્તી લોકપ્રિયતાના ઘોડાપૂરમાં તણાય ત્યારે વિસર્જનની ઘડીઓ ગણાવા લાગે. સવેતન રંગભૂમિ શરૂ કરવામાં પ્રતાપ ઓઝાનું યોગદાન મોટું હતું.
યુવાપેઢીને આકર્ષે એવાં અદ્ભુત મ્યુઝિકલ નાટકોમાં ‘ખેલૈયા’ તથા ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ અગ્રક્રમે મૂકવાં જ પડે. ફિરોઝ અબ્બાસ ખાનના નિર્માણ-દિગ્દર્શનમાં રજૂ થયેલા ’વેસ્ટ સાઈડ સ્ટોરી’ પર આધારિત ’એવા મુંબઈમાં ચાલ જઈએ’ નાટક ૧૯૯૨માં રજૂ થયું હતું. નાટકમાં રેણુકા શહાણે અને કેદાર ભગતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમેરિકા સ્થિત કવિ ચંદ્રકાન્ત શાહનાં અનોખાં ગીતો અને સ્ક્રીન પ્લેમાં પીયૂષ કનોજિયાએ લાજવાબ સંગીત આપ્યું હતું. એ નાટકનાં ભીંજવી નાખતાં સંસ્મરણો તાજાં કરતાં પીયૂષ કનોજિયા કહે છે, "સંગીતમય નાટક હોવાથી એવા કલાકારોની જરૂર હતી જે સારું ગાઈ શકે તથા અભિનય અને નૃત્ય પણ જાણતા હોય. લગભગ દોઢસો-બસો ઓડિશન પછી માંડ થોડા કલાકારો મળ્યા હતા. આખું નાટક ભવ્ય રીતે રજૂ થયું જેમાં ૧૦થી ૧૨ ગાયનો હતાં. ટાઈટલ સોંગ એવા મુંબઈમાં ચાલ જઈએ … સિવાય પણ એક ગીત મને ખૂબ ગમતું હતું; અનુરાધા આમ એક શબ્દ છે, આમ એક નામ છે અને મારો એ વેદ છે …! ભારતીય અને પાશ્ચાત્ય મેલડીનો ઉપયોગ કરીને આ સરસ ગીત બન્યું હતું. નીરજ વોરા-ઉત્તંક વોરાના સંગીત નિર્દેશનમાં રજૂ થયેલું ‘તાથૈયા’ પણ સુંદર સંગીતમય નાટક હતું.
