૧૪મી સપ્ટેમ્બરનો દિવસ હિંદી દિવસ તરીકે ઊજવાય છે. દેશની સૌથી વધારે બોલાતી ભાષા તરીકે હિંદી નિર્વિવાદપણે નંબર વન છે. એક અંદાજ મુજબ દેશની આશરે ત્રીસેક કરોડ લોકોની માતૃભાષા હિંદી છે. દેશની ૪૦ ટકાથી વધારે જનતા હિંદી બોલી-લખી શકે છે. ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં હિંદીનો મોટો પ્રભાવ છે. ૧૧ સ્વરો અને ૩૩ વ્યંજનોથી બનેલી હિંદી કરોડો લોકોની હૃદયભાષા છે. હિંદી માત્ર ભારતમાં નહીં પરંતુ પાકિસ્તાન, મોરેશિયસ, સુરિનામ, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, દક્ષિણ આફ્રિકા, ન્યૂિઝલેન્ડ અને હવે ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા તેમ જ યુરોપ અને આફ્રિકાના દેશોમાં બોલાતી-લખાતી ભાષા છે. આજે હિંદી વિશ્વની સૌથી વધારે બોલાતી ભાષામાં ચોથો ક્રમ ધરાવે છે. અનેક વિદેશી ભાષાઓએ, એમાં ય અંગ્રેજીએ હિંદીના અનેક શબ્દોને પોતાની ભાષામાં સમાવ્યા છે. નમસ્કાર, ગુરુ, નિર્વાણ, યોગ, રોટી, અડ્ડા, અવતાર, બંગલો, લૂટ, મંત્ર, જંગલી, યાર, બદમાશ, ફિલ્મી જેવા અનેક શબ્દો આજે અંગ્રેજી સહિતની વિદેશી ભાષામાં ચલણી બની રહ્યા છે. વળી, વિશ્વ પ્રસિદ્ધ અંગ્રેજી ડિક્શનરી ઓક્સફર્ડ દ્વારા અનેક હિંદી શબ્દોને સમયાંતરે આમેજ કરવામાં આવ્યા છે, જે હિંદીના વધતાં પ્રભાવની નિશાની છે.
આઝાદીના આંદોલનમાં હિંદી ભાષાની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું ઇતિહાસકારોએ નોંધ્યું છે. આઝાદી આંદોલનના સરસેનાપતિ એવા મહાત્મા ગાંધીએ હિંદીને 'એકતાની ભાષા' કહી હતી. ગાંધીજી હિંદીમાં પણ પોતાનું અખબાર પ્રકાશિત કરતા હતા અને તેમનાં મોટા ભાગનાં વક્તવ્યો હિંદીમાં રહેતાં હતાં. હિંદી ભાષામાં સંસ્કૃત, અરેબિક, ફારસી વગેરે ભાષાનો સમન્વય છે, આમ, તે ભાષાકીય જ નહીં પણ સાંસ્કૃિતક સમન્વયની ભાષા તરીકે પણ જાણીતી છે. હિંદી ભાષાએ આઝાદી આંદોલનમાં કરોડો દેશવાસીઓને એક અવાજે પોતાનો મત વ્યક્ત કરવાની કે વિરોધ જતાવવાની તક પૂરી પાડી હતી. હિંદી ભાષા ગરીબથી લઈઙ્મો અમીરો, અક્ષરજ્ઞાનથી વંચિતોથી માંડીને પ્રકાંડ પંડિતો, મજૂરોથી લઈને માલિકો, ખેડૂતોથી લઈને કારીગરો, સૌ કોઈ જાણતા હતા. હિંદી સૌની ભાષા હતી, સહિયારી ભાષા હતી અને એટલે જ તેનામાં સૌને સાથે રાખવાની, સૌને જોડી રાખવાની તાકાત હતી. હિંદી ભાષાના આ ગુણને કારણે જ મહાત્મા ગાંધીએ ઇ.સ. ૧૯૧૮માં યોજાયેલા હિંદી સાહિત્ય સંમેલનમાં અધ્યક્ષ પદેથી પોતાનો મત વ્યક્ત કર્યો હતો કે હિંદી દેશની રાષ્ટ્રભાષા હોવી જોઈએ.
ભાષા તરીકે હિંદીની પહોંચ અને લોકપ્રિયતાને ધ્યાને રાખીને આઝાદ ભારતમાં દેશનો વહીવટ હિંદીમાં ચલાવવાનું નક્કી કરાયું હતું. ૧૪મી સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ હિંદી સાહિત્યના ટોચના સાહિત્યકાર મુનશી પ્રેમચંદના જન્મ દિવસ નિમિત્તે બંધારણ સભામાં દેશની અધિકૃત ભાષા તરીકે હિંદીને સ્વીકારવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦થી બંધારણના અમલીકરણ સાથે હિંદી દેશની સત્તાવાર ભાષા બની હતી. બંધારણના ભાગ-૧૭માં કલમ ૩૪૩ (૧)માં લખવામાં આવ્યું છે કે સંઘની રાજભાષા હિંદી અને લિપિ દેવનાગરી રહેશે. દેશના પહેલા રાષ્ટ્રવાદી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને તેમની સરકાર દેશનો તમામ વહીવટ હિંદીમાં ચલાવવા પ્રતિબદ્ધ હતા. તેમણે દેશના જે વિસ્તારોમાં હિંદીનું ચલણ નથી ત્યાં હિંદીનો પ્રસાર વધારવા માટે પંદર વર્ષનો ગાળો રાખ્યો હતો. જો કે, દક્ષિણ ભારતનાં રાજ્યોમાં, જ્યાં હિંદીનું ચલણ નથી ત્યાં હિંદીનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. હિંદીના નામે રાજકારણ રમાવાનું શરૂ થઈ ગયું હતું. હિંદીના વિરોધીઓએ ૧૩ ઓક્ટોબર, ૧૯૫૭માં હિંદી વિરોધી દિવસની ઉજવણી પણ કરી હતી! ભાષાને કારણે દેશના ભાગલા પડે એવું કોઈ રાષ્ટ્રવાદી નેતા ઇચ્છે નહીં. આખરે ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ-૧૯૬૩ બનાવવામાં આવ્યો અને હિંદીની સાથે અંગ્રેજીને પણ અધિકૃત ભાષા તરીકે માન્યતા આપવાની જોગવાઈ સ્વીકારવામાં આવી. આ કાયદો ઇ.સ. ૧૯૬૫થી અમલમાં આવ્યો અને હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું!
રાજકારણીઓના પાપે હિંદી ભલે રાષ્ટ્રભાષાનો દરજ્જો પામી નથી, પણ તેની પહોંચ, પ્રભાવ અને લોકપ્રિયતા ભલભલી ભાષાને ઈર્ષા જગાવે એવાં છે. હિંદી દિવસની ઉજવણી માત્ર આપણા દેશમાં જ નહીં પરદેશમાં પણ રંગેચંગે થાય છે. હિંદી દિવસની ઉજવણીનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ઇ.સ. ૧૯૫૩માં સમગ્ર દેશમાં હિંદીનો પ્રચાર-પ્રસાર કરવાનો યજ્ઞ આદરનાર રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના અનુરોધ પર ઇ.સ. ૧૯૫૩થી બંધારણ સભામાં સત્તાવાર ભાષા તરીકે હિંદી પસંદ થયાનો દિવસ એટલે કે ૧૪ સપ્ટેમ્બરને દર વર્ષે રાષ્ટ્રીય હિંદી દિવસ તરીકે મનાવવાનું શરૂ થયું છે.
હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળે કે ન મળે, આ દિવસે આપણે અંગ્રેજી પ્રત્યેનો અહોભાવ દૂર કરીને હિંદી પ્રત્યેનો ગૌરવભાવ અનુભવવાની તક ઝડપવી રહી.
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કટાર, “સંદેશ”, Sep 14, 2014