ભારતના સોશિયલ મીડિયા પર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ ધૂમ મચાવી છે. તેમાં સી.બી.આઇ. તપાસની માંગ થઈ. બીજી બાજુ આપણી સંવેદનહીનતા જુઓ. પુલવામામાં 40 લશ્કરી જવાનો શહીદ થયા હતા, તે સંદર્ભે સી.બી.આઇ. તપાસની માગ નથી થતી! ભારતમાં વર્ષ 1995થી 2018 સુધીમાં ત્રણ લાખ ત્રીસ હજાર ખેડૂતોની આત્મહત્યા એ કેવળ આંકડા છે. એનાથી કોઈનું રુંવાડું ય ફરકતું નથી! નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, પ્રતિ વર્ષ સરેરાશ 10 હજારથી 12 હજાર ખેડૂતો આત્મહત્યા કરે છે. લૉક ડાઉનમાં સરકારે કામદારવિરોધી નિર્ણયો લીધા (જેમ કે કામના કલાકો બાબતમાં) એ રીતે પાંચમી જૂને ત્રણ વટહુકમો એવા કર્યા છે કે જેથી ભારતનો ખેડૂત વધુ મોટા સંકટમાં ધકેલાશે.
૧૯૯૦ પછીના વૈશ્વિકીકરણમાં જળ, જંગલ, જમીન અને ઘણી સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરાયું હતું. પણ ખેડૂતો અને ખેતી તેમાંથી બાકાત રહ્યાં હતાં. નવા વટહુકમોમાં એ કામ પણ થઈ ગયું છે. જેમ આપણે બાળપણમાં માનતા કે આપણા દેશમાં એક રેલવે એવી છે જે ન ખરીદી શકાય, આજે (રેલવેના અંશતઃ ખાનગીકરણની) એ ‘સિદ્ધિ’ પણ આ સરકારે હાંસલ કરી, એક પછી એક ટ્રેનો ખાનગી થઈ રહી છે. એવું જ ખેતીનું લાગી રહ્યું છે. નવા ત્રણ વટહુકમો કિસાનો પર આવી રહેલા ભારે સંકટની એંધાણી જેવા લાગે છે.
એ તો સૌ જાણે છે કે ખેડૂતોની દશા બેઠેલી છે. નીતિ આયોગના આંકડા બતાવે છે કે તેમની આવક દિન-પ્રતિદિન ઘટી રહી છે. ભારત ગામડાંમાં જીવે છે એમ ભલે કહેવાય, પણ હકીકતે તો ભારત ગામડાંમાં રોજબરોજ મરી રહ્યું છે. ભારતમાં ખેડૂતો પોતાની પેદાશ વેચી શકે તે માટે MSP (મેક્સિમમ સપોર્ટ પ્રાઈઝ)થી APMCમાં વેચી શકે. ત્યાં ટેક્સ ભરવાનો હોય છે. ભારતમાં આજે 7,000 APMC છે. હકીકતે પાંચ કિલોમીટરના ક્ષેત્રમાં આવી માર્કેટ હોવી જોઈએ. ખેડૂતને પેદાશો વાહનવ્યવહાર દ્વારા લઇ જવાનું મોંઘુ પડે છે. જરૂર છે 42,000 APMCની. અત્યારની માર્કેટમાં ભારતના કેવળ 6 ટકા ખેડૂતો પહોંચે છે. બાકીના 94 ટકા ખેડૂતો વચેટિયાના સહારે જીવે છે. તેથી APMCની સમાંતરે મુક્ત બજારનો અભિગમ આ સરકાર લાવી રહી છે. જે રહીસહી સગવડ પણ છીનવી લેશે. સરકારની દલીલ છે કે મુક્ત બજારથી ખેડૂતોની દશા સુધરશે. અરે! અત્યારે જ 94 ટકા મુક્ત બજારના હવાલે છે તો શું દશા સુધરી છે? વળી, સરકારના દાવાને નિષ્ફળ કરતું ઉદાહરણ બિહારમાં મળ્યું છે.
બિહારમાં APMCની સમાંતરે મુક્ત બજાર શરૂ કરાયું વર્ષ 2006માં. ત્યાં દોઢ દાયકામાં કશો સુધારો થયો નથી. એ.પી.એમ.સી. એક્ટ હટાવવાથી નવી ક્રાંતિ થશે, એવા દાવા ખાલી ખખડતા જ જોવા મળ્યાં છે. આ પણ અનેક બાબતની જેમ અમેરિકાનું અનુકરણ છે. અમેરિકામાં પણ આજે ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. હકીકતે અમેરિકા પાસે માર્કેટ નથી. ચીનનું બજાર હવે મુશ્કેલ છે. એમની નજર ભારતના બજાર પર છે. જેથી મુક્ત બજારના નામે વિદેશી કંપનીઓને ભારતીય ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે છૂટી મૂકી દેવામાં આવશે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટેના કાનૂની અંકુશો પાણીપાતળા કરીને, ભારતીય ખેડૂતોને લલચાવી છેતરવામાં આવશે. સરકારનો આ નિર્ણય ખેડૂતોના ભોગે ખોટનો ધંધો કરવાનો છે. વૈશ્વિકીકરણમાં હંમેશાં બને છે તેમ, આપણાં જેવું બજાર ધરાવતો દેશ લૂંટાતો જ રહ્યો છે.
સરકારનો વધુ એક નિર્ણય ભારતના તબાહ થઇ રહેલા કૃષિક્ષેત્રને વધુ તબાહ કરશે. ખેડૂત પોતાને મનગમતાં ભાવ લઈ શકે એવી લોલીપોપ આપીને, સરકાર હકીકતે તો ખેડૂતને મુક્ત બજારમાં છૂટ્ટો મૂકીને એ ક્ષેત્રમાંથી પલાયન કરી રહી છે. જેમ, ‘ખાનગી શિક્ષણ ઉત્તમ શિક્ષણ’વાળો રાગ આલાપીને શિક્ષણમાંથી સરકારે હાથ ઊંચો કરી નાખ્યાં છે. જે આપણે કોરોનાકાળમાં અનુભવ્યું છે તે હવે કૃષિક્ષેત્ર થશે. જેમાં ખાનગી શાળાઓ ઊંચી ફીમાં જરા ય સમાધાન કરવા તૈયાર નથી અને સરકારી શિક્ષણ ભૂંડેહાલ કરી મૂક્યું છે.
‘આત્મનિર્ભર ભારત’ના સૂત્ર પ્રમાણે હવે મોટી કંપનીઓ આત્મનિર્ભર થશે અને ખેડૂત વધુ પરાવલંબી. અત્યારે ટેકાના ભાવના કારણે એ નાના વેપારીથી લૂંટાતો હતો, હવે કાયદાકાનૂનથી દૂરની કંપનીઓ તેને લૂંટશે. કરાર આધારિત ખેતી થશે. વાવણી વખતે જ સોદા થશે! કહેવાયું છે કે આ ખેડૂત સશક્તિકરણનો કાયદો છે પણ હકીકતે કંપની સશક્તિકરણનો કાયદો છે.
સંસદ ચાલુ હોય કે બંધ, વ્યાપક ચર્ચા વિના નવી નીતિઓ સરકાર માથે મારતી રહી છે, જેનો માર પ્રજાએ સહન કરવો પડે છે અને કોઈ ફાયદો થતો નથી. સંસદ બંધ છે ત્યારે વીજળી અને કોલસાનું ક્ષેત્ર ખાનગી કંપનીઓને હસ્તાંતરિત કર્યું, એવી જ રીતે ખેડૂતોનું હિત હસ્તાંતરિત કરવામાં આવી રહ્યું છે. ભારતીય આર્થિક સર્વે મુજબ ભારતીય ખેડૂતની સરેરાશ વાર્ષિક આવક રૂ. વીસ હજાર છે. મહિને રૂ. 1,650 થયા. આવો રાંક સરેરાશ ખેડૂત શું મહાકાય કંપનીઓ સામે ઝીંક ઝીલી શકશે?
એક વટહુકમની વિગત એવી છે કે સંગ્રહાખોરી ગુનો રહેશે નહીં. તેથી મોટાં વેપારી/કંપની મોટી સંગ્રહખોરી કરશે અને ભાવ વધારો થાય ત્યારે વેચશે. 2002-03માં વાજપેયી સરકારે ઘઉંની વિક્રમી નિકાસ કરેલી, પણ હાલત એવી થઈ કે ભારત માટે 55 લાખ ટન ઘઉંની વિદેશથી ખરીદેલા! કરારી ખેતીનો ત્રીજો જે વટહુકમ છે તે પણ કંઈ નવો નથી. તેની કાનૂની ગૂંચો એવી છે કે ખેડૂતો ભોગ બની શકે. સર્વ સત્તા કલેકટરને અપાઈ છે, પરંતુ કલેક્ટરો 80થી વધુ સમિતિના અધ્યક્ષ હોય છે, સતત સ્થળ બદલતાં હોય છે. શું એ ખેડૂતને ન્યાય આપી શકશે?
કેન્દ્ર સરકારે એ.પી.એમ.સી. એક્ટમાં કરેલો સુધારો તેની સ્વાયત્તતા હુમલો છે. કેમ કે, એ.પી.એમ.સી. રાજ્ય સરકારનો મામલો છે. ખેડૂતસમાજના પ્રશ્ને લડતાં કાનૂનવિદ્ આનંદ યાજ્ઞિકે આ વટહુકમનો વિરોધ કર્યો છે. છેલ્લાં દોઢ દાયકામાં જમીનનું અધિગ્રહણ એક તરફ ચાલે છે એ પહેલાં તો અટકાવો. આત્મનિર્ભર ભારતનું આવું ચિત્ર હોય? આ આત્મઘાતી ભારતનું ચિત્ર છે. ખેડૂત પોતાની જમીનને સાચવી શકે એ માટે પાણી, વીજળી, ખાતર અને ખેતીવિષયક સાધનો શક્ય એટલાં સસ્તાં ઉપલબ્ધ કરાવી આપવાં જરૂરી છે, એ પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે ખેડૂતને કંપની વચાળે મોકલી દેવો હિતાવહ નથી. એ.પી.એમ.સી. એક્ટમાં સુધારો ચોક્કસ જરૂરી હતો. પરંતુ પાયાની જરૂરિયાતો પૂરી પાડવાના બદલે મુક્ત બજાર એ સામ્રાજ્યવાદ સામેની શરણાગતિ છે. હાલની સરકારને સામ્રાજ્યવાદનું શરણું લીધા વિના ચેન પડતું નથી.
('જતન' દ્વારા આયોજિત વેબિનારનાં વક્તવ્યોના આધારે)
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 11-13