હું છે કે મને ચેનલમાં કામ મઇલું. અ'વે નવું નવું કામ એટલે બૌ નખરા ની કરાય. ન્યૂઝ બતાવવાના ને ઇન્ટરવ્યૂ હો લેવાના. કૈં હો હોંપે તે કરવું જ પડે. કોરોનાનું તો ચાલતું જ ઉતું તેમાં વાવાઝોડું આઇવું. સાયેબ તો કે'ય કે બંનેનું કવરેજ કર. તેમ કરવા તો ગિયો, પણ કોરોનાના ન્યૂઝમાં વાવાઝોડું ઘૂહી જાય ને વાવાઝોડાને હો કોરોના થાય એવી આ'લત ઉતી. મારો સાયેબ જાતે એન્કરિંગ કરે. એટલું ઉતાવળે બોલે કે એને હો હમજ ની પડે. બોઈલો, 'ગુજરાતમાં કોરોના આવવાની વકી છે. સોરી, સોરી! ગુજરાતમાં તો આવી જ ગઈલો છે. અ'વે વાવાઝોડું લાવવાનું છે. લાવવાનું નથી, આવવાનું છે. મુંબઈ હુધી તો આવી જ ગઈલું છે. અ'વે હુરત હુધી આવી જાય કે ગંગા ના'યા.' મારો સાયેબ બાફવામાં મારા કરતા હો ચડે તેવો છે. હિન્દી ચેનલનાં વરહાદના ક્લિપિંગ્સ બતાવવાના તેને બદલે રણના તડકાના ક્લિપિંગ્સ બતાવવા લાઈગો. મેં ઈશારો કઇરો કે વાવાઝોડું બતાવો, પણ એ બુથ્થડ હમજે તો કે?એણે કાં' હુધી તો રેલ જ બતાઈવા કઇરી. રેલ જોતો જાય ને પ'લ્લી જવાનો ઓ'ય તેમ પેન્ટની મોરી ચડાવતો જાય. પછી મેં જ વાવાઝોડું બતાઈવું તા'રે એ હરખો બેઠો. મને કે’ય, 'હારું થિયું તેં વાવાઝોડું બતાઈવું તે! ની તો આજે તો ઊં રેલમાં ડૂબી જ ગિયો ઓ'તે!' જરાવારમાં તો ફોન આવવા લાઇગા, ‘હેલો, મક્કઈપુલ પાંહે તો રેલ ની મલે, તો આ પાણી છે કાં’? 'મેં કીધું, 'એ તો નાનપરા પાંહે છે. જોવા ની જતો. વગર મફતનો ડૂબી જતો રે'હે!' ફોન કટ થઈ ગિયો. તાં' મારા સાયેબે બ્રેક લીધો ને મને બ્રેક કરવાનો ઓ'ય તેમ બરાઈડો, ‘અઈલા, વાવાઝોડું જહે પછી જવાનો છેકે?ની જવાનો ઓ'ય તો કાલથી આવતો જ ની, હમઇજો?'
– ને ઉં હમજીને વાવાઝોડાનો ઇન્ટરવ્યૂ કરવા નીકઇળો. હુરતમાં તો કૈં લાગતું ની ઉતું. તડકો અ’તો. પવન ફૂંકાવાનો ઉતો, તેને બદલે તાપ લાગતો ઉતો. મારી હાથે બે કેમેરામેન બાટલીવાલા ને ખાટલીવાલા ઉતા. તે બન્ને અ'જી ઘેનમાં જ ઉતા. મને કે’ય, 'વાવાઝોડું છે ની ને આ ઇન્ટરવ્યૂ કરવાનું કે'ય છે તે કેમ કરહું?'
મેં કીધું, 'અ'વે કોઈને પકડીને પૂછી લેહું' તાં' તો એક સ્કૂટર પર જતો ઉતો તેને ઊભો રાઈખો. તેણે ડાચા પર માસ્ક પે'રેલું ઉતું એટલે કોઈ ડાકુ જેવો લાગતો ઉતો. માઈક પર ચેનલનું નામ જોઈને એ પાછો જતો ઉતો તે મેં એને રોઇકો,'કાં'જાવ છો?'
‘મહાણમાં. આવવું છે?'
‘ના, પણ વાવાઝોડું આવવાનું છે તેની ખબર છે?'
'ખબર છે, અ'વે જવા દેહો?'
'કેવું લાગે છે?'
'અ'વે મહાણમાં જવાનું તો કોને હારું લાગે?'
'એમ ની અ'વે, વાવાઝોડું આવે છે તો કેવું લાગે છે?'
'બૌ ફાઇન લાગે છે. અ'લવો છે હું? કેવું હું લાગે? બદ્ધાને એકનું એક જ પૂછવાનું?'
'ઊં એમ પૂછું છું કે વાવાઝોડું આવે છે તો કેવું લાગે છે?'
'એ તો આવે પછી કઉં. અત્તારમાં હું છે?'
અમારી વાતો હાંભળીને બે ચાર જણા ભેગા થઈ ગિયા. એક આધેડ બેન હામે માઈક ધરતાં મેં પૂઈછું, ‘બેન, વાવાઝોડું આવે તો તેનાથી બચવા કૈં કઇરું છે?'
‘ના, મારે તો રોજનું વાવાઝોડું છે? એમાં કરવાનું હું? મારા માબાપે લગન કરાવીને ફાસમાં લાખી. એ તો મરી ગિયા પણ મારો અવતાર બાઈળો. આ ફંહાઈ મૂઓ તો રોજ મારાં આ'ડકા તોડે છે. એ અ'રામીને તો મેં જ વેઈઠો, બીજી કોઈ ઓ'તે તો ઊભ્ભો મે'લીને ચાલી ગઈ ઓ'તે!'
એમ બોલીને એ બેન તો ચાલી ગિયા. અમે બજારમાં આઈવા. એક હેરકટિંગ સેલૂનમાં વાળંદને પૂઈછું, 'વાવાઝોડું આવે છે તો કેવું લાગે છે?'
'આવે તો હારું જ છેને! કેટલા દા'ડાથી દુકાનમાં વાળનો ઢગલો થઈ ગઈલો છે. પવન આવે તો વાળ તો ઓછા થાય.'
તાં' મારો સાયેબ ગાઇજો, ‘રવિભાઈ, તમને મારો અવાજ હંભળાય છે?'
મેં કીધું, 'અવ્વે, હંભળાય છે.'
'મને એ કે'વ કે તાં' હું આ'લત છે?'
'બધા વાવાઝોડાની રા' જોઈ ર'ઇલા છે. કોર્પોરેશને આટલી મેં'નત કરી ઓ'ય ને આટલો ખરચો કઇરો ઓ'ય તો વાવાઝોડાએ પણ લોકોનું થોડું માન રાખવું જોઈએ.'
'હાચી વાત છે. આપણે કોરોનાને નથી રોઇકો તો વાવાઝોડાને થોડી જ ના પડાહે?'
અ'વે લંચ બ્રેક. હુરતી ન્યૂઝ ચેનલ જોતા રે'વ ને બીજાને કે'તા રે'વ.
થોડી જ વારમાં નવી આફતો હાથે અમે પાછા આવીહું, તાં' હુધી ટીવીની હામે બેહીને તમે હો જમી લેવ. ખબર ની વાવાઝોડું આવે તો જમ્માનું મલે કે …
0
e.mail : ravindra21111946@gmail.com