તેવીસમી માર્ચે (મંગળવારે) બરાબર નેવું વરસ થયાં ભગતસિંહની શહાદતને. જેમ જેમ વરસો વીતતાં જાય છે, એમનાં બલિદાની જીવનની પૂંઠે રહેલી કાલજયી અપીલ ખીલતી આવે છે. માનવમુક્તિ માટે શાહીવાદ સામેના સંઘર્ષની એમની અપીલ વિભાજનગત સરહદોને લાંઘીને બરકરાર છે. લાહોરમાં રાશિદ કુરૈશીના વડપણ હેઠળ ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન કાર્યરત છે, અને કોરોનાના કેર વચ્ચે માર્ગદર્શક નિયમો પાળીને ઓણ પણ જાહેર ઉજવણી થવી જોઈએ એ માટે એમણે અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.
તાજેતરનાં વરસોમાં ભગતસિંહની ફાંસી બાબતે એક પાયાનો સવાલ પણ, કાનૂની છેડેથી ઉપસ્થિત કરાયો છે અને બ્રિટિશ સરકારે ફરમાવેલી સજા કાનૂનન હતી કે કેમ એ અંગે બહસ જારી છે. લંડનમાં કાયદાના અધ્યાપક તરીકે તેમ બૅરિસ્ટર તરીકે પણ સક્રિય સત્વિંદરસિંહે ‘ધ ઍક્ઝિક્યુશન ઑફ ભગતસિંહ’ એ કિતાબમાં આખા પ્રશ્નની પુરાવાબદ્ધ ને તર્કસભર તળેઉપર તપાસ કરી છે. હાર્પર કોલિન્સનું આ પ્રકાશન તેવીસમી માર્ચે જ ભારતમાં પણ શેખર ગુપ્તાના ‘ધ પ્રિન્ટ’એ વૈબિક વાટે સૉફ્ટકવરમાં સુલભ થયું છે.
દેશમાં જે સત્તાવાર સ્વરાજ પંચોતેરાં રાગ આલાપાઈ રહ્યો છે એમાં ભગતસિંહનું વિશેષ, સવિશેષ સ્થાન હોય તે સ્વાભાવિક છે; કેમ કે, એક તો એમાં ગાંધીના નેતૃત્વ હેઠળની સ્વરાજલડત સામે હિંસક ઉપાયોના મહિમાની સગવડ છે, અને બીજી વાત એ કે ભગતસિંહને ગાંધીએ ન બચાવ્યા એ વિવાદનીયે સગવડ છે. વડાપ્રધાને ૧૨મી માર્ચના આશ્રમ સંબોધનમાં નહેરુપટેલની સાથે એકશ્વાસે સાવરકરને સંભારી પરબારો પ્રવેશ કરાવી દીધો. જો કે આંદામાનોત્તર સાવરકરના જાહેરજીવનમાં સ્વાતંત્ર્યસંગ્રામથી સલામત અંતર સાફ દેખાતું રહ્યું છે. એથી ઊલટું, ભગતસિંહના ડાયરી-દસ્તાવેજો, અદાલતી તકરીર સ્વતંત્રતા માટેના ક્રાંતિકારી રાગાવેશથી અને કેવળ રાષ્ટ્રીય આઝાદીએ નહીં અટકતાં પીડિતશોષિત સૌની સ્વતંત્રતાના ખયાલથી રૂંવેરૂંવે ઉભરાય છે.
જ્યાં સુધી ગાંધીએ ભગતસિંહને બચાવ્યા નહીં બચાવ્યાનો મુદ્દો છે, મારતી કલમે એકબે નોંધલસરકા જ પૂરતા થઈ પડશે. લૉર્ડ ઈરવિનની ડાયરી બોલે છે કે આ ગાંધી, અહિંસામૂર્તિ ગાંધી, ભગતસિંહને ફાંસી નહીં આપવાનો આટલો બધો આગ્રહ કેમ કરે છે તે મને સમજાતું નથી. આંબેડકરે મરાઠી ‘જનતા’માં કરેલી એક ટિપ્પણી હમણાં થોડાં વરસ પર જ અંગ્રેજીમાં બહાર આવી છે. ઇંગ્લૅન્ડમાં સત્તારૂઢ સરકાર, દેશના રાષ્ટ્રવાદી લોકમતઉછાળને કારણે નવી ચૂંટણીમાં ભય અનુભવતી હતી. ગાંધીને છોડ્યા અને વધારામાં ભગતસિંહને ફાંસી ન આપી, આ બે વિગતો પોતાની સામે જશે એવું એનું આકલન બલકે ભીતિ હતી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપીને જ ઇંગ્લેંડની સરકાર પુનઃવિજયની આશા રાખી શકે તેમ હતી. એટલે ભગતસિંહને ફાંસી નહીં એવો નિર્ણય સરકારને આધીન વાઈસરૉય, ઇરવિન લઈ શકે તેમ હતા જ નહીં.
જ્યાં સુધી હિંસા-અહિંસાની વાત છે, ભગતસિંહની ભૂમિકા ઉત્તરોત્તર જે રીતે વિકસતી અને સ્કુટ થતી ગઈ તે આપણા ખયાલમાં આવવી જોઈશે. તે વખતની નૅશનલ એસેમ્બલીમાં એમણે જે બૉંબકાંડ સરજ્યો એ મૂલતઃ સંહારક વ્યાપ ધરાવતો નહોતો. એ એક હલકુંફૂલકું બૉમ્બડું હતું જેનો વિસ્ફોટ સરવાળે ધ્યાનાકર્ષક પ્રસ્તાવથી આગળ જતો નહોતો. હિંસક ચળવળના નિયમ પ્રમાણે સામાન્ય રીતે આવે પ્રસંગે બૉંબ ફેંકી પલાયન થઈ જવાનું હોય. ભગતસિંહે ભાગવાની તક નહીં ઝડપતાં પકડાવું પસંદ કર્યું; કેમ કે કોર્ટમાં કેસ ચાલે અને એના હેવાલો વાટે દેશ આખાને ખબર પડે કે આ ક્રાંતિકારીઓનું ધ્યેય શું છે, દેશ માટેનો એમનો વિચારનકશો શો છે. જેલવાસમાં સતત સ્વાધ્યાય ચાલતો રહ્યો અને એમાંથી મહત્ત્વના વિગતમુદ્દાઓ તેમ જ પોતીકી ટિપ્પણીઓ સાથે નોટબુકો ભરાતી રહી. ચમનલાલ અને બીજાઓએ આ બધી દસ્તાવેજી સામગ્રી એકત્ર કરવા માંડી એને પરિણામે જે ચિત્ર સ્પષ્ટ થયું તે એ કે હિંસાને ખાતર હિંસા કે છૂટપૂટ હિંસા અગર લેનિન જેને ‘ઇન્ફન્ટાઇલ ડિસ્ઑર્ડર’ કહેતા એવું કશું આ વીરોને અભીષ્ટ નહોતું. સમતા અને ન્યાયને અનુલક્ષીને ચોક્કસ આર્થિક-સામાજિક કાર્યક્રમનો, એ માટે બિનસાંપ્રદાયિક જદ્દોજહદનો એમનો ખયાલ હતો. હિંસા અનિવાર્ય લાગે તો અને ત્યારે થાય એ જુદી વાત છે, પણ આમ આંદોલન(માસ મુવમેન્ટ)નો રસ્તો દુરસ્ત છે.
રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળના અચ્છા વ્યાખ્યાકાર તરીકે ઉભરેલા માર્ક્સવાદી ઇતિહાસકાર બિપનચંદ્રનું કહેવું છે કે ભગતસિંહને વધુ વરસો મળ્યાં હોત તો એ એક અર્થમાં ગાંધીવાદી હોત. માર્ક્સીય વિચારમાંથી હટ્યા વગર એમણે ગાંધીની શાંતિમય પદ્ધતિએ લોકઆંદોલનના અભિગમને અગ્રતા આપી હોત. બિપનચંદ્ર નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન હતા ત્યારે આખર વરસોમાં ભગતસિંહની નવી જીવની પર કામ કરતાં એમણે આ નુક્તેચીની કરી હતી.
૧૮૫૭ના એક અંતરાલ પછી નવજાગૃતિનો એક મુકામ બંગાળના બૉંબયુગ અને વંદેમાતરમ્ના યુદ્ધઘોષ સાથે શરૂ થયો. એ પર્વે, આગળ ચાલતાં ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ન્યાય-અને-સમતા-લક્ષી પરિવર્તન(ક્રાંતિ)ની તવારીખી રેખાઓ ઉપસાવી અને ઘૂંટીઃ ભગતસિંહ નામની વીરઘટનાને આ રીતે જોવા સમજવાપણું છે.
ક્રાંતિની ભગતસિંહની વ્યાખ્યા અને સમજ કઈ રીતની હશે એનો એક અંદાજ એમણે ચળવળ દરમિયાન યુવાનોના બે ચહેતા નેતાઓ, જવાહર અને સુભાષની જે સરખામણી કરી છે એના પરથી આવે છે. એમણે કહ્યું છે કે સુભાષની વીરતા કે જવાહરની હિંમત બેઉ મને આકર્ષે છે. બંનેનો આદર્શવાદ પણ મને આકર્ષે છે. પણ બેમાંથી એક પસંદ કરવાના હોય તો હું જવાહરને કરું; કેમ કે સુભાષમાં ભાવનાનો રાગાવેશી ઉદ્રેક ખાસો છે, પણ જવાહરમાં આર્થિક-સામાજિક ન્યાય માટેની વિચારાધારકીય સજ્જતા વિશેષ છે. (જવાહરનો ઉલ્લેખ નીકળ્યો જ છે તો લગરીક ફંટાઈને એ પણ નોંધુ કે પોતે ભગતસિંહને જેલમાં મળવા ગયા ત્યારે છતે કષ્ટસહને એમના ચહેરા પર જોયેલી કાન્તિનો એમણે આત્મકથામાં વિશેષોલ્લેખ કર્યો છે.)
૧૨મી માર્ચના દાંડીદિનની ઇતિહાસ-ફલશ્રુતિ શું એમ કોઈ પૂછે તો એ ત્રણ ચાર વરસના ગાળાને સાથે મૂકીને એક જવાબ જરૂર જડે છે. અને તે એ કે ૧૯૪૬થી ૧૯૪૯ની ખાસાં ત્રણેક વરસની બંધારણ સભાની ચર્ચાઓ પછી ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મીથી જે પ્રજાસત્તાક બંધારણ અમલી બન્યું એની માર્ગદર્શક અને પક્વ એવી રેખાઓનું અંકન આ ગાળાની મહદ્ લબ્ધિ છે.
દાંડીકૂચે મીઠા સરખો મુદ્દો લઈ આમ આંદમીને કેન્દ્રમાં આણ્યો. મીઠાની પાછળ જે રોજિંદા સુખદુઃખના વાસ્તવિક સવાલો પડ્યા હતા એનું એક ચિત્ર ભગતસિંહની રજૂઆતમાં ઊઘડ્યું તો બીજું ચિત્ર ગાંધી-આંબેડકરના પુના કરારમાં ઊઘડ્યું. ભારતના સામાન્ય માણસનું આપોપું કેવળ વર્ગીય બોજ તળે જ ચંપાતું નથી, એ વર્ણબોજ તળે પણ ચંપાય છે. પરચક્ર જશે. સંસ્થાનવાદ જશે. પણ એટલા માત્રથી તો વાત પતતી નથી. સ્વરાજ ખરું જોતાં નિરંતર ચાલતી પ્રક્રિયા છે.
હમણાં જે ચારપાંચ વરસના ગાળાની જિકર કરી એ ૧૯૨૯માં લાહોરમાં પૂર્ણસ્વરાજના ઠરાવ સાથે શરૂ થઈ દાંડીકૂચ રૂપે આગળ વધી ભગતસિંહની શહાદતથી પ્લાવિત માહોલમાં, પુના કરાર સાથે તેમ કરાચી કૉંગ્રેસમાં વલ્લભભાઈના અધ્યક્ષપદે મૂળભૂત અધિકારના ઠરાવ સાથે કેમ જાણે એક વર્તુળ આલેખવા લાગે છે જે ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મીએ પૂરું થાય છે.
અલબત્ત, સ્વરાજ એ પૂરી થતી પ્રક્રિયા હોઈ જ ન શકે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એક નવપ્રસ્થાનનું બિંદુ છે જ્યાંથી આંબેડકરે કહ્યા પ્રમાણે રાજકીય સમાનતા અને સામાજિક (વર્ણગત) વિષમતા એવી વિસંવાદે ભરેલી ને ભારેલી પરિસ્થિતિમાં કામ પાડવું રહે છે. ઈવેન્ટાના અંદાજમાં હંમેશ પૂરબહારમાં ખીલતું નેતૃત્વ સ્વરાજ પંચોતેરાંની રટણા ને રમણામાં ઝાઝેરો જનાધાર બલકે વૈધવત્ સ્વીકૃતિ (લેજિટિમસી) શોધે છે, પણ સમગ્ર ચિત્રસૂઝ છે એની કને? થોભો અને રાહ જુઓ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 11-12