સ્ત્રી સશક્તિકરણ :
એ સાચું છે કે જન્મતાંની સાથે જ બાળકને, પોતાનું નામ મળે કે ન મળે, પણ પિતાનું નામ તો મળી જ જાય છે. સંતાનનું નામ મોડું વહેલું પડે, પણ પિતાનું નામ તો તરત જ વળગી જાય છે. જન્મ વખતે માતાનું નામ પણ નોંધાતું હશે, પણ પછી એ નામ ગૌણ થતું જાય છે ને સંતાન સાથે પિતાનું નામ જ બધે લેવાતું-પુછાતું રહે છે. એમાં જો છોકરી હોય તો લગ્ન સુધી તેની પાછળ પિતાનું નામ લાગે છે, પણ જેવી તે પરણે છે કે પિતાનું નામ ને અટક બંને ખસે છે ને તેને સ્થાને પતિનું નામ તથા તેની અટક તેનાં નામની પાછળ આવીને ગોઠવાઈ જાય છે. આ બધું પરંપરાગત રીતે ચાલ્યું આવે છે. એ ખરું કે પુત્રની સાથે પિતાનું નામ છેવટ સુધી જોડાયેલું રહે છે. કેટલાક કિસ્સાઓમાં પુત્ર પોતાનું નામ બદલે છે, પણ પિતાનું નામ છોડતો નથી. એવું પણ બને છે કે પુત્ર, પિતાનું નામ ચોક્કસ સ્ટેટસમાં ન મૂકતો હોય, પણ જ્યાં પણ માહિતી આપવાની ફરજ પુત્રને પડે છે, પિતાનું નામ જ દેવાય-લેવાય છે. એવું પુત્રીની બાબતમાં નથી. તે પરણે ત્યાં સુધી પિતાનું નામ ચાલે છે ને તે પછી તેની ઓળખ પતિનાં નામ સાથે જોડાવાથી બદલાય છે. પરણતાંની સાથે તેનું સરનામું તો બદલાય જ છે, તેની ઓળખ પણ બદલાય છે. તે પિતાની પુત્રી હતી, લગ્ન પછી તે પતિની પત્ની બની રહે છે.
એક સમય સુધી આ કશા વિરોધ વગર ચાલ્યું. ઘણા વખત સુધી એમ પણ મનાતું રહ્યું કે લગ્ન પહેલાં છોકરી પર પિતાનો હક હતો ને લગ્ન પછી પત્નીની માલિકી પતિની થતી હતી. મોટે ભાગની સ્ત્રીઓ એમ જ માનતી હોય છે કે લગ્ન થતાં તે પિતાનો ખૂંટો છોડીને પતિને બારણે બંધાય છે ને મરે ત્યાં સુધી તેણે એ બારણું જ શોભાવતાં રહેવાનું છે. પણ, પછી સ્ત્રીઓ શિક્ષિત થઈ. તેને હકનું ભાન થયું ને સમજાયું કે તે પતિની ગુલામી કરવા જ જાણે પિયર છોડીને સાસરે આવી છે. તેણે ખાવાપીવાનાં ને કપડાંલત્તાનાં બદલામાં પતિની ને સાસરાની જવાબદારી ઉપાડવાની છે ને સંતાનો ઉછેરવામાં આયખું ખુટાડવાનું છે. દેખીતું છે કે શિક્ષિત સ્ત્રીઓને આ બધું મંજૂર ન હોય. પિયરમાં પિતાને નામે ને સાસરામાં પતિને નામે જ ઓળખાવાનું હોય તો આખી જિંદગીમાં પોતાની કોઈ ઓળખ, પોતાનું કોઈ અસ્તિત્વ ખરું કે કેમ? એ પ્રશ્ન ઘણી સ્ત્રીઓને મૂંઝવતો હોય છે. પોતે શિક્ષિત હોય, નોકરી કે ધંધો કરતી હોય, કોઈ સંસ્થાનું સંચાલન કરતી હોય ને પોતાની ઓળખ માત્ર પિતા કે પતિ પર જ નિર્ભર હોય તે તો કેમ ચાલે? મહિલાઓ પોતાનાં અધિકારો બાબતે સભાન થઈ અને તેણે પિતા તરફથી મળેલી ઓળખને લગ્ન પછી પણ ચાલુ રાખવાનું સ્વીકાર્યું. પતિનું નામ કે તેની અટક તો તેણે ચલાવી લીધી, પણ પિતાની અટક પણ તેણે પતિની અટક સાથે વધારાની જોડી. ટૂંકમાં, તે પિતાની ને પતિની અટકથી ઓળખાવા લાગી. આ ફેરફાર નાનો છે, પણ મહત્ત્વનો છે. તેણે પિયરને વિસારે પાડ્યું નથી એ વાતની એમાં સ્વીકૃતિ છે.
આજે જો કે, પરિસ્થિતિ બદલાઈ છે છતાં હજી ક્યાંક એ બને જ છે. પિયર કે સાસરા પક્ષની સમજ એ રહી છે કે લગ્ન પછી કન્યાનો નવો જન્મ થાય છે એટલે તેણે પિતાનું નામ, પિતાનું ઘર, પિતાની અટક એમ બધું જ છોડવાનું છે ને જેનો ખાસ પરિચય નથી એ પતિની અટક, એનું નામ સ્વીકારવાનું છે. આમાં એની મરજી અતિશય ગૌણ બની રહે છે. કેટલાક સમાજમાં તો એવું પણ હતું ને હશે પણ, કે પત્નીનું નામ પણ બદલી કાઢવામાં આવતું. પત્નીનું પરણવા સુધીનું જે નામ હતું, જે નામે તે વર્ષો સુધી ઓળખાઈ, તે નામ પતિ ભૂંસી નાખતો ને તેનાં પર નવું નામ લખી દેતો. જાણે એ પત્ની નથી, પણ કોઈ સ્લેટ છે ને પતિ તેનાં પર લખેલું ભૂંસી કાઢે છે ને એના પર પોતાને ગમે છે તે નામ લખી દે છે. એનો વિરોધ થઈ શકતો નથી. એ નામ પછી ભૂંસાતું નથી. વ્યક્તિ ભૂંસાઈ જાય, પણ નામ તો એ જ રહે છે. કેવું છે આ? જે નામે પરિણીતા 20-22 વર્ષ સુધી ઓળખાઈ, એ નામે ભણી, સર્ટિફિકેટ મેળવ્યાં, નોકરી મેળવી, મિત્રોમાં બોલાવાઈ, કુટુંબે બોલાવી, તે મંગળફેરા ફરવા માત્રથી નામશેષ થઈ જાય? આ ઠીક છે?
એનો જ પડઘો શિક્ષિત મહિલા સમાજે એવો પાડ્યો કે હવે પતિના નામની સાથે તે પિયરની અટક પણ જોડશે ને નામ તો તેનું અપવાદરૂપે જ બદલાશે. હવે એવું બને તો નવાઈ નહીં કે કોઈ પત્ની મંડપમાં પતિનું નામ બદલવાનો આગ્રહ રાખે. પતિ જો પત્નીનું નામ બદલી શક્તો હોય તો પત્ની શું કામ ન બદલે? સમાન અધિકાર કોને કહ્યો છે ! અત્યાર સુધી તો પત્નીએ પતિનું નામ બદલ્યું નથી, તેનો અર્થ એવો નહીં જ કે બદલાય જ નહીં ! આગળ જતાં એવું બને કે પતિની સાથે જ તે પિતાનું નામ પણ લે, પણ ત્યાં કદાચ એ ગરબડ થાય કે બેમાંથી પિતાનું કે પતિનું નામ કયું એ ન સમજાય. એટલે જ કદાચ પતિની સાથે પિતાનું નામ લેવાતું નથી. કેટલીક સ્ત્રીઓ પતિનું નામ પણ જરૂર પૂરતું જ સાથે રાખે છે, બાકી, પોતાનાં નામની સાથે હવે પિતાની કે પતિની અટકથી જ તે કામ કાઢી લે છે.
પત્ની થયા પછી, તેનું નામ તેની અટક વગેરે કાયદેસર રીતે બદલવામાં ઘણી વિધિઓ કાયદાકીય રીતે કરવાની આવે છે. તેનાં પ્રમાણપત્રો, તેની નોકરી વગેરેમાં તો તેનું પિયરનું નામ જ ચાલતું હોય છે. એ નામ બદલીને નવું નામ ને અટક વિધિવત રીતે દફ્તરોમાં નોંધાવવાનું કામ સહેલું નથી. ઘણી વાર તો એ લગ્ન કરાવનાર બ્રાહ્મણથી માંડીને અન્ય તંત્રો સુધી વિસ્તરે છે ને એમાં ઠીક ઠીક સમય, શક્તિ ને સંપત્તિ ખર્ચાય છે. આટલી મહેનત પછી જો લગ્ન ના ટક્યાં ને વાત છૂટાંછેડા સુધી પહોંચી તો મુશ્કેલીઓનો પાર નથી રહેતો. પતિએ આપેલાં નામ, અટક વગેરે ફરી વસ્ત્રોની જેમ ઉતારવાનો વારો આવે છે. જ્યાં પતિ જ પોતાનો નથી રહેતો ત્યાં તેનાં નામઠામ રાખીને શું કરવાનું? સાસરું તો છૂટે જ છે. એવે વખતે પતિનાં નામ કે અટક ઘણી સ્ત્રીઓ ચાલુ રાખતી નથી. કેટલીક સ્ત્રીઓ છૂટાછેડા પછી નામ નથી પણ બદલતી. અટક પણ પતિની જ ચાલુ રાખે છે. જો એ અટક કે નામનો દુરુપયોગ ન થાય તો કાયદો પણ એટલી છૂટ આપે છે ને નામ બદલ્યાં વગર ડિવોર્સી સ્ત્રી પોતાની રીતે રહી શકે છે. જો કે, કેટલીક સ્વમાની સ્ત્રીઓ જેમ પતિની ચીજવસ્તુઓ પાસે નથી રાખતી, તેમ જ પતિએ આપેલાં નામ કે અટક પણ સાથે નથી રાખતી. તેની મુશ્કેલી એ છે કે પતિનું નામ તે રાખી નથી શકતી કે નથી તો પતિને ઘરે રહી શકતી. વારુ, પિયર તો છૂટી જ ગયું છે, ત્યાં તો તેની જગ્યા જ નથી રહી. તે બહુ બહુ તો મહેમાન હતી, તે હવે પુત્રી તરીકે પાછી ફરી શકે એવું વાતાવરણ જ નથી. તેની જગ્યાઓ બીજી વ્યક્તિઓ વડે ભરાઈ ગઈ છે. પિયરે તેનાં વગર જીવવાનું શીખી લીધું છે, ત્યાં તે સાસરાથી ત્યજાઈ હોવાને લઈને પાછી ફરે તો પણ એ સ્થાન તેને મળે એમ નથી જે લગ્ન પહેલાં હતું. બલકે, પિયરમાં તેનું રહેવું સ્વમાનને ભોગે જ શક્ય છે. એવામાં તે પિયરનું નામ કે અટક રાખી પિયરની થવા મથે તો પણ ત્યાં તેનો સમાસ અપવાદરૂપે જ શક્ય છે. કેટલાંક કુટુંબો પાછી આવેલી સ્ત્રીને રાખે પણ છે, પણ ત્યાં તે પૂર્વવત જીવન જીવી શકે એ ગૌરવ જ બચતું નથી. એમાં જો બાળક હોય તો મુશ્કેલી ઓર વધે છે. એ વાતે તેને ફરી પરણવામાં પણ મુશ્કેલી પડે છે. તે આર્થિક રીતે પગભર હોય તો સ્વતંત્ર રીતે જીવી શકે છે કે બાળકને પણ રાખવામાં તેને બહુ વાંધો આવતો નથી, પણ જ્યાં એવું નથી ત્યાં ન તો તે સાસરે રહી શકે છે કે ન તો પિયરમાં તેની જગ્યા થાય છે ને હાલત ન ઘરની, ન ઘાટની, જેવી થાય છે.
આમાંથી ઉગરવાનું તો જ શક્ય છે જો તે આર્થિક રીતે પગભર હોય. સ્ત્રી આત્મનિર્ભર ન થાય ત્યાં સુધી તે પિયરમાં કે સાસરામાં ગમે ત્યારે પરાઈ કરી દેવાય એમ બને. કરુણતા એ છે કે શક્તિ હોવા છતાં, તે પિયર અને સાસરાએ આપેલ નામોની પાછળ એવી ઢંકાઈ જાય છે કે પોતાનો સાચો ચહેરો જગતમાં ભાગ્યે જ પહોંચે છે, એટલું જ નહીં, તેનો નકલી ચહેરો જ તેનું અસલી રૂપ હોય તેમ જીવવા કે મરવા તે વિવશ બની જાય છે. આ સ્થિતિ બદલાવી જોઈએ.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


હા! ડો. ચેન્ના રાજુ સપનાંનો સોદાગર છે. જાતે તો સપનાં જુએ જ છે, પણ વહેંચે પણ છે. બન્ગલુરૂથી દિલ્હી જતી ફ્લાઈટમાં ચેન્ના સપનામાં ખોવાઈ ગયો છે. એ સપનાં શી રીતે શરૂ થયાં – તેની વારંવાર આવતી યાદ તેને અત્યારે પણ એટલી જ તાજી છે. એનાં સપનાંઓની શરૂઆત બન્ગલુરૂની નજીક આવેલા અરેહલ્લી ગામની નિશાળમાં મજૂરીનું કામ કરતાં થઈ હતી – ઉઘાડી આંખનાં સપનાં.



દેશવાસીઓ ગૌરવ લઈ શકે તેવું પુલિત્ઝર સન્માન આ વખતે ભારતના ચાર ફોટોગ્રાફરોને મળ્યું છે. પુલિત્ઝર પ્રતિષ્ઠિત સન્માન છે અને ફોટોજર્નાલિઝમ ક્ષેત્રે આ સન્માન મૂઠી ઊંચેરું છે. તેમાં એક નામ ગુજરાતના અમિત દવેનું પણ છે. અન્ય ત્રણ ફોટોગ્રાફરોમાં દાનિશ સિદ્દીકી, અદનાન આબિદી અને સન્ના અર્શાદ મટ્ટૂ છે. વિશ્વભરમાં થતી ન્યૂઝ ફોટોગ્રાફીની સ્પર્ધામાં ભારતીય ફોટોગ્રાફરોની પસંદગી થાય તે આનંદની વાત છે. આ ચારે ય ફોટોગ્રાફરોને ફિચર કેટેગરીમાં સન્માન મળ્યું છે. તેમણે કોવિડ મહામારી દરમિયાન દેશમાં સર્જાયેલી કટોકટીને તસવીરમાં કેદ કરી છે અને તે તસવીરો આજે પણ મહામારીનો ખોફ દર્શાવે છે.
પુલિત્ઝર સન્માન પત્રકારત્વ ક્ષેત્ર ઉપરાંત સંગીત અને જુદીજુદી લેખન કેટેગરીમાં પણ આપવામાં આવે છે. છેલ્લાં સો વર્ષથી આ સન્માન વિશ્વભરની પ્રતિભાને સન્માને છે અને તે પણ કોઈ વિવાદ વિના. પુલિત્ઝર સન્માનને લઈને એક સદી જેટલા સમયમાં વિવાદોની સંખ્યા નજીવી રહી છે. આજે પણ આ સન્માનની શાખ અકબંધ છે. જે ભારતીય ફોટોગ્રાફરોને આ એવોર્ડ માટે પસંદગી થઈ છે તે તમામ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ માટે કાર્યરત છે. તેમાંથી દાનિશ સિદ્દીકી આજે હયાત નથી. અફઘાનિસ્તાનમાં જુલાઈ, 2021માં ફોટોગ્રાફી કરતી વખતે જ તેમનું અવસાન થયું. અફઘાન સુરક્ષા બળ અને તાલિબાનો વચ્ચે આમને સામને ગોળીબાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યારે દાનિશને એકથી વધુ ગોળીઓ વાગી અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા. વિદાય લેતાં પહેલાં 38 વર્ષીય દાનિશ સિદ્દીકી વિશ્વભરમાં નોંધ લેવાય તેવી ફોટોગ્રાફી કરી છે.
આ સિરીઝની બીજી એક તસવીર નવી દિલ્હીની છે. તે પણ સ્મશાનની તસવીર છે. અદનાન આબિદીએ આ તસવીર લીધી છે. અદનાન મૂળ દિલ્હીના છે, પણ તેમણે રોઇટર્સ વતી નેપાળ ભૂકંપ, ભારતીય વિમાનનું કંદહાર અપહરણ, 2004ની સુનામી અને કાશ્મીર ભૂકંપમાં નોંધનીય કામ કર્યું છે. અદનાને કોરાના દરમિયાન પણ આપણી આસપાસ પ્રસરેલા ડર અને મજબૂરીને પોતાના તસવીરમાં કેદ કરી છે. દિલ્હીના સ્મશાનની આ તસવીરમાં કોવિડથી મૃત્યુ પામેલી એક વ્યક્તિનો અગ્નિસંસ્કાર અર્થે મૃતદેહ છે. આ મૃતદેહની આસપાસ કોઈ નજર આવી રહ્યું નથી. બસ, તેની પાછળ સ્મશાનમાં પ્રગટી રહેલી ચિતાઓ દેખાય છે. આબિદના આ ફોટો જોઈને આપણે અનુભવેલી કોરોનાની કરુણાંતિકા સ્મૃતિમાં દસ્તક દે છે.






પુલિત્ઝર સન્માનમાં અદનાન આબિદી અને સિદ્દીકી સાથે કાશ્મીરની એક મહિલા ફોટોગ્રાફર સન્ના ઇરશાદ મટ્ટૂનું નામ પણ છે. સન્નાની એક તસવીર રસીકરણ કાર્યક્રમની છે. આ કાર્યક્રમ કાશ્મીરની ઘાટીઓમાં કેવી રીતે થયો તે બયાન કરે છે, જેમાં પાછળ દુર્ગમ પહાડીઓ વચ્ચે પણ હેલ્થકેર વર્કર્સ રસીકરણ કરી છે. આ રીતે કોવિડમાં તાવનાં લક્ષણો તપાસવા અર્થે ‘ગનકલ્ચર’ વિકસ્યું હતું. જ્યાં જઈએ ત્યાં તમારાં કપાળ કે હાથ પર ગન મૂકી દેવામાં આવે. અમદાવાદની થોડે અંતરે આવેલા કવેઠા ગામમાં આવી રીતે જ હેલ્થકેર વર્કરે એક બહેનના કપાળે ગન મૂકી છે અને તે તસવીર અમિત દવેએ લીધી છે. આ તસવીરની ખૂબી તેની પાછળનું દૃશ્ય છે અને તેનાથી ઉપસતો કોરોનાકાળનો માહોલ છે. આ તસવીર કોવિડ મહામારીની લાક્ષણિકતાને ઝડપથી રૂબરૂ કરાવે છે. આ તસીવરે અમિત દવેને પુલિત્ઝરના સન્માન મેળવનારાંઓની ટીમમાં જગ્યા અપાવી.