હવાઓ ખળભળી જ્યાં સળવળી મંદિરની બાબત
ફરી ભયભીત કરવા નીકળી મંદિરની બાબત
રહે અકબંધ ભ્રમણા ને સિંહાસન જાય ના છૂટી
જઇને રાજનીતિમાં ભળી મંદિરની બાબત
અહીં તો ધર્મ તે અફીણ ને તેના જ સૌ આદી
નશો કરવા જ જાણે કે મળી મંદિરની બાબત
ભળ્યું જે અન્નરસમાં ઝેર તે આતંક ફેલાવે
ઘઉં ને બાજરી સાથે દળી મંદિરની બાબત
બીમારી, ભૂખ બાળકને ભણાવી પણ નથી શકતી
અને આ બાબતે તો આંધળી મંદિરની બાબત
ન આવ્યા પ્રશ્ન મુંઝવતા કદીયે કોઈના હોઠે
કહી સૌએ, બધાએ સાંભળી મંદિરની બાબત
પાડોશી ભાઈચારામાં જ કરતા થઇ ગયા શંકા
કરે છે ત્યાં ય જઇ જઇને સળી મંદિરની બાબત
વળી છે કળ હજી હમણાં જ દૃશ્યો ભયજનક ભૂલી
ઘરો જંપ્યા જરા ને ત્યાં વળી મંદિરની બાબત
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 15