ગુજરાતે અનેક રીતે ઘણી પ્રગતિ કરી હશે, પણ શિક્ષણનો તો અહીં સર્વનાશ જ થયો છે. એ સર્વનાશ શિક્ષણ ખાતાંએ સામૂહિક રીતે કર્યો છે. એ ખરું કે કોરોનાએ આખા વિશ્વ પર પ્રભાવ પાથર્યો ને અનેક ક્ષેત્રોમાં મૂલ્યોનું ભયંકર ધોવાણ થયું, એમાં શિક્ષણ પણ બાકાત નથી. કોરોના કાળે બીજા દેશોમાં શિક્ષણની શી સ્થિતિ થઈ તે તો બહુ ખબર નથી, પણ એવી કોઈ વાતો બહાર આવી નથી જેણે શિક્ષણ સંદર્ભે ઊહાપોહ જગવ્યો હોય. ભારતમાં પણ એવી વાતો બહુ બહાર આવી નથી, પણ ગુજરાતની વાત નીકળે છે તો શિક્ષણમાં તો દાટ વળેલો જ દેખાય છે. કોરોના કાળમાં જે શિક્ષણ મંત્રીઓ આવ્યા એમણે માત્ર તુક્કાઓ પર જ આખું શિક્ષણ ખાતું ચલાવ્યું છે. મહંમદ તઘલખ તરંગી ગણાયો, પણ શિક્ષણ ખાતું તો તેને ય ટપી જાય તેવા તુક્કાઓ પર જ નભી રહ્યું છે, એમાં કોઈ શંકા નથી. આખા શિક્ષણ વિભાગની એક વિશેષતા ધ્યાન ખેંચે છે તે, થૂંકીને ચાટવાની ! એ ખરું કે કોરોનાએ અનેક નીતિ રીતિઓ પર પાણી ફેરવ્યું છે ને કશુંક નક્કી કર્યું હોય તેનાથી જુદું જ કરવાની ફરજ પડી છે, પણ એવે વખતે તુમાખી કે તુક્કાથી વરતવાનું ઠીક નથી. એ સંજોગોમાં તુમાખી કે તુક્કાનું સ્થાન વિવેકે લેવું પડે, જેનો ગુજરાતનાં શિક્ષણ વિભાગમાં ભારોભાર અભાવ છે. 2020માં કોરોના નિમિત્તે લોકડાઉન જાહેર થયું તેના થોડા જ વખતમાં ગુજરાતે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કર્યો. પૂરતાં સાધનો વગર નામ પૂરતું ભણવા, ભણાવવાનું ચાલ્યું. જાતભાતની કસોટીઓ વચ્ચે બોલબાલા પરીક્ષાની જ રહી. પરીક્ષામાં જવાબો લખવા-લખાવવાનું પણ ચાલ્યું ને એમ લાગે કે શિક્ષણ જેવું જરા તરા રહી ગયું છે, બસ ! તેટલું મહત્ત્વ શિક્ષણનું રહ્યું. બધું જ અનિશ્ચિત હોય ત્યારે હોંશિયારી મરાય નહીં, પણ શિક્ષણ મંત્રી ફરમાનો બહાર પાડતાં રહ્યાં. કસોટીઓ છાશવારે લેવાતી રહી. બોર્ડની કે અન્ય વાર્ષિક પરીક્ષાઓનું શું થશે તેની મૂંઝવણો રાજ્ય આખાને હતી, ત્યાં 2020નાં ડિસેમ્બર, 29નાં છાપાંઓ બોલ્યાં કે માસ પ્રમોશન નહીં અપાય અને પરીક્ષાઓ લેવાશે જ ! એકથી આઠ અને ધોરણ નવ ને અગિયારની પરીક્ષાઓ લેવાશે જ. આ બધુ કઇ રીતે પાર પડશે એની કોઈ વાત ન હતી, પણ ફતવો બહાર પડી ચૂક્યો હતો, ત્યાં 25 માર્ચ, 2021 ને રોજ વળી જાહેર થયું કે 1થી 8, 9 અને 11માં માસ પ્રમોશન અપાશે. થયું? પરીક્ષાની (તુ)માખી નીકળી ગઈ !
કોરોનાને કારણે જ 10 અને 12ની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી. 10માં ધોરણમાં માસ પ્રમોશન જાહેર થયું, તેમાં કરામત હતી. 9 અને 10ની અગાઉ લેવાયેલી પરીક્ષાને આધારે 10નું બોર્ડનું પરિણામ જાહેર કરાયું. એ હજી સુધી નથી સમજાયું કે માસ પ્રમોશન જાહેર જ હતું ત્યાં, નવમા, દસમાની અમુક તમુક ટકાવારી પરથી પરિણામ તૈયાર કરવાથી વિશેષ શું સિદ્ધ કરવું હતું? ખેર, ન લેવાયેલી પરીક્ષાનું પરિણામ 100 ટકા આવ્યું અને 17 હજારથી વધુ વિદ્યાર્થીઓને એ -1 ગ્રેડમાં પાસ જાહેર કરાયા. કોઈને પણ એ સંકોચ ન થયો કે જેની પરીક્ષા બોર્ડે લીધી જ નથી એનો એ-1 ગ્રેડ સ્વીકારાય કઇ રીતે?
આ વખતે એટલે કે 2022માં, એપ્રિલમાં પ્રાઈમરીની પરીક્ષાઓ લેવાઈ. વિદ્યાર્થીઓએ પેપરોના જવાબ લખ્યા, તેનું વર્ગવાર પરિણામ નક્કી થયું ને મેની બીજી તારીખે શિક્ષણ મંત્રીએ એકાએક ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોનાની ખાસ પરિસ્થિતિને કારણે, ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. આમ તો 21 સપ્ટેમ્બર, 2019ના રોજ સરકારે ઠરાવ કરેલો કે એ ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. એ અનુસાર ગયે વર્ષે કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ કરાયા ન હતા. એ જ વાત આ વર્ષે પણ શિક્ષણ વિભાગે લાગુ પાડી ને આ વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી આગલા વર્ષમાં બઢતી અપાઈ.
એ સાચું કે કોરોના નાબૂદ થવાની વાત જોર પકડે છે તે સાથે તેની નવી લહેરની આગાહીઓ પણ થવા લાગે છે ને ગાડી માંડ જરા પાટે ચડે છે કે ફરી ભયનું લખલખું દેશ આખામાંથી પસાર થઈ જાય છે. એમાં જેમ બીજું બધું ખોરંભે ચડે છે એમ જ શિક્ષણ પણ ઘોંચમાં પડે છે. જો કે, છેલ્લા થોડા મહિના કોરોનાનો પ્રભાવ ખાસો ઘટ્યો, એટલે ઓફલાઇન શિક્ષણ પણ શરૂ થયું. ઓનલાઈન અને ઓફલાઇન વર્ગો ચાલ્યા ને પરીક્ષાને અનુકૂળ વાતાવરણ લાગતાં ધોરણ આઠ સુધીની વાર્ષિક પરીક્ષાઓ પણ લેવાઈ ને પરિણામ પત્રકો પણ તૈયાર થયા, ત્યાં અચાનક શિક્ષણ વિભાગે જાહેરાત કરી કે કોરોનાને કારણે શિક્ષણ નિયમિત થઈ શક્યું નથી, તો આ વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવો. આ નિર્ણય લેવો પડશે એવું ઘણાંને લાગતું હતું, પણ જ્યારે પરીક્ષા હેમખેમ પૂરી થઈ ને પરિણામો પણ તૈયાર થઈ ગયાં તો લાગ્યું કે આજકાલમાં પરિણામો જાહેર થશે, પણ કોથળામાંથી બિલાડું નીકળ્યું ને માસ પ્રમોશનનો બેલ પડી ગયો !
માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો તેનો એટલો વાંધો નથી, જેટલો પરીક્ષા લેવાઈ તેનો છે. કોરોનાને કારણે માસ પ્રમોશન અપાયું તે કોરોના નવો આવ્યો હતો, એટલે? બે વર્ષથી એ દેશમાં છે. તો, પરીક્ષા લેવાઈ ગયા પછી માસ પ્રમોશનનો તુક્કો કેમ આવ્યો? એ વેલ ઇન એડવાન્સ અજમાવી શકાયો હોત તો પરીક્ષાનું આખું તંત્ર ગોઠવવાની જરૂર ન પડી હોત ! સૂરતમાં કેટલી ય સ્કૂલોમાં કોરોનાની ઐસીતૈસી કરીને જે બેઠક વ્યવસ્થા આચાર્યોએ ગોઠવવી પડી ને પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખૂબ નજીક, એક બીજાને અડાડીને બેસાડવાની ફરજ પડી તેનાથી બચી શકાયું હોત ! સાચું તો એ છે કે પરીક્ષાનું વાતાવરણ જ ન બન્યું ને પરીક્ષાઓ લેવાઈ. વારુ, પરીક્ષાનું પરિણામ નક્કી થઈ ગયું, પાસ નાપાસની માનસિકતા બની ચૂકી ત્યાં સુધી શિક્ષણ ખાતાને માસ પ્રમોશનનું સપનું ય નથી પડતું, એ કેવું? આટલું અંધેર તો કેમ ચાલે?
કોઈને નાપાસનું ભાન ન થાય ને બધાં જ આગળનાં વર્ષમાં જાય એ માસ પ્રમોશનનો હેતુ માર્યો ગયો, કારણ, પરિણામ નક્કી થઈ ગયાં પછી જે નાપાસ છે તેનાં મનમાં એ ગિલ્ટ રહેવાનું કે પોતે નાપાસ છે ને દયા દાન ધરમમાં આગળ જઈ રહ્યો છે. એ ખરું કે માસ પ્રમોશનને કારણે બીજી સ્કૂલોમાં ઓછી ટકાવારીને કારણે વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રહેવાનું નહીં બને, પણ પેલું નાપાસનું ગિલ્ટ તો ઓલરેડી જન્મી જ ચૂક્યું છે, તેનું શું? એ સારી સ્થિતિ છે? ને સવાલોનો સવાલ એ છે કે માસ પ્રમોશનનું નાટક ક્યાં સુધી ચલાવવાનું છે? શિક્ષણ વિભાગને એ ખબર છે કે મોટે ભાગના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નાપાસમાં છે ને તે ય 100માંથી ચાર પાંચ માર્ક જેટલું જ છે, તો એ સ્થિતિ સુધરે એવું કૈં કરવાની જરૂર લાગે છે કે આવતે વર્ષે પણ માસ પ્રમોશનની જ આગાહી, આજથી જ કરી દેવાની છે? એક માત્ર પુડુચેરીને બાદ કરતાં કોઈ રાજ્યે માસ પ્રમોશનની યોજના અમલી બનાવી નથી. એનો અર્થ એ થાય કે એમણે પરીક્ષાનો વિકલ્પ સ્વીકાર્યો છે. એ રાજ્યોમાં કોરોના ન હતો ને એ તકલીફ માત્ર ગુજરાતને જ હતી એમ માનવાનું છે? એ રીતે ગુજરાત તુક્કાઓને કારણે, પાયાના શિક્ષણથી જ પાયા વગરનું થઈ ગયું છે એવું નથી લાગતું?
હે, શિક્ષણ વિભાગના માનવંતા સાહેબો, થોડું પણ અનુભવી શકતા હો તો અનુભવો કે બે વર્ષથી માસ પ્રમોશન ખાટતા વિદ્યાર્થીઓ ત્રીજા ધોરણમાં આવી ગયા છે ને તેમનાં કકકાનાં ઠેકાણાં નથી ને બીજી તરફ તેમને પાઠ ભણવાના આવ્યા છે. એકડો ચીતરાતો નથી ને સરવાળા, બાદબાકી તરફ જવાનું છે. લર્નિંગ લોસ વિષે કૈં વિચારવાનું છે કે આમ જ માસ પ્રમોશનથી જ જીવી કાઢવાનું છે? માનનીય સાહેબો, તમે એ રીતે ભણ્યા ન હો તો આ વિદ્યાર્થીઓને એમના કયા ગુના બદલ આ ભોગવવાનું છે તે કહેશો? ખરેખર તો થોડા શિક્ષકોને વધારાનો પગાર આપીને વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય એવી વ્યવસ્થા વિચારવાની જરૂર છે, પણ શિક્ષકોને તો તમે ફાજલ કામ માટે જ રાખ્યા હોય એવી હાલત છે. એ તમારી વસ્તી ગણતરી માટે કે રસી રસા માટે જ હોય તેમ કારકૂની કરાવો છો તે કોઈ રીતે યોગ્ય નથી. તમારો માસ્તર પત્રકો ભરવામાંથી કે આની તેની જયંતી ઉજવવામાંથી જ ઊંચો ન આવતો હોય તો એ ભણાવશે શું ને કોને? વેઠિયા ને માસ્તરમાં થોડો ફરક તો રાખો. આખો શિક્ષણ વિભાગ ક્યાં સુધી તઘલખો ને શેખચલ્લીઓ પર જીવવાનો છે તે કહેશો? જે પ્રજાનું ખાવ છો તેનું ક્યાં સુધી ખોદશો? ક્યાંકથી પણ શરમ મળતી હોય તો મેળવવા જેવી છે, કારણ અગાઉ ક્યારે ય ન હતી એટલી જરૂર આજે છે …
ને શિક્ષણ મંત્રીશ્રી તો કહે છે કે જેને ગુજરાતનું શિક્ષણ ન ફાવતું હોય તે ગુજરાત છોડી જાય. સારું છે કે ગુજ્જુઓને સ્વમાન જેવું ખાસ નથી, નહીંતર એને ય બધા મંત્રીઓ ફાવે છે એવું ક્યાં છે? એવા ન ફાવતા મંત્રીઓને એ પણ રાજવટો આપી જ શકે ને ! પણ આ પ્રજાને શરમ નડે છે ને એ ઘણાં ફાલતુઓને વેઠી લે છે, બાકી એ શું નથી જાણતી કે આ વખતે રિઝલ્ટ તૈયાર થઈ ગયું હોય એવા વિદ્યાર્થીઓને, મત હાથવગા થાય એટલે માસ પ્રમોશન આપે છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 મે 2022