આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અગ્રણી સમાજશાસ્ત્રી અરવિન્દ મ. શાહનું સપ્ટેમ્બર ૭, ૨૦૨૦ના રોજ અવસાન થયું. સમાજશાસ્ત્રીય અભ્યાસમાં નવો ચીલો પાડનાર એમ.એન. શ્રીનિવાસ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પાછા આવ્યા, ત્યાર પછી એ.એમ. શાહ તેમના પહેલા વિદ્યાર્થી હતા.
શાહસાહેબ દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં સમાજશાસ્ત્રના અધ્યાપક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રીસર્ચના ‘નેશનલ ફૅલો’ હતા. એકાદ દાયકા જેટલા સમય માટે તેમણે સુરતના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી હતી. ત્યાર પહેલાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તે સમાજશાસ્ત્ર શીખવતા હતા.
જાણીતા સમાજશાસ્ત્રી – ઘનશ્યામ શાહે તેમને અંજલિ આપતાં લખ્યું છે કે એમ.એસ. યુનિવર્સિટીમાં ૧૯૫૯-૬૦નાં વર્ષોમાં શાહસાહેબ તેમના અધ્યાપક હતા અને સમાજશાસ્ત્રના આરંભિક પાઠ તેમની પાસેથી શીખવા મળ્યા હતા. ઘનશ્યામભાઈએ નોંધ્યા પ્રમાણે, એ.એમ. શાહ લિખિત ‘ધ હાઉસહોલ્ડ ડાયમેન્શન ઑફ ફૅમિલી ઇન ઇન્ડિયા’ અને ‘ધ ફૅમિલી ઇન ઇન્ડિયાઃ ક્રિટીકલ એસેઝ’ — એ બંને ભારતીય સમાજશાસ્ત્રને લગતાં તેમનાં અત્યંત મહત્ત્વનાં પુસ્તકો છે.
અંગ્રેજીમાં લખતા શાહસાહેબના કેટલાક લેખોના ગુજરાતી અનુવાદ વિવિધ અભ્યાસ સામયિકોમાં પ્રગટ થયા હતા. તેમના એવા અનુદિત લેખોનું પહેલું ગુજરાતી પુસ્તક ગયા વર્ષના અંત ભાગમાં સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું. તેનું નામ હતુ, ‘આપણો સમાજઃ સમાજશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં’.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 12
![]()


વીર નર્મદ યુનિવર્સિટીમાં એવો નિયમ છે કે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ આપવા. એટલે કે વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો તેના માર્ક્સ કપાય. આ નિયમ રાજ્યની બીજી યુનિવર્સિટીઓમાં નથી. તેમાં ખોટો જવાબ હોય તો માર્ક્સ કપાતા નથી. ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં માર્ક કપાય ને એ જ રાજ્યની બીજી યુનિવર્સિટીમાં ન કપાય એ યોગ્ય છે? એક જ રાજ્યની બધી યુનિવર્સિટીમાં આવી અતંત્રતા વહેલી તકે દૂર થવી જોઈએ. કમસે કમ પીએચ.ડી. લેવલે બધી યુનિવર્સિટીઓમાં એકવાક્યતા હોય એટલી સાદી વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગ ન કરી શકે? બીજી વિચિત્રતા વીર નર્મદ યુનિવર્સિટીમાં એ પણ છે કે પીએચ.ડી. એન્ટ્રન્સ એકઝામમાં પરીક્ષાનાં પેપર્સ યુનિવર્સિટી પરત લઈ લે છે. બધી પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર વિદ્યાર્થીને આપી દેવાતાં હોય તો વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આપી દેવાનો શો વાંધો છે એ સમજાતું નથી. કેટલાક અધ્યાપકોને આ અંગે પૂછતાં એ જાણવા મળ્યું કે આ અંગે વિદ્યાર્થી યુનિયનો અને યુનિવર્સિટી અંગે વાટાઘાટો ચાલે છે ને એનો સુખદ ઉકેલ આવે એમ લાગે છે.