અમેરિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપ્રમુખ તરીકે બરાક ઓબામા પહેલી વખત ૨૦૦૯માં ચૂંટાયા, ત્યારે તેમની સામે હારનારા ઉમેદવાર જોન મૈકેને એક શાનદાર વાત કરી હતી, "સદી પહેલાં જ્યારે બુકરે વ્હાઇટ હાઉસમાં પગ મૂક્યો ત્યારે જ બરાક ઓબામાના અમેરિકન પ્રમુખ થવાનાં બીજ વવાઈ ગયાં હતાં!" આ બુકર એટલે બુકર ટી. વોશિંગ્ટન, એક અશ્વેત અમેરિકન શિક્ષણકાર, જેમણે અમેરિકામાંથી રંગભેદને નાબૂદ કરવા માટે શિક્ષણના યજ્ઞ થકી આજીવન એક શાંતક્રાંતિ ચલાવી હતી.
બુકર અમેરિકાના એવા પહેલાં આફ્રિકન-અમેરિકન / અશ્વેત નાગરિક છે, જેમને અમેરિકાના પ્રમુખ દ્વારા વ્હાઇટ હાઉસમાં આમંત્રિત મહેમાન બનવાનું બહુમાન પ્રાપ્ત થયેલું. એટલું જ નહીં, એપ્રિલ-૧૯૪૦માં અમેરિકાની ટપાલ ટિકિટ પર સ્થાન મેળવનારા તેઓ પહેલા અશ્વેત નાગરિક બનેલા. એમ તો તેમની છાપવાળો અડધા ડોલરનો સિક્કો પણ ચલણમાં મુકાયો હતો.
પાંચ એપ્રિલ, ૧૮૫૬ના રોજ અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં જન્મેલા બુકર ટી. વોશિંગ્ટનનો આજે જન્મદિવસ છે. માત્ર અમેરિકન જ નહીં વિશ્વભરના અશ્વેત અને પછાત-વંચિત લોકોના પ્રેરણામૂર્તિ એવા બુકરની જિંદગી કેવી સંઘર્ષમય હતી, તેના વર્ણન માટે માત્ર એક જ વાત કાફી છે કે તેઓ ગુલામ પરિવારમાં પેદા થયેલા અને એ પણ કોઈ ગોરા પુરુષ થકી, જેનું નામ તેમને આજીવન જાણવા મળ્યું નહોતું. તેમની અટક સાવકા પિતા પાસેથી 'ઉપકાર' રૂપે મળેલી!
બુકર આમ તો મવાળવાદી ગણાતા હતા, કારણ કે તેમને ઉગ્ર-લોહિયાળ સંઘર્ષ કરતાં શિક્ષણની શક્તિ પર વધારે ભરોસો હતો. બાળપણથી જ ભણવામાં હોશિયાર એવા બુકરને પહેલેથી સમજાઈ ગયું હતું કે રંગભેદને નેસ્તનાબૂદ કરવો હોય અને અશ્વેત લોકોને પણ ગોરાઓના સમકક્ષ બનાવવા હોય તો શિક્ષણ વિના ચાલવાનું નથી. અલબત્ત, શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન મેળવીને કોઈનું ભલું થઈ શકે નહીં, અશ્વેતોની નવી પેઢીને શિક્ષિતની સાથે સાથે આર્થિક સ્વાવલંબનના પાઠ ભણાવવા અત્યંત જરૂરી છે, તે અંગે પણ તેઓ સભાન હતા અને એટલે જ એમણે માત્ર પચીસ વર્ષની યુવાન વયે ટસ્કેજીમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપી ત્યારે શિક્ષણની સાથે ઉદ્યોગને પણ એટલું જ મહત્ત્વ આપ્યું હતું. ટસ્કેજીમાં અશ્વેત વિદ્યાર્થીઓને ઉદ્યોગ-વ્યવસાયનું વ્યાવહારિક જ્ઞાન મળે, એ માટે વિશેષ કાર્યશાળાઓ ઊભી કરી હતી. અબ્રાહમ લિંકન, બુકર, કાર્વર, માર્ટિન લ્યુથર કિંગ જેવા અનેક મહાનુભાવોના પ્રયાસો પછી એક અમેરિકન અશ્વેત આજે વ્હાઇટ હાઉસમાં રાજ કરી શકે, એટલો સક્ષમ થયો છે.
બુકરના જન્મદિવસે અશ્વેતના ઉદ્ધારની સાથે શિક્ષણની ચર્ચાપણ કરવી જ રહી. અમેરિકામાં વસતી એક ગુજરાતી યુવતીએ તાજેતરમાં ગુજરાતના એક વિચારપત્રમાં અહેવાલ લખ્યો છે, જેમાં અમેરિકામાં શિક્ષણ ક્ષેત્રની બદહાલતનો આછો ચિતાર મળે છે. આ અહેવાલમાં ૧૨મી માર્ચ, ૨૦૧૫ના રોજ ન્યૂ યોર્ક શહેરની લગભગ ૨૦૦ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ કરેલા વિરોધ-પ્રદર્શનની વાત છે. પબ્લિક સ્કૂલના શિક્ષકોના મૂલ્યાંકન માટે રજૂ થયેલા ખરડાના વિરોધમાં લોકોએ દેખાવો કર્યા હતા. શિક્ષણના નામે બાળકો પર લદાતા બોજ અને શિક્ષણના ખાનગીકરણ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
આશા રાખીએ બરાકના રાજમાં બુકરના શિક્ષણ અંગેના વિચારો, જે ગાંધીજીના વિચારો સાથે ઘણું સામ્ય ધરાવે છે, તેને ફરી યાદ કરીને અનુસરવામાં આવે.
… અને આપણે ત્યાં ? વાત છોડો ને યાર !
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, “સંદેશ”, 05 અૅપ્રિલ 2015
http://sandesh.com/article.aspx?newsid=3060726