ઠર્યા નઠારા માળી
મૂકી ખેવના ઊભા છોડની, ફૂલની ધખના પાળી.
ભર્યા બગીચા, ભાતભાતના છોડ લગાવી દીધા
વધી જગાને પૂરવા લીલાં ઘાસ બિછાવી દીધાં
કરી ઊડતી પતંગિયાંશી ઇચ્છાઓ પાંખાળી
મૂકી ખેવના ઊભા છોડની, ફૂલની ધખના પાળી.
ઊભાં રહીને પાણી સિંચ્યા, ખાતર નાખ્યાં ધૂળમાં
ઊગતી ડાળે હાથ ફેરવી પહોંચ કરી ના મૂળમાં
હતી જરૂરત નીંદામણની, હાથ ધરી ખંપાળી
મૂકી ખેવના ઊભા છોડની, ફૂલની ધખના પાળી.
ઠર્યા નઠારા માળી
'હૃદયકુંજ’, યોગેશ્વર સોસાયટી, ૬૦ ફૂટ રોડ, રાજ ડેરી પાસે, વેરાવળ (ગીર-સોમનાથ) ૩૬૨ ૨૬૫
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 15