દિલ્હી અને ભાગમતી સરખાં છે. અશિષ્ટ લોકો દ્વારા સતત શોષણનો શિકાર બનતા રહ્યા પછી બન્નેએ પોતાના અસલી સૌંદર્યને ઘૃણાસ્પદ કુરુપતાના આવરણમાં છુપાવી રાખવાનું શીખી લીધું છે. પોતાનું અસલી રૂપ તેઓ એની પાસે જ ખોલે છે જે એમને ચાહતું હોય.
દિલ્હી એક અજબ શહેર છે. આ શહેર જેમની નસોમાં ધબકતું અને વહેતું રહ્યું એ પ્રસિદ્ધ લેખક-પત્રકાર, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નામની નવલકથા અને શીખ ધર્મ પર સંશોધનાત્મક પુસ્તક લખનાર ખુશવંતસિંહ દિલ્હીને ઓવરસાઈઝ્ડ વિલેજ તરીકે ઓળખાવતા. એમણે ‘દિલ્હી’ નામની નવલકથા પણ લખી છે. એમાં તેઓ લખે છે, ‘આ દિલ્હી છે. જિંદગીએ બહુ તકલીફ આપી છે, ઘણુંબધું છીનવી લીધું છે એવું લાગે ત્યારે નિગમઘાટ જઈ સળગતા મૃતદેહોનું દૃશ્ય જોવું, સ્વજનોનો વિલાપ સાંભળવો અને પછી ઘેર આવી થોડા પેગ વ્હિસ્કી પીવી. ઈન દિલ્હી, ડેથ એન્ડ ડ્રીન્ક મેક લાઈફ વર્થ લિવિંગ …’
ભારતની ઉત્તરપશ્ચિમે યમુના નદીને કાંઠે વસેલું દિલ્હી, ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીથી માનવ વસવાટ ધરાવતું આવ્યું છે. સલ્તનતના ઉદય પછી દિલ્હી રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું. અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 1639માં, મોગલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી દિલ્હી મોગલ સલ્તનતની રાજધાની રહ્યું.
18મી અને 19મી સદીમાં જયારે બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર પોતાનો કબજો જમાવી લીધો હતો ત્યારે કંપનીના શાસનમાં અને બ્રિટિશ રાજમાં પહેલાં કલકત્તા રાજધાની હતું, પરંતુ પછી 1911માં જયોર્જ પાંચમાએ દિલ્હીને રાજધાની ઘોષિત કરી અને સમગ્ર કારભાર પાછો દિલ્હી ખસેડવામાં આવ્યો. 1920ના દાયકામાં જૂના શહેરની દક્ષિણે નવી રાજધાની, નવી દિલ્હી, નામે નવું શહેર બાંધવામાં આવ્યું. 1947માં જ્યારે ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી, ત્યારે નવી દિલ્હીને તેની રાજધાની તરીકે અને સમગ્ર સરકારી વહીવટ માટેના મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યું.
પૃથ્વીરાજ ચૌહાણ પછી સલ્તનત યુગ અને મુઘલ યુગ બંનેના શાસકોએ દિલ્હીને રાજધાની તરીકે માન્યતા આપી, પરંતુ મોગલ યુગના અંત પછી ભારતનું ત્યારનું વિશાળ બંગાળ જે તેના ફળદ્રુપ પ્રદેશ જાહોજલાલી માટે જાણીતું હતું અને કાચા માલ માટે અંગ્રેજો માટે ખૂબ જ ઉપયોગી હતું તેથી અંગ્રેજોએ કોલકત્તાને દેશની રજધાની બનાવી પોતાની કચેરીઓ અને કોઠીઓ સ્થાપી અને અત્યારના બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળને આવરી લેતા પ્રદેશમાં ભરપૂર શોષણ કર્યું.
દિલ્હીને રાજધાની બનાવવાની જાહેરાત 12 ડિમ્બર 1911ના રોજ થઈ હતી. આજે તો દિલ્હી સ્વતંત્ર ભારતની રાજધાની તરીકે વિકસ્યું છે. અહીંના અનેક સ્મારકો જોવા માટે અનેક વિદેશી મહેમાન આવે છે. લાલ કિલ્લાથી લઈને સંસદભવન સુધીના દિલ્હીની દરેક સ્થળ સાથે કોઈને કોઈ ઇતિહાસ જોડાયેલો છે.
દિલ્હીનો શિલાન્યાસ કિંગ જ્યોર્જ પંચમ અને ક્વિન મેરીએ કર્યો હતો. રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે દિલ્હી પંજાબ પ્રાંતનો એક તાલુકો હતું. ત્યાર બાદ જમીન-સંપાદનનો આદેશ થયો. કેટલા ય ગામની જમીન લેવામાં આવી અને રાજધાની બનાવવા માટે પંજાબના ઉપરાજ્યપાલે દિલ્હી અને વલ્લભગઢના જિલ્લાઓના 128 ગામની જમીન મેળવી. મેરઠ જિલ્લામાં 65 ગામને પણ દિલ્હીમાં ભેળવી દેવામાં આવ્યા. આ તમામ ગામ યમુના નદીની પેલે પાર હતા. ત્યાર બાદ શાહદરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો.
બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયંસ અને હર્બટ બેકરે દિલ્હીનું મોટા ભાગનું બાંધકામ કર્યું છે. પ્લાન પણ આ બંને અંગ્રેજોએ બનાવ્યો હતો. આ બન્નેએ એ પણ સલાહ આપી કે રાજધાનીમાં કોઈ પણ ઈમારત 45 ફૂટથી ઊંચી ન હોવી જોઈએ. ચારેય તરફ વૃક્ષો હોવાં જોઈએ જેથી ઉપરથી દિલ્હી હરિયાળું શહેર લાગે. પણ આજે સ્થિતિ વિપરીત છે.
દિલ્હી નગર યોજના નામની એક સમિતિ બનાવવામાં આવી હતી. જે દિલ્હીને વિકસાવવાનું કામ કરતી. જેમા લુટિયંસ પણ હતા. તેણે ઉત્તર વિસ્તારને સાંકડો, ગીચ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહીને આ જગ્યા નકારી દીધો. પછી દક્ષિણ વિસ્તારમાં યમુના નદીના કિનારે નવી જગ્યાની સલાહ આપવામાં આવી. વાઈસરોયને એ પણ પંસદ ન પડી. અંતે માચલા ગામ પાસેની જ્યાં રાયસન નામની ટેકરી હતી ત્યાં બાંધકામ શરૂ કરાયું. આજે રાયસન હિલને દિલ્હી મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે
દિલ્હીને રાજધાની બનાવવાનું એલાન ભલે 1911માં થયું હતું પણ તેનું ઉદ્દઘાટન પ્રથમ વિશ્વયુદ્ધ પછી 13 ફેબ્રુઆરી 1931ના રોજ કરવામાં આવ્યું હતું. લૉર્ડ ઈરવીનના શાસનમાં દિલ્હીનો એક રાજધાની તરીકે વિકાસ થયો. હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દુઆથી આબાદ થયેલી આ ધરતીને તેમના શિષ્ય અમિર ખુસરોએ કવ્વાલી, સૂફી
સંગીત, શાસ્ત્રીય સંગીતની ભેટ આપી. વિશ્વના સૌથી મોટા ગણતંત્ર એવા ભારતના પાટનગર સાથે ફકત ઇતિહાસ નહીં, પુરાણ પણ જોડાયેલું છે. મહાભારતના સમયથી દિલ્હીનો દબદબો હતો. ઇ.સ. પૂર્વે ૩,૫૦૦માં રાજા દહિલુએ સ્થાપેલું દિલ્હી મહાભારતકાળમાં હસ્તિનાપુર તરીકે ઓળખાતું.
સરદાર ખુશવંત સિંહે ‘દિલ્હી’ નવલકથાની શરૂઆતમાં જ લખ્યું છે, ‘વિદેશી વેશ્યાઓ સાથે સમય વેડફીને હું ફરી આવી ગયો છું દિલ્હી, મારી પ્રિયતમા ભાગમતી પાસે.’ આ ભાગમતી, ખરેખર તો એક હિજડો છે પણ તેનામાં કોઈપણ પુરુષને રીઝવવાની ભારોભાર કાબેલિયત અને ઊર્જા છે. લેખક આગળ કહે છે, ‘દિલ્હી અને ભાગમતી સરખાં છે. અશિષ્ટ લોકો દ્વારા સતત શોષણનો શિકાર બનતા રહ્યા પછી બન્નેએ પોતાના અસલી સૌંદર્યને ઘૃણાસ્પદ કુરુપતાના આવરણમાં છુપાવી રાખવાનું શીખી લીધું છે. પોતાનું અસલી રૂપ તેઓ એની પાસે જ ખોલે છે જે એમને ચાહતું હોય.’ કેટલું સચોટ વર્ણન! આ નવલકથા લખતાં ખુશવંત સિંહને 25 વર્ષ લાગ્યાં હતાં.
એમાં દિલ્હીનો ઇતિહાસ છે, પણ એ ઐતિહાસિક નવલકથા નથી, તેમ એમાં ઇતિહાસની શુષ્ક વિગતપ્રચુરતા પણ નથી. એ તો છે નવલકથા. ખુશવંતસિંહની આગવી, કલપનાશક્તિ અને કટાક્ષ-રમૂજભરેલી શૈલીમાં લખાયેલી નવલકથા. નાયક પત્રકાર છે અને ઇંગ્લૅન્ડથી આવ્યો છે. દિલ્હીની સડકો પર ફરતાં, ક્યારેક કોઈ વિદેશી મહિલાના ગાઈડ બનતાં એ સમયયાત્રીની જેમ ઘટનાઓ અને પાત્રોને મુખોમુખ થાય છે. પાત્રો પોતાની કહાણી કહેતાં આવે છે અને વાચક સામે ઇતિહાસનાં પૃષ્ઠો ખૂલતાં જાય છે. અમીર ખુસરો, નાદિરશાહ અને તૈમુર લંગ, ઔરંગઝેબ, મીર તકી મીર અને બહાદુરશાહ ઝફર. મોગલ વંશનો ઉદય અને અસ્ત, અંગ્રેજો, વિભાજન અને સ્વતંત્રતા.
ઇંદિરા ગાંધીની હત્યા પછી શીખોને જીવતા બાળી મૂકવાનાં દૃશ્યો સાથે નવલકથાનો અંત આવે છે. આખી નવલકથામાં લેખકનો દિલ્હી માટેનો અસીમ પ્રેમ અને એવી જ ઘેરી હતાશા બન્ને સતત દેખાય છે. તેઓ દિલ્હીને ‘સત્તાલોલુપોના હાથે બરબાદ થતા રહેલા શહેર’ તરીકે ઓળખાવે છે. નવલકથાના કેન્દ્રમાં ખરેખર તો દિલ્હી જ છે, જેની સાથે નાયકની લવ-હેટ રિલેશનશીપ છે. ભાગમતીમાં દિલ્હીની ભૂખ, પાગલપણું અને અનેક વિરોધાભાસ છે. ભાગમતી પુરુષ પણ છે અને સ્ત્રી પણ, અને બેમાંથી એકે નથી. એ હિંદુ પણ છે અને મુસ્લિમ પણ, અને નાયક સાથેના સંબંધ પછી થોડી શીખ પણ. એને કોઈ અપનાવતું નથી પણ એનો લાભ બધા જ લે છે.
વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંનું, વિશ્વના સૌથી વધારે ક્રાઈમ-રેટ ધરાવતા શહેરોમાંનું એક દિલ્હી 2028માં વસતીની દૃષ્ટિએ દુનિયાનું પહેલા નંબરનું શહેર બની જશે. અત્યારે દિલ્હીની વસતી લગભગ ત્રણ કરોડ છે અને તે બીજા નંબરે છે. પહેલા નંબરે ટોકિયો છે અને ત્રીજા નંબરે શાંઘાઈ.
અંતમાં યાદ કરીએ ખુશવંતસિંહના ‘દિલ્હી’ નવલકથાના શબ્દો. એમણે કહ્યું છે, ‘આપણે રહસ્યમય પૌર્વાત્યો છીએ. પુરાવા કે તર્ક સાથે આપણને ઓછી લેવાદેવા છે. આપણે એક શ્રદ્ધા ઊભી કરીને તેના પર જીવી જઈએ છીએ.’ આ વિધાનનો અર્થ અને ચોટ લાગે છે તે કરતા વધારે ઊંડાં છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ડિસેમ્બર 2021
![]()


મારી સમગ્ર શિક્ષણ યાત્રામાં કયાંક વિશ્વના સાહિત્યકારોની સાહિત્યકૃતિઓનો અભ્યાસ અનિવાર્ય બન્યો તો ક્યાંક શિક્ષક તરીકે તે શ્રેષ્ઠ કૃતિઓનો આસ્વાદ કરાવવો અનિવાર્ય બન્યો ત્યારે કેટલીક વાર્તાઓએ મારી સંવેદનાના તાર ઝણઝણાવી મુક્યા. મને તે વખતે ખબર ન હતી કે હું આવી હ્રદયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરીશ. પરંતુ અનાયાસે અવકાશ મળતાં આ વિશ્વ સાહિત્યની હૃદયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર થઇ ગયું. તેમાં 'બુદ્ધિપ્રકાશ', 'વિશ્વમાનવ', 'સમર્પણ', 'નવનીત સમર્પણ', 'નવચેતન', 'કોડિયું', 'સ્ત્રીજીવન', 'ગુજરાત સમાચાર', 'ગુજરાત મિત્ર', 'જનક્લ્યાણ', અને 'ધર્મસંદેશ' જેવાં સામાયિકો અને સમાચારપત્રોએ મારી અનુવાદિત અને રૂપાંતરિત કૃતિઓને પ્રગટ કરી મને પ્રોત્સાહિત કર્યો.
સ્નાતક અને અનુસ્નાત કક્ષાએ મારે વિશ્વના અનેક સાહિત્યકારોની કૃતિઓનો અભ્યાસ કરવાનું આવ્યું, ત્યારે દોસ્તોવ્સ્કીની નવલકથા Crime and Punishmentનો અભ્યાસ કરવાનું બન્યું હતું, તેથી તેના પ્રત્યે વધારે લગાવ હતો. અનુકૂળ સમયે તેનો અનુવાદ કરતો રહ્યો પણ મોટા ભાગની કથા અનુવાદિત કરી પછી ખબર પડી કે કોઇએ તેનો અનુવાદ કરેલો છે, અને તે કામ અધુરું રહ્યું. છેવટે ભવિષ્યમાં Crime and Punishment ઉપર પીએચ.ડી. કરવાની મહત્ત્વાકાંક્ષા જાગી. ગાઇડે ફક્ત એક જ નવલકથાને બદલે તેના સમગ્ર સાહિત્યને પસંદ કરવાની સલાહ આપતા છેવટે નિવૃત્તિના ચારેક વર્ષ પહેલાં તે કાર્ય આરંભ્યું અને હું ડૉકટર ઓફ ફિલોસોફીની પદવી લઇ શક્યો. મારી થિસીસનો વિષય હતો. An Analytical Study of the Concept of 'Sin 'and 'Crime' in Dostoyevsky's Major Works. આમ દોસ્તોએવ્સ્કીના સમગ્ર સાહિત્યનો અભ્યાસ કરી એપ્રિલ-ર૦૦૪માં થિસીસ સબમીટ કરીને ભાવનગર યુનિવર્સિટીમાંથી ડૉકટર ઓફ ફિલોસોફીની પદવી મેળવવા હું સદ્દભાગી બન્યો. આ અનુસંધાને દોસ્તોએવ્સ્કીની કથાને ન્યાય આપવા જ્યારે તક મળી ત્યારે તે લીધી. 'ભૂરી'નું રૂપાંતરિત અવતરણ તે સમયના અનુસંધાને છે.
'હરિયા, તું તે નહિ સમજી શકે. હું તો મારી ભૂરી વિષે વિચારતો હતો. કોઈ મારી ભૂરી વિષે સમાચાર લાવી આપશે તો હું ખૂબ રાજી થઈશ. તે ક્યાં હશે ? તેની કોણ દરકાર લેતું હશે ?'