સંસ્કૃત કાવ્યમીમાંસા રસ-કેન્દ્રે વિકસેલી છે. પશ્ચિમમાં ઍરિસ્ટોટલ-પ્રણીત સાહિત્યમીમાંસા અનુકરણ-કેન્દ્રે વિકસેલી છે.
વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ-ના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. ભરત મુનિએ આપેલું એ રસસૂત્ર એવું જ કેન્દ્ર છે – રસસૂત્ર મૂળે ભલે માત્ર નાટ્યરસને વિશે હતું. અનુકરણ – માયમેસિસ – ઍરિસ્ટોટલપ્રણીત માયમેટિક થીયરિનું – અનુકરણશીલ સાહિત્યવિચારનું – કેન્દ્ર છે. મૂળે એ ભલે માત્ર ટ્રેજેડી સંદર્ભે હતું.
બન્ને મીમાંસા અનુકરણશીલ છે – માયમેટિક. અનુભવ-વાદી અને ભોગ-લક્ષી. બન્નેની વિચાર-વિભાવ ત્રિજ્યાઓ વિસ્તરેલી છે.
સાહિત્યકલામીમાંસાની આ બન્ને પરમ્પરાઓને હું મૅટા-નૅરેટિવ્ઝ ગણીને ચાલું છું – સાહિત્યકલાજગતનાં ચિરકાળથી ચાલ્યાં આવેલાં મહા-વૃત્તાન્ત.
એકને રસવાદ અને બીજાને અનુકરણવાદ કહી શકાય. જો કે ફાસિઝમ, ફન્ડામૅન્ટાલિઝમ કે કૅપિટાલિઝમ જેવાં મૅટા-નૅરેટિવ્ઝની હોડે હોડે ગાંધી-ઇઝમ કે ગાંધી-વાદ કહેવું ન રુચે તેમ આ બન્નેને રસ-ઇઝમ કે રસ-વાદ અને અનુકરણ-ઇઝમ કે અનુકરણ-વાદ કહેવાનું પણ ન જ રુચે … છતાં કામચલાઉ ધોરણે ભલે કહીએ.
બન્ને નૅરેટિવ્ઝ મૅટા લાગે તેનાં કારણો છે : રસવાદ અને અનુકરણવાદ ભવ્યાતિભવ્ય અને સુવ્યાપ્ત ભાસ્યાં છે. બન્ને ગ્લોબલ છે. પહેલું ભારતવ્યાપી છે અને બીજું જગવ્યાપી છે. વ્યાપ્તિની આ વાતને હાલ રસવાદ પૂરતી સીમિત રાખું :
સંસ્કૃત કાવ્યમીમાંસામાં પ્રવર્તેલા લગભગ બધા સમ્પ્રદાયોએ રસ તત્ત્વની સર્વોપરીતા સ્વીકારી છે.
કાવ્યના ગુણ-દોષની ચર્ચા માટે જાણીતા આલંકારિક ભામહ (૬ઠ્ઠી સદી) રસની અભિ વ્યંજના-ની મનોહરતાને અલંકારના આકર્ષણથી ચડિયાતી ગણે છે.
આનન્દવર્ધન (૯મી સદી) વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ સમા સંવિભાગો દર્શાવે છે ખરા, એ પ્રકારે રસવાદની સીમાઓને વિસ્તારે છે ખરા, પણ શ્રેષ્ઠ તો રસધ્વનિ-ને જ ગણે છે.
પોતાના ગ્રન્થને ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ નામ આપતા આલંકારિક ઉદ્ભટ (૯ મી સદી) બધા અલંકારોની પોતાની રીતે વ્યાખ્યાઓ કરે છે ખરા, પણ સ્થાયીના રસમાં થનારા રૂપાન્તરના મુદ્દાને નથી ભૂલતા. છોગામાં, જે રચનામાં શૃંગાર વગેરે રસનો ઉદય સ્પષ્ટ હોય તેને તેઓએ ‘રસ’વત્ અલંકારનું બિરુદ આપ્યું છે.
વક્રોક્તિ-ને સાહિત્યકલાનું ‘જીવતમ્’ લેખ્યા પછી પણ કુન્તક (૧૧મી સદી) દર્શાવે છે કે તે જીવિત ખરું પણ ‘રસ’સિધ્ધ કાવ્યનું જીવિત.
વાક્ય લગી પહોંચી ગયેલા વિશ્વનાથ (૧૪મી સદી) તેને ‘રસાત્મકમ્’ ગણ્યા પછી જ કહે છે કે તે કાવ્ય છે.
રમણીયાર્થ-નું પ્રતિપાદન કરી આપતા શબ્દને કાવ્ય ગણનારા જગન્નાથે (૧૭મી સદી) પણ રસનો અસ્વીકાર નથી કર્યો : બીજાઓ જેને ચર્વણા કહે છે તેને જગન્નાથ પુન:પુન: અનુધાવન કહે છે, પણ જેનું અનુધાવન કરવા કહે છે, તે તો ‘રસ’ છે.
ગુજરાતી સહિતની બધી જ ભારતીય ભાષાઓમાં રચાયેલા સાહિત્યવિચારની મૂળ ભૂમિકા અર્વાચીન સમયોથી માંડીને આજ સુધી રસવાદની રહી છે.
++
બન્ને મીમાંસા મહદંશે ઑર્ડર – વ્યવસ્થા – પરક, અને ટોટલાઇઝિન્ગ – સર્વસમાવેશી અને સર્વહારા – લાગ્યાં છે.
બન્નેનું ફિલોસૉફિકલ મૉડેલ – ચિન્તનપરક વિચારનિદર્શન – દેહ અને આત્માનું છે. એ પણ એટલું જ સાર્વત્રિક છે.
તેથી બન્નેમાં શરીર અને જીવ, દેહ અને આત્મા, જેવાં રૂપકો સાથે જોડાયેલી પરિભાષા પ્રયોજાઇ છે – ઑર્ગેનિઝ્સ્મીક મૅટાફોરિકલ વૉકેબ્યુલરી : રસવાદ કાવ્યશરીર અને આત્માસ્વરૂપ રસને ચિન્તવે છે. વળી, રસ-ભોગ અને આનન્દ-સમાધિ બન્નેની વાત કરે છે. અનુકરણવાદ ઑર્ગેનિક હોલને – સાવયવ અખણ્ડતાને – આગળ કરે છે. વળી, કૅથાર્સિસ, વિરેચક વિશોધન, અને તેથી લાધતા મનો-સ્વાસ્થ્યની વાત કરે છે.

Pic courtesy : SlideShare.
સાહિત્યકલાને વિશેના માનવીય જ્ઞાનરાશિમાં જમાનાઓથી બન્નેની અકાટ્ય ભૂમિકા રહી છે. કહો કે સાહિત્ય-જ્ઞાનપરક કોઇ પણ મુદ્દાનું આકલન અને તેનો બુધ્ધિગમ્ય ખુલાસો બન્ને પાસેથી લગભગ હમેશાં મળે એવી એમાં સમ્પૂર્ણતા અને સનાતનતા છે.
સવાલ : રસવાદ અને અનુકરણવાદનું આ ચિરકાલીન વર્ચસ્ વિચારણીય નથી? દેહ અને આત્મા જેવી રૂઢ ફિલસૂફીઓના આધારે ક્યાં લગી વિચારીશું? ક્યાં લગી, નવલકથાને જન્મી, વિકસી ને મરી, કહ્યા કરીશું? ભોગ અને સમાધિ જેવાં ઑપોઝિશન્સમાં ક્યાં લગી આવ-જા કર્યા કરીશું? બન્ને મૅટાનૅરેટિવ્ઝથી મુક્ત થઇને કશા માઇક્રો-નૅરેટિવને વિચારવાનો સમય ક્યારનો ય પાકી ગયો નથી?
અનુ-આધુનિક ઝંખના એમ છે કે આવી ટેવજડ પરિસ્થતિનું નિરસન થાય, તેમને ઇરેઝર હેઠળ મુકાય – એટલે કે, તેમને ન-નિવાર્ય છતાં અ-પર્યાપ્ત ગણાય; તેમને નવ્ય સંદર્ભો સાથે / સામે મૂકીને જોવાય. અનુ-આધુનિક દર્શન એમ કહે છે કે તેમનાં વિઘટનપરક – ડિકન્સ્ટ્રકશનલ – અધ્યયનો મંડાય. વિચારક જીવો નૅરેટિવ્ઝ રચે.
નૅરેટિવ એટલે ‘વૃત્તાન્ત’. કેમ કે આવી રૂઢ અને ભવ્યાતિભવ્ય ફિલસૂફીઓના શ્રધ્ધાપૂર્વકનાં અનુસરણો કે ભક્તિભાવભર્યાં અનુકરણો, ઘણીવાર તો તારસ્વરે, એવો જે અર્થ-ભાવ મૅટા-નૅરેટિવ્ઝથી સૂચવાતો રહ્યો છે, તે, ‘વૃત્તાન્ત’-માં નથી.
‘વૃતાન્ત’-નો એક અર્થ, કીર્તન છે. કીર્તનમ્ એટલે જીવનનું સ્તોત્ર, ગાન. કીર્તનમાં અનુસરણ અને અનુકરણનો ભાવ છે. પણ તે જીવનોપયોગી આદર્શોને તાકે છે, ઉચ્ચાશયી અભિવ્યક્તિ અને ઊર્ધ્વગામી આશા-અપેક્ષાની ચિન્તા કરે છે.
આ સમય છે, નવ્ય વૃતાન્તોનો.
જાતને પૂછીએ કે ‘મહા’-થી ‘નવ્ય’-માં દાખલ થવાની મનીષા જાગી છે કે કેમ. નથી જાગી કે નથી જાગતી, તો એવું કેમ છે?
= = =
(April 7, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


એ સાચું છે કે શિક્ષણ મંત્રી તરીકે તમને વધુ સમય ન મળ્યો હોય ને જવાબદારીઓ વધુ હોય તો બોલવામાં વિવેક ન રહે, પણ ગરિમા જાળવવાનું તો મંત્રી પાસેથી અપેક્ષિત છે ને જો તે શિક્ષણ મંત્રી હોય તો સ્વાભાવિક જ અપેક્ષા વધુ રહે. તમે સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16નાં નવનિર્માણ પામેલ મકાનનું લોકાર્પણ કરવા રાજકોટ ગયા ત્યારે વાલીઓને સંબોધતા એમ કહ્યું કે જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતાં રહે. તમે એમ પણ કહ્યું કે અહીં જન્મ્યા, અહીં ધંધો કર્યો, અહીં ભણ્યા ને હવે બીજે સારું લાગતું હોય તો ત્યાં જતાં રહો. આ બધું તમે પત્રકારોની હાજરીમાં કહ્યું. સાધારણ રીતે જે પ્રસંગમાં આપણે જઈએ ને જેના પ્રસંગમાં જઈએ એ પ્રસંગ ન બગડે એટલી કાળજી રાખતા હોઈએ છીએ. આ પ્રસંગ લોકાર્પણનો હતો. એમાં વાલીઓએ કોઈ પ્રશ્નો પૂછ્યા નથી કે કોઈ હોબાળો કર્યો નથી, ત્યાં કારણ વગર વિવેક ચૂકવાની જરૂર હતી?
જોસેફ મેકવાન દલિત સાહિત્યના એક જબ્બરદસ્ત લેખક. એમનો સગો ભત્રીજો મનીષ મેકવાન લેખક અને ધુરંધર પત્રકાર પણ કોરોનાનો કોળિયો થઈ ગયો. એ કહેતો : “પત્રકારની કલમ તો તેજાબમાં ઝબોળેલી જ હોવી જોઈએ. જો તમે એવું ના લખી શકો તો કરિયાણાંની દુકાન ખોલીને બેસી જવું જોઈએ!” પણ સરકારની મહેરબાનીમાં રાચતા મીડિયા માલિકો એને જીરવી ન શક્યા. એ નોકરીઓ બદલતો રહ્યો પણ વ્યવસાયના સિદ્ધાંત સાથે સમાધાન ન કરી શક્યો. સિત્તેર ટકા અખબારો અને નેવું ટકા ન્યુઝ ચેનલો જાણે સરકારી માધ્યમો હોય એવો મસાલો પીરસી રહ્યાં છે.
મારિયા રેસા ફિલીપાઈન્સની આ મહિલા અખબારનવીશને માનવધર્મ આચરતા રહીને સંશોધન માટે અમેરિકાની કુલબ્રાઈટ સ્કૉલરશીપ મળી એ પ્રેસિડેન્ટ ડયુટર્ટ રેપલરના ભ્રષ્ટાચાર સામે સતત લડતી રહી. પ્રમુખના કૉન્ફલીકટ ઓફ ઈન્ટરેસ્ટ (હોદ્દાનો અપ્રમાણિક લાભ) એ મારિયાનો એક પત્રકાર તરીકેનો મુખ્ય મુદ્દો રહ્યો એની સામે સરકારે બદનક્ષીનો કેસ કર્યો અને જેલ ભેગી કરી. અત્યારે જામીન પર છે.
એવો જ બીજો રશિયાનો ભડવીર પત્રકાર ડિમિટ્રી મુરાટોવ સરમુખત્યાર સામ્યવાદી સરકાર સામેની ગેરરીતિઓ સામે અને ખાસ તો પ્રેસિડેન્ટ પુટિનનો કટ્ટર વિરોધી બનીને અખબારોમાં લખતો રહીને શાંતિનું નોબેલ પારિતોષિક જીતી ગયો. એ પહેલાં રશિયામાં એના જેવા છ પત્રકારોનાં ખૂન થયેલાં. મુરાટોવે પોતાનો પુરસ્કાર આ શહીદ પત્રકારોને અર્પણ કરીને કહ્યું કે, “ભાષા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની એની લડાઈ ચાલુ જ રહેશે.” આમ 86 વરસ પછી પ્રથમવાર નિર્ભિક પત્રકારત્વને વિશ્વનું સૌથી મોટું નોબેલ પ્રાઈઝથી નવાજવામાં આવ્યું.