= = = = પ્રેમ માતૃભાષામાં જ થાય એ વાત એમને કોણ સમજાવે. અસ્તિત્વનું પ્રમુખ માધ્યમ – મીડિયમ કે વ્હીકલ – ભાષા છે એ બીજી એટલા જ મહત્ત્વની વાત એમને કોણ સમજાવે = = = =
કોઈ મને કહે કે : તે દિવસ પછી તો, તમે મને બહુ જ ગમવા લાગ્યા છો : તો એના દિલમાં એને સારું જ લાગતું હોય છે, સાંભળીને મારું મન પણ હસુ હસુ થઈ જાય છે. ભાષા આપણને જોડે છે. સમ્બન્ધ દૃઢ થાય છે, ન હોય તો નવો શરૂ પણ થાય છે.
ભાષા આપણને તોડે પણ છે. તમે કોઈને ‘નાલાયક’ કહો તો તમે એ ઘડી પૂરતા એનાથી કપાઈ જ જાઓ છો. એ પણ રાતોપીળો થઈને જતો રહે છે, સાથે, ‘નાલાયક તું છું’ ક્હૅતો જાય છે, થૂંકે પણ ખરો. સમ્બન્ધ તૂટી જાય છે, હોય તો પતી પણ જાય છે.
ભાષા કનેક્ટ કરે, ભાષા ડિસ્કનેક્ટ કરે. ભાષાને લીધે લૂઝ કનેક્શન કાયમ માટે ટાઈટ થઈ જાય, કાયમ માટે બ્રેક પણ થઈ જાય – તૂટેલા બન્ને છેડા હવામાં ઝૂલતા દેખાય.
સમ્બન્ધોમાં ભાષા તમે કેવી વાપરો છો એ વાતનો મહિમા અપાર છે. ભાષિક વર્તનનો – લિન્ગ્વિસ્ટિક બીહેવિયરનો – દરેક સમ્બન્ધમાં એક રોલ હોય છે. ભાષાવિજ્ઞાનક્ષેત્રે ‘બીહેવિયરલ લિન્ગ્વિસ્ટિક્સ’ નામની શાખા પણ છે. એ શાખા અને તેના વિદ્વાનો એમ સમજાવે છે કે ભાષા મનુષ્યનું વર્તન બદલી શકે છે, બદલી નાખે છે.
વ્યક્તિઓ સમ્બન્ધ બાંધીને સ્થિર થવા ઝંખતી હોય છે, પણ વિચારતી નથી હોતી કે પોતે શું બોલે છે, શું નથી બોલતી, કેવું બોલવું જોઈએ, કેવું ન બોલવું જોઈએ. સફાઇદાર ભાષામાં દલીલો કરી શકાય છે, ચડિયાતા પુરવાર થઈ શકાય છે, બધાંને પ્રભાવિત – ઇમ્પ્રેસ – કરી શકાય છે. પરન્તુ, અઘરા પણ આમ સરળતમ એવા માનવ-સમ્બન્ધોમાં એવી ચડસાચડસી કે જીભાજોડી કામ નથી આવતી, ઊલટું, એને લીધે જ કનેક્શનો અશક્ય બની જાય છે, હોય એ લૂઝ પડી જાય છે.
જેમ કે, ભારતમાં સામાન્યપણે પત્નીઓ પતિઓને તમે-કારથી સમ્બોધતી હોય છે : તમે જઈ આવ્યા વડોદરા? : તમને ભૂખ લાગી હશે : વગેરે. એમાં પ્રેમ અને આદર બન્ને હોય છે. શ્હૅરોમાં અમુક કપલ એવાં મળે – ભણેલાંગણેલાં – જેમાં પત્ની પતિને તું-કારતી હોય : જૅન્તી, તને કેટલી વાર કહ્યું કે આ તારે નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું, નો મીન્સ નો, વ્હાય ડોન્ચ્યુ અન્ડરસ્ટૅન્ડ …? : કામવાળાને પણ ક્હૅતી હોય : બાલુ ! તું સમજતા ક્યૉં નહીં, યે તુઝે હી કરને કા હૈ : છેક તળપદમાં જાઓ તો પત્ની પતિને તું-કારતી હોય છે : પસા, તું સું કરસ? : એને ગમ નથી હોતી કે પત્ની શું ને પતિ શું … બહુ બહુ તો એટલું જાણતી હોય કે પસો એનો વર છે ને પોતે પસાની વહુ છે. ઘણી વાર તો પાલવ વડે ચ્હૅરો ઢાંકી મુસ્કરાતાં એટલું જ કહે છે – એ મારા ‘એ’ થાય છે.
તમે-કારમાં કંઈક દમ્ભ જેવું છે, ક્લાસિકલ લાગે, ટ્રૅડિશનલ લાગે, ઘરેડિયું પણ લાગે. એ માટે કોઈ કોઈ પત્નીઓને જોર લાવવું પડે છે. પણ તું-કાર સહજ હોય છે. તું-કારમાં એક જાતનું રોમૅન્ટિસિઝમ રસાયેલું છે. ભલે દેખાદેખીથી શીખ્યાં હોય, એમાં પતિ પ્રત્યેનો પ્રેમ જ હોય છે. પ્રેમમાં પડ્યા પછી પરણ્યાં હોય એ દાખલાઓમાં તો તું-કાર લગભગ હમેશાં જોવા મળે છે. બન્નેને તેમ જ આસપાસનાંને બહુ મીઠું લાગે છે. પણ ઝઘડો થાય ત્યારે ચિત્ર બિહામણું બની જાય છે : તારે લીધે થયું : તને કશી સમજ નથી : તું છું જ એવો …
પેલા મીઠડા તું-ના ભુક્કો બોલી જાય છે.
ઘણી વાર તો તું-ને સ્થાને યૂ આવી જાય છે : વ્હૉટ ડુ યૂ મીન? ઇટ્સ નૉટ માય ફૉલ્ટ ઍટૉલ : યૂ માઇન્ડ યૉર ઓન બિઝનેસ : યૂ માઇન્ડ યૉર લૅન્ગ્વેજ … યૂ આર … …
ભૈબંધના ખભે હાથ મૂકીને ભૈબંધ ક્હૅતો હોય છે : તું સાલા રાસ્કલ છું. બેનપણી ગાલે ચીમટો ભરીને ક્હૅતી હોય છે : તું સમજતી નથી, ઇડિયટ છું : એવી અંગ્રેજી ગાળો મૈત્રી-સમ્બન્ધોમાં ગાળો નથી લાગતી પણ વર્તન બાબતે અસરકારક પુરવાર થાય છે.
શિક્ષક-વિદ્યાર્થીના સમ્બન્ધમાં પણ ઉપકારક નીવડતી હોય છે. એક જમાનામાં પ્રાથમિક શાળાનો શિક્ષક છોકરાને કહી શકતો : તને ગધેડા, આટલું નથી આવડતું? : બિચારાનો કાન આમળી રાખ્યો હોય. પોતે ગધેડો છે એમ સાંભળવા સિવાય ત્યારે એનો છૂટકો ન્હૉતો. માધ્યમિકમાં ગયો ત્યારે સાંભળવા મળ્યું : યૂ ડર્ટિ બૉય, સ્ટૅન્ડ અપ : છોકરાને ટીચર ડર્ટિ ન્હૉતો લાગતો, એને થતું પોતે સુધરવું જોઈશે.
અંગ્રેજીને વરેલાં એવાં પૅરન્ટ્સ સ્વસ્વજનોની તેમ જ સ્વવડીલોની હાજરીમાં તડાતડી કરતાં હોય છે. સન્તાનો આડઅસર રૂપે શીખી જતાં હોય છે. વડીલો શરમાઈને સહી લે છે. ન-સમજુ વડીલો તડાતડીને વિકસાવતા પણ હોય છે, બળતામાં ઘી ઉમેરે. બધાં ફૅમિલી-કનેક્શન્સ લૂઝ થવા માંડે. સાંધા ઊકલવા માંડે – જોઈ શકાય એમના ચ્હૅરાઓની ઢીલી થતી રેખાઓમાં. એમણે વાપરેલાં લડાયક વાક્યો રૂમની છત જોડે અથડાતાં હોય.
ગુસ્સો ન જ થાય કે ન જ કરાય એમ નથી સમજવાનું. બે વાસણ ખખડે જ. ન ખખડતાં હોય તો ક્યારેક તો ખખડવાં જોઈએ. પણ ગુસ્સો સહજ એવી માતૃભાષામાં બેડરૂમમાં શાન્તચિત્તે કરાય, ઓછામાં ઓછા શબ્દોમાં, તો પરિણામદાયી નીવડે છે.
સહજ ભાષાનો એક સાચો દાખલો મને યાદ રહી ગયો છે. ધની-વની બેનપણીઓ. બન્ને અમરતને ચાહે, પણ એકબીજાને જાણવા ન દે. એક વાર ધનીને ગડ બેઠી કે વની મૉં હસતું રાખે છે પણ ઇર્ષાને લીધે અંદરથી બહુ બળે છે. તે દિવસે અમરતની વાતે ધની રંગરંગીન વાતો કરવા લાગેલી : વાડીમાં બૌ મજા આવેલી : વગેરે. વની એને તાકીને ક્હૅ : તું ફડાકા નૈ માર, ઉં હંધુ જાનુ છું : તો ધનીએ અસરકારક એટલું જ કહ્યું : તું બળસ : એ પછી તો આ ‘બળસ’ હું મારા એક મિત્રને પણ સંભળાવવા લાગેલો. સાંભળીને વનીની જેમ એ જરા છોભીલો પડી જતો. જો કે છેવટે અમે હસી પડતા, મજા આવતી. વનીનું શું થતું, વની જાણે.

When lovers quarrel
Picture courtesy : Indian Economy And Market Magazine
આપણે ત્યાં ભણેલાં ગણાતાં હોય એમને ટેવ હોય છે, ગુસ્સો તો અંગ્રેજીમાં કરે, પણ પ્રેમના કિસ્સામાં ય અંગ્રેજી વાપરે – ભલે ખોટીહાચી હોય. પ્રેમ થવા માંડ્યો હોય એટલે એક દિવસ પેલું ચવાઈને કૂચો થઈ ગયેલું કહી દે : આઈ લવ યૂ : એ પછી એવાઓને, માય ડીયર – કેટલાક મૂરખા તો ડીયરેસ્ટ ક્હૅતા હોય છે – ડાર્લિન્ગ સ્વીટી બેબી હનિ એમ અંગ્રેજી જ સૂઝ્યા કરે છે. એવાં બધાં : આ મારી વાઇફ છે : આ મારા હસ્બન્ડ છે : એમ ભપકાથી ક્હૅતાં હોય છે. વિદેશી નારીની જેમ, હી ઈઝ માય સૅકન્ડ / થર્ડ હસ્બન્ડ, એમ કહેવાની સાચકલાઈ તો હોય છે જ ક્યાંથી? બાકી, આ મારી વહુ છે, આ મારા વર છે, એમ કોઈ કહે તો એમની વચ્ચેની આત્મીયતા આપણને પણ અડે છે, અનુભવાય છે.
કેટલા ય પ્રિયજનો પાસે પ્રેમને માટેની પોતાની ભાષા હોતી નથી. શાયરીના ટુકડા કે ફિલ્મી ગીતોની પંક્તિઓ નિ: સંકોચ ફટકારે છે. એમને ગૂગલ મા’રાજ પણ કામ આવે છે. એમને પિન્ટરેસ્ટ વગેરે સોશ્યલ મીડિયા સર્વિસિસ પિક્ચર્સ અને બેસ્ટ વર્ડ્ઝના તૈયાર મસાલા પૂરા પાડે છે. બાકી, તું મને બહુ ગમું છું, સાચ્ચું કહું છું. તું પાસમાં હોઉં ત્યારે યાર મને એટલું સારું લાગે છે … જેવાં સહજ વચનો જે અસર કરે તે ઊછીઉધારની ભાષાથી ન થાય, ભલે ને એમાં કવિતા ચળકતી હોય.
સમ્બન્ધોમાં બનાવટ ઝાઝું નભતી નથી. સ્વાર્થ સાધવા કોઈ અમસ્તું જ લખ્યા કરતું હોય – સ્નેહાદરપૂર્વક – નતમસ્તક વન્દન. રૂબરૂ મળવાનું થાય ત્યારે મસ્તક થોડું ઊંચું રાખે ને પછી બળાત્ જરા સ્નેહ કે લગીર આદર. પ્રેમથી મોટો કોઈ સ્વાર્થ નથી કેમ કે એને સાધવો નથી પડતો. એ સ્વયં સધાઈ જાય છે. પ્રેમભંગ કે બ્રેક-અપના કારણોમાં હવે છેતરપિંડી બહુ થાય છે. કહ્યું હોય – ઍમ.બી.બી.ઍસ., નીકળે ઍસ.ઍસ.સી.. કહ્યું હોય – યૂ આર ફર્સ્ટ, પણ થર્ડ સૅકન્ડ પછી આવ્યો હોય. સમ્બન્ધોની સચ્ચાઈ સમજાઈ જતી હોય છે – અંદર લાઈટ થાય છે.
કોઈ કશુંક હૃદયથી બોલીને ગાલે બચ્ચી કરી દે તો પછી ચુમ્બનની સગવડ આપોઆપ થઈ જાય છે. પૂછવું નથી પડતું – મે આઈ કિસ યૂ? થૅન્કસને બદલે બોલી પડાય છે – સારું લાગ્યું. જવાબમાં વૅલકમ ક્હૅવાની જરૂર નથી પડતી. બન્નેના પ્રસન્ન પુલકિત ચ્હૅરા જ બધું કહી દે છે. અને, આપણે યાદ રાખવું જોઈએ કે ભાષા તોડે-જોડે છે એમ સંતાડે પણ છે, સંતાડી કેમ શકાય એ પણ શીખવે છે. ‘આઈ લવ યૂ’ ક્હૅનારો કેટલીયને એમ કહ્યા-કારવ્યા પછી આવ્યો હોય છે, શુંયે ન કર્યું હોય …
પેલા ભાઈની માતૃભાષા ગુજરાતી હોય, બાઈ પણ એમ જ હોય, તેમ છતાં અંગ્રેજી !? ભાઈ તમિળ હોય તો જુદી વાત. બાઈ ઇટાલિયન હોય તો જુદી વાત.
પ્રેમ માતૃભાષામાં જ થાય એ વાત એમને કોણ સમજાવે. અસ્તિત્વનું પ્રમુખ માધ્યમ – મીડિયમ કે વ્હીકલ – ભાષા છે એ બીજી એટલા જ મહત્ત્વની વાત એમને કોણ સમજાવે.
આપણા વિચારો ચિત્તમાં જન્મે છે પણ એને આકાર આપે છે, ભાષા. અને ભાષા જન્મ આપે છે, કર્મોને. મન, વચન અને કર્મની એકતાનું ગાણું ગાયા કરવાને બદલે, હિતાવહ એ છે કે બધું ધ્યાન આપણે ભાષાને વિશે એકત્ર કરીએ.
જીવનયાત્રા આપણે ભાષાના રથે અસવાર થઈને ચલાવતા હોઈએ છીએ. એ રથના શબ્દ-અશ્વોને જોડીએ છીએ આપણે, ચલાવીએ છીએ પણ આપણે. આપણે જ રથી, આપણે જ સારથિ. માટે હમેશાં સજાગ અને સાવધાન રહેવાની જરૂર છે. નહિતર, સંભવ છે કે ગરબડ-ગોટાળા થાય ને જીવનયાત્રા આમતેમ થઈ ખોટકાઇને, ઊલળી પડે.
= = =
(May 15, 2021: USA)
![]()


ભારતનાં પીડાનાં દૃશ્યોનો તાગ મેળવવાનું કઠણ છે. રોજના લગભગ ૩.૭૪ લાખ કેસની સરેરાશથી, મે ૪ સુધીમાં કોવિડ-૧૯ના ૨.૦૨ કરોડ કેસ નોંધાયા છે. મૃત્યુઆંક છે ૨.૨૨ લાખ (બે લાખ બાવીસ હજાર), જે નિષ્ણાતોના મતે વાસ્તવિક આંકડા કરતાં ઘણો ઓછો હોઈ શકે છે. હૉસ્પિટલો ઉભરાયેલી છે, આરોગ્યકર્મીઓ નીચોવાઈ ગયા છે અને ચેપગ્રસ્ત બની રહ્યા છે. મેડિકલ ઑક્સિજન, બેડ અને બીજી જરૂરિયાતો માટે ડૉક્ટરોની તેમ જ સામાન્ય લોકોની અપીલોથી સોશિયલ મીડિયા ભરચક છે. છતાં, માર્ચ(૨૦૨૧)ના આરંભે કોવિડ-૧૯નું બીજું મોજું આવ્યું, તે પહેલાં ભારતના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જાહેર કર્યું હતું કે ભારતમાં મહામારીનો ખેલ ખતમ થવામાં છે. વાઇરસનાં સ્વરૂપાંતરોની અને બીજા મોજાના ખતરાની વારંવાર અપાયેલી ચેતવણીઓ છતાં, ભારત સરકાર તરફથી એવી જ છાપ ઊભી કરવામાં આવી કે મહિનાઓથી સતત ઘટતા કેસોના પગલે ભારતે કોવિડ-૧૯ને હરાવી દીધો છે. આંકડાકીય મૉડેલો દ્વારા ખોટી રીતે એવું સૂચવાયું કે ભારત હર્ડઇમ્યુનિટીના તબક્કે પહોંચી ગયું છે. તેના કારણે ગાફેલિયતને પ્રોત્સાહન મળ્યું અને તૈયારીનું કામ ઢીલું પડ્યું. પરંતુ જાન્યુઆરીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સીરોસર્વેમાં જણાયું હતું કે વસ્તીના માત્ર ૨૧ ટકા લોકોમાં SARS-CoV-2નાં પ્રતિરોધક દ્રવ્યો હતાં. તે વખતે વડા પ્રધાન મોદીની સરકાર મહામારી પર કાબૂ મેળવવાને બદલે ટિ્વટર પરથી ટીકાઓ દૂર કરવા માટે વધારે ઉત્સુક જણાતી હતી.