હું કોરોના
સાઈઠ દિવસમાં તમે મને
બરાબર ઓળખી લીધો હશે
તમે કર્યા કરો ગણતરી
તમને ફુરસદેય નહીં મળે જરી
હજી તો કેટલા ય જશે
કારણ કે હું કોઈને
કોરો ‘ના’ રાખવામાં માનું છું
સાંભળ્યુંને તમે ?
જવાબ આપો તો ગમે.
– તો સાંભળ
અમારાં મોત જોઈ
તું પોરસાય છે ખરું ને !
પણ એમાં તારી ઓછી કમાલ
અમારી જ વધુ છે વબાલ
તેં દસ્તક દીધા તો ય
અમે ઊંઘતા જ રહ્યા
વિદેશથી આવેલાને એર પોર્ટથી જ
તપાસ્યા ન તપાસ્યા, ને લીલી ઝંડી
તે વિદેશીઓ સાથે તું ય
વગર વિઝાએ દેશમાં ઘૂસી ગયો
અને એ પછી ય
માસ્ક, પીપીઇ, કિટ કે કશાની
તૈયારી કરવાની તંત્રે ત્રેવડ ન દેખાડી
એટલે જ તો અમારાં ડોક્ટર, નર્સ, સફાઈકર્મીઓ
જેમને અમે ‘કોરોના વૉરિયર્સ’નો
ખિતાબ આપ્યો,
વિમાનમાંથી ફૂલો વરસાવ્યાં
તે તારી ઝપટમાં આવતાં
તું મૂછમાં હસે છે
સરકારે સમયસર સ્વાસ્થ્યસાધનો ન આપ્યાં
એમાં તું દાવ મારી ગયો
બાકી તને તો ખબર છે
જે દેશથી તું અહીં આવ્યો
એના પાડોશી તાઇવાને, ન્યૂ ઝીલેન્ડે
તો તને બરાબરનો ધોઈ નાંખ્યો
લે હવે મને સાંભળ
તે તારા દેશમાં ય મારાથી બચ્યા જ છે ને !
તમે શું કો’ છો? પરપ્રાંતીય
તેઓ મજબૂરીવશ ‘દો ગજની દૂરી’ નથી રાખી શકતા
તો ય
તેમનાથી દૂર જ રહ્યો છું ને
મેં વિચાર્યું કે ખાલી ખિસ્સે
ભૂખ ન ભાંગનારાનાં ફેંફસાંને શું ચૂંથવાના
મને એમની દયા આવી
પણ તમારી અસંવેદનશીલ સરકારને
જરા ય દયા ન આવી
વતન જવા બસ, ટ્રેન ઝટ ન ફાળવતાં
તેઓ પગપાળા, સાઈકલ, ખાનગી બસોના છાપરે ચઢયા.
સરકારનું પોત છાપરે ચઢીને, ટ્રેન નીચે કચડાતાં પોકાર્યું
ચૂપચાપ પ્રભુને પ્યારા થઈ ગયા
મારી એક વાત લખી લેજો
જેટલા મારા વાઇરસથી મર્યા, મરશે તેના કરતાં
આ શ્રમિકોનું અપમાન, સાવકાપણું કરાયું
તેનાથી તેઓ તદ્દન ભાંગી ગયા
હવે પછી તમારા દેશના અર્થતંત્રને જે નુકસાન થશે
તે મારાથી થયેલા નુકસાન કરતાં અનેક ગણું હશે
અને હા એમના મોતનો હિસાબ
મારા ખાતામાં ન ખતવશો હોં
‘આત્મનિર્ભર ભારત’નાં ગુણગાન ગાતી
તમારી સરકારના ખાતામાં નાંખજો ભઈલા.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 મે 2020
![]()


એક સમયે સોનેટનો ભરાવો હતો એમ આજે ગઝલોનો રાફડો ફાટ્યો છે. એમાં પણ ગઝલ તરીકે પાર ઊતરે એવી તો ઓછી જ મળે. લઘુ ઉદ્યોગો ઓછા છે, પણ ગઝલનો હસ્ત ઉદ્યોગ બેફામપણે ચાલે છે.
મુશાયરા પ્રવૃત્તિ ખૂબ વિકસી તેનું એક કારણ ગઝલની તૂર્ત પ્રત્યાયન ક્ષમતા હતી. તેમાં શ્રોતાઓનો તરત જ રિસ્પોન્સ મળતો. આ પ્રત્યાયન ક્ષમતા શક્ય બની ગઝલની ભાષા સરળ અને બોલચાલની હોવાને કારણે. ગઝલ તેથી લોકપ્રિય પણ ખૂબ થઈ. શ્રોતાઓની શાયરોને ખૂબ દાદ મળતી થઈ. એનું એક પરિણામ એ આવ્યું કે શાયર એવી ગઝલ લખતો થયો જે એને ખૂબ દાદ અપાવે. પછી તો મોટે ભાગે શાયરો લોકોને ખુશ કરવાને ઇરાદે જ ગઝલ લખતા રહ્યા.