લખતો થયો, લખતો રહ્યો છું, લખતો રહીશ …
મને બરાબર યાદ છે કે નાનપણમાં મારી બા-એ સલેટમાં ચાર ખાનાં પાડીને ૧ ૨ ૩ ૪ લખેલાં. મારી જમણી હથેળીને પોતાની હથેળીથી લગીર ઘુમાવીને શીખવેલું કે : આ રીતે આ દરેકને એકદમના જાડા થાય ત્યાંલગી ઘૂંટ્યા કર – પતંગના દોરાની લચ્છી જેવા થવા જોઈએ : ઊપસેલી લીલી નસોવાળી એની હથેળી અને તેમાં સંગોપાયેલી હૂંફ મને હજી યાદ છે.
સલેટ એટલે કે, સ્લેટ. કાળી હોય. પાણી-ભેગો કોલસો ઘસીને સ્લેટની બન્ને બાજુઓને તદ્દન ચોખ્ખી રાખતો. લખેલું ભૂંસવા નાના ભીના કકડાનું ચૉવડ પોતું રાખતો. વર્ગના બીજા છોકરાઓ થૂંકીને કરતા. મારાથી એ દુર્ગન્ધ ભુલાઈ નથી. પૅણને ઓટલે ઘસીને હું એની અણીને માફકસરની રાખતો. સલેટના ઉપરના ભાગેથી એકાદ ઇન્ચ નીચે લાઈન મારતો ને એ ખાનામાં વચ્ચે ‘શ્રી સવા’ અને આજુબાજુ તારીખ અને વાર લખતો. પછી નીચે લેસન કરતો.
એ સાહેબો નિસબતવાળા. મારા વર્ગશિક્ષક ઘાંટો પાડીને કહેતા : લેસન ન લાવ્યા હોય એ ઊભા થાવ ! : ‘હોમવર્ક’ શબ્દ ન્હૉતા બોલતા. એમ ઊભા થવાનો પ્રસંગ મારે તો કદ્દી પણ નહીં પડેલો.
મારા હસ્તાક્ષર સારા, એ જમાનામાં કહેવાતું હતું એમ મોતીના દાણા જેવા. એવા ક્યારથી કાઢવા લાગેલો, યાદ નથી. પછી તો છેક કમ્પ્યૂટર પર લખવાનું ચાલુ થયું ત્યાંલગી મને બધાં જ ક્હૅ : તમારા અક્ષર બહુ સુન્દર છે, હાં : એટલે મને પાનો ચડતો ને હું વધુ ને વધુ સમય આપીને અક્ષર સારા કાઢતો. ઝડપ કરું તો પણ બગડતા ન્હૉતા.
પણ આપણા આ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયો ત્યારથી સુન્દર હસ્તાક્ષરની દરકાર કરવાનું આપોઆપ છૂટી ગયું. અંદરથી આવનારા ‘લખાણ’ પર જીવ વધુ ને વધુ સ્થિર થયો ને તે આજે પણ એમ જ છે. કાચી નૉંધ માટે કાગળ પર લખું છું ખરો પણ એ એવું તો ગૂંચપૂંચિયું હોય છે કે બીજી વાર મને પણ નથી ઉકલતું. કોઈ માને નહીં કે હવે મને માત્ર ને માત્ર કમ્પ્યૂટર-રાઇટિન્ગ જ ગમે છે; એ જ ખપે છે.
માધ્યમિકમાં હતો ત્યારે પહેલું લખાણ નિબન્ધ માટે હતું. એ જમાનામાં લગભગ બધા શિક્ષકો ‘જો હું વડાપ્રધાન હોઉં તો’, ‘ચાંદની રાતે ગાડાની મુસાફરી’, ‘તૂટેલા ચમ્પલની આત્મકથા’ જેવા વિષયો આપતા. મેં કદ્દી પણ ‘જો હું વડાપ્રધાન હોઉં તો’ નિબન્ધ નથી લખ્યો. અલબત્ત, મને લૉન્ગકોટના કૉલર પર ગુલાબ ખોસીને ઊભેલા જવાહરલાલ નહેરુની છબિ હમેશાં ગમતી.
સંકલ્પપૂર્વકનું પહેલું સર્જનાત્મક લેખન, વાર્તા માટે હતું. ડભોઇની કૉલેજના વાર્ષિક ‘દર્ભાવતી’-માં એ વાર્તા પ્રકાશિત થયેલી. એ પછી લખાયેલી વાર્તાઓ ‘આરામ’-માં અને ‘યુવક’-માં છપાયેલી. પહેલો વિવેચન-લેખ હતો, ‘મણિલાલની કાવ્યવિભાવના – પાંચ મુ્દા’. ત્યારે હું જુનિયર બી.એ.માં હતો. એ લેખ ‘બુદ્ધિપ્રકાશ’-માં છપાયેલો. તન્ત્રી યશવન્ત શુક્લે અમારા પ્રિન્સિપાલને લખેલું : તમારે ત્યાં એક વિદ્વાન ઊછરી રહ્યો છે, એનું ધ્યાન રાખજો : મને બહુ પોરસ ચડેલો.
બી.એ.ના વર્ષોમાં મને મારું તખલ્લુસ ‘સુન્દરમ્’-ની જેમ ‘સુમનમ્’ રાખવાનો વિચાર આવેલો. જો કે આવ્યો’તો એમ જ એ વિચાર ઝટ ઊડી ગયેલો ! એ રીતે, સારું થયેલું.
પ્રત્યક્ષ વિવેચન કહેવાય એવા લેખો ૧૯૬૬-૬૭થી શરૂ થયેલા, યશવન્ત દોશીના નિમન્ત્રણથી ‘ગ્રન્થ’-માં લખતો’તો. એ લેખનો પણ વાર્તા અંગે હતાં. વાર્તાસંગ્રહોનાં એ અવલોકનો હતાં.
મારું પહેલું પ્રકાશિત પુસ્તક ચેખવના ‘થ્રી સિસ્ટર્સ’ નાટકનો એ જ શીર્ષકથી કરેલો અનુવાદ છે, ૧૯૬૫. પછીની આવૃત્તિઓમાં બદલીને શીર્ષક ‘ત્રણ બહેનો’ કરેલું. મને હજી નથી સમજાતું કે મને શીર્ષકો અંગ્રેજી જ કેમ સૂઝે છે ! મારી કેટલી યે વાર્તાઓનાં એમ જ છે !
‘સમકાલીન’ દૈનિકમાં પહેલી નવલકથા ‘ખડકી’ હપતાવાર છપાયેલી – જો કે મેં તો પૂરેપૂરી લખીને મોકલેલી, ૧૯૮૭.
કોઈક વાર ‘બુદ્ધિપ્રકાશ’-માં અને ‘રે’-માં મારાં એક -બે કાવ્યો છપાયાનું યાદ છે. પહેલા પહેલા પ્યાર ઐસા હી હોતા હૈ, એ રીતે કાવ્યો કરેલાં. ‘તોટક’ જેવા સરળ અને ‘પૃથ્વી’ જેવા સરખામણીએ મુશ્કેલ છન્દમાં પણ કરેલાં. મેં પણ મૉંઘા મૂલની ડાયરી રાખેલી. નસીબ તો કેવું – એ જડતી જ નથી ! આજકાલ એવું થાય છે ખરું કે જુદા જ પ્રકારનાં કાવ્યો કરીશ ખરો.
શરૂ શરૂના આ સઘળા પ્રયાસો જોડે વર્તમાનના પ્રયાસોની સરખામણી કરું છું તો એક જ સત્ય બહાર આવે છે કે કોઇપણ લખાણ ઉત્તરોત્તર સુધરે છે ને એ સુધારને છેડો નથી હોતો. એ અનન્ત હોય છે. આજે તો મારા લખાણમાં એક પણ ભ્રાન્ત વાક્ય, એક પણ અનુચિત શબ્દ, કે એક પણ ખોટું વિરામચિહ્ન ઘૂસી ગયું હોય, મને જરાપણ પરવડતું નથી. અને ધાસ્તી પણ રહે છે કે ક્યાંક કંઈ-ને-કંઈ ચૂક તો થઈ જ હશે.
હૅમિન્ગ્વે ઊભાં ઊભાં લખતા હતા. ઘણા કહેતા હોય છે – સૂતાં સૂતાં લખું છું. હું બેસીને જ લખું છું. ટેબલ પર ક્વચિત, બાકી, હમેશાં કાગળ ને પૅડ ખૉળામાં રાખીને જ લખ્યું છે. હવે તો, ખૉળા સિવાયનું કશું જ નહીં, જુઓ ને, કમ્પ્યૂટરનું નામ જ લૅપ-ટૉપ છે, પછી !
મેં એક વાર રમૂજમાં લખેલું કે સાહિત્ય લખતાં બધાંને નથી આવડતું તે સારી વસ્તુ છે. પણ ‘નથી આવડતું’ વાતનો કેટલીક વ્યક્તિઓ ભારે ગર્વ લેતી હોય છે :
એકદમનું મુશ્કેલ નામ ધરાવતી વિદ્યુલ્લતાદ્યુતિરાણી ( વિદ્યુલ્લતા = વીજળીની લતા. એ લતાના જેવી જેની દ્યુતિ = તેજ છે, એવા તેજની રાણી ) કહેતી હોય : કવિતા-ફવિતા ! ના રે બાબા, એવી બધી ચાવળાઇ મને ના પરવડે ! : પાણીમાં છાશ જેવું સરળ નામ ધરાવતા રમણશી કહેતા હોય : એવું છે ભૈ, તમાર લોકની જેમ સબ્દોના સાથિયા પૂરવાનો ટૅમ મારે કાઢવો કાંથી -?
પણ જેઓને આછુંપાછું ય લખતાં આવડી ગયું હોય, જેમકે, બચીબેનને ગઝલ કે બચુભાઇને વાર્તા કે બકુભાઇને નિબન્ધ, તો એ લોકોને થોડાક જ દિવસમાં થાય, એવું શું કરું તો એકદમનું ફાંકડું લખાય ને ગ્રેટ થઈ જવાય – ! ‘એવું શું કરું’ નામનો પ્રશ્ન થાય એ સારી નિશાની છે. એક-ને-એક દિવસે એ લોકોને યોગ્ય રસ્તો દેખાઈ જાય છે.
યોગ્ય રસ્તો મને ક્યારે દેખાઇ ગયો, નથી ખબર. સાચું કહું તો, સાહિત્યલેખનનો કોઈ પણ રસ્તો અ-યોગ્ય નથી હોતો, દરેક લેખકે યોગ્યને શોધી લેવાનો હોય છે, કહું કે, સરજી લેવાનો હોય છે. આમ તો મારે મન લેખન પોતે જ સર્જન છે, કેમ કે ભાષા પોતે જ એક સર્જનાત્મક આવિષ્કાર છે. આ પાયાની વાત મનમાં એવી તો બેસી ગઈ છે ને તેથી વ્યાખ્યાન સંશોધન વિવેચન અનુવાદ ટુચકો કે જેને આજે ચૅટિન્ગ કહેવાય છે એ વાતચીતને પણ હું સર્જન ગણું છું – સર્જકતાની માત્રા ઓછીવત્તી હોઈ શકે છે …
શરૂમાં તો ભૂરી લીટીવાળા સફેદ ફુલ્સકૅપ પર લખતો, પછી ‘સન્લિટ બૉન્ડ’ જેવા પાતળા ને મુલાયમ પર. એ સાથે જ મનમાં એમ પણ ઊગેલું કે સીધી લીટીને આધારે લખવા કરતાં સીધી લીટીનું લખવું એ કસોટી છે. એટલે લીટી વિનાના કાગળ પર શરૂ કર્યું. એક પાછળ બીજો એમ એકદમના ડાહ્યા એ શબ્દો, એ ય તમારે રવાલ ચાલે વહ્યા જાય. લાઇનોથી સમ્પન્ન ફકરો કોઈ કામગરા સોનીએ ઘડીને સજાવેલી સૅરો જ જોઈ લો !
લખાણ છપાવા મોકલતાં પહેલાં કાર્બન મૂકીને કૉપિ ઘરે રાખી લેતો. પછી સાઇક્લોસ્લાઇડ આવ્યું, પરીક્ષાનાં પેપર એ પર કોતરતો’તો. પછી ઝેરોક્ષ આવ્યું ને છેલ્લે આવી લાગ્યો રૂડોરૂપાળો આ કમ્પ્યુટર-સ્ક્રીન …
શાહી મને કાળી જ ગમે, ભૂરી નહીં. એ ખડિયા સૂકાયેલા પડ્યા છે. કેટલી બધી ફાઉન્ટન પેનો – જાતજાતની; વડોદરાની ‘પ્રતાપ’થી માંડીને વિદેશની ‘લૅમિ’ સુધીની. ‘લૅમિ’ તો રૂપેરી ને હળદરિયા રંગની એમ બે-બે હતી. પણ એ બધી જ પેનો વ્હીલી પડીને કાયમ માટે સૂની પડી ગઈ છે. શાહીનું લખાણ ભૂસવા માટેનાં કરકરાં રબર, ને એ જો કામ ન આપી શકે, તો બ્લેડ. એ બધો જ સરંજામ કમ્પ્યૂટરના આગમને ભૂતકાળમાં દટાઈ ગયો છે તે આમ સારું છે પણ રોમૅન્ટિક સ્ટાઈલમાં મને એમ કહેવું સૂઝે છે કે – મારી એ ‘લૅમિ’ ક્યાં ગઈ? વિરહ એનો બહુ સતાવે મને – બેમાંની એકાદને તો જગાડો, પ્રભુ ! કાગળની એ સફેદ કુમાશ ને એની અનોખી સોડમને કેમ રે ભૂલી શકું? વગેરે.
ગણીએ તો મારા લેખનપુરુષાર્થની વય સાંઠ તો ખરી જ. એ દરમ્યાન મને એક ખબર એ પડી છે કે લેખનની મારી ક્ષમતા તો ખરી પણ ગુજરાતી ભાષાની પોતાની ક્ષમતા અપરમ્પાર છે. એમ પણ સમજાયું છે કે ભાષાના ભંડારમાં ઘણાં શબ્દબાણ છે – થોડાં જો મારા ભાથામાં હોય તો ધાર્યું નિશાન પાડી શકું …
(December 24, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર