મહારાષ્ટ્રમાં વાનરો અને કૂતરાઓની ગેંગ વોરનો અજીબ ખૂની ખેલ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વાનરોએ કૂતરાઓનાં ૨૫૦ જેટલાં ગલુડિયાં મારી નાખ્યાં, તે પછી નાગપુરના વન વિભાગના કર્મચારીઓએ હત્યામાં સામેલ બે વાનરોને પકડીને તેમને જંગલમાં વનવાસ કરવા મોકલી દેવાયા છે. ગામ લોકોના કહેવા પ્રમાણે, બે-ત્રણ મહિના પહેલાં કૂતરાંએ વાનરના એક બચ્ચાને ફેંદી નાખ્યું હતું, તે પછી વાનર સેના વેરની વસૂલાત પર ઊતરી આવી હતી. આ ટોળકીના સભ્યોને રસ્તામાં ગલુડિયું દેખાય તો તેને પકડીને ઊંચી જગ્યાએ લઇ જતા, અને પછી નીચે ફેંકી દેતાં. આવી રીતે ૨૫૦ ગલુડિયાં માર્યાં ગયાં પછી ગામ લોકોએ વન વિભાગની મદદ લીધી હતી.
સમાચાર ભલે રમૂજી હોય, પરંતુ તેમાં ગંભીર મુદ્દો પણ સમાયેલો છે; વાનરોઓ ઉત્તરોત્તર શહેરી અને ગ્રામીણ માનવવસાહતોથી ટેવાઈ રહ્યા છે, અને માણસો જે રીતે કરે છે તે બધું જ શીખી રહ્યા છે. “વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે”, એવી ફરિયાદ છેલ્લા અમુક દાયકાઓથી ભારતનાં તમામ શહેરોમાં સંભાળવા મળે છે. તેજ શહેરીકરણના કારણે જેમ જેમ પ્રાકૃતિક જગ્યાઓ ટૂંકી થઇ રહી છે, તેમ તેમ વાનરો માનવજીવન સાથે પનારો પાડી રહ્યા છે.
ભીડભાડવાળા ઇલાકાઓમાં વાનરો ઇલેક્ટ્રિક વાયરો પર લટકતા હોય, મકાનોના ધાબે ઠેકડા મારતા હોય, બાલ્કનીઓમાં બેઠા હોય કે રસોડામાંથી ખાવાનું ઉઠાવી જતા હોય, વરંડામાં ફળ-ફૂલ તોડી જતા હોય તેવો અનુભવ આમ થતો જાય છે. ભારતનાં શહેરોમાં વાનરોના હુમલાના રોજ ૧,૦૦૦ કેસ નોંધાય છે. દિલ્હીમાં ૨૦૧૮માં આવા ૯૫૦ કેસ નોંધાયા હતા.
દિલ્હી હાઈકોર્ટે, ૨૦૦૭માં નગરપાલિકાને આદેશ કર્યો હતો કે વાનરોને દિલ્હી બહાર અસોલા ભટ્ટી વાઈલ્ડલાઈફ સેન્કચૂરીમાં મોકલી દેવામાં આવે. એક દાયકા પહેલાં દિલ્હી સરકારે વાનરોનું પ્રજનન રોકવા માટે ખસીકરણની યોજના બનાવી હતી. એ પછી પણ દિલ્હીમાંથી ‘વાનરોનો ત્રાસ’ ઓછો થયો નથી.

હિમાચલ પ્રદેશમાં, શિમલા જેવા પ્રવાસી સ્થળોએ આ સમસ્યા અતિ ગંભીર છે. ૨૦૧૯માં, શિમલાની સૌથી મોટી હોસ્પિટલમાં વાનરોના હુમલાના રોજ આઠથી દસ કેસ આવતા હતા. ૨૦૧૪-૧૫ના એક સરકારી સર્વે પ્રમાણે, વાનરોના ભેલાણના કારણે હિમાચલમાં ૨૦૦ કરોડ રૂપિયાનો પાક અને બાગકામ ખતમ કરી નાખ્યું હતું.
ડો. ડેનિયલ અલેન સોલોમન નામના અમેરિકન નૃવંસશાસ્ત્રી ૨૦૦૭માં વાનરોનો અભ્યાસ કરવા માટે શિમલા આવ્યા હતા, ત્યારે માણસો સાથે વાનરોના વ્યવહારને જોઈને અચંભિત થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે વાનરોમાં ખંડણી ઉઘરાવાની કે ચોરી કરવાની સહજ સમજ નથી, પરંતુ માણસો વચ્ચે રહીને તેમને ખાવાનું ન મળે ત્યાં સુધી હાથ પકડી રાખવાનું કે ઝાપટ મારીને લઇ લેવાનું આવડી ગયું છે.
યુનિવર્સિટી ઓફ મૈસુરમાં વાનરશાસ્ત્રી ડૉ. મેવા સિંહના એક રિસર્ચ પેપર અનુસાર ભારતમાં વાનરોની ૨૨ પ્રજાતિ છે. તેમાંથી મોટા ભાગની જંગલોમાં રહે છે, પરંતુ બોન્નેટ મકાક્યુ, રેસુસ મકાક્યુ, લોંગ-ટેઈલ્ડ મકાક્યુ અને હનુમાન લંગૂર પ્રજાતિ માણસોના કાયમી મહેમાન બની ગયા છે. આ પ્રજાતિઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની ‘ખતરામાં આવેલી પ્રજાતિ’ની યાદીમાં પણ સામેલ છે. આ જ પ્રજાતિએ માણસોનું જીવવાનું હરામ કરી દીધું છે. ભારતમાં આવા ૫ કરોડ વાનરો શહેરોના રહેવાસી છે.
ગયા જુલાઈ મહિનામાં, કર્ણાટકના હસન જિલ્લાના એક ગામમાં, લોકોએ ૩૮ વાનરોને મારી નાખ્યા હતા. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. વન વિભાગ અને સ્થાનિક પોલીસેને જયારે ખબર પડી કે ગામના ખેડૂતોએ વાનરોની હત્યા બદલ ક્ષમા માગવા માટે હનુમાનજીના મંદિરે વિધિ કરી છે, તે પછી ગામમાં રેડ કરીને સાત લોકોની ધરપકડ કરી હતી. આ ગામ જ્યાં આવેલું છે એ વેસ્ટર્ન ઘાટના ઇલાકામાં માનવો અને વાનરો વચ્ચે ટકરાવના આવી અનેક ઘટનાઓ વધી રહી છે.
ભારતમાં માનવો અને વાનરો વચ્ચે ટકરાવ વધવાનાં મુખ્ય ત્રણ કારણો છે; એક, લીલોતરી ઘટી રહી છે અને સિમેન્ટ-કોન્ક્રીટનાં જંગલો વધી રહ્યાં છે અને બે, વાનરો ભગવાન હનુમાનનો સમાજ કહેવાય છે એટલે લોકોમાં તેમને ખાવાનું આપવાનો અને તેમને સાચવવાનો ભક્તિભાવ છે. ત્રીજું કારણ એ છે કે વસ્તીમાં વધારો થવાથી શહેરોમાં કૂડો-કચરો મોટા પ્રમાણમાં નીકળે છે, જે આ પશુઓ માટે ખોરાકનો સ્રોત બની ગયો છે.
જંગલમાં, વાનરોને ખોરાક માટે દિવસોના દિવસો સુધી મહેનત કરવી પડે છે, કારણ કે ત્યાં ખોરાક ઝાડ પર હોય છે. શહેરોમાં તેમને તે રેડી-મેઈડ મળે છે. કોઈ પણ સડકના ખૂણામાં કચરામાંથી ખાવાનું મળી જાય છે. અજીબ વાત એ છે કે આવા કચરા જેવું ખાઈને તેમના હોર્મોન્સમાં ગડબડ થઇ છે, પરિણામે તેમનામાં આક્રમકતા અને સ્ટ્રેસ વધ્યો છે. દિલ્હી કોર્ટે એટલા માટે જ વાનરોને ખવડાવા પર પ્રતિબંધ મુક્યો છે, પણ માણસોની આસ્થા આગળ આવા આદેશનું કંઈ ચાલતું નથી.
ભારતમાં (દક્ષિણ એશિયાના ઘણા પાડોશી દેશમાં) આ ત્રણ કારણોસર વાનરોની સમસ્યા સૌથી વધારે છે, પરંતુ વાનરો માણસો વચ્ચે આવી ગયા હોવાના ઘણાં ઉદાહરણો વિશ્વનાં અન્ય દેશમાં પણ છે. ૨૦૧૯માં, નેશનલ જિયોગ્રાફી સામયિકે એક ફોટો-સ્ટોરી પ્રગટ કરીને, કેવાં-કેવાં પ્રાણીઓ તેમની પ્રાકૃતિક વસાહત ગુમાવીને માનવ વસાહતોમાં રહેવા આવી ગયાં છે તેનો અહેવાલ પ્રગટ કર્યો હતો.
માણસો અને પ્રાણીઓનું સહઅસ્તિત્વ સદીઓ જૂનું છે, પરતું શહેરીકરણનો વ્યાપ વધવાથી તેનું સંતુલન ખોરવાઈ ગયું છે. વધુને વધુ પ્રાણીઓ માનવ વસાહતમાં રહેવા આવી ગયાં છે, પરિણામે માણસો સાથે તેમનો ટકરાવ પણ વધી રહ્યો છે. આપણે તેને “પ્રાણીઓનો ત્રાસ” અથવા “પ્રાણીઓની ઘુસણખોરી” છીએ, પરંતુ હકીકત એ છે કે માણસ હોવાની તાકાતના જોરે આપણે તેમનાં જંગલને પચાવી પાડ્યાં છે, અને તેઓ તેમનું અસ્તિત્વ બચાવવા માટે સટાસટીનો જંગ ખેલી રહ્યાં છે.
આનો કોઈ ઉપાય? દુનિયાના તમામ નિષ્ણાતો કહે છે આ એક હારી જવાયેલું યુદ્ધ છે. આમાં બંને પક્ષે ખુવારી જ ખુવારી છે. કદાચ માણસ તેની તાકાતના જોરે આવનારી સદીઓમાં તમામ વાઈલ્ડ લાઈફને તહસનહસ કરી નાખશે, પણ પછી એ જીવન જીવવા જેવું હશે ખરું?
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ’, 02 જાન્યુઆરી 2022
![]()


અત્યંત દુ:ખદ રીતે 2022ની શરૂઆત ધાર્મિક દુર્ઘટનાથી થઈ છે. વૈષ્ણોદેવી પવિત્ર તીર્થધામ છે ને ત્યાં શ્રદ્ધાળુઓ એટલી સંખ્યામાં આવ-જા કરતા રહે છે કે અપવાદરૂપે પણ ત્યાં ભીડ ન હોય એવું બનતું નથી. રાતના 2.45નો સમય. આમ તો જગત પોઢી ગયું હોય, પણ વૈષ્ણોદેવીનું ભવન બારે મહિના ભીડથી ભરેલું હોય છે. 2022ની પહેલી અને વહેલી સવારે પણ રાબેતા મુજબ હજારોની ભીડ હતી. ત્યાં કૈં એવું થયું કે એકદમ નાસભાગ મચી ગઈ અને કૈં ખબર પડે ત્યાં તો 12 લાશ પડી ને 20 લોકો ઘવાયા. તેમાંના કેટલાંક તો ગંભીર છે ને હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. મૃતકોની સંખ્યા વીસની થઈ હોવાનું પણ કહેવાય છે. આવે વખતે બીજું કૈં થાય કે ન થાય, પણ વળતર જાહેર થવા લાગે છે. અહીં પણ જાહેર થયું. કેન્દ્ર સરકારે મૃતકોને નામે 2 લાખ અને ઘાયલોને 50 હજાર જાહેર કરી દીધા છે. જમ્મુ-કાશ્મીરનાં ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાએ પણ મૃતકોનાં સંબંધીઓને 10 લાખ અને ઘાયલોને 2 લાખ વળતર પેટે જાહેર કર્યા છે. ઘણીવાર તો મૃતકોની ખબર પડે ન પડે કે તેના સંબંધીઓ જડે કે ન જડે, તો પણ વળતર જાહેર થઈ જતું હોય છે. કેમ જાણે એટલું કરવાથી જવાબદારી પૂરી થઈ જતી હોય છે. આટલી પ્રોમ્પ્ટ સર્વિસ ભાગ્યે જ બીજે મામલે જોવા મળે છે. પ્રશાસનને પણ એ જાહેરાતની ખબર હશે કે કેમ, તે નથી ખબર, પણ આટલી ઝડપી સેવા માટે તો પ્રજાએ પ્રશાસનને બિરદાવ્યે જ છૂટકો છે. મૃતકોની સંખ્યા વધે તો તે પ્રમાણે વળતર પણ વધે એમ બને. એ સાથે જ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગૃહ મંત્રી વગેરે શોક સંવેદના પ્રગટ કરવામાં જરા પણ પાછળ નથી પડતા એ વાતનીય નોંધ લેવી જ પડે એમ છે.
માનવઅધિકાર માટે ડેસમન્ડ ટુટુનું નામ વિશ્વભરમાં કેમ જાણીતું બન્યું તેનાં અનેક કારણો છે. તે સફરની શરૂઆત દક્ષિણ આફ્રિકાના ક્લર્ક્સડોર્પ નામની જગ્યાએથી થઈ હતી, જે ડેસમન્ડનું જન્મસ્થળ છે. અહીંયા તેઓ 1931માં ગરીબ પરિવારમાં જન્મ્યા. સરેરાશ શિક્ષણ લઈને શિક્ષકની નોકરી સ્વીકારી અને ચોવીસ વર્ષે તેઓ એક્ટિવિસ્ટ નોમાલિઝો લેહને પરણ્યાં. શિક્ષકમાંથી ધર્મ તરફ વળ્યા અને 1960માં પ્રિસ્ટ બન્યા. 1962માં ફરી શિક્ષણ લેવાનું ઠરાવ્યું અને થિયોલોજીના અભ્યાસ માટે લંડનની કિંગ્સ કોલેજમાં એડમિશન મેળવ્યું. દક્ષિણ આફ્રિકાથી લંડન ગયા. લંડન ગયા ત્યારે પણ મૂળ ધ્યેય દક્ષિણ આફ્રિકામાં સેવાકીય પ્રવૃત્તિ કરવાનો હતો, તેથી ત્યાંથી પાછા ફર્યા અને દક્ષિણ આફ્રિકામાં વિવિધ યુનિવર્સિટી સાથે થિયોલોજિકલ શિક્ષણ આપવા માટે સંકળાયા. આ દરમિયાન આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો અને બિશપ બન્યા. ધર્મમાં પોતાનું ઊંચું સ્થાન બનાવ્યા બાદ જાહેરમાં પોતાના મત વિશે મુખર થતા ગયા અને જોરશોરથી તેમણે રંગભેદની નીતિનો વિરોધ કર્યો. 1980ના અરસામાં તો તેઓ દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોના હામી બનીને ઊભર્યાં. આ વિરોધ માટે અહિંસક રીત અપનાવી. દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોની સામે શ્વેત વસતી નહીવત્ છે, તેમ છતાં તેમનું શાસન વીસમી સદીના અંત સુધી ચાલતું રહ્યું અને તેમાં હિંસક બનાવો ઓછા બન્યા તેમાં ડેસમન્ડ ટુટુ જેવાં આગેવાનોનું પણ યોગદાન છે.