બરાબર રવિવારના સાંજના પાંચ વાગવામાં છે ત્યારે સૂરસંવાદ વિશે આટલું ….
“નમસ્કાર, સૂરસંવાદમાં આરાધના ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે … આજે છે રવિવારે તારીખ”….. અવાજમાં સ્મિત છલકાવી આ વાક્ય બોલવાનો આજે છેલ્લો અવસર છે. શેક્સપીયરના જુલિયસ સીઝર નાટકના એન્ટની કહે છે – ફ્રેન્ડઝ, રોમન્સ, કન્ટ્રી મેન, લેન્ડ મી યોર ઈયર્સ, તેમ હું પણ દર અઠવાડિયે કહું છું ‘ફ્રેન્ડઝ, ગુજરાતીઝ, ઇન્ડિયન્સ, લેન્ડ મી યોર ઈયર્સ.

૧૫ વર્ષ પહેલાં આ યાત્રા શરૂ થઇ ત્યારે કલ્પના નહોતી કે આટલો લાંબો સમય એ ચાલશે અને એમાં આટલા બધા સહયાત્રીઓનો સંગ મળશે. એટલે સૌ પ્રથમ તો તમારો, અને મારા રેડિયોના સહયોગીઓ – પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, તમે જેમનો અવાજ દર અઠવાડિયે સમાચાર વાંચતા સાંભળો છો – એ હેમલ જોશી, મારી સાથે રેડિયો શરૂ થતાંની સાથે જોડાનાર ઝરમર પંડ્યા, અવારનવા તમને રેડિયો પર મળતા પણ મારી સાથે સતત સંપર્કમાં રહેતા અને રેડિયો વિષયક ચર્ચાઓ કરતા પાર્થ નાણાવટી, દર અઠવાડિયે તમે રેડિયોના ફેસબૂક પેજ પર જે સુંદર કાવ્યો વાંચો છે એનું ચયન કરીને કોઇપણ જોડણીદોષ ન રહે એ રીતે એને ટાઈપ કરીને તૈયાર કરતા અને એમના વાંચનના વિસ્તારનો લાભ આપીને સાહિત્યિક સેગ્મેન્ટ પ્રસ્તુત કરતા ભાવિન રાવળ તેમ જ ક્રિકેટ વિષે જે ખૂબ ઊંડાણથી વિચારે છે અને એ રમતને સમજે છે એવા ક્રિકેટ સમીક્ષક દીપક શાહ જે પોતાના વ્યસ્ત વ્યવસાયિક શીડ્યુલમાંથી સમય કાઢીને રેડિયો પર પરિપક્વ ક્રિકેટ સમીક્ષા કરતા આવ્યા છે. એ ઉપરાંત આજે past contributersને પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું – કેરસી મેહેર હોમજી, ડો ચૈતન્ય બુચ, જેલમ અને હાર્દિક વછરાજાની અને ભદ્રાયુ વછરાજાની. આ સૌએ પોતપોતાનાં વાણી-વિચારથી રેડિયોને સમૃદ્ધ કર્યો. સૌનો હૃદયથી આભાર માનું છું. સૂરસંવાદના સહયોગીઓનો એક પરિવાર આપોઆપ રચાઈ ગયો, અમે સાથે મળીને ખૂબ આનંદ પણ કર્યો. અઢળક સ્મૃતિઓ છે.
રેડિયો ૧૫ વર્ષની મજલ કાપી ચૂક્યો છે ત્યારે એને વિરામ આપવાનો નિર્ણય કેમ? એ નિર્ણય આમ જોવા જઈએ તો સરળ નહોતો. પણ બીજી રીતે જોઈએ તો એક વખત એ મુકામ પર પહોંચી પછી એમાં ફેરવિચારણા કરવાની કે મન ડગી જવાની ક્ષણો આવી નથી. એનું કારણ કદાચ એ છે કે છેલ્લાં ૨ વર્ષના જાત સાથેના સવાલ-જવાબ પછી આ નિર્ણય પર પહોંચાયું છે. જે પ્રવૃત્તિ આપણી અસ્મિતા બની હોય, જે પ્રવૃત્તિ જ આપણી જીવનશૈલી હોય એનાથી અળગા થવું કેટલું સહેલું કે અઘરું છે? બે વર્ષના આ મનોમંથને મને એક સત્ય સમજાવ્યું છે કે જેટલી હિંમત અને જેટલું મનોબળ કોઈક પ્રકલ્પ શરૂ કરવા માટે જોઈએ છે, એટલું જ અથવા એનાથી વધુ શક્તિ એનાથી અળગા થવામાં જરૂરી છે.
સમય સાથે સમૂહમાધ્યમોનો વપરાશ કરવાની આપણી રીતો બદલાઈ છે. જ્યારે માધ્યમો સ્થળ અને કાળથી પર થતાં જાય છે, શ્રોતા વર્ગ વિશ્વમાં પથરાયો છે ત્યારે અમુક ચોક્કસ સમયે એફ.એમ. લાઈવ પ્રસારણ કેટલું સુસંગત છે? વળી ૧૫ વર્ષની અવિરામ યાત્રા પછી આ અઠવાડિક ડેડલાઇનની અવિરત રફતારમાંથી શું થોડો સમય પોરો ન ખાઈ શકાય? આ અને આવા અનેક સવાલો જાતને પૂછ્યા. એ પોરો ખાતાં ક્યાંક કંઈક નવું જડે એમ પણ બને!
સૂર સંવાદની આ યાત્રામાં સામૂહિક સ્તરે કેટકેટલા કાર્યક્રમો એટલે કે સ્ટેજ શો કર્યા, કેટલા ય લોકોનો સહકાર મળ્યો, નવા પરિચય થયા. ભારતથી ખ્યાતનામ ગાયક કલાકારોને અહીં આમંત્રણ આપીને કાર્યક્રમો યોજ્યા. એ ઉપરાંત રેડિયોના ૧૫ વર્ષમાં દર અઠવાડિયે ઓછામાં ઓછી એક મુલાકાત લેખે લગભગ ૮૦૦ મુલાકાતો થઇ. જાતજાતના લોકો મળ્યા, દરેક ક્ષેત્રના લોકો સાથે વાતો કરી. અને એ બધા જ મુલાકાતીઓ પાસેથી અંગતપણે મને જે જાણવા-શીખવા મળ્યું એનું મૂલ્ય આંકી શકું એમ નથી. કેટલા ય નવા મિત્રો મળ્યા, એવા મિત્રો જે રેડિયોને પાર કરીને સાથે રહે. આ બધો મારો અંગત ખજાનો છે. કેટલીક મુલાકાતોના સંચય સ્વરૂપે પુસ્તકો પણ પ્રકાશિત થયાં અને એના દ્વારા આ મુલાકાતોનો એક કાયમી દસ્તાવેજ ઊભો થયો.
હા, સંવાદો કરવા હજુ ઘણા બાકી છે. અને એ કદાચ થતા પણ રહેશે. કોઈક નવા નામે, નવા સરનામે. ત્યાં સુધી સૂરીલા સંવાદોની સ્મૃતિ મંજૂષા ઉઘાડીને રેડિયોની જીવંત વેબસાઈટ દ્વારા ગમતાંનો ગુલાલ કરતાં રહીશું.
![]()


કોરોનાવાઇરસ રોગચાળો અને પછી રશિયા યુક્રેનનું યુદ્ધ – આ બન્ને બાબતોને કારણે આખી દુનિયાની સપ્લાય ચેન – પુરવઠા સાંકળ – ખોરવાઇ ગઇ છે. ઉદારીકરણ, ફ્રી-ટ્રેડ, બાય-લેટરલ રિલેશનશીપ જેવા શબ્દો વૈશ્વિક અર્થતંત્રને જોડતા પરિબળો છે. કમનસીબે રોગચાળા અને યુદ્ધના ફટકાએ આ કડીઓને નબળી કરી નાખી છે. તેમાં રાજકારણનો પણ એટલો જ મોટો ફાળો છે. વૈશ્વિકરણ – ગ્લોબલાઇઝેશનને કારણે બંધાયેલા વ્યાપારી સંબંધોમાં રાજકારણની શતરંજ પણ રમાતી હોય, છતાં પણ વૈશ્વિક આર્થિક તંત્રની મજબૂતી આ લેવડ-દેવડ પર જ ટકેલી હોય છે. પંરતુ મોર્ગન સ્ટેનલી રિસર્ચના એક તાજા વિષ્લેશણ અનુસાર ઓછું વૈશ્વિક અને વધુ આંતરિયાળ – સ્થાનિક સ્તરે એકબીજા સાથે જોડાયેલું માળખું ઉભરી રહ્યું છે. એવું તંત્ર જેમાં જે-તે દેશના ઉત્પાદકો, ઉદ્યોગકારો, સ્થાનિક બજારો અને તેને સહકાર આપનારાં નાનાં કે મોટાં રાષ્ટ્રોને પ્રાધાન્ય અપાય. આ આખો બદલાવ એવી રીતે આવી રહ્યો છે જેમાં ગણ્યાં ગાંઠ્યાં વૈશ્વિક આર્થિક સત્તાકીય રાષ્ટ્રોને બદલે એકથી વધુ રાજકીય અને આર્થિક કેન્દ્રો સમાવિષ્ટ હોય. અર્થશાસ્ત્રીઓ આ પરિવર્તનને ‘સ્લોબલાઝેશન’નું નામ આપે છે, જો કે સાથે એમ પણ સ્પષ્ટ કરે છે કે આ તંત્રને નક્કર થતાં હજી વર્ષો લાગશે, કારણ કે મોટી આર્થિક સત્તાઓ પરનું પરાવલંબન અચાનક જ ઘટી નથી જતું. જો કે સુરક્ષા અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રે મહાસત્તા ગણાતા રાષ્ટ્રને બદલે મેક્સિકો, ભારત, વિએટનામ અને ટર્કી જેવા દેશોની ભવિષ્યમાં ચાવીરૂપ ભૂમિકા હોય તેમ બને કારણ કે યુ.એસ.એ. અને ઇ.યુ. જ્યારે ડાઇવર્સિફિકેશન કરશે ત્યારે આ રાષ્ટ્રોને ફાયદો થઇ શકે છે. આ ફાયદા પાછળના કારણોમાં ભૌગોલિક સ્થાન, લેબરની નીચી કિંમત અને ફ્રી ટ્રેડને લગતા કરારનો સમાવેશ થાય છે.