પિત્ઝાની રેસ્ટોરાંમાં જઇ પિત્ઝાનો ઓર્ડર આપ્યો. પણ પ્લેટમાં સૂકા સેવ-મમરા પકડાવી દેતાં કહેવામાં આવ્યું કે આ જ છે, ખાવું હોય તો ખાવ નહીં તો ઉપડો, પૈસા પાછા નહીં મળે.
હું સ્તબ્ધ બન્યો, પણ જોયું તો ખ્યાલ આવ્યો કે ત્યાં બેઠેલા 80-90 લોકો પ્રેમથી સેવ-મમરા જ ખાઈ રહ્યા હતા. અમુક તો ખુરશીના અભાવે નીચે બેસી ગયા હતા.
અચરજ સાથે મેં પૂછ્યું – તમે પિત્ઝા મંગાવ્યા તો સેવ-મમરા કેમ ખાવ છો ?
તો એમાંથી એક-બે ગ્રાહકો જરા આકરા બની ગયા – આમાં શું વાંધો છે તમને ! કેમ સેવ-મમરા પેટ ન ભરે ! હોટલવાળો ભગવાન નથી કે જે કહો એ હાજર કરી દે. એ પણ માણસ છે, અહીંયા બધા પીઝાના ઓર્ડર આપે તો આટલા પીઝા બિચારો કેમ આપી શકે ? ટીકા જ કરો છો, બનાવી જુઓ પીઝા એક વાર, ખબર પડે.
મેં કહ્યું – પણ ભાઈ, હું પિત્ઝા ખાવા આવેલો અને પૈસા પણ એનાં જ ચુકવેલા છે.
તો કહે – તમે તો ઊંધિયું માંગો, એટલે શું ઊંધિયું હાજર કરી દેવાનું ? અમે બધા સેવ-મમરા ખાઈએ છીએ, પણ અમને તો કોઈ વાંધો નથી ! સાત વરસ પહેલાં અહીં સેવ-મમરાની જ દુકાન હતી ત્યારે તો બધા એ જ ખાતા, તો હવે શું વાંધો છે ? અને જો વિદેશી વાનગી આટલી જ પસંદ હોય તો દેશ છોડી ત્યાં જ જતા રહો ને!
મેં કહ્યું – પણ હવે તો સેવ-મમરાની જગ્યાએ પિત્ઝાની હોટલ ખૂલી ગઈ છે ને !
તો કહે – તો શું ? દુકાન બંધ કરાવી દેવા માંગો છો ? આતંકવાદી છો ? આ હોટલવાળાની આજીવિકા છીનવી લેવા માંગો છો ? આપણા ગામના પીઝાવાળાનો સપોર્ટ કરવાના બદલે નેગેટિવ વાતાવરણ ઊભું કરો છો ?
મેં સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા કે આ હોટલના માણસો પોતે પિત્ઝાના ફરફરિયા ઘરે આપી ગયા હતા. અહીં મેં પિત્ઝા માટે જ પૈસા આપ્યા છે, ને સેવ મમરા તો મેન્યુમાં પણ નથી. તો આ કઈ રીતે સ્વીકારી લઉં ?
આટલામાં, સફેદ દાઢીધારી હોટલના માલિક સ્વયમ્ પ્રગટ થયા – ઓ ભાઈ, સેવ-મમરા સે ક્યાં તકલીફ હૈ આપ કો ? અગર ઇટલી કી ચિઝે ઇતની પસંદ આતી હૈ તો કયું આયે હો યહાઁ ? આપ ઇટલીવાલે હો ક્યાં ? અપને દેશ કો પ્યાર નહીં કરતે હો ક્યાં ? અપને દેશ કી સંસ્કૃતિ પસંદ નહીં આતી હૈ ક્યાં ? દેશ કી આર્મી સીમાઓ પે લડ રહી હૈ ઔર આપકો પીજા ખાના હૈ ? દેશ કે કિસાન ઇતની મહેનત કરતે હૈ, ઔર તુમ દેશદ્રોહ કરોગે ? માલૂમ હૈ અંદરવાલે સબ દોસ્ત હૈ અપને ! કરવા દુ ક્યાં અંદર ?
મને આ મોટું ચિટિંગ લાગ્યું. એટલે આ અંગે ફરિયાદ કરવી એમ વિચારતો હતો.
ત્યાં જ બે-ચાર ભણેલા લાગતા લોકો પોતાના સેવ-મમરા પડતા મૂકી સમજાવવા માંડ્યા – જો ભાઈ, ગામમાં માત્ર એક જ પીઝાવાળો છે. જેવો હોય એવો, છે તો ખરો. પીઝાના બદલે કંઈક તો આપે જ છે ને ! તમારા પૈસા ચોરીને ભાગી તો નથી ગયો ને ! માટે જે મળે એને ભગવાનનો પ્રસાદ સમજી સ્વીકારી લેવાનો. જીવનમાં પોઝિટિવ બનો. આમ પણ ગામમાં પીઝા માટે આ સિવાય ઑપશન પણ નથી.
બહાર જઇ જોયું તો મારા જેવા પાંચ-દસ જણાં પિત્ઝાનું રિફંડ લેવા આંદોલન કરી રહ્યાં હતાં. જેને જોઈ, અંદરથી નીકળતા ગ્રાહકો સેવ-મમરા ચાટેલા પોતાના આંગળા એમની તરફ ચીંધી અટ્ટહાસ્ય કરતા પસાર થતા હતા.
ધીરે ધીરે હું પણ માનવા માંડ્યો છું કે આ તો આવું જ હોય, આમાં કાઈ ખોટું નથી. ઉપરથી સેવ-મમરા ખૂબ ભાવવા લાગ્યા છે, કારણ કે એક તો એ સ્વદેશી વાનગી છે, અને બીજું ઑપશન ક્યાં છે જ ?
લેખકની ફેઇસબૂક દિવાલેથી સાભાર
![]()


દેશમાં કોરોના રોજે રોજ એનાં શિખરો સર કરી રહ્યો છે. જીવન-મરણની કટોકટી તીવ્રથી તીવ્ર થઈ છે. ઉપાયો અને વ્યવસ્થાતન્ત્રો પૂરતાં કારગત નથી નીવડ્યાં. ચોતરફ જોક્સ ચાલે છે. જેને જે સૂઝે ને જે ફાવે તે બોલે છે, તે કરે છે. ગપ્પાંબાજી ખીલી છે. ભણેલાંગણેલાં પણ કહે છે કે કોરોના થોડા દિવસોમાં જતો રહેશે, ગભરાશો નહીં. વૅક્સીન નહીં લેતા, ચાલશે. ઑક્સિજન જેવી અતિ જરૂરી ચીજોના કાળાબજાર શરૂ થયા છે. અતિ વસતીના આ દુર્ભાગી દેશનું વર્તમાન જીવન ભયાવહ છે.