ઓન્જિયાર પછી મુંબઈમાં ફૂલ્યોફાલ્યો મામામાસીવાદ
ન્યાયાધીશ અને ગવર્નર આમનેસામને
કંપનીના પ્રમુખ : બ્રિટિશ કાયદાની ઐસીતૈસી, હું કહું તે કાયદો
આપણામાં એક કહેવત છે : દીવા તળે અંધારું. ગવર્નર ઓન્જિયાર હતા ત્યાં સુધી તો મુંબઈમાં અજવાળું હતું, પણ ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખે તેમનું સુરતમાં અવસાન થયું તે પછી મુંબઈમાં અંધારાં ઊતરવા લાગ્યાં. ઓન્જિયાર ગવર્નર બન્યા ત્યારે મુંબઈની વસ્તી હતી રોકડા ૧૦ હજારની. તેમના અવસાન વખતે હતી ૬૦ હજારની. ૧૭૧૮ સુધીમાં ઘટીને થઈ ગઈ ૧૬ હજારની! ઓન્જિયાર પછી ગવર્નર થયા હેન્રી ઓકસેન્ડન, માસ્તર મારે ય નહિ અને ભણાવે ય નહિ એવા. સરકારી નિમણૂકોમાં મામામાસી વાદ કાંઈ આઝાદી પછીનો નથી. કંપની સરકારના વખતમાં પણ હતો. સર જોસાહ ચાઈલ્ડ ગ્રેટ બ્રિટનમાં ભારે વગદાર માનસ. મૂળે વેપારી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ઘણા શેર ખરીદેલા. ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના માનવંતા મેમ્બર બનેલા. ૧૬૭૭માં તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર બન્યા, અને ૧૬૮૧માં પ્રમુખ. કારોબાર એવી રીતે ચલાવતા કે ઇસ્ટ ઇન્ડિયા કંપની જાણે પોતાના પિતાશ્રીની માલિકીની હોય. તેમણે સર જોન ચાઈલ્ડને બનાવી દીધા સુરતના ગવર્નર. કેટલાક કહે છે કે એ બે કાકા-ભત્રીજા હતા, તો કેટલાક કહે છે કે તેઓ સગા નહોતા, માત્ર અટક એક હતી. જોન ચાઈલ્ડે પોતાના સાળાસાહેબ ચાર્લ્સ વોર્ડને મુંબઈના ડેપ્યુટી ગવર્નર બનાવી દીધા.
એડમિરાલ્ટી હાઉસ
જોન ચાઈલ્ડ ગવર્નર હતા ત્યારે ગ્રેટ બ્રિટનના તાજ તરફથી મુંબઈમાં ‘એડમિરાલ્ટી કોર્ટ’ સ્થાપવાનો વટહુકમ બહાર પડ્યો. વહાણવટું, દરિયાઈ વેપાર, વગેરે અંગેના કાયદા માટે ખાસ જાણકારી ધરાવતી અદાલત એટલે એડમિરાલ્ટી કોર્ટ. ઓન્જિયારે જે અદાલતો સ્થાપી તેના જજ સાહેબોને કાયદાનું જ્ઞાન નહોતું, કે નહોતો વકીલાતનો અનુભવ. પણ એડમિરાલ્ટી કોર્ટમાં તો કાયદાના જાણકાર જજ જોઈએ. એટલે ગ્રેટ બ્રિટને ડો. જોનને મુંબઈની એડમિરાલ્ટી કોર્ટના જજ તરીકે મોકલ્યા. તેમણે ‘સિવિલ લો’માં ડોકટરેટની ડિગ્રી મેળવી હતી. મુંબઈ પહોંચ્યા ત્યારે કંપની સરકારના નૌકા સૈન્યના સૈનિકોએ બળવો કર્યો હતો, જેની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. ડો. જોન જ્યારે મુંબઈ પહોચ્યા ત્યારે આ બળવો ચાલતો હતો અને તેના નેતા કેપ્ટન કેગવીને ડો. જોનને મુંબઈના બારામાં પગ જ મૂકવા ન દીધો એટલે તેઓ સુરત ગયા અને ત્યાં જઈને ૧૬૮૪ના સપ્ટેમ્બરની ૧૭મી તારીખે મુંબઈની એડમિરાલ્ટી કોર્ટ સુરતમાં શરૂ કરી દીધી!
એડમિરાલ્ટી હાઉસમાં ચોડેલી તખ્તી
બળવો શમી ગયા પછી મુંબઈ આવીને તેમણે કામ શરૂ કર્યું. પણ હજી તો કામ શરૂ કર્યું ત્યાં તો ગવર્નર જોન ચાઈલ્ડ સાથે મતભેદ અને ઝગડો થયો. ગવર્નર કહે કે તાજના હુકમ પ્રમાણે તમને માત્ર એડમિરાલ્ટી કાયદા હેઠળના કેસ જ ચલાવવાનો અધિકાર છે, સિવિલ કે ક્રિમિનલ કાયદા હેઠળના કેસ નહિ. એટલું જ નહિ, સિવિલ કેસ ચલાવવા માટે ગવર્નરે જોન વોક્સની જજ તરીકે નિમણૂક પણ કરી દીધી! આ બધા અંગે જજ ડો. જોને ગ્રેટ બ્રિટનમાં સેક્રેટરી ઓફ સ્ટેટ (આજની આપણી ભાષામાં વિદેશ-મંત્રી) સુધી ફરિયાદ કરી પણ તેનું કાંઈ પરિણામ આવ્યું નહિ. પછી થયો આ એડમિરાલ્ટી જજ અને મુંબઈના ગવર્નર વચ્ચે ખુલ્લમખુલ્લા મુકાબલો. રોબર્ટ ક્લાર્ક નામના એક ખલાસી પરનો મુકદ્દમો કોણ ચલાવે એ અંગે હતો આ ઝગડો. એડમિરાલ્ટી જજ કહે કે ગૂનો મધદરિયે થયો છે એટલે હું ચલાવું. ગવર્નર કહે કે ગૂનો સિવિલ પ્રકારનો છે એટલે મેં નીમેલા જજ ચલાવશે. અને આ ઝગડા પછી થોડે વખતે એ એડમિરાલ્ટી જજ ‘સ્વેચ્છાએ’ સ્વદેશ સિધાવ્યા.
સર જોસાહ ચાઈલ્ડ
આમ થવાનું મુખ્ય કારણ એ કે ગવર્નરે નીમેલા સિવિલ જજ જોન વોક્સ કંપનીના પ્રમુખ સર જોસાહ ચાઈલ્ડના ખાસ માનીતા હતા. પ્રમુખ સાહેબે તો તેમને ચીન જતા એક વહાણ પર નોકરી અપાવેલી, પણ તેના કેપ્ટન સાથે ઝગડો થતાં વોકસે મુંબઈ જતું વહાણ પકડ્યું અને મુંબઈ આવી સરકારના કારકૂન બન્યા. પ્રમુખ સાહેબની મહેરબાનીથી તેમનો ભાગ્યોદય થતો ગયો અને છેવટે પ્રમુખની ભલામણથી સિવિલ જજ બની ગયા. પણ પછી મગજમાં એટલી રાઈ ભરાઈ ગઈ કે વોકસે પ્રમુખ સામે શિંગડાં ભરાવ્યાં! એડમિરાલ્ટી જજ પાછા ઘરભેગા થઈ ગયા તે પછી પ્રમુખ સાહેબે વોક્સને એક કાગળમાં લખ્યું કે આપણા દેશના કાયદાબાયદા તો ઠીક છે, હું કહું તેને તમારે કાયદો માનવાનો અને તે પ્રમાણે ચુકાદા આપવાના. જવાબમાં વોક્સે લખ્યું કે હું માનું છુ કે ગ્રેટ બ્રિટનના કાયદા પ્રમાણે ન્યાય તોળવા મને આ ખુરસી પર બેસાડ્યો છે, આપની મરજી પ્રમાણે ચુકાદા આપવા નહિ. બસ, બે વરસમાં તો વોક્સને માથે ‘રાજદ્રોહ’નો ગૂનો ઠોકીને તેને નોકરીમાંથી બરતરફ કરાયો એટલું જ નહિ તેને સુરતની જેલમાં પૂર્યો. એ જમાનામાં ‘એનકાઉન્ટર’ શબ્દ જાણીતો નહોતો થયો એટલે તાપી નદીમાં ‘અકસ્માત’ને કારણે ડૂબી જવાથી ૧૬૯૭માં વોક્સનું મૃત્યુ થયું! પેલી કાવ્યપંક્તિ યાદ આવી જાય : જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી.’
બીજો એક કેસ: ૧૬૬૯માં કેપ્ટન હેન્રી યંગ હતા મુંબઈના ડેપ્યુટી ગવર્નર. એક નંબરનો શરાબી, ખ્રિસ્તી ધર્મનો આકરો ટીકાકાર, અને હું કહું તે કાયદો એમ માનનાર માણસ. પણ કહે છે ને, કે પાપનો ઘડો ભરાય પછી તેને ફૂટતાં વાર નથી લાગતી. ૧૬૬૯ના જાન્યુઆરીની ૨૨મી તારીખે ખુદ ગવર્નર જ્યોર્જ ઓકસેન્ડન અને તેમની કાઉન્સિલે વીસ આરોપ ઘડીને તેના ઉપર ખટલો માંડ્યો. પહેલો આરોપ એ હતો કે તે બીજાઓ સાથે બહુ ક્રૂર રીતે વર્તતો. બીજો આરોપ એ હતો કે તે જાહેરમાં ખ્રિસ્તી ધર્મની ટીકા કરતો અને સરકારના માણસોને પોતાની મુઠ્ઠીમાં રાખવા માટે ધરમનો દુરુપયોગ કરતો. ત્રીજો આરોપ એ હતો કે રવિવારનો પવિત્ર દિવસ પૂજાપાઠમાં ગાળવાને બદલે તે દારૂની બાટલી સાથે ગાળતો, એટલું જ નહિ, તેમની ઈચ્છા વિરુદ્ધ બીજાઓને પણ પોતાની સાથે પીવા માટે રોકી રાખતો. બધા આરોપો તો ક્યાં નોંધાવા બેસીએ, પણ છેલ્લો આરોપ એ હતો કે તેણે ખુદ ગવર્નરસાહેબને મારી નાખવાની ધમકી આપી હતી. અલબત્ત, એ વખતે એ નશામાં ચકચૂર હતો. અને તેને સજા શી થઈ? તડીપાર! સ્વદેશ માટે ઉપડતા કંપનીના પહેલા વહાણ પર તેને ચડાવીને ઇન્ગ્લન્ડ રવાના કરી દેવો! અને સાથે ઉમેરવામાં આવ્યું કે દરિયાઈ મુસાફરી દરમ્યાન તેની સાથે પૂરેપૂરા માન સાથે વર્તવું.
ત્રીજો કેસ : ખુદ ન્યાયાધીશ સામે ખટલો મંડાયેલો. એમનું નામ લોરેન્સ પાર્કર. અને તેઓશ્રી હતા મુંબઈના ચીફ જસ્ટીસ! તેમની અને ગવર્નર ચાર્લ્સ બૂન વચ્ચે કોઈક મામૂલી, અંગત બાબત વિષે ઝગડો થયો. બસ, ત્યારથી પાર્કર પોતાના કામનો ઉલાળિયો કરવા લાગ્યા. ગવર્નરની સૂચનાઓનો અનાદર કરવા લાગ્યા. એટલું જ નહિ, જાહેરમાં બોલતા કે હું કાંઈ ગવર્નર-બવર્નરથી ડરતો નથી. એ મારો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. હવે, આ પાર્કરસાહેબ ન્યાયાધીશ હોવા ઉપરાંત મુંબઈ સરકારના હિસાબી ખાતાના વડા – ચીફ એકાઉન્ટન્ટ પણ હતા. હિસાબ-કિતાબનાં ઠેકાણાં નહિ. લંડનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ વાર્ષિક હિસાબ વખતસર મોકલે નહિ. હિસાબ લંડન મોકલતાં પહેલાં તે ગવર્નરની કાઉન્સિલમાં મંજૂરી માટે મોકલવો જોઈએ અને તેના પર ગવર્નર સહી કરે પછી જ તે લંડન મોકલવો જોઈએ. પણ પાર્કરસાહેબ ન મંજૂરી લે, ન ગવર્નરની સહી લે. પોતે સહી કરીને બારોબાર લંડન મોકલી દે. લંડનથી પૂછવામાં આવ્યું કે ગવર્નરની સહી કેમ નથી, તો પાર્કર કહે કે તેમણે તો સહી કરવાની ના પાડી છે. બીજો એક અહેવાલ લંડન મોકલવાનો હતો ત્યારે પાર્કરે પહેલાં તો સહી કરી, પણ પછી મતભેદ દર્શાવતી અલગ નોંધ લખી અને મૂળ અહેવાલ પરની પોતાની સહી ભૂંસી નાખી!
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સુરતમાં આવેલી ફેક્ટરી (ઓફિસ)
હવે ગવર્નરની ધીરજની હદ આવી ગઈ. તેમણે લાંબુલચક આરોપનામું ઘડીને પોતાની કાઉન્સિલને મોકલી આપ્યું. ૧૭૨૦ના એપ્રિલની ૧૩મી તારીખે આ અંગે વિચારણા કરવા કાઉન્સિલની પહેલી બેઠક મળી. પાર્કર પણ એ કાઉન્સિલના સભ્ય હતા પણ ખરાબ તબિયતનું બહાનું કાઢીને ગેરહાજર રહ્યા. પણ પછી માફી માગતો અને દયાની યાચના કરતો પત્ર કાઉન્સિલને મોકલ્યો! કાઉન્સિલની પછીની બેઠકમાં હાજર રહ્યા, ફરી માફી માગી, કાઉન્સિલે તેમનો માફીપત્ર સ્વીકાર્યો પણ ખરો. પણ પછી એ બેઠકની મિનિટ્સ પર સહી કરવાની ના પડી દીધી! અને પછી માફીપત્ર પાછો ખેંચી લીધો! અને પોતાનો બચાવ કરતો લાંબોલચક પત્ર લખી મોકલ્યો. જેનો જવાબ ગવર્નરે તેના કરતાં ય વધુ લાંબા પત્રથી આપ્યો. ખટલો લાંબો ચાલ્યો, ઘણી બેઠકો મળી. છેવટે પાર્કરને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો. માત્ર પાર્કરના નિકટના મિત્ર મિસ્ટર જોન બ્રેડેલે અલગ નોંધ લખી સજાનો વિરોધ કર્યો. અને છતાં કાઉન્સિલના સભ્યોએ સર્વાનુમતિથી ચીફ જસ્ટિસની પાર્કરની જગ્યાએ બ્રેડેલની નિમણૂક કરી! ચીફ જસ્ટીસ બન્યા પછી બ્રેડેલે પહેલું કામ શું કર્યું હશે? મિત્ર પાર્કર નિર્દોષ છે અને તેમને અપાયેલી સજા રદ્દ કરવી એવી ભલામણ કરતો પત્ર ગવર્નરને લખ્યો!
પ્રિય વાચક! આપ કદાચ વિચારતા હશો કે સદીઓ પહેલાંની આ બધી વાતો શા માટે? ગવર્નર ઓન્જિયારે લોકોના હિતને ધ્યાનમાં રાખીને જે અદાલતોની શરૂઆત કરી તેનો દુરુપયોગ તેમની પછીના અંગ્રેજ અધિકારીઓએ પોતાના લાભ માટે કઈ રીતે કર્યો તેનો ખ્યાલ આપવા માટે.
બાકી આજના કોઈએ પોતાને માથે આ ટોપી પહેરી લેવી નહિ. અદાલતની આગગાડી આગળ વધશે, આવતે અઠવાડિયે.
પ્રગટ “ગુજરાતી મિડ-ડે”, 22 મે 2021
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX