પ્રતિવર્ષ પહેલી મે એટલે નાનકડો ઉત્સવ! ડફલી સાથે ક્રાંતિકારી ગીતો ગવાતાં, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્થિતિનું મજૂરસંદર્ભે મૂલ્યાંકન થાય. પણ આ વખતે લૉક ડાઉનના કારણે મે દિવસની ઉજવણી કયાં ય જોવા ન મળી! એના સામા છેડે લૉક ડાઉનના કારણે એકાએક ત્રાહિમામ્ થઈ ગયેલાં કામદારોનાં વરવાં ચિત્રો જોવાં મળ્યા. આમ કેમ બન્યું ?
બાદશાહસલામતે મધ્ય પ્રદેશના ધારાસભ્યોની ખરીદવેચાણ પ્રવૃત્તિ પૂરી કરી, ‘નમસ્તે ટ્રમ્પ’નો તમાશો પૂરો કરી, સરકાર દ્ધારા જનતા કરફ્યુ જાહેર કરાવી, જાન્યુઆરીથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે મહામારી અંગે જાગ્રત થવા જણાવેલું એ વિશે કામ શરૂ કર્યું. મહંમદ તઘલકની જેમ ૧૩૦ કરોડ જનતાને જરા ય સમય આપ્યા વિના બાદશાહસલામતે લૉક ડાઉનની જાહેરાત કરી! નોટબંધીની જેમ જ એકાએક ખેલ પાડી બાદશાહસલામત રેશમની તળાઈમાં મશરૂમ રોટી ખાવા ચાલ્યા ગયા! દવા અને દાકતરી તપાસ, કીટ, માસ્કની જરૂર હતી પરંતુ એમણે તો દિવસમાં બબ્બે વાર રામાયણ-મહાભારતના ડૉઝ ચાલુ કર્યા. રામ ભગવાન પુષ્પક વિમાનમાં ઘેર આવ્યા, એમ NRIને વ્યવસ્થા મળી અને વાંદરા રઝળી પડયા એવી હાલત મજૂરોની થઈ! ૫૦૦-૧૦૦૦ કિલોમીટર ચાલવા જતાં મજૂરો રસ્તે મૃત્યુ પામ્યાના સમાચાર આવ્યા! મહારાષ્ટ્રથી લખનૌ સિમેન્ટના મિક્સરમાં બેસીને જતા મજૂરો ઈન્દોરમાં પકડાયા! બિસ્કિટ-પાણી પર પ્રવાસ ચાલુ હતો! વતન જવા એકલા ગુજરાતમાં જ ૨૦ લાખનું રજિસ્ટ્રેશન થયું, ૩૦ લાખ બિહારમાં. ૩૫-૪૦ દિવસે શ્રમિક એક્સપ્રેસની જાહેરાત થઈ ! હજુ તો માંડ પહેલી-બીજી ટ્રેન દોડી રહી છે, ત્યારે પણ આવી શ્રમિક સ્પેશિયલ ટ્રેનને જ્યારે સુરતથી ઓરિસ્સા વિદાય આપી ત્યારે સી.આર. પાટિલે ભાજપનો ઝંડો ફરકાવ્યો ! આવી વિવેકહીનતા એમના સંસ્કાર છે. ૧,૨૦૦ મુસાફરોવાળી આ વ્યવસ્થા ક્યારે પાર પાડશે? વળી શ્રમિક એક્સપ્રેસની જાહેરાત થતાં જ ભાડું ખરું, ભાડું નહીં, ભાડામાં ટકાવારીના નાટક શરૂ થયાં!
બાબા રામદેવ, વિજય માલ્યા, મેહુલ ચોક્સી સમેતના ૬૮,૫૦૦ કરોડ રૂપિયા માફ થયા, જેમાં બાબા રામદેવની બારસો કરોડ ઉપરાંતની રકમ ! એ.સી.માં આરામ ફરમાવતો મોદીપ્રેમી મધ્યમ વર્ગ આની સામે ચૂપ છે, પરંતુ મજૂરનાં ભાડા વિશે બડબડાટ કરે છે! કચ્છના ભૂકંપ વખતે એન.ડી.એ. સરકાર હતી, મમતા બેનર્જી રેલમંત્રી હતાં, મફત ટ્રેનો દોડાવેલી. આ રાષ્ટ્રીય જ નહીં, વૈશ્વિક આપત્તિ છે ત્યારે સુવિધા વધારાય કે ઘટાડાય? આ તો એન.ડી.એ.નો મજૂરવિરોધી આગ્રહ દૃઢ થયો તે દેખાય છે. એક તરફ ૬૮,૫૦૦ કરોડની ખૈરાત અને બીજી તરફ આ ભાડું સરખાવવું જોઈએ. રેલવેએ ૧૫૨ કરોડ તો PM CARES ફંડમાં આપેલા છે, ત્યારે શું આપણે મજૂરોને વતન જવા મફત પ્રવાસની સુવિધા ન આપી શકીએ?
વળી, એમણે દોઢ મહિનો જે લાચારીથી કાઢ્યો છે તે ઓછો કષ્ટદાયક નથી. ફૂડપૅકેટ મળે, ન મળે. વળી, વતન જવું હોય તો ઑનલાઈન રજિસ્ટ્રેશન! શું કામદારો પાસે ડિજિટલ વ્યવસ્થા છે? માંડ ૧૦થી ૧૨ ટકા ભારતીયો બચત કરી શકે છે, ત્યારે દોઢ મહિના પછી આ કામદારોની સ્થિતિ શું હશે? જેને આપણે સંગઠિત ક્ષેત્ર કહીએ છીએ એ ક્ષેત્રના કર્મચારીઓમાંથી ૮.૨ લાખ કર્મચારીઓએ પી.એફ.ની બચત ઉપાડવા એપ્રિલના અંત સુધીમાં અરજી કરી છે! જો એમની આ હાલત હોય તો અસંગઠિત મજૂરોનું શું થાય? આવી સ્થિતિમાં વધુ આઘાત તો ત્યારે લાગે છે કે સોશિયલ મીડિયામાં આ મજૂરો વિશે એલફેલ બોલવામાં આવે છે. ગુજરાતમાં શું કામ આવે છે? દારૂ પીવાના પૈસા તો હોય છે વગેરે વગેરે .. સોસાયટીની મહિલાઓમાં પણ આ જ વાત! કામવાળીને માર્ચના આપ્યા, પણ હવે એપ્રિલના નહીં આપું ! હવે તો ન આવે તો જ સારું. શી ખબર કેવી ગંદકીમાં રહેતી હોય, ક્યાંક કોરોના લઈ આવશે! શ્રમજીવીઓ પ્રત્યેની આ દૃષ્ટિ સ્વસ્થ સમાજની નિશાની નથી.
જે સમાજે શ્રમજીવીઓનું ગૌરવ કર્યું એ સમાજની સ્થિતિ જુઓ. આદિવાસી રાષ્ટ્ર વિયેટનામ ૧૦૦ ટકા સાક્ષર છે. કોરાના પ્રવેશી શક્યો નથી. વરસો સુધી અમેરિકાનો બૉમ્બમારો વેઠ્યો તો ય બેઠું થઈ ગયું. અમેરિકાને હરાવેલું. ક્યુબામાં કોરોના તો નથી, પણ વિશ્વભરમાં અત્યારે ક્યુબા ડૉક્ટરની ખેપો મોકલે છે! આમાંથી આપણે શીખવા જેવું છે. આની સામે વૃદ્ધ માતા-પિતા, બાળકોને લઈને જતાં મજૂરોના વણઝારનાં દૃશ્યો આપણા લોકતંત્રની હાંસી છે. બાદશાહ સલામતે ‘ઘરે રહો, સલામત રહો’નો ફતવો તો જાહેર કર્યો, પરંતુ આ દેશમાં ૩૮ લાખ લોકોના માથે ૭૦ વર્ષે પણ છત નથી, એ ક્યાં રહેશે ? આપણાં સહુના જીવનમાં કામદારોનો મોટો ફાળો છે એની ઉપેક્ષા એ સ્વસ્થ સમાજની નિશાની નથી.
રેમંડ વિલિયમ્સે એડવર્ડ થોમ્પસન અને સ્ટુઅર્ટ હૉલ સાથે ૧૯૬૭માં મે દિવસનો મેનિફેસ્ટો જાહેર કરેલો. તેમાં બ્રિટનના સમાજવાદી લેખકોએ લખેલું. ‘પેંગ્વિન’ પ્રકાશિત આ ગ્રંથના સંપાદનમાં રેમંડ વિલિયમ્સે કહેલું કે કામદારોની પાયાની જરૂરિયાત છે રહેઠાણની સુવિધા! ૧૯૬૭માં કહેલી વાત ૨૦૨૦માં પણ સાચી છે. કામદારોને આપણે સદૈવ સ્થળાંતરિત જ રાખ્યાં.
આ ચળકતું હિંદુસ્તાન એમણે બનાવ્યું છે. જોખમી કામો આ મજૂરોએ જ કર્યા છે. આ મજૂરો માટે ખાસ કોઈ યોજનાઓ નથી. ૪,૦૦૦ કરોડના મકાનમાં રહેતાં મુકેશ અંબાણીની ચિંતા આપણા રાજકીય પક્ષોને વધારે છે. સમાજના એક ટકા પાસે ૭૦ ટકા સંપત્તિ છે, બાકીના ૯૯ ટકા પાસે ૩૦ ટકા. એમાં ય મજૂરો પાસે તો ઠન ઠન ગોપાલ. આ કોરોનાના કારણે વતન જઈ રહેલ મજૂરો પાસે શું છે? જુઓને … લોકશાહીનો પાયો સમાનતા છે. અસમાનતા લોકશાહીનું કલંક છે. મજૂરો અસમાનતાનું જીવતુંજાગતું પ્રતીક છે. આપણે આ અસમાનતાની ચર્ચા કરતા જ નથી. ગાય, હિંદુ રાષ્ટ્ર, લવજેહાદ, મંદિર-મસ્જિદ જેવી વાતોમાંથી બહાર નીકળતા જ નથી.
મે દિવસની સાર્થકતા આ અસમાનતાની ચર્ચા થાય એમાં છે. ૭૫ લાખની વસ્તીવાળા અમદાવાદમાં કોરોનાના એક હજાર કેસ આવ્યા ત્યાં તો સિવિલ હોસ્પિટલ હાંફી ગઈ! શું આ વિકાસ છે? મજૂરોને વતન જવા ભાડું દેવા કૉંગ્રેસ તૈયાર થઈ, પરંતુ એ જ કૉંગ્રેસે યુ.પી.એ.ના સમયગાળામાં દસ લાખ એકર જમીન સ્પેશિયલ ઇકોનૉમિક ઝૉનના નામે પડાવીને લોકવિરોધી વલણ દાખવેલું. આઠ કલાકના બદલે બાર કલાક કામની વાત કાઁગ્રેસે જ કરેલી! યુ.પી.એ. કે એન.ડી.એ. મજૂરોના ઘનઘોર શત્રુ છે. એમની વર્ગીય મિત્રતા ટાટા, બિરલા, અંબાણી, અદાણી સાથે છે. જાહેર એકમો (PUC) વેચાયાં અને મજૂરોની સ્થિતિ બગડેલી. આ જાહેર એકમો કોણે વેચ્યાં? કાઁગ્રેસે. અરે! રેડિયો તરંગ કે જે રાષ્ટ્રીય સંપત્તિ છે એ પણ ટુ-જી, ફોર-જી એમણે જ વેચેલાં, જેના કારણે BSNL મરવા પડ્યું. નફો કરતું ક્ષેત્ર તોડી નાખ્યું. જે રસ્તે ભા.જ.પ. હરણફાળ ભરી રહ્યો છે તે રસ્તો તૈયાર તો કાઁગ્રેસે જ કર્યો છે. શિક્ષણનું ખાનગીકરણ કાઁગ્રેસે કર્યું, જેથી મજૂરોના સંતાનો તો ભણી જ ન શકે! કમ્યુનિકેશનનું ખાનગીકરણ કર્યું જેમાંથી રોજ અર્ણવ ગોસ્વામી પાકશે. બાવળ વાવનારાઓ કેરીની આશા કેવી રીતે રાખી શકે? તેના કારણે આજે મીડિયા સત્તાનો ભાગ બની ગયું. કોરોના પછીના કાળમાં ‘ગરીબી હટાવો’ કે ‘સબકા સાથ, સબકા વિકાસ’ જેવાં પોકળ સૂત્રો નહીં હોય, તો જ સાચી લોકશાહીનું, સમાનતાવાળી લોકશાહીનું નિર્માણ થઈ શકશે.
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 07 મે 2020