કાવ્ય તે વાતનો ઇશારો કરે છે જેનો વિચાર માનવીને જીવનમાં કદી કદી આવતો હોય છે.
ઘણાંયે વર્ષો પહેલાં લખેલું, અને હાલ મઠારેલું આ કાવ્ય મૂળ ડબ્લ્યૂ.બી. ઈટ્સના અને કવિ બચ્ચનના આધારિત કાવ્ય પરથી રચાયું છે.
તો શું ? – વિરાફ કાપડિયા
જ્યારે એ ભણતો’તો ત્યારે સહપાઠીઓ ક્હેતા’તા,
મિત્ર, કરો કંઈ એવું જેથી આગળ જઈને કાઢો નામ;
એણે પણ એવું જ વિચાર્યું અને નિયમ-સંયમ સાધ્યો,
અને યુવાનીનાં વર્ષોને કરી નાખ્યાં આરામ હરામ.
કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
એવું કરી નાખ્યું તો શું?
એણે જે કંઈ રચ્યું, પઢ્યું એને દુનિયાના લોકોએ;
એની એટલી ખપી કિતાબો, ધનનો એવો ઢગ લાગ્યો,
જે ઇચ્છ્યું તે ખાધું, પહેર્યું અને ખવાડ્યું મિત્રોને,
મીત બન્યો જે એનો એણે સાથ નહીં એનો ત્યાગ્યો.
કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
એવું કરી નાખ્યું તો શું?
એણે જે સુખ-સપનાં જોયાં’તાં તે સર્વે સત્ય થયાં —
પત્ની, પુત્રી, પુત્ર, રહેવાને સુંદર નાનું શું ઘર,
સાફ જગા જેમાં કોબી ને કંઈક ટમેટાં ઊગતાં હો,
કવિ, લેખક, સાહિત્યિક આવે એને મળવાને સાદર.
કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
એવું કરી નાખ્યું તો શું?
વૃદ્ધ થયો તો એને લાગ્યું મારું કામ સમાપ્ત થયું,
મેં શૈશવની મધુ આશાઓને જીવનમાં રૂપ દીધું,
મૂર્ખ મને ભાંડે મનભર, પણ મેં ક્યારે હિમ્મત ખોઈ,
એક કામને હાથ લીધું’તું તેને મેં પરિપૂર્ણ કીધું.
કોઈ પ્રેત પુરાતન બોલ્યું,
અને જોરથી,
એવું કરી નાખ્યું તો શું?
******
e.mail : vkapmail@yahoo.com
![]()


પેટ્રોલ-ડીઝલનો ભાવ લિટરના હજાર રૂપિયા થઈ જાય તો પણ કોઈના પેટનું પાણી હાલે તેમ નથી. એના બે અર્થ થાય. એક તો એ કે પ્રજા પાસે વધારાની એટલી કમાણી છે કે તેને મોંઘવારી ગમે તેટલી વધે તો પણ ફેર પડે તેમ નથી. તેને ખાતરી છે કે સરકાર ગમે તેટલો ભાવ વધારો ઝીંકે તો પણ બીજી ઘણી રીતે એટલી કમાણી તો કરી જ લેવાશે કે ગજવું હલકું નહીં થાય. બીજો અર્થ એ થાય કે અનેક પ્રકારની મોંઘવારીનો ત્રાસ વેઠીને પ્રજા એટલી બેહાલ થઈ ગઈ છે કે તેની વિરોધની શક્તિ જ મરી પરવારી છે. તે જાત બચાવે કે સરકાર સામે દાંતિયા કરે? લોકોમાં એક વર્ગ એવો છે જેને સરકારમાં ઉત્તમથી ઓછું તો કંઈ જણાતું જ નથી ને એક વર્ગ એવો છે તે ખામી ગણ્યા કરે છે, પણ તેના વિરોધના દાંત-નખ નીકળી ગયેલા છે એટલે તેનું કંઈ ઉપજે તેમ નથી. એક વફાદાર વર્ગ છે જે નફાદાર પણ છે એટલે તે તો સરકારની આરતી ઉતારવામાં માને છે ને જે ખોટમાં છે તે વર્ગ ખૂણે રડીને બેસી રહે છે. આ બંને પરિસ્થિતિનો ભરપેટ લાભ ઉઠાવાય છે. તંત્રો બરાબર જાણે છે કે ક્યાંયથી વિરોધ થવાનો નથી એટલે પ્રજાની બોચી પકડવામાં વાંધો નહીં આવે. કૉન્ગ્રેસ વિરોધ કરે છે, પણ એ તો કરે હવે, એમ માની લેવાયું છે. એ વિરોધ પક્ષ છે તો વિરોધ તો કરે જ ને! કૉન્ગ્રેસનો વિરોધ સરકાર લેખામાં લેતી નથી. કારણ એમાં દમ નથી ને એ વિરોધનો પડઘો દૂર સુધી પડે એમ નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં એટલું થયું છે કે જરૂરી બાબતોનો પ્રજા કે સંગઠનો દ્વારા વિરોધ કરવાનું લગભગ બંધ થયું છે. આ સારાં એંધાણ નથી. લોકશાહીને દાવ પર લગાવવા જેવું છે. પ્રજાએ વિચારી લેવાનું રહે કે તે લોકશાહીને સાચવવા માંગે છે કે તેને લોકશાહી વિરુદ્ધનું પણ કંઈ ખપે તેમ છે?