સંવેદનને છેવાડે
કોણ છેવાડે?
પાઠ્યપુસ્તકોમાં જે અદૃશ્ય છે એ?
મારી જેમ?
કોણ? હું?
અમે તો વારસદારો ફ્લોરેન્સ નાઇટેન્ગલનાં!
અમારી વાર્તા? કવિતા? ક્યાંથી હોય?
નવલકથા? ખ્યાલ નથી
લખનારાઓ સૌ ક્યારેક તો આવ્યા હશો
પાસ અમારી શુશ્રૂષા લેવા
આમ તો નેતાઓ પણ શ્વેતવસ્ત્રધારી
પણ એ તો નસીબવંતા
ગણવેશ તો અમારો ય શ્વેત જ
પણ મૂળે જ છેવાડાના
ક્યાંથી હોઈએ કવિતાઓમાં!
કોરોનાએ કરી કમાલ
અમારાં ભાલ થાય લાલ
કોરોના પછી?
શમી જશે થાળીઓનો રણકાર
ઠરી જશે દીવડીઓનો ઝગમગાટ
તાળીઓ તો બીજાને નામે,
અમે તો સેવાનો દીવો લઈ ત્યાં ના ત્યાં જ
•••
સામાજિક અંતર
સામાજિક અંતર?
કદાચ તમારે માટે નવો શબ્દ!
અમે તો એ સહન કર્યો વરસોનાં વરસ
તમે તો ૨૧ દિવસ
અમે તો ૨૧ સદી!
અંતર?
ના, આંતરડી કકળવાતું શોષણ!
સામાજિક, ધાર્મિક
આર્થિક,સાંસ્કૃતિક, રાજકીય
તમે લોકો તો ઘરમાં 'લૉક ડાઉન'
અમે તો લોકો જ ક્યાં હતાં?
આજે પણ અમે તો રસ્તે જ
કોરોનાના રસ્તે
મોતના પડછાયાનું તો અંતર હોય?
રસ્તે કચરો, હાથે મરેલા ઢોર
અને માથે મેલું!
એ જ તો અમારી ઓળખ
પ્લેગ આવ્યો – ગયો
કોલેરા આવ્યો – ગયો
કોરોના આવ્યો – એ પણ જશે
અને અમે?
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 16 ઍપ્રિલ 2020