સૌ રહું રહું, થાઉં થાઉં, આવું આવું નેતાઓને કોણ કહે કે 'ભારત’ના બરનાં કદ ને કાઠી કયાં છે
રાષ્ટ્રીય રાજનીતિના કેન્દ્રમાં નમોની વિધિવત્ જેવી પ્રતિષ્ઠાના કલાકોમાં, શુક્રવાર(૧૩ સપ્ટેમ્બર)ની સાંજે આ લખી રહ્યો છું ,ત્યારે નવી દિલ્હીના ભા.જ.પ. કાર્યાલયમાં ઉત્સવી તામઝામ છે … એમને લાગે છે કે દિલ્હી કદાચ દૂર નથી માત્ર, પક્ષ કોઈ પ્રતિભાનું પ્રક્ષેપણ (પ્રોજેકશન) કરે તેટલા માત્રથી તેનું સ્થાપન થઈ શકતું નથી. હા, આભા ઊભી થવામાં આવા નિર્ણયોની મદદ જરૂર મળતી હોય છે. આ કિસ્સામાં સવાલ જો કે આભાનો નહીં એટલો અગર તો એના જેટલો જ ડારો બેસાડવાનો પણ છે. એક પછી એક ખૂલતા આવતા કેસો મોડે પણ ગુજરાત શાસનના સગડ દબાવતા આવે છે, અને માંડ ટકાવી રાખેલી ચૂંટણી ફતેહો વચ્ચે એ સંદર્ભમાં મળતા સંકેતો અને સંદેશાઓ ર્શીષ સત્તાસ્થાન પરત્વે આશંકાની સોય તાકે છે એમાં શંકા નથી.
તાજેતરના બે દસ્તાવેજ – લોકાયુકતપદનો અસ્વીકાર કરતાં ન્યાયમૂર્તિ આર.એ. મહેતાએ કરેલી માંડણી તેમ જ આઈ.પી.એસ. વણઝારાનો પત્ર-ગુજરાતના વર્તમાન શાસન પરત્વે લેજિટિમસી(સ્વીકૃતિ અને ઔચિત્ય)ના મુદ્દે પાયાના પ્રશ્નો ઊભા કરે છે. આ બધું બેલાશક વહેલું પણ થઈ શક્યું હોત, જો રાજ્યમાં કાયદાના શાસનને કામ કરવા દેવાયું હોત આ સંજોગોમાં, આવતીકાલે પોતે નવી દિલ્હીમાં પણ હોઈ શકે છે એવો ડારો ઊભો કરવા પાછળનુંયે લોજિક ખસૂસ સમજી શકાય એમ છે. સારિકા પિંજરસ્થા ઉર્ફે કેઈજ્ડ પેરટ યાને સી.બી.આઈ. સહિતની સંસ્થાઓ જરી પણ તપાસ મોકળાશની આસાએશ અનુભવતી હોય તો એમને સારુ આ એસોએસ છે કે આવતીકાલે ત્યાં અમે પણ હોઈ શકીએ છીએ. સાનમાં સમજો તો શાણા બકું.
એક સવાલ આ અઠવાડિયાઓમાં સતત ઊઠતો રહ્યો છે તે પણ અહીં દર્જ કરવો જોઇએ. જનસંઘ – ભાજપના છ દાયકાથી વધુ વરસો અને માતૃપિતૃભ્રાતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આઠ દાયકાથી વધુ વરસો – આટલા લાંબાગાળાની આ જ લબ્ધિ કે ઉપલબ્ધિ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા (જે ઉચ્ચાકાંક્ષા હોવી જરૂરી નથી) આખા સંગઠનને આમ બાન પકડી શકે ત્યારે ખાસું મોડું થઈ રહ્યું હોય તો પણ જાતમાં ઝાંખવાની જરૂરત એકલા અડવાણીની જ સમજાતી હોય તો સંગઠન સમગ્રે પોતાનું વજૂદ ખોજવું રહે છે.
તમે જુઓ કે કેવા દિવસો છે આ ઉત્તરપ્રદેશનો જે હિસ્સો હિંદુમુસ્લિમ હિંસા કોમી તનાવ સારુ હમણે લગી જાણીતો નથી ત્યાં પહેલી જ વાર એનો અનુભવ થઈ રહ્યો છે. ચરણસિંહથી ટિકૈત લગીના માહોલ પર જે જાટકિસાન પરિણામ આપણે જોતા આવ્યા છીએ અને કારણઅકારણ જેની થોડીકે હકસાઈ આજ દિવસ સુધી અજિતસિંહ જરૂરત મુજબ પક્ષ-અને-જોડાણ-ફેરે ભોગવતા આવ્યા છે એમાં પહેલી વાર 'હિંદુ’ વલણે દેખા દીધી છે અને જબરદસ્ત જાટજમાવડામાં હવે મોદી આવશે અને બધું 'સરખું’ કરી નાખશે એવી 'વીરવાણી’ સાંભળવા મળે છે. જે વિસ્તાર બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળની વગવાળો લેખાતો રહ્યો છે એમાં આ દિવસોમાં સહસા સમાજવાદી પક્ષ અને ભાજપને નવાં ચરિયાણ જણાય છે.
ઉત્તરપ્રદેશમાં અમિત શાહના પ્રવેશ અને સમાજવાદી પક્ષ તથા વિશ્વ હિંદુ પરિષદે કરેલ મેચફિક્સિંગ પછીનો આ નવો તબક્કો છે કે શું એવા પ્રશ્નને અવશ્ય અવકાશ છે. મેચ ફિક્સિંગની દુર્દૈવ સંભાવના સાથે અખિલેશ શાસન સબબ એક બીજા અવલોકનને પણ અહીં અવકાશ છે. એ તનાવની ક્ષણોમાં શાસન તરીકે તત્કાળ કારવાઈ બાબતે મોડું અને મોળું કેમ પેશ આવ્યું? કાં તો મતબેન્કી ફિરાકનું કારણ હોય કે પછી શાસકીય દક્ષતાનો અભાવ : અન્યથા નમોના ટેકેદાર રહેલા મનોહર પરિકર જેમ ૨૦૦૨ના સંદર્ભમાં નમોના બિનઅનુભવને જશ આપે છે એવું કાંક અહીં પણ જોઈ તો શકાય. એથી વિપરીત, મતબેન્કી ફિરાકવશ મેળાપીપણું નહીં તોયે નિ:શાસન સહી એવી પણ થિયરી મોદી ગુજરાતની જેમ આ કિસ્સામાં અખિલેશ સંદર્ભે બેશક વાંચી શકાય.
તો શું આ યુવા નેતૃત્વ છે? નમોથી માંડી સંજયબજરંગ હાઈબ્રીડ જેવા વરુણ ગાંધી સહિતની ભજપી નક્ષત્રમાળા જોઇએ કે પછી અખિલેશ શાસન – વિકાસવાર્તા અને લેપટોપ વિતરણ, સઘળું ધૂળ પરનું લીંપણ જ કે શું? કોંગ્રેસ અને યુપીએના વિકલ્પે પોતાને પેશ કરતા ભાજપ-એનડીએ અગર તો શ્રીયુત ત્રીજા તરીકે ઉભરું ઉભરું મંડળી, જો આ જ એના વેતા હોય તો એમનાં વિશ્વદર્શન વિશે શું કહેવું – અને એમને હસ્તક આ દેશ વિશે? જ્યાં સુધી વિકાસવેશનો સવાલ છે, ગુજરાતના વિકાસની વાસ્તવિકતા જ્યારે પ્રચારડમરી આછરશે ત્યારે સૌને સમજાશે. અધિકૃત હેવાલોની કમી નથી, પણ રૂડારૂપાળા તારણહારની ત્રાહિમામ્ ખોજના હેવાયા લોકને કદાચ એની સુધબુધ નથી. આ જ દિવસોમાં ગુજરાત હાઈર્કોટે રાજ્ય સરકારને બિસ્માર રસ્તાઓ વિશે તમે શું કરવા ધારો છો એનો હેવાલ માગતી નોટિસ ફટકારી છે તે તરત સાંભરતો દાખલો છે. અને એવા બીજા નિર્દેશો પણ આપી શકાય.
સવાલ એ છે કે રહું રહું, થાઉં થાઉં અને આવું આવું સૌ કને આજે કોઈ કહેતાં કોઈ વૈકલ્પિક વિકાસ દર્શન નથી. કંઈક થાગડથીંગડ, કંઈક કોસ્મેટિક એવો જે ખેલ પડયો તે ખરો. પણ અર્થકારણ અને અનર્થકારણ વચ્ચેના ભેદ હમણાં તો ભુંસાયેલા માલૂમ પડે છે, અને આ સૌ અભેદમાર્ગના યાત્રીઓ મત્ત મહાલે છે. ગમે તેમ પણ, નવી દિલ્હી ખાતેનાં ભાજપી શોર ઊજવણાંમાં કેમ જાણે છત્તીસગઢના નકલી લાલ કિલ્લેથી અસલી લાલ કિલ્લે પહોંચ્યા સરખો હર્ષોન્માદ સંભળાય છે તે સમજ્યું સમજાતું નથી. ભાજપી શોરઊજવણાં (શિવસેના અને અકાલી દળની સંગત છતાં) બહુ બહુ તો કોઈ પક્ષીય ઉકેલ હોય.
વાયા ગાંધીનગર નાગપુર અને નવી દિલ્હીનાં સંસ્થાનોને થતાં ર્કોપોરેટ ચૂકવણાં થકી એ શોર ઊજવણાંમાં જરી વધુ શોર પણ ભળ્યો હોય. પણ તેથી રાષ્ટ્રીયસ્તરે કોઈ વૈકલ્પિક નેતૃત્વ મળ્યાનો ખયાલ બેમતલબ છે. પક્ષ પૂરતી, વખાના માર્યા ભાવઠ ભાંગી હોય તો ભલે. આટલા મોટા, મહાન ને પ્રાચીન, ભવ્ય એટલા જ ભાતીગળ, સંભાવનાઓથી ભરેલા એટલા જ પ્રતિગામી વણછાવાળા દેશને એવું નેતૃત્વ જોઇએ જેને દાયિત્વનો અહેસાસ હોય અને ઉત્તરદાયિત્વનો બોધ હોય, જે વર્તમાન ગુજરાતનો અનુભવ નથી.
(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 14-09-2013)
Courtesy : Cartoon Gallery By E.P Unny, "The Indian Express", 14.09.2013