ગયા સપ્તાહના લેખમાં મેં લખ્યું હતું કે આઝાદીનાં આંદોલન દરમ્યાન ભારતીય રાષ્ટ્રની સંકલ્પના વિષે પ્રશ્નો પૂછાતા હતા અને ગાંધીજી સહિત કૉન્ગ્રેસના બધા વરિષ્ઠ નેતાઓએ ખુલાસા કરવા પડતા હતા. ગાંધીજીનાં સામયિકોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં આવો સવાલ પૂછવામાં ન આવ્યો હોય અને ગાંધીજીએ જવાબ ન આપ્યો હોય. આનાથી ઊલટું હિંદુ રાષ્ટ્રની સંકલ્પના વિષે હિન્દુ રાષ્ટ્રવાદીએ પ્રશ્ન પૂછ્યા હોય અને હિન્દુત્વવાદી નેતાઓએ ખુલાસા કર્યા હોય એવો એક પણ પ્રસંગ યાદ નથી. સામેથી તો ખુલાસો નથી કરતા, પણ સેક્યુલર હિંદુઓ ખુલાસો માગે છે ત્યારે પણ તેઓ ખુલાસો નથી કરતા. શા માટે? કશુંક ગોપિત છે? કે પછી તેઓ પણ નથી જાણતા કે હિંદુરાષ્ટ્ર કેવું હશે? તમને એક સાચા હિંદુ રાષ્ટ્રવાદી તરીકે એમ નથી લાગતું કે તમારાં સંતાનનાં ભવિષ્ય ખાતર પણ હિંદુ રાષ્ટ્રના સ્વરૂપ વિષે સ્પષ્ટતા હોવી જોઈએ?
હિંદુ હિંદુ રાષ્ટ્રવાદી હોય કે ભારતીય રાષ્ટ્રવાદી, હિંદુ હિન્દુત્વવાદી હોય કે સેક્યુલર; સવાલ તો એક જ છે કે હિંદુ રાષ્ટ્ર માથાભારે હિંદુઓનું હશે કે શક્તિશાળી હિંદુઓનું? લાભ કેવા હિંદુને પેદા કરવામાં છે? દેશનું અને હિંદુનું ભવિષ્ય કેવા હિંદુને પેદા કરવામાં છે?
હવે માથાભારે પ્રજા કેવી હોય અને શક્તિશાળી પ્રજા કેવી હોય એનો તફાવત તો આ લેખમાળામાં પારસીઓ અને ભાયાતોના ઉદાહરણ દ્વારા બતાવી આપવામાં આવ્યો છે. પારસીઓ દુન્યવી અર્થમાં નિર્બળ હોવા છતાં હજુ આજે પણ શક્તિશાળી છે અને ભાયાતો દુન્યવી અર્થમાં બળુકા હોવા છતાં ઇતિહાસ બની ગયા છે. કારણ એટલું જ કે તેઓ માથાભારે હતા, શક્તિશાળી નહોતા.
‘રાજા, વાજા અને વાંદરા એને છેડવાના ન હોય’ અથવા ‘પાણીમાં રહીને મગર સાથે દુશ્મની ન કરાય’ એવી બે કહેવતો તો તમે સાંભળી જ હશે. પહેલી કહેવત એમ સૂચવે છે કે જેની પાસે સત્તા છે એની પાસે તાકાત છે અને બીજી કહેવત એમ સૂચવે છે કે જેની પાસે તાકાત છે એની પાસે સત્તા છે. આ સ્થિતિમાં તમે સાચા હો તો પણ તમને ન્યાય મળવાનો નથી, કારણ કે એક પાસે સત્તાની તાકાત છે અને બીજા પાસે તાકાતની સત્તા છે. બન્ને સત્ય અને ન્યાયબુદ્ધિને બાજુએ મૂકીને વર્તવાની અનુકૂળતા ધરાવે છે અને કોઈની તાકાત નથી કે કોઈ સવાલ કરે. માટે સમય વર્તીને જીવવામાં ડહાપણ છે એમ આપણા બાપ-દાદાઓ આપણને કહેતા ગયા છે. જેની પાસે સત્તા હોય એ મનસ્વી અને માથાભારે તો હોવાના જ એને સનાતન સત્ય તરીકે માની લેવામાં આવ્યું હતું.
ભારતમાં મુસલમાનોની સત્તા હતી ત્યારે મુસલમાનો માથાભારે હતા એવો હિંદુઓનો અનુભવ હતો. એ અનુભવ ભ્રામક નહોતો સાચો હતો. કેટલાક મુસલમાનો ખરેખર માથાભારે હતા. એક સમયે તો મુસલમાનોને એમ લાગવા માંડ્યું હતું કે તેઓ શક્તિશાળી છે અને હિંદુઓ કાયર છે. હિંદુઓ પણ પોતાને કાયર અને મુસલમાનોને શક્તિશાળી સમજવા લાગ્યા હતા. ગાંધીજીના શાળાના મુસ્લિમ મિત્ર શેખ મહેતાબે ગાંધીજીને કહ્યું હતું કે તમે હિંદુઓ કાયર એટલા માટે છો કે તમે માંસાહાર કરતા નથી અને અમે મુસલમાનો માંસાહાર કરીએ છીએ એટલે તાકાતવાન છીએ. ટૂંકમાં હિંદુઓને મુસલમાનોના માથાભારેપણામાં કાંઈ અજુગતું લાગતું પણ નહોતું. મુસલમાનો પાસે સત્તા છે એટલે મુસલમાનોથી ચેતીને તેમ જ ડરીને જીવવાનું એ તેમણે ગાંઠે બાંધી લીધું હતું.
હિંદુઓને માથાભારેપણા અને શક્તિશાળીપણા વચ્ચેનો ફરક ત્યારે સમજાયો જ્યારે ભારતમાં યુરોપિયનો અને તેમાં પણ ખાસ કરીને અંગ્રેજો આવ્યા. આઠ-નવ હજાર કિલોમીટર દૂરના દેશમાંથી થોડાક સો લોકો આવે અને પહેલાં વેપારમાં અને એ પછી ભારતનાં એક પછી એક પ્રદેશો ઉપર વર્ચસ્વ કઈ રીતે સ્થાપિત કરી શકે? નથી તેમની પાસે સંખ્યા કે નથી તેમની પાસે તેમનું પોતાનાઓનું બનેલું લશ્કર. તેઓ આક્રમક લૂંટારુ પણ નહોતા જે દેશમાં લૂંટફાટ કરીને જતા રહે. હિંદુઓને આવા આક્રમણકારોનો પણ મોટો અનુભવ હતો. તેઓ નથી ગાળીગલોચ કરતા કે નથી ધોલધપાટ કરતા કે નથી કોઈની કોઈ ચીજને હાથ લગાડતા. તેઓ ટોળામાં પણ ફરતા નથી.
યુરોપિયનો અને અંગ્રેજોને જોઇને વિચારવાની ક્ષમતા ધરાવતા કેટલાક હિંદુઓના મનમાં સવાલ થયો હતો કે આ તાકાતનું એક નવું સ્વરૂપ છે જેનો આપણને અનુભવ નથી. આ એવી શક્તિ છે જે તલવાર, જે તે ઓળખ, ઓળખની સંખ્યા, ટોળાં અને સત્તામાંથી નથી આવતી. તેમને એ પણ સમજાવા લાગ્યું હતું કે આ શક્તિ વધારે મોટી શક્તિ છે અને વધારે શાશ્વત પણ છે. જે વિચારી શકતા હતા એવા હિંદુઓના મનમાં એ પણ સવાલ જાગ્યો કે જો હિંદુઓએ મુસલમાનો જેવા માથાભારે થવું જોઈએ કે અંગ્રેજો જેવા શક્તિશાળી? અને જો શક્તિશાળી બનવું હોય તો હિંદુઓએ સૌથી પહેલાં તો એ શક્તિને ઓળખવી પડશે અને એ પછી તેને અપનાવવી અને કેળવવી પડશે.
૧૯મી સદીમાં આનો પ્રારંભ થયો હતો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઍપ્રિલ 2021
![]()


સ્મશાનોમાં પીગળી રહેલી ધાતુની ચિમનીઓ, હૉસ્પિટલ્સની બહાર લાંબી કતારોમાં ઊભેલી એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ તથા હૉસ્પિટલમાં જગ્યા ન મળવાથી દમ તોડી રહેલાં કોરોનાવાઇરસથી સંક્રમિત દરદીઓ અને વિવિધ રાજ્યોમાંથી આવતા આંકડાની વચ્ચે આપણે જીવી રહ્યાં છીએ. આપણે, ભારતે આમ તો સૌથી વધુ વેક્સિન ઉત્પાદનને નામે કૉલર ઊંચા કર્યા હતા અને વ્યવસ્થિત વેક્સિનેશન થશે અને આપણે કોવિડ-૧૯ સામે જીતી જઇશુંનો ખોંખારો પણ ખાધો હતો. પણ છેલ્લા દોઢેક અઠવાડિયાના સમયમાં કેટલી ઘટનાઓ બની.
કોઈનાં ખોટાં વખાણ કરવાં એ ખોટું છે. કદર કરવા યોગ્ય માણસની જાણતા હોવા છતાં કદર ન કરવી એ પણ ખોટું છે. પણ કોઈનો શ્રેય આંચકી લેવો, શ્રેયનો આખેઆખો હાર બીજાના ગળામાં પહેરાવવો અને પ્રચારનો ઘોંઘાટ કરીને શ્રેયના બીજા અધિકારીઓને ભૂલવાડી દેવા એ ખોટું નથી, ગુનો છે. ભારતમાં આજકાલ આમ થઈ રહ્યું છે. એવો પ્રચાર કરવામાં આવે છે કે ભારતનું બંધારણ એકલા ભીમરાવ આંબેડકરે ઘડ્યું હતું. એમાં કોઈ શંકા નથી કે ડૉ. આંબેડકરનો બંધારણ ઘડવામાં સિંહ ફાળો હતો, પરંતુ તે તેમના એકલાનું સર્જન નથી. બીજાના ભોગે આપણા સમાજના આઇકન સ્થાપવાની દેશમાં હોડ શરૂ થઈ છે અને તેમાં અસત્યનો સહારો લેવામાં આવે છે.
ગાંધીજી હતા એ હકીકત દલિતોએ સ્વીકારવી જોઈએ, બાકી અંગ્રેજો તો તેમને ભૂલી ગયા હતા. આમ સત્ય એ છે કે ડૉ. આંબેડકર બહુ મોડેથી બંધારણ ઘડવાની પ્રક્રિયામાં જોડાયા હતા અને એ પણ ગાંધીજીના કારણે.
ઉપર કહ્યું એમ ૧૯૪૨ પછી આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે સઘન ચર્ચા શરૂ થઈ ત્યારે સરકારે તેના બાહોશ સનદી અધિકારી બી.એન. રાવને બંધારણીય સલાહકાર બનાવ્યા હતા. તેમણે ભારતીય નેતાઓ સાથે બંધ બારણે કે ખુલ્લી રીતે ભારતીય બંધારણમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ વિષે ચર્ચા કરવાની હતી. આ ઉપરાંત બ્રિટિશ બંધારણ અને જગતનાં લોકતાંત્રિક દેશોનાં બંધારણોમાંથી કઈ બાબતો ભારતને અનુકૂળ નીવડશે તે બતાવવાનું હતું. બંધારણસભાની કેવી રીતે રચના કરવી અને તેનું કામકાજ કેવી રીતે ચલાવવું એ વિષે પણ તેઓ ભારતીય નેતાઓ અને વાઇસરોય સાથે ચર્ચા કરતા હતા. ભારતનું બંધારણ બંધારણસભામાં નહીં, પણ મુખ્યત્વે વીસેક જેટલી તેની પેટા-સમિતિઓમાં ઘડાયું છે એનો શ્રેય પણ બી.એન. રાવને જાય છે. ખુલ્લા વ્યાપક સદનમાં ચર્ચાનો કોઈ અંત નહીં આવે અને બંધારણ ખોરંભે પડશે એવી તેમની સલાહ હતી.