મુંબઈમાં જોવા જેવું શું શું છે? મુંબઈ
મુંબઈ એટલે ચાંદીની બંકિમ તલવાર પર જડેલું મોંઘુ રતન
કોઈ મને પૂછે કે મુંબઈમાં જોવા જેવું શું શું છે? તો હું કહીશ : મુંબઈમાં જોવા જેવું તો બસ એક જ છે, મુંબઈ.
સિડની લો (પત્રકાર, પ્રવાસી)
A Vision of India, 1906માંથી
*
મલબાર હિલ પરથી વહેલી સવારે મુંબઈ
મુંબઈના એ દૃષ્યને હું ક્યારે ય ભૂલી શકીશ નહિ
મલબાર હિલ પરથી જોયેલા એ દૃષ્યને હું ક્યારે ય ભૂલી શકીશ નહિ. સવાર પડવાને હજી થોડી વાર હતી. પશ્ચિમ ઘાટના ડુંગરો પાછળથી ઊગતા સૂર્યનાં કિરણો પથરાવાનું શરૂ થઈ ગયું હતું. એના અંજવાસને કારણે એ ડુંગરો ઝાંખી પાર્શ્વભૂમિ જેવા બની ગયા હતા. તો બીજી બાજુ દરિયામાં તેજની લકીરો ઉછળતાં મોજાંની સાથે જાણે સમૂહનૃત્ય કરી રહી હતી. કોટ વિસ્તારનાં મકાનોનાં છાપરાં આછા લાલ રંગથી ચમકી રહ્યાં હતાં. સૂરજ થોડે ઊંચે ચડ્યો અને નાળિયેરીનાં ઝુંડોમાંથી ચળાઈને આવતાં સૂરજનાં કિરણો ચોપાટીની રેતીને ચમકાવવા લાગ્યાં. આ બેની વચ્ચે આવેલ ચીમનીઓ કાળો ધુમાડો ઓકવા લાગી હતી. મુંબઈના ઉદ્યોગો – ખાસ કરીને કોટન મિલ્સ – કામ કરવા લાગ્યા હતા. એ ધુમાડો આખા દૃષ્યને ગતિશીલ અને સજીવ બનાવતો હતો. જો કે બીજી બાજુ, આ ધુમાડાથી શહેરનું વાતાવરણ બગડે છે એની પણ મને સતત ચિંતા રહી છે. પણ એ બાબતમાં હું ઝાઝું કરી શક્યો નથી. કારણ તેની સાથે મોટી સંખ્યાના લોકોની રોજી-રોટીનો સવાલ જોડાયેલો છે. લગભગ ચાર વરસ સુધી બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર તરીકે કામ કરવા અને બોમ્બે જેવા એક મહાન શહેરમાં રહેવા મળ્યું એનો મને આનંદ છે. આ લાંબા ગાળામાં અનુભવો તો અનેક થયા છે. સારા તેમ જ માઠા. પણ મારી આખી જિંદગી ભૂલી ન શકું એવો જો કોઈ અનુભવ હોય તો એ છે મુંબઈ શહેરને આળસ મરડીને ધીમે ધીમે જાગતું જોવાનો આ અનુભવ.
લોર્ડ લેમિંગ્ટન. (મુંબઈના ગવર્નર, ૧૨ ડિસેમ્બર ૧૯૦૩થી ૨૭ જુલાઈ, ૧૯૦૭)
ગુરુવાર, એપ્રિલ ૧૯૦૮ના રોજ બપોરે ધ રોયલ સોસાયટી ઓફ આર્ટસમાં આપેલ પ્રવચન
Reminiscences of Indian Life – માંથી
*
મુંબઈ એટલે ચાંદીની બંકિમ તલવાર પર જડેલું મોંઘુ રતન
મલબાર પોઈન્ટની ભેખડના છેડા પરથી મુંબઈનું અને તેના બારાનું જે દૃષ્ય દેખાય છે તે અદ્ભુત છે. ડો. વિલ્સન જ્યાં રહેતા હતા એ મકાન કે પછી લેડીઝ જિમખાના આગળ જઈને ઊભા રહો. તમે જો કવિ હશો તો કહેશો કે આ દુનિયામાં આથી વધુ સુંદર દૃષ્ય બીજે ક્યાં ય જોવા નહિ મળે. તમારી નજર સામે પથરાઈ રહ્યો છે એક બાજુ પાણી, જંગલ, ડુંગર, જેવાં કુદરતી તત્ત્વોનો અનોખો સંગમ. તો બીજી બાજુ જોવા મળે છે શહેરની ભવ્ય ઇમારતો. તેની બંને બાજુ છવાયેલાં છે નાળિયેરનાં હારબંધ વૃક્ષો. અર્ધગોળાકાર દરિયા કાંઠો આ આખા દૃષ્યને ચિત્ર જેવું બનાવી દે છે. હા, મુંબઈમાં સૈકાઓ જૂની ઐતિહાસિક ઇમારતો નથી. અગાઉના રાજવીઓનાં સ્મારકો નથી. છતાં અહીં જે છે તે બીજે ક્યાં ય ભાગ્યે જ છે. મુંબઈ એટલે ચાંદીની બંકિમ તલવાર પર જડેલું મોંઘુ રતન.
‘ગાઈડ ટુ બોમ્બે’ ૧૮૯૯ની આવૃત્તિમાંથી
*
મુંબઈના લોકો અને તેમનાં મકાનો
માત્ર વીસ માઈલના ફેલાવામાં મુંબઈમાં જેટલું વૈવિધ્ય જોવા મળે છે એટલા વૈવિધ્યની મેં કદી કલ્પના પણ કરી નહોતી. સતત બે કલાક સુધી હું ટેક્સીમાં ફર્યો છું – ‘દેશીઓ’ના વિસ્તારમાં અને ગામડાંઓમાં પણ. અહીંનો એકેએક રસ્તો માણસોથી ઊભરાય છે. પણ તેમાંથી એક સરખા દેખાતા અડધો ડઝન માણસો પણ શોધવા મુશ્કેલ છે. અહીં ગોરાઓ છે, ઘઉંવર્ણાઓ છે, પીળી ચામડીવાળા છે, ચોકલેટી રંગની ચામડીવાળા છે, અને કાળિયાઓ પણ છે. એ દરેકનો પહેરવેશ પણ જૂદો જૂદો. એ પણ જાત જાતના રંગોનો. કેસરિયો, સિન્દુરિયો, લીલો, ભૂરો, કથ્થઈ, રાખોડી. એક બાજુ છોકરાઓનાં ટોળાં. તેમાંના કેટલાક સાવ નાગાપૂગા, તો કેટલાક પગથી માથા સુધી કપડાંમાં વીંટળાયેલા. હજી થોડા વરસ પહેલાં જ અહીં આવેલી મોટરમાં રૂઆબભેર ફરતા હોય કેટલાક, તો કેટલાક માઈલો સુધી રોજ પગપાળા ઘર અને કામની જગ્યા વચ્ચે આવ-જા કરતા હોય છે. સ્ત્રીઓ – ખાસ કરીને પારસી સ્ત્રીઓ – પડદાવાળી બગીમાં રસ્તા પરથી પસાર થતી જોવા મળે છે. જો કે તેમની સાથે તેમના ઘરનો કોઈને કોઈ મરદ પણ એ બગીમાં હોય જ છે.
અહીંના લોકોમાં જેટલું વૈવિધ્ય છે તેટલું જ અહીંનાં મકાનોમાં પણ જોવા મળે છે. ફોર્ટ અને તેની આસપાસનાં મકાનો જુઓ તો બે ઘડી લાગે કે આ તે મુંબઈ છે કે વિયેના! હા, યુરોપિયન શૈલીનાં એ મકાનો પર સ્થાનિક સ્થાપત્યનાં અલંકરણો જોવા મળે. પણ ‘દેશી’ લોકોનાં મકાનો સ્થાપત્યની દૃષ્ટિએ અનેક શૈલીના શંભુમેળા જેવાં. અને દરેક મકાન માણસોથી ઊભરાતું. દિવસના કોઈ પણ વખતે મકાનની બારીઓમાંથી બે-ચાર માથાં બહાર ડોકાતાં જોવા મળે જ મળે. એમનાં ન્યાતજાત, ભાષા, દેશ-પ્રદેશ જૂદાં જૂદાં. પણ મોટે ભાગે બધાં હળીમળીને રહે છે. અને છતાં એ બધાં પોતપોતાના ધરમ, રિવાજો, માન્યતાઓ, વગેરેને બહુ ચુસ્ત રીતે વળગી રહે છે. અને દરેક જૂથ પોતાને શ્રેષ્ઠ મને છે.
જે.એ. સ્પેન્ડર (પત્રકાર, સંપાદક, લેખક)
The Indian Scene, 1912 માંથી
*
મુંબઈની બજાર
મુંબઈની બજાર
મુંબઈની બજારોમાં ફરવા નીકળવું હોય તો સવારે જવું સૌથી સારું. એ વખતે રસ્તાઓ ચોખ્ખા ચણાક હોય છે અને ઝાઝી ભીડ પણ નથી હોતી. હમાલો અને કારીગરો હજી કામળી ઓઢીને બેઠા હોય છે. દુકાનોમાં તાજાં ફળો અને શાકભાજી આવતાં હોય છે. તાડીનું મટકું માથે મૂકીને તાડીવાળો ધીમી ચાલે રસ્તા પર ફરતો હોય છે. હિંદુ છોકરીઓ દેવદેવીની મૂર્તિઓને ચડાવવા માટે તાજાં ફૂલોના હાર ગૂંથતી દુકાનની બહાર બેઠી હોય છે. પણ જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ અહીં ચહલપહલ, ઘોંઘાટ, ગંદકી, વધતાં જાય છે. અને ગરમી તો હોય છે તમને ભાન ભૂલાવી દે તેવી. જ્યાં જુઓ ત્યાં ધૂળ, શોરબકોર, બફારો. અને છતાં અહીંના લોકો સહેલાઇથી આવ-જા કરતા જોવા મળે છે. હવે અહીં લોકોનો પ્રવાહ નદી જેવો નહિ, દરિયાના એક પછી એક આવતાં મોજાં જેવો છે. અને આ લોકો બે જ વર્ગમાં વહેચાયેલા હોય છે: વેચનાર અને ખરીદનાર.
પીઠ પર કાપૂસની ચોરસ ગાંસડીઓ ઉપાડીને, તેના ભારથી બેવડ વળી ગયેલા મજૂરો રસ્તાઓ પર ધીમે ધીમે સરકતા હોય છે. તો માથે મસ મોટો ફેંટો પહેરેલા આરબો ધીમી ચાલે રસ્તાઓ પર ટહેલતા હોય છે. લાલ પાઘડી પહેરેલા વાણિયાઓ હાથમાં કલમ અને કાગળોની થોકડી લઈને રઘવાઈ ચાલે આવ-જા કરતા હોય છે. ઊજળા દૂધ જેવાં કપડાં પહેરીને જૈનો હાથમાં પૂજાની સામગ્રી લઈને તેમનાં મંદિરો તરફ જતા હોય છે. પોર્ટુગીઝ પાદરીઓ, યહૂદી વેપારીઓ, પારસીઓ, બધા અહીં અધીરી ચાલે જતા જોવા મળે છે. જાણે દરેકને બીક છે કે હું મોડો પડીશ તો બીજો કોઈક ખાટી જશે.
મિસિસ પોસ્ટન્સ (લેખિકા, મુંબઈમાં લાંબા સમય સુધી વસવાટ)
Western India, Vol. 1, 1839 માંથી
*
ઘોડાનો આરબ વેપારી
મુંબઈનું ઘોડા-બજાર
તમે બજારમાં ફરતા હો ત્યારે અરબી ઘોડા વેચનાર વેપારીના તબેલા તમારું ધ્યાન ખેંચ્યા વગર રહે નહિ. એક-એક તબેલામાં વીસથી ત્રીસ ઘોડા. પણ એ વેચવાની જરા ય પડી ન હોય તેમ આરબ વેપારી આખો દિવસ હુક્કો પીતો તબેલાની બહાર ખુરસી પર બેઠો હોય. તમે જાવ તો આવકારવા માટે ઊભા થવાનો વિવેક પણ ન બતાવે. ગમે તેવી ગરમી હોય, પણ તેણે ઊનનાં ગરમ કપડાં જ પહેર્યાં હોય! ઊંચી ઓલાદના ઘોડા તબેલામાં જ, પણ ચાલુ ઘોડાથી અલગ હોય. ઘરાકને જોતાં વેંત તે કેટલા પાણીમાં છે તે પારખી લે. પહેલાં તો તમને મામૂલી ટટ્ટુ જ બતાવે. તમે બહુ આગ્રહ રાખો તો એક-બે જાતવાન ઘોડા બહાર મગાવે. અને જો તમે ભાવ-તાલ કરવા ગયા તો તરત નોકરને બોલાવીને એ ઘોડાને અંદર પાછા મોકલી દે. અને પછી તમે જાણે ત્યાં ઊભા જ નથી એમ બેફિકરાઈથી હુક્કો ગગડાવવા લાગે. વતનમાં અંગ્રેજ વેપારીઓ દરેક ઘરાક સાથે જે વિનય-વિવેકથી વર્તે છે તેનો અહીં તમને છાંટો ય જોવા ન મળે. આનું એક કારણ એ પણ ખરું કે જાતવાન ઘોડા ખરીદનારાઓ પાસે વેચાવા આવેલા ઘોડાની રજેરજ માહિતી હોય અને એટલે એ લોકો ભાવ અંગે ઝાઝી રકઝક ન કરે. વેપારી પણ પોતાની પાસેના જાતવાન ઘોડા જાણીતા ઘરાકને, થોડા ઓછા ભાવે પણ, વેચવાનું પસંદ કરે. તેમાં ય જો ખરીદનાર ઘોડાની રેસનો શોખીન હોય તો તો તેને જ વેચે. બધા ઘોડાના વેપારીઓ રેસના દિવસે સવારે રેસ કોર્સ પર અચૂક હાજર રહે. પોતે વેચેલો જાતવાન ઘોડો જો રેસ જીતે તો એ જોઈ તેમની છાતી ગજ ગજ ફૂલે.
કર્નલ બાલ્કરેસ રામસે (મુંબઈના ગવર્નર સર જ્યોર્જ આર્થરના સહાયક)
Rough Recollections, vol. 1, 1882 માંથી
*
અલવિદા મુંબઈ!
અલવિદા, મુંબઈ
અમારા વહાણે મુસાફરી શરૂ કરી દીધી છે. એક બાજુ નજર નાખતાં દેખાય છે મુંબઈના ઊંચાં ઊંચાં મકાનો અને મિનારા, સાંજના સોનેરી રંગમાં રંગાયેલાં. દૂર દૂર આછી આછી દેખાય છે મલબાર હિલની ટેકરી. તો બીજી બાજુ દેખાય છે એલિફન્ટાનો ટાપુ, નીલમના નંગ જેવો. દરિયાનાં આછાં ભૂરાં પાણી ઝીલે છે એનું પ્રતિબિંબ. આખું આકાશ ઘેરા ગુલાબી રંગે રંગાઈ ગયું છે. અને પછી એકાએક ઊતરી આવે છે અંધારું. અને આખા દૃષ્ય પર જાણે કે ફેરવી દે છે અદૃશ્ય પોતું. આંખ સામેથી મુંબઈ દૂર થાય છે અને દરિયાનાં પાણીમાંથી ઊછળી રહે છે સ્મૃતિઓનું શ્વેત ફેનિલ રૂપ. અલવિદા, મુંબઈ.
પ્રિન્સ કારાગોર્ગેનવિચ (સર્બિયાના રાજકુટુંબના નબીરા, કલાકાર, કલામીમાંસક, વિશ્વપ્રવાસી)
Enchanted India, 1899માંથી
*
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 18 સપ્ટેમ્બર 2021