૧. ગુજરાતી મુદ્રણના જનક બહેરામજી જીજીભાઈ છાપગર
(જ્યોતિર્ધરો, અને છતાં અજાણ્યા? હા. આપણા ભાષા-સાહિત્યના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો હોવા છતાં જે લગભગ અજાણી રહી છે એવી કેટલીક વ્યક્તિઓ અને તેમના કામ વિષે થોડી વાતો અહીં અવારનવાર કરવા વિચાર્યું છે.)
ગુજરાતી ભાષા અને સાહિત્યમાં, ગુજરાતી સંસ્કારજગતમાં અર્વાચીનતાનો ઉદય ક્યારે થયો એ પ્રશ્નનો ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન આપણા ઇતિહાસ કે વિવેચને ઝાઝો કર્યો નથી. કોઈ પણ વૃત્તિ કે વલણનો આરંભ અમુક ચોક્કસ તારીખે થાય એવું ભાગ્યે જ બને. તેનો ઉઘાડ ધીમે ધીમે થતો આવે. છતાં સગવડ ખાતર કોઈ એક તારીખ નક્કી કરવી જ હોય તો કહી શકાય કે ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯મી તારીખે ગુજરાતી ભાષા-સાહિત્યમાં અર્વાચીનતાનો ઉઘાડ થયો. કારણ આ દિવસે મુંબઈથી પ્રગટ થતા ‘બોમ્બે કુરિયર’ નામના અંગ્રેજી અખબારમાં ગુજરાતી ભાષા-લિપિમાં લખાયેલો મજકૂર પહેલી વાર મુદ્રિત રૂપે પ્રગટ થયો. એ મજકૂર હતો રસ્તા પર રખડતાં ઢોરને પકડવા અંગેની એક સરકારી જાહેર ખબરનો.
આ જાહેર ખબર અંગ્રેજી છાપામાં ગુજરાતી લિપિમાં છાપવાનું શક્ય બન્યું તે એક એકલવીર પારસીના પ્રયત્નને કારણે. એમનું નામ બહેરામજી જીજીભાઈ છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બોમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝીટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા એટલું જ નહિ, પ્રેસને જરૂર પડી ત્યારે એકલે હાથે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં એમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય. પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે. એક: પારસીઓ અને તેમના પ્રદાન અંગેના અમૂલ્ય ગ્રંથ ‘પારસી પ્રકાશ’માં બહેરામજી વિષે નોંધ્યું છે કે “મિ. એશબર્નરે એવન પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં.” બે: બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું: ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ લેખક હતા ડો. રોબર્ટ ડ્રમંડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહિ એટલે પુસ્તક ઇન્ગ્લંડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું. પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલે હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહિ, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યા છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલે હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એ નક્કી.
૧૭૯૭માં બોમ્બે કુરિયરમાં છપાયેલી બે જાહેર ખબરો
બહેરામજીને હાથે બીજું પણ એક મોટું કામ થયું – જાણ્યે કે અજાણ્યે, એ કહેવું મુશ્કેલ છે. છાપકામની શરૂઆત થઈ તે પહેલાંની હસ્તપ્રતોમાં ગુજરાતી અક્ષરોને માથે શિરોરેખા રહેતી. ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯ તારીખે જે જાહેર ખબર છપાઈ તેમાં પણ હિન્દી-મરાઠીની જેમ ગુજરાતી અક્ષરોને માથે પણ શિરોરેખા હતી. પણ એ જ વર્ષના જુલાઈ મહિનામાં બોમ્બે કુરિયરમાં બીજી એક ગુજરાતી જાહેર ખબર છપાઈ. તેમાં શિરોરેખા જોવા મળતી નથી. ત્યારથી ગુજરાતીના મુદ્રણમાંથી શિરોરેખા ગઈ તે ગઈ. હાથે લખાયેલા લખાણોમાંથી પણ પછી શિરોરેખા દૂર થઈ. ગુજરાતી લિપિને વધુ સરળ અને સુગમ બનાવવાના આ મોટા કામની પહેલ બહેરામજીએ કરી.
આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી. પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. અને પારસી પ્રકાશ નોંધે છે કે તે વખતે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ. બહેરામજીના અવસાન પછી તેમના દીકરા જીજીભાઈ પણ ૧૮૧૪માં બોમ્બે કુરિયરમાં જોડાયા હતા અને વખત જતાં તેના હેડ કમ્પોઝીટર બન્યા હતા.
આજે હવે હેન્ડ કમ્પોઝનો જમાનો નથી રહ્યો અને એટલે ધાતુનાં બીબાં પણ વપરાતાં બંધ થયાં છે. પણ તેથી કાંઈ બહેરામજીએ એકલે હાથે કરેલા કામનું મહત્ત્વ ઓછું થતું નથી.
e.mail : deepakbmehta@gmail.com