હવે 18 વર્ષે કન્યા પુખ્ત ગણાતી નથી. તે 18 વર્ષે લગ્ન કરે તો સગીર ગણાય ને તેનાં લગ્ન કાયદેસર ન ગણાય, કારણ સરકારે હવે કન્યા અને કુમાર માટે લગ્નની વય સરખી કરીને 21ની કરી નાખી છે. કુમારની વય તો 21 હતી જ, પણ કન્યાની વય પણ હવે 18થી વધારીને 21 કરી દેવાઈ છે. સરકારે 21ની વય નક્કી કરતાં વિધેયકને મંજૂરી આપી દીધી છે. આમ તો 2020માં આની જાહેરાત લાલ કિલ્લા પરથી થયેલી. એટલે એ વાત નવી નથી. 18થી ઓછી વયની કન્યાઓનાં દર વર્ષે 15 લાખ લગ્નો થતાં હતાં. તેમાં હવે 21ની વય થતાં વધારો થાય તો નવાઈ નહીં. આ વાત એટલે યાદ આવી કે મહેસાણામાં 400 સમાજ અગ્રણીઓએ 18ની ઉંમરે થતાં દીકરીનાં પ્રેમલગ્ન અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
ગુજરાતમાં પહેલીવાર દરેક સમાજ, જ્ઞાતિ, ગોળના હોદ્દેદારો દીકરીઓનાં પ્રેમ લગ્ન સંદર્ભે ભેગા થયા ને ભાગી જઈને પ્રેમલગ્ન કરી લેતી દીકરીઓ સંદર્ભે એવો કાયદો લાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું કે દીકરી 18ની ઉંમરે પ્રેમલગ્ન કરે તો તેમાં માબાપની સહી ફરજિયાત કરવી. એટલે કે માબાપની સહી ન હોય તો તે લગ્ન માન્ય ન ગણાય. આમ પણ 18ની ઉંમરે થતાં લગ્ન, નવી ઉંમર 21ની થતાં બાળલગ્ન ગણાય ને તેનાં પર તો પ્રતિબંધ છે જ ! લગ્નનો કાયદો અને લગ્નની વય સુધારવા ગયા માર્ચથી કેટલાક સમાજો દ્વારા અભિયાન છેડાયું છે. જુદા જુદા સમાજોએ સૂચનો પણ કર્યાં છે કે પ્રેમલગ્નની ઉંમર 18થી વધારીને 25ની કરવી. અહીં એ સ્પષ્ટતા નથી કે માબાપની સંમતિથી લગ્ન થાય તો તે ઉંમર પણ 25 ગણવી કે 18 કે હાલના કાયદા પ્રમાણે 21? એ સ્પષ્ટતા પણ નથી કે દીકરી 18ની ઉંમરે પ્રેમ લગ્ન કરે તો માબાપની સહી જોઈએ, પણ દીકરો 21ની ઉંમરે પ્રેમલગ્ન કરે તો માબાપની સહી જરૂરી ખરી કે કેમ? પ્રેમલગ્ન કે મૈત્રી કરાર પણ દીકરીની વય 25 વર્ષની ન હોય તો માન્ય ન કરવાં, આ વાતને 200થી વધુ સમાજના પ્રમુખ, મંત્રીઓએ સંમતિ આપી છે ને બીજા એ દિશામાં વિચારી રહ્યા છે. આ અધિવેશનમાં ચારેક મુદ્દે ચર્ચા થઈ, 18ની ઉંમરે દીકરી પ્રેમલગ્ન કરે તો માબાપની સહી ફરજિયાત કરવી. બીજો મુદ્દો એ હતો કે માબાપની સંમતિ વિના લગ્ન કરવા ઇચ્છતી યુવતીની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ ને જો કોઈ યુવતી માબાપની સંમતિ વિના 25 વર્ષે પરણે છે તો તેને માબાપની સ્થાવર-જંગમ મિલ્કતમાંથી બાકાત કરવી. આ મહાસંમેલનમાં ગુજરાત ભરનાં શહેરો – અમદાવાદ, સુરત, હિંમતનગર, પાટણ…માંથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ને ચારેક મુદ્દે તેમણે ગુજરાતના મુખ્ય મંત્રીને સંબોધીને પત્રો લખ્યા હતા. આ અંગે 33 જિલ્લાના બ્રાહ્મણ, ચૌધરી, પાટીદાર, રબારી એમ 400 સમાજના પ્રતિનિધિઓની કમિટી બનાવવાની વાત થઈ હતી, તો દરેક ધારાસભ્યો પાસેથી સંમતિ પત્રો મેળવવાની વાત પણ ચર્ચામાં હતી.
એ ખરું કે 18 વર્ષની દીકરીઓને ફસાવવાના ને ભગાડી જવાના કે દીકરીઓના ભાગી જવાના બનાવો વધતા આવે છે ને કેટલાંક લેભાગુ તત્ત્વો ભાવિ પત્નીનાં માબાપની મિલકત પર નજર રાખીને લગ્નનો કારસો ઘડતા હોય છે ને સરવાળે દીકરી ને મિલકત બંને જોખમમાં મુકાય છે તેથી વયમર્યાદા વધારવાની અને મિલકતમાંથી દીકરીને ફારેગ કરવાની વાત જુદા જુદા સમાજના મોવડીઓ દ્વારા અધિવેશનમાં વિચારાઈ છે. આમાં સામાજિક જાગૃતિ પડઘાય છે તેનો આનંદ છે, પણ આ વિચારણામાં કેટલુંક કાચું કપાતું હોવાનું પણ લાગે છે. આખી વાતમાં માબાપને નારાજ કરીને દીકરી પરણે છે તે સંદર્ભે જ વિચાર થયો હોવાનું લાગે છે. મોટે ભાગે તો દીકરી માબાપને નારાજ કરીને પરણવા ઇચ્છતી હોતી નથી, પણ માબાપને મુરતિયા સંદર્ભે જાતિ, જ્ઞાતિ, સ્ટેટસ સંદર્ભે વાંધો પડતો હોય છે ને દીકરીને એમાં વાંધાજનક કૈં ન લાગે એ વાત સંઘર્ષનું કારણ બને છે. એવું શક્ય છે કે દીકરીને 18ની ઉંમરે પ્રેમ થઈ જાય ને તેની પસંદગી ખોટી હોય તો આગળ જતાં પસ્તાવાનું જ થાય. એ સ્થિતિમાં માબાપની મંજૂરી કદાચ તેમના સંતોષ કે ઇગો માટે યોગ્ય ઠરે, પણ હવેની નક્કી થયેલી ઉંમર 21ની હોય તો પણ ભૂલ તો થઈ શકેને ! ને જ્યાં વાત જ પ્રેમલગ્નની હોય ને એ ભૂલ જ હોય તો એ તો માબાપ ઠરાવે તે 25ની ઉંમરે પણ થઈ જ શકે ને તો એવું પણ બને કે દીકરીની પસંદગી તટસ્થ રીતે જોનારને પણ લગ્ન યોગ્ય લાગે ને માબાપને જ તે યોગ્ય ન લાગે તો માત્ર માબાપને યોગ્ય નથી લાગતું એટલે દીકરીએ પ્રેમનો ભોગ આપવાનો? એ યોગ્ય છે?
ધારો કે માબાપની શરતે દીકરી પરણવા તૈયાર થાય ને માબાપે બધું જોઈને દીકરી માટે યોગ્ય સ્થળ જ પસંદ કર્યું હોય ને છતાં લગ્ન નિષ્ફળ જાય તો કોને દોષ દઇશું? એવું જ પ્રેમલગ્ન બાબતે પણ બને ને ત્યારે માબાપ તેમની શરતો થોપે તો તે યોગ્ય થશે? એક વાત સ્પષ્ટ છે કે લવ મેરેજ કે એરેન્જ્ડ મેરેજ સફળ થાય જ એની ગેરંટી કોઈ ન આપી શકે, ત્યાં 25ની ઉંમર કરવાથી કે મિલકતમાંથી ફારેગ કરવાની વાત આગળ કરવાથી ઝાઝો ફરક નહીં પડે. જો માબાપ પોતાની જ મિલકત હોય તો તેમાંથી દીકરાને કે દીકરીને મિલકત આપી શકે એમ જ તેમાંથી બાકાત પણ તેઓ કરી શકે. પણ, ઘણે વખતે દીકરીનો મિલકતમાં ભાગ કાયદા દ્વારા નક્કી થયો હોય તે અધિકાર આ નિમિત્તે ફરીથી છીનવવાનો માબાપ પ્રયત્ન કરે તો તે ઠીક નથી. આમ તો આ આખું સંમેલન દીકરીને ફસાવનારને પાઠ ભણાવવા યોજાયું હતું, પણ એમાં દીકરીને અધિકારથી વંચિત કરવા જેવું પણ થાય છે તે ભૂલવા જેવું નથી. એક વાત સ્પષ્ટ છે કે દીકરીએ કાનૂની રીતે પ્રેમલગ્ન કરી જ લીધાં હોય ને તેનો પતિ તેને ફસાવી જ ચૂક્યો હોય ત્યાં માબાપની મંજૂરી હોય કે ન હોય કે દીકરી 25 વર્ષની હોય કે તેથી વધુ ઉંમરની હોય કે તેને ભાગ અપાય કે ન અપાય તો શું ફેર પડશે? જે ઘટવાનું હતું તે તો ઘટી જ ચૂક્યું છે. એ સ્થિતિમાં દીકરીને માબાપ તરફથી તકલીફ ન વધે ને તેની પડખે રહેવાય એટલું થઈ શકે તો તે વધારે અગત્યનું છે.
હવે એ પણ વિચારીએ કે દીકરીએ પૂરી સમજથી યોગ્ય પાત્ર શોધ્યું હોય ને માબાપને તે અનુકૂળ ન જ આવતું હોય તો ઉપર જે નિયમો સહી મેળવવાના કે મિલકતમાંથી ફારેગ કરવાના નક્કી થયા છે તે દીકરીના હિતમાં હશે? ત્યાં દીકરીને આવાં નિયમો ઉપકારક નીવડશે? બીજી મહત્ત્વની વાત એ કે આ આખી વિચારણામાં દીકરો પ્રેમલગ્ન કરીને આવે તો તેને માટે કોઈ વિચાર આ સંમેલનમાં થયો નથી. એટલે અંશે આ સંમેલન એકતરફી ને પૂર્વગ્રહયુક્ત વધારે લાગે છે. દીકરો એવી પુત્રવધૂને લાવે જે કોઈ રીતે કુટુંબને માફક આવે એમ જ ન હોય તો જે તકલીફ નવી વહુના આવવાથી થાય તે અંગે કશુંક વિચારવા જેવું ખરું કે કેમ? દીકરી તો પરણીને સાસરે જતી રહે ને વહુ જો સાથે જ રહેવાની હોય તો દીકરાના પ્રેમલગ્ન જે મુશ્કેલી સર્જે તે અંગે આ સંમેલનમાં કોઈ વાત થયાનું બહાર આવ્યું નથી. તેવા દીકરા માટે માબાપની પૂર્વ મંજૂરીની કોઈ જરૂર ખરી કે કેમ? કે તેને મિલકત સંબંધી કોઈ નિયમ લાગુ કરવાનો કે નહીં? આ બાબતે કોઈ વિચારણા કરવાની જરૂર કોઈને જ નથી લાગી એનું આશ્ચર્ય છે.
છેલ્લે એક ગમ્મત !
સરકારે દીકરી કે દીકરાની લગ્નની ઉંમર 21 કરીને સમાનતા ને પરિપક્વતા તો પ્રમાણી, પણ બંનેને મતાધિકાર 18ની ઉંમરે ચાલુ જ રાખ્યો છે. જો 18ની ઉંમરે સરકારો ચૂંટવાની પરિપક્વતા યુવક યુવતીમાં આવી જતી હોય તો લગ્ન કરવાની પુખ્તતા ન આવે એવું, કેમ? જો પુખ્ત ઉંમરે લગ્નની પક્વતા ન આવતી હોય તો સરકાર ચૂંટવાની આવે એવું કઇ રીતે માનવું? એવું તો નથી ને કે પુખ્તતાને અભાવે જ સરકારો ચૂંટાતી આવે છે ને તેનાં પરિણામો પ્રજા ભોગવે છે?
વિચારીએ –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑગસ્ટ 2022
![]()


22 જાન્યુઆરી 2013ના રોજ પૂજા શાળા જતાં સમયે ગુમ થઈ અને તે પછી સતત તેની શોધખોળ થતી રહી પણ તેનો કોઈ પત્તો ન લાગ્યો. પૂજાએ તે દિવસે બ્લ્યૂ કલરનો ફ્રોક પહેર્યો હતો. દાદાભાઈ નવરોજીનગર પોલીસ સ્ટેશનની હદમાંથી 2008થી 2015 વચ્ચે 166 બાળકીઓ ગુમ થઈ હતી. તેમાંથી 165 બાળકીઓને રાજેન્દ્ર ભોસલે અને તેમની ટીમે શોધી કાઢી; પરંતુ પૂજાની કશી જ માહિતી તેઓ મેળવી શક્યા નહીં. પૂજા નહીં મળવાનો અફસોસ રાજેન્દ્ર ભોસલેને હરપળ સતાવતો હતો અને તેથી તેઓ ઑનડ્યૂટી હોય કે ઑફડ્યૂટી તેનો ફોટો સાથે રાખતા. નિવૃત્તિ પછી પણ રાજેન્દ્રએ પૂજાને શોધવાના પ્રયાસ ચાલુ રાખ્યા. રાજેન્દ્ર ભોસલેના આ પ્રયાસને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે 2015માં વિગતે કવર કર્યો છે, અને તેમાં પૂર્વ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પૂજા વિશે કહે છે કે, “હું બાળકીની આંખોને બરાબર ઓળખું છું. તે મારી સામે આવે તો તરત ઓળખી લઉં. મારા મગજમાં તેના ચહેરાની છબિ જડાઈ ગઈ છે.”

‘આપ કો કૈસ લગ રહા હૈ?’ના સવાલને જો લોકો મજાક ગણતા હોય તો તેનો મોટા ભાગનો વાંક છે ઇલેક્ટ્રોનિક મીડિયાનો. સદ્ભાગ્યે એક એવી ચેનલ છે જેમાં આવા સવાલોના મારા નથી હોતા – એ ચેનલ એટલે એન.ડી.ટી.વી. ગયા અઠવાડિયે સૌથી વધુ ચર્ચાયેલી બાબત એ છે કે અદાણી ગ્રૂપે એન.ડી.ટી.વી.ના ૨૯ ટકા જેટલો હિસ્સો ખરીદી લીધો. આ સમાચાર આવ્યા એટલે આઘાતની લાગણી અને ઉદ્ગાર કાને પડ્યા. દેશના બુદ્ધિજીવીઓને કપાળે કરચલી પડી અને તે સ્વાભાવિક જ છે. એન.ડી.ટી.વી.ની છાપ સત્યને હાથમાં રાખીને ચાલતી ચેનલની છે જેમાં બેરોજગારી, લોકોની આવકની સમસ્યાઓ, આર્થિક મુદ્દાઓ જેવા પ્રશ્નો પર ચર્ચા છેડાય છે અને તે પણ ઘોંઘાટ વિના. બીજી ચેનલ્સની માફક કોમવાદી મુદ્દાઓ કે ધ્રુવીકરણ કરે એવી રજૂઆતોનો મારો એન.ડી.ટી.વી. પર નથી હોતો. મીડિયાનો મૂળ હેતુ હોય છે સત્તા પર બેઠેલાઓને, સરકારને સવાલ કરવો અને એન.ડી.ટી.વી. એવી જૂજ ન્યુઝ ચેનલોમાંની એક ચેનલ છે જે આ કામ અટક્યા વિના કરતી આવી છે. આ સંજોગોમાં એન.ડી.ટી.વી. સામે ચાલીને સરકાર સાથે નિકટતા ધરાવતા એવા અદાણી ગ્રૂપ સાથે દોસ્તી કરે, તેને પોતાનો અમુક હિસ્સો વેચવા તૈયાર થાય એ વાતમાં દમ નથી. વળી એન.ડી.ટી.વી.નો અમુક ટકા હિસ્સો અદાણીએ ખરીદી લીધોના સમાચાર આવ્યા તેના કલાકોમાં જ એન.ડી.ટી.વી. પર ખબર ચલાવાઇ હતી કે તેના સ્થાપકો, માલિકો કે ત્યાંના કર્મચારીઓને આ હિસ્સાની ખરીદી અંગે કોઇ પ્રકારની જાણ નહોતી.
અદાણી ગ્રૂપે VCPLને હસ્તગત કરી, 103 કરોડમાં ખરીદી લીધી. સ્વાભાવિક છે કે એમ પ્રશ્ન થાય કે 400 કરોડની લોન આપનારી કંપની આટલી ઓછી કિંમતે કેવી રીતે વેચાઇ? VCPL કંપનીએ રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સ પાસેથી લોન મેળવી હતી. અદાણીએ VCPL કંપની ખરીદી અને તેમની પાસે વિકલ્પ હતો કે વોરન્ટને માલિકીમાં ફેરવી શકે. આમ અદાણીએ VCPLને ખરીદી, VCPLએ RRPRને લોનની શરતોને આધારે હસ્તગત કરી અને આમ RRPRની એન.ડી.ટી.વી.માં જેટલા ટકા ભાગીદારી હતી તે હિસ્સો હવે અદાણી પાસે છે. ભારતીય નિયમો અનુસાર જો કોઇનો એક કંપનીમાં ૨૫ ટકાથી વધુ હિસ્સો હોય તો તે કંપની વધુ ૨૬ ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઑફર આપી શકે જેથી બાકીના શૅર હોલ્ડર્સ પોતાનો ભાગ વેચી શકે. અદાણીએ વધુ ૨૬ ટકા શૅર ખરીદવાની ઑફર આપી છે જે રકમ અંદાજે ૪૯૨.૮ કરોડ જેટલી થાય છે. જોવાનું એ છે કે આ ઑફર આપવામાં અદાણીએ કંપનીના મૂળ માલિકોનો મત જાણવાની તસ્દી પણ નથી લીધી અને માટે જ આ ટેકઓવરને હોસ્ટાઇલ ટેકઓવર તરીકે ચર્ચવામાં આવ્યું. જો આ ૨૬ ટકા હિસ્સાનું વેચાણ થયું તો અદાણી પાસે કંપનીનો ૫૫ ટકા હિસ્સો હશે અને આમ કંપનીનું નિયંત્રણ અદાણી પાસે જ જશે. ૨૬ ટકા શૅર જે હજી સુધી નથી વેચાયો તેના આધારે એન.ડી.ટી.વી.નું ભાવિ ટકેલું છે. જો કે એન.ડી.ટી.વી.માં બે મોટા રોકાણકારો છે એલ.ટી.એસ. ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને વિકાસા – એમ સંભળાય છે કે એલ.ટી.એસ. પોતાના શૅર વેચી શકે તેમ છે. જો કે હાલમાં એન.ડી.ટી.વી.ના શૅરના જે ભાવ છે તેના કરતાં તો અદાણી ઓછી રકમ જ ઑફર કરે છે. આ એલ.ટી.એસ. ઇન્વેસ્ટમેન્ટ ફંડના ૯૮ ટકા રોકાણ અદાણી ગ્રૂપમાં જ કરેલું છે અને બીજી ચાર શૅર હોલ્ડર કંપની છે જેના છેડા પણ અદાણીને અડે છે. જો આ છ કંપનીઓ પોતાના શૅર અદાણીને વેચી દે તો અદાણી ગ્રૂપ એન.ડી.ટી.વી.માં ૫૦ ટકાથી વધારેની ભાગીદાર બને.