‘માનવીય ધોરણ’ વિશે એક જ્ઞાનચર્ચા
ઃ ગુરુમૈયા! પવિત્ર દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે અમને ન સમજાતી એક સંજ્ઞા ‘માનવીય ધોરણ’ અંગે આપ સ્પષ્ટતા કરો એવી વિનંતી છે.
ઃ અવશ્ય, જ્ઞાનવિતરણ મારો ધર્મ છે. જુઓ, વત્સ! કોઈક મોભાદાર માનવ આપત્તિમાં હોય ત્યારે અન્ય મોભાદાર વ્યક્તિ એને સહાય કરવા તત્પર થાય તે ‘માનવીય ધોરણની’ સહાય કહેવાય.
ઃ અર્થાત્ જે માનવ મોભાદાર નથી, બલકે નગણ્ય અને સર્વ રીતે તુચ્છ છે, એને સહાય ન કરવી એ શું માનવીય ધોરણ ગણાય ?
ઃ એમ જ. કારણ કે મોભાદાર માનવો સામાન્યતામાં નથી રાચતા. સામાન્ય જનને માનવીય ધોરણે સહાય કરવામાં મોભાદાર મનુષ્યોને સામાન્યતા વળગી પડે છે. સામાન્યતાથી ઊર્ધ્વ જવાનો ધર્મ સહુ મોભાદારોને પાળવાનો હોય છે, તેથી મોભાદારો સામાન્ય જનોને માનવીય ધોરણે પણ સહાય નથી કરતા. એ સમય દરમિયાન તેઓ લોકોત્તર અને દિવ્ય જનો બની રહે છે.
ઃ એટલે ચોખ્ખું તો એમ જ થયું ને કે સામાન્ય માનવની હત્યા થાય, એ પૃથ્વીપટેથી અદૃશ્ય થાય, એ નિર્દોષ હોવા છતાં દસ-વીસ વરસ જેલમાં સબડે, અને પછી દોષિત નથી એમ જાહેર થાય, એનાં કામકાજ, ઘરબાર ઝૂંટવી લેવાય, તોયે એમને માનવીય ધોરણે મદદ ન મળે ?
ઃ સર્વથા સત્ય. સામાન્ય જનને થયેલો અન્યાય એ અન્યાય નથી ગણાતો, બલકે કેટલાક મહાનુભાવો તો એને જ ન્યાય ગણે છે. આ હકીકતના સમર્થન માટે કેટલાંક ઉત્તમ દૃષ્ટાંતો મારી પાસે છે. જેમ કે અન્યાય આચરનારા સર્વ મુક્ત વિહરે છે અને સુખસંપત્તિમાં કાલનિર્ગમન કરે છે. તેઓ હરહંમેશ અદોષ, અનાવિલ, નિર્મલ અને તેથી કરીને કલ્યાણકારી મનાય છે.
ઃ ગુરુમૈયા ! આપની આ સ્પષ્ટતા પછી મને પણ એવાં દૃષ્ટાંતો યાદ આવે છે. તુરંગમાં પડેલાં કેટલાંક બંદીજનો સાથે તુરંગ-અધિકારીઓએ કેવા-કેવા અમાનવીય અત્યાચારો કર્યા હતા, એની સત્યકથાઓ પ્રકાશમાં આવી છે. પરંતુ આ અમાનવીય અત્યાચારો બાબતે પણ માનવીય ધોરણે વિચારીને, એમના વિશે બિરદાવલિ રચીને, એમને અમર કરી દેનારા મહાનુભાવોને હું ઓળખું છું !
ઃ તું સાર ગ્રહણ કરવામાં કુશળ છો, વત્સ! તારું કલ્યાણ નિશ્ચિંત છે. હવે તેં જે ગ્રહણ કર્યું એ મારી સમક્ષ વ્યક્ત કર, જેથી એના પ્રસાર માટે તને નિયુક્ત કરી શકાય. આ પ્રકારની નિયુક્તિ બહુ મૂલ્યવાન છે.
ઃ જી, ગુરુમૈયા !
જે મોભાદાર વ્યક્તિઓને સહાય કરવાથી મોભાદાર વ્યક્તિનું સ્થૂળ યા સૂક્ષ્મ, પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કલ્યાણ થવાનું છે, એ સહાય ‘માનવીય ધોરણે’ થયેલી ગણાય. પરંતુ જે સામાન્ય જન વણનોંધાયેલાં, વણજાણ્યાં અને વણજોઈતા હોય, એમને સહાય કરવી તે ‘માનવીય ધોરણ’ જેવી સંજ્ઞામાં સામેલ નથી, કેમ કે એવાં જનો માનવ જ નથી. એમને બાળી દેવામાં, કાપી નાખવામાં, હાંકી કાઢવામાં કે જેલમાં સબડવા દેવામાં કોઈ દોષ ગણાતો નથી, અને એમ સર્વ મહાનુભાવો ‘માનવીય ધોરણ’ની ચુસ્તપણે રક્ષા કરે છે.
ઃ ધન્ય છે વત્સ! તને, તારી અભિવ્યક્તિને અને તારી સમજને ધન્ય છે !
ઃ પણ ગુરુમૈયા, હજી એક મૂંઝવણ છે. ‘માનવીય વિકાસ’ અને ‘કરુણા’ને, ‘માનવીય ધોરણ’ અને ‘સમભાવ’ને કશો સંબંધ ખરો કે નહીં? અને ‘ન્યાય’ એટલે ખરેખર શું ?
ઃ વત્સ, તું બહુ પ્રશ્નો પૂછે છે અને માનવીય ધોરણ અનુસાર મને હવે વિશ્રાન્તિની જરૂર છે. તારા નવા પ્રશ્નોના ઉત્તર હવે ફરી ક્યારેક …
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 19