અંગ્રેજી શબ્દ મૂનલાઈટનો અર્થ ચન્દ્રનો પ્રકાશ કે ચાંદની થાય. જે શીતળતા આપે પણ આજકાલ ચર્ચામાં છે તે મૂનલાઈટિંગ કે મૂનલાઈટર્સ શબ્દનો અર્થ ઉદ્યોગોને દઝાડનારો છે. મૂળે તો તેના હાલના અર્થમાં આ શબ્દો અમેરિકાથી આયાત થઈને પ્રચલિત થયા છે. અમેરિકનોમાં પૂરક આવક માટે બીજી નોકરીની તલાશ થઈ ત્યારે આ શબ્દ જાણીતો થયો. ભારતમાં અને કદાચ દુનિયાભરમાં ઉદ્યોગ-ધંધા કે કારખાનાં માત્ર ડેલાઈટિંગમાં એટલે કે સૂર્યપ્રકાશમાં જ કાર્યરત નથી હોતા. મૂનલાઈટિંગ એટલે રાત્રે પણ કામ જારી હોય છે. હાલમાં મૂનલાઈટિંગનો જે વિવાદ છે તે કોઈ કર્મચારી નિયમિત સમયની નોકરી પછીના સમયમાં કોઈ બીજું કામ કે નોકરી કરે છે તે અર્થાત્ બેવડી નોકરીનો છે.
અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો નિયમિત કામના કલાકો ઉપરાંત બીજાં કામો કરતાં જ હોય છે. જે ઉજળી નોકરીઓ કહેવાય છે ત્યાં પણ કેટલાંક બીજા કામો કરતાં હોવાનું જોવા મળે છે. શિક્ષકો નિયમિત અધ્યાપન કાર્ય કરવા ઉપરાંત ટ્યૂશન કરતાં જ હોય છે. કોઈ વાણિજ્યના અધ્યાપક કંપની કે પેઢીનું એકાઉન્ટનું કામ કરે છે. કમ્પ્યૂટર ઓપરેટર નોકરી કરવા સાથે બીજા સમયમાં ડેટા એન્ટ્રીનું કામ કરે છે. વ્યાયામ શિક્ષક જિમમાં ટ્રેનર તરીકે કે સંગીત શિક્ષક ક્યાંક સંગીત વાધ્ય વગાડવા જતા હોય કે સરકારી કર્મચારી નોકરી પછીના સમયે પરિવારની દુકાન કે ધંધો સંભાળતો હોય તે સહજ મનાય છે. કોરોના મહામારી અને તાળાબંધી પછીના જે પદાર્થપાઠ મળ્યા તેના લીધે આઈ.ટી. અને ઈ.કોમર્સ ક્ષેત્રમાં બેવડી નોકરીનું ચલણ વધ્યું છે. તેને કારણે જ મૂનલાઈટિંગ શબ્દ અને તેના લાભાલાભની ચર્ચા ઉપડી છે.
મૂનલાઈટિંગ કે બેવડી નોકરી અંગે ભારતના ઉદ્યોગ જગતનું મંતવ્ય એક સમાન નથી. દેશની એક ટોચની આઈ.ટી. કંપનીએ તેના કર્મચારીઓને બેવડી નોકરી અંગે પહેલા સાવધાન કરતી નોટિસ આપી અને પછી તપાસ કરતાં બેવડી નોકરી કરતાં ત્રણસો કર્મચારીઓને એક ઝાટકે છૂટા કરી દીધા. બીજી તરફ ઓનલાઈન ફૂડ ડિલવરી કરતી એક કંપનીએ ઈન્ડસ્ટ્રી ફર્સ્ટના મંત્ર સાથે એના કર્મચારીઓને બીજે નોકરી કરવાની છૂટ આપી દીધી છે. આઈ.ટી. અને સ્કીલ ડેવલપમેન્ટ વિભાગના કેન્દ્રીય મંત્રી રાજીવ ચન્દ્રશેખરે પણ મૂનલાઈટિંગનું સમર્થન કર્યું છે. આમ આ વિષયે મતમતાંતર પ્રવર્તે છે.
ગુજરાતીમાં કહેવત છે કે વહેલી પરોઢનું દળેલું અને જુવાનીનું રળેલું કામ આવે છે. અર્થશાસ્ત્રનો નિયમ છે કે દરેક વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે. કોવિડ મહામારીને કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓએ માનવીને વધુ રળવા અને માનવ મટી વસ્તુ બની પોતાનું ઉપયોગિતા મૂલ્ય વસૂલવા મજબૂર કર્યો છે. ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવી હતી. જેમને કમ્પ્યૂટર કે ઈન્ટરનેટ પર કામ કરવાનું છે તેવા આઈ.ટી. પ્રોફેશનલ્સ અને અન્ય માટે ફાજલ સમય ઊભો થયો તો જે આર્થિક તંગી ઊભી થયેલી તેના ઉકેલ માટે વધુ કમાવી લેવા લલચાવ્યા. તેને કારણે આઈ.ટી. સેકટરમાં મૂનલાઈટિંગ જોવા મળી રહ્યું છે.
બેવડી નોકરીના તરફદારોનો મત છે કે કોઈ કર્મચારી તેની મહેનત અને પ્રતિભાનું ઉચિત મૂલ્ય ઈચ્છે તો તેમાં ખોટું શું છે ? વળી તેનો આશય પૂરક આવક મેળવવાનો અને વધુ સારી જીવનશૈલી અપનાવવાનો છે. જો તે આર્થિક રીતે વધુ સંપન્ન હશે તો ચિંતામુક્ત થઈને કામ કરી શકશે. તેની અસર તેની કાર્યક્ષમતા પર જોઈ શકાશે. કેન્દ્રીય મંત્રી પણ દેશના આત્મવિશ્વાસસભર યુવાનોને સ્ટાર્ટ અપ માટે તક આપવા ઉદ્યોગોને મૂનલાઈટિંગ પર પ્રતિબંધ જેવા બંધનો ન મૂકવા જણાવે છે. વિદેશોમાં જ્યાં મૂનલાઈટિંગ પ્રવર્તે છે તે દેશો આવક વધતાં વધુ કર મેળવીને ખુશ છે. એક અમેરિકી રિપોર્ટમાં બેવડી નોકરીના ચલણને લાભદાયી દર્શાવવામાં આવ્યું છે.
તેના કરતાં સાવ સામા છેડાની દલીલો મૂનલાઈટિંગના વિરોધીઓની છે. ભારતના કોઈ કાયદામાં સીધી રીતે બેવડી નોકરીનો બાધ નથી. પણ જો સરખા પ્રકારની નોકરી કે કામ હોય તો ગોપનીયતાનો પ્રશ્ન ઉદ્દભવે છે. કંપનીની અનુમતી વિના આ પ્રકારની નોકરી વિશ્વાસઘાત કે કંપની પ્રત્યેની નિષ્ઠાનું ઉલ્લંઘન છે. કર્મચારી તેની શારીરિક ક્ષમતા કરતાં વધુ કલાક કામ કરે અને તેને પૂરતો આરામ ન મળે તો તેની અસર તેના આરોગ્ય પર પડે છે. તેને કારણે તે બંને કામને સરખો ન્યાય આપી શકે નહીં. તે કામચોરી કરે તો ઉત્પાદન અને તેની ગુણવત્તા પર અસર પડે છે. વળી આ અનુચિત, અનૈતિક તો છે જ નોકરીની શરતોનો ભંગ પણ છે.
કર્મચારી તેના કામના નિશ્ચિત કલાકો પછી કંઈ પણ કરવા સ્વતંત્ર છે. તે તેના ફાજલ સમયનો ઉપયોગ પરિવાર અને મિત્રો સાથે ગાળે, આરામ કરે કે કોઈ કામ કરે તેના પર કોઈ નિયંત્રણ લાદી શકાય નહીં. કર્મચારી કોઈ વેઠિયો મજૂર નથી કે તેના પર બીજી નોકરી નહીં કરવાની લક્ષ્મણ રેખા નોકરીદાતા મૂકી શકે. જ્યારે તેની આવક મર્યાદિત હોય અને ખર્ચ વધારે હોય તો તે બીજું કામ કરવા મુક્ત હોવો જોઈએ. ખરેખર તો નિયોક્તાએ એ વિચારવું જોઈએ કે તેના કર્મચારીને બીજા કામની આવશ્યકતા કેમ ઊભી થઈ ? શું તેને જીવનનિર્વાહ જેટલું વેતન મળતું નથી તેના કારણે તો તેને આવું કરવાની લાચારી ઊભી થઈ છે કે કેમ? તે વિચારીને મૂનલાઈટિંગના સવાલને આત્મખોજનો વિષય બનાવવો જોઈએ.
ફાજલ સમયમાં પૂરક આવક મેળવવા માટે કરવું પડતું કામ અને મૂનલાઈટિંગ કે બેવડી નોકરી વચ્ચેનો ભેદ પણ પારખવાની જરૂર છે. જો તેને મળતું વેતન જીવનનિર્વાહ માટે અપર્યાપ્ત હોય તો વેતન વૃદ્ધિ કેમ થઈ શકતી નથી ? વળી કરોડો હાથ રોજગારવિહોણા હોય અને દેશમાં બેરોજગારી ચરમસીમાએ હોય તો બેવડી નોકરીનું ઔચિત્ય કેટલું ? દીર્ઘ કામદાર-કર્મચારી લડતો પછી કામના નિશ્ચિત કલાકોનો અધિકાર મેળવી શકાયો છે. હવે ભલે કર્મચારીઓનો એક નાનકડો વર્ગ ખુદ જ તેનો ભંગ કરે પણ તેનાથી કામના આઠ કલાકના અધિકારની સાર્થકતા પર પણ સવાલો ઊઠી શકે છે. મધ્યમ વર્ગને એશોઆરામ માટે નહીં પણ ઘરના બે છેડા ભેગા કરવા જો બેવડી નોકરીનો ભાર વેઠવો પડતો હોય અને ઉદ્યોગપતિઓ તેને પોતાના પર માર તરીકે જોતા હોય તો સરકારે મૂનલાઈટિંગને અર્થવ્યવસ્થા માટે ઉપકારક કે સારી બાબત તરીકે મૂલવવાને બદલે તેના સઘળા પાસાંઓનો વિચાર કરવો ઘટે.
e.mail : maheriyachanu@gmail.com
![]()


માહસા અમીનીનાં માતાપિતાએ એની કબર પરના પથ્થર પર કોતરાવ્યું છે, ‘વહાલી દીકરી, તું મરશે નહીં. તારું નામ એક અમર પ્રતીક બની જશે.’ તસલીમા નસરીન કહે છે કે મહિલાઓ સ્વેચ્છાએ નહીં, કટ્ટરપંથીઓના ડરથી હિજાબ પહેરે છે. માનવ તરીકેના મૂળભૂત અધિકાર માટે મથી રહેલી, લડી રહેલી, મરી રહેલી ઈસ્લામિક વિશ્વની દીકરીઓ, પત્નીઓ, બહેનો, માતાઓની પીડાને કોણ વાચા આપશે? કોણ મદદ કરશે? એમને મોકળાશ અને આનંદ મળશે ખરા? સ્વતંત્રતા શું સ્વપ્ન જ રહેશે?
આવી એક પાકિસ્તાની ફિલ્મ ‘બોલ’ 2015માં બની હતી. મૃત્યુદંડ પામેલી ઝેનબ છેલ્લી ઈચ્છા મુજબ એને પત્રકારો સમક્ષ પોતાની વાત કહેવી શરૂ કરે છે ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે. જિંદગીના એક પછી એક પડ ખૂલતા આવે છે. આપણે જોઈએ છીએ ન કમાતો, મસ્જિદના પૈસે ગુજારો કરતો, પત્નીને ટોણા મારતો છ દીકરીઓ અને એક વ્યંઢળ સંતાનનો હકીમ બાપ. પતિના ત્રાસથી ઘેર પાછી આવેલી ઝેનબ પિતાની નફરતનો શિકાર વ્યંઢળ ભાઈ, નાની બહેનો અને મજબૂર માની ઢાલ છે. વ્યંઢળ કિશોર પર બળાત્કાર થાય છે ત્યારે હકીમ બાપ એને પ્લાસ્ટિકમાં ગૂંગળાવીને મારી નાખે છે ને મસ્જિદના પૈસાથી પોલિસનાં મોં ભરે છે. એક દિવસ હકીમ પાસે કૂટણખાનું ચલાવતો એક ગુંડો આવે છે, ‘જાદુગર બુઢ્ઢા, તારામાં દીકરીઓ પેદા કરવાનો હુનર છે. મારી છોકરી ધંધે બેઠી છે. એને દીકરીઓ આપ કે ધંધો ચાલતો રહે.’ હકીમ દ્વારા એ છોકરીને દીકરી તો થાય છે, પણ છોકરી દીકરીને બચાવવા હકીમ પાસે મૂકી જાય છે, ગુંડો એનો કબજો લેવા આવે છે ને હકીમ માસૂમ બાળકીનું ગળું દબાવે છે, ત્યારે ઝેનબ હકીમના માથા પર મરણતોલ પ્રહાર કરે છે.
અને એક નવલકથા, ‘ધ હાઉસ વિધાઉટ વિંડોઝ’ અફઘાન લેખિકા નાદિયા હાશિમીની. ચાર સંતાનનો પિતા કમાલ માથા પર મરણતોલ પ્રહાર થવાથી મૃત્યુ પામ્યો છે ને લોહીથી ખરડાયેલી ઝેબા મૂઢ બનીને ઊભેલી છે ત્યારે પોલિસ તેને ખૂની ગણીને પકડે છે. જેલમાં તેને બીજી ત્રણ કેદી સ્ત્રીઓ લતીફા, નફિસા અને મેઝગન સાથે દોસ્તી થાય છે. ચિલ માહતાબ(કાબુલની સ્ત્રી-જેલ)ની મોટા ભાગની કેદીઓ લગ્નબાહ્ય સંબંધોને લીધે અહીં છે. ઝેબાની પાડોશમાં રહેતો યુસૂફ વકીલ છે. લગ્ન કરવા અમેરિકાથી આવ્યો છે અને ઝેબા નિર્દોષ હોય તે એને બચાવવા માગે છે. ક્યાં ય
સુધી સહકાર ન આપતી ઝેબા મોં ખોલે છે અને પહેલા માબાપના ને પછી પતિના કઠોર શાસનમાં જીવતી અને વહેમો ને ધાર્મિક પ્રતિબંધો વચ્ચે પીસાતી અફઘાનિસ્તાનની સ્ત્રીઓનું કડવું સત્ય ખૂલે છે. સાથે અફઘાનિસ્તાનનાં ગામડાંઓમાં થતી આરોગ્ય અને કાયદાની અવગણનાનો કુરુપ ચહેરો પણ સામે આવે છે.
એક માણસ એવો છે જેણે એક યુવતીને કહ્યું હતું કે હું તારા ઉપર બળાત્કાર કરું એટલી લાયકાત તું ધરાવતી નથી. એ માણસે એવું કહ્યું હતું કે મેં ઉપરાઉપર પાંચ દીકરા પેદા કર્યા, પણ છઠ્ઠી વખતે હું થોડો નિર્બળ હતો એટલે દીકરી પેદા થઈ. એ માણસે કહ્યું હતું કે મારો દીકરો સમલિંગી બને તો એ એ ક્ષણે જ મારો પ્રેમ અને બીજું બધું જ ગુમાવે. એ માણસનું નામ છે જાઈર બોલ્સનારો જે બ્રાઝીલનો પ્રમુખ હતો. આ યુગ અસંસ્કારી, અબુધ, જૂનવાણી અને જુલ્મી નેતાઓનો છે. આવો પણ યુગ આવશે એની કલ્પના કોઈએ નહોતી કરી.