જી.એલ.એસ. કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના નિવૃત્ત અધ્યાપક યોગેન ભટ્ટ ‘અભિદૃષ્ટિ’ના મિત્ર છે. કમ્પ્યૂટર્સની દુનિયાના એક અચ્છા જાણકાર, પ્રશંસક અને અભ્યાસી છે. ‘અભિદૃષ્ટિ’ તરફ પ્રેમભાવે તેમણે આ અગાઉ પણ એક લેખ શ્રેણી આપી છે તે લેખશ્રેણીના અનેક લાભ વાચકમિત્રોને થયા છે. આ સમય માહિતી અને જ્ઞાનના વિસ્ફોટનો છે. જગત આખું અત્યંત ઝડપથી બલદાતું જાય છે. તેવા સમયે અધ્યાપકોની સજ્જતા અને સમજ પણ ઝડપથી આધુનિક થતાં રહે તે પણ જરૂરી છે. આ સંજોગોમાં યોગેન ભટ્ટની આ લેખ શ્રેણી બહુમૂલ્ય બને છે. છેક કૅનેડાના ટોરેન્ટો શહેરમાંથી આ લેખમાળા માટે ખંતપૂર્વકના અભ્યાસ સાથે યોગેન ભટ્ટ આપણને આ લાભ આપી રહ્યા છે. તેની કદર કરીએ તેટલી ઓછી ! આશા છે, સૌ વાચકો તેનો પૂરેપૂરો લાભ લેશે.
– રોહિત શુક્લ, તંત્રી, ‘અભિદૃષ્ટિ’
આજકાલ ફેઈસબૂક તે સૌને હૈયે વસેલું એક નામ છે. ભાગ્યે જ કોઈ કમ્પ્યૂટર કે મોબાઈલ ફોનધારક એવો હશે કે જેની આંગળીઓ ફેઈસબૂકનાં પાનાં ઉપર રમતી નહીં હોય. આખા વિશ્વના કોઈપણ ખૂણે રહેલા સગાંવહાલાંઓ, મિત્રો, ઓળખીતાંપાળખીતાંઓ કે ઈવન અજાણ્યા લોકો સાથે સંપર્કો ઊભા કરવા કે જાળવી રાખવામાં સોશ્યલ મીડિયાની જાયન્ટ કમ્પની ફેઈસબૂકની તોલે આવે તેવું કોઈ લોકપ્રિય માધ્યમ જડે તેમ નથી. હજ્જારો લોકો સતત આ સાઈટ ઉપર પોતાની અંગત કે બિનઅંગત વાતો, વિચારો, અભિપ્રાયો, આશાઓ, અરમાનો, લાગણીઓ, પૂર્વગ્રહો કે પક્ષપાતો ઠાલવતા રહે છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનાના આંકડા મુજબ ફેઈસબૂકના સક્રિય વપરાશકારોની સંખ્યા ૧.૪૪ billion અર્થાત્ એક અબજ અને ચુમ્માળીસ કરોડને વટાવી ચૂકી છે. સમગ્ર વિશ્વમાં આ બાબતમા ભારત બીજે નંબરે આવે છે. અને એક અંદાજ મુજબ ઈ.સ.૨૦૧૭ સુધીમાં આપણો દેશ ફેઈસબૂક મોબાઈલ યુજર્સની બાબતમાં અમેરિકાને પણ વટાવીને પ્રથમ ક્રમે પહોચી જશે. સ્માર્ટ ફોનના આગમન પછી તો ફેઈસબૂકે જાણે કે ચોતરફથી દુનિયા સર કરી લીધી છે.
ફેઈસબૂકની લોકપ્રિયતા વિષેની વાત માંડીને કરવા જઈએ તો એક દળદાર પુસ્તક જેટલી માહિતી એકઠી થઈ જાય પણ આ લેખનો હેતુ જુદો છે. મોટા ભાગના નેટિઝન્સ ફેઈસબૂકનો ઉપયોગ કેવળ એક સોશ્યલ મીડિયા તરીકે જ કરે છે અને મિત્રોને હાય હેલ્લો કરવા, ગામ આખાની ચોવટ કરવા કે ફોટા અને વીડિયોની આપ-લે કરવાથી વિશેષ આગળ નથી વધતા. પરંતુ આ લેખકના મત મુજબ ‘અભિદૃષ્ટિ’ના વાચકો અને પ્રાધ્યાપકો તરીકે આપણો સંબંધ ફેઈસબૂકના શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક ઉપયોગ સાથે વધારે હોવો જોઈએ.
સામાન્ય રીતે આપણે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તેનો સૌથી દેખીતો અને સરળ રાજમાર્ગ તે ગૂગલ છે. સંશોધનોને લાગેવળગે ત્યાં સુધી તો ગૂગલ એક એવી ચાવી છે કે જે જ્ઞાન અને માહિતીના પટારાના ભલભલા મજબૂત તાળા ખોલી નાખે છે. એક સર્ચ એન્જિન તરીકે ગૂગલની તોલે બીજુ કોઈ આવી શકે તેમ નથી એટલે ક્લાસ રૂમ વ્યાખ્યાન માટે સુસજ્જ થવા માટે કે પછી કોઈ સંશોધન પેપર તૈયાર કરવા, એમ.ફિલ. કે પીએચ.ડી. માટેની થિસિસ તૈયાર કરવા સૌ ગૂગલને શરણે પહોચી જાય છે. પણ તમને એ ખબર છે કે જ્ઞાનપ્રાપ્તિના અન્ય વૈકલ્પિક માર્ગો પણ નેટ ઉપર ઉપલબ્ધ છે? તમને એ પણ ખબર છે કે ફેઈસબુક પણ તમારી શૈક્ષણિક સજ્જતાને વધારવામા મહત્ત્વનો ફાળો આપી શકે તેમ છે ? જો તમને આ વાતની ખબર ના હોય તો (અને ખબર હોય તો પણ) આ લેખ તમારા માટે છે.
તો ચાલો હવે એક શૈક્ષણિક દૃષ્ટિકોણથી ફેઈસબૂક વિષે વાત કરીએ.
Graph Search : ફેઈસબૂકની શરૂઆતમાં તેને માટે સર્ચ તે અગત્યનો વિષય ન હતો. પણ સતત કંઈ નવું કરી બતાવવામાં અને ઇન્ટરનેટ ઉપરની ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા માટે ઈ.સ. ૨૦૧૩ના માર્ચ મહિનામાં ફેઈસબૂકે ગ્રાફ સર્ચની વિભાવના અમલમાં મૂકી અને તેની સાથે જ ઇન્ટરનેટ સર્ચ પ્રવૃત્તિના નવા કમાડ ખૂલી ગયા.
તો શુ છે આ ગ્રાફ સર્ચ ?
આ બાબત સમજવા માટે થોડા પાછળ જઈને આપણે સૌ પ્રથમ ગૂગલ સર્ચની વાત કરવી પડશે. તમે જાણો છો કે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવા માટે હાલમાં ગૂગલ સર્ચ એન્જિન તે સૌથી વધુ પાવર ફૂલ, પ્રચલિત અને લોકપ્રિય સાધન છે. કશું પણ સર્ચ કરવા માટે તેના સર્ચ બોક્સમાં જરૂરી શબ્દો ટાઈપ કરવાથી ગૂગલ તેની સાથે સંકળાયેલ વેબલિંક તરફ દોરી જાય છે. જેમાંથી તમે ક્રમશઃ આગળ વધતા વધતા સંતોષકારક જવાબ સુધી પહોંચી શકો છો. અહીં તમે સર્ચ બોક્સમાં જે શબ્દો ટાઈપ કરો તેને “key words” કહેવાય છે. આનાથી વિરુદ્ધ ફેઈસબૂકના ફ્રન્ટ પેઈજ ઉપરના મથાળે રહેલા સર્ચ બોક્સમાં તમે સીધો, રોજિંદી વાતચીતની ભાષા(natural language)માં પુછાય તે રીતે પ્રશ્ન પૂછી શકો છો. જેમ કે
• Which is the best Chinese restaurant in Ahmedabad.
• Who are the clinical psychologists in Surat.
• People for and against English medium in Gujarat.
• Journalists who live in Ahmedabad.
આ પ્રકારના પ્રશ્નો ટાઈપ કરતાની સાથે જ જે લોકો કોઈને કોઈ રીતે જે તે બાબત સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોય કે ફેઈસબૂક ઉપર આ અંગેનાં પોતાનાં મંતવ્યો રજૂ કર્યા હોય કે આવી કોઈ ચર્ચામાં ભાગ લીધો હોય, ફોટા કે વીડિયો મૂકી હોય તે તમામનાં નામ અને પોસ્ટિંગ પડદા ઉપર ઝબકવા માડે છે. ઘણી વાર આવી માહિતી અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે છે. જેમ કે જો તમે જર્નાલિઝમના વિદ્યાર્થી, પ્રાધ્યાપક કે સંશોધક હો અને તમારે અમદાવાદમાં રહેતા પત્રકારો વિષે કે તેમનાં લખાણો વિષે માહિતી જોઈતી હોય તો ફેઈસબૂકની ગ્રાફ સર્ચ તમારે માટે હાથવગું સાધન પુરવાર થઈ શકે છે.
ફેઈસબૂક ગ્રાફિક સર્ચમાં પૂછાતા સવાલોના જવાબો કેવી રીતે શોધી કાઢે છે તે જાણવું પણ રસપ્રદ છે. જ્યારે તમે સૌ પ્રથમ વાર ફેઈસબૂકમાં સાઈનઅપ કરીને તેના સભ્ય બનો છો ત્યારે ફેઈસબૂકના ફોર્મમાં તમારે તમારા વિષેની વિગતવાર માહિતી પૂરી પાડવાની રહે છે. જેમાં તમારું નામ, ઉંમર, જન્મતારીખ, જાતિ એટલે કે gender, તમે કયા ગામના રાજ્યના અને કયા દેશના છો અને હાલમાં ક્યાં રહો છો, તમે અભ્યાસ કર્યો હોય તે શાળા, કોલેજ, યુનિવર્સિટી, તમારો વ્યવસાય, તમારા શોખના વિષયો, તમારી વાંચન કે અન્ય મનોરંજન પ્રવૃત્તિઓ, તમારો રાજકીય, ધાર્મિક, સૈદ્ધાંતિક કે આધ્યાત્મિક અભિગમ, આવી ઘણી બધી માહિતી તમારે આપવાની હોય છે. આ માહિતીને આધારે ફેઈસબૂકના ડેટાબેઈઝમાં તમારું એક પ્રોફાઈલ તૈયાર થાય છે. ફેઈસબૂકની પરિભાષામાં “ગ્રાફ” એટલે આ ડેટાબેઈઝ. યાદ રાખો, આ વાત માત્ર આટલેથી જ અટકતી નથી. તમારા પ્રોફાઈલમાં વિગતો ઉમેરવાનુ બીજુ સ્રોત છે તમારું ફેઈસબૂક કમ્યુિનકેશન. એક વાર ફેઈસબૂકના મેદાનમાં આવ્યા પછી તમે સતત નવા નવા મિત્રો બનાવતા જાવ છો અને તેમની સાથેના વ્યવહારમાં તમારી Likes દર્શાવો છો, Comments કરો છો, અભિપ્રાયો વ્યક્ત કરો છો, ગમા અણગમા પ્રદર્શિત કરો છો. તમારા કુટુંબીજનો, સગાંવહાલાં, મિત્રો, ગમતા નેતા-અભિનેતાની તસવીરો કે વીડિયો પોસ્ટ કરો છો. પ્રવાસોની વિગતો આપીને તમારા ફેમિલી સાથે કે મિત્રો સાથેના ફોટાઓ શેર કરો છો. તમારી ગમતી શેરો શાયરીઓ રમતી મૂકો છો. આ બધુ તમે શોખથી કે ગમ્મત ખાતર ફેઈસબૂક ઉપર મૂક્યે જતા હો છો અને તેનો સૌથી વધુ ફાયદો તો ફેઈસબૂકને જ મળે છે. ફેઈસબૂક આ બધી બાબતોને પોતાના ડેટાબેઈઝમાં અપડેટ કરતું રહે છે અને તમારા પ્રોફાઈલને સમૃદ્ધ બનાવતું જાય છે. યાદ રાખો કે તમારી અમુક બાબતો તમે ફેઈસબૂક સાઈનઅપ કરતી વખતે જાહેર ન કરી હોય તેમ છતાં તમારા અન્ય લોકો સાથેના વિનિમયને આધારે ફેઈસબૂકની બાજનજર તેને પકડી લે છે અને તમારા પ્રોફાઈલમાં સમાવિષ્ટ કરી નાખે છે.
આવા તો કરોડો પ્રોફાઈલસ ફેઈસબૂકના ડેટાબેઈઝમાં સંગ્રહાયેલા પડ્યા છે. આ ડેટાબેઈઝ તે ફેઈસબૂકનું મૂળભૂત પ્લેટફોર્મ છે. હવે તમે જ્યારે ફેઈસબૂકને કોઈક માહિતી પૂછો છો ત્યારે તમારા સવાલના સંદર્ભમાં આ ડેટાબેઈઝમાં વિવિધ સંયોજનોને આધારે ખોળંખોળા કરીને ફેઈસબૂક ફટ્ટાક દઈને ક્ષણાર્ધમાં જરૂરી જવાબ સાથે હાજર થઈ જાય છે. દા.ત. તમે એવો પ્રશ્ન પૂછો કે “Who are ‘Mukesh’ fans in vadodara ?” તો જે ફેઈસબૂકના વડોદરાના મેમ્બર્સે પોતાના પ્રોફાઈલમા ‘મૂકેશ’ના ફેન તરીકે પોતાની ઓળખાણ આપી હોય તે તમામ માહિતી હાજર થઈ જાય છે. એટલું જ નહીં પણ વડોદરામાં મુકેશનાં ગીતોના જે પ્રોગ્રામ્સ થયા હોય અને ફોટા કે વીડિયો જો કોઈએ ફેઈસબૂક ઉપર અપલોડ કરી હોય તો તે પણ આવી જાય છે. ટૂંકમાં ‘મૂકેશ’ નામનો આખો અન્નકૂટ અહીં હાજર થઈ જાય છે. તમારી જરૂરિયાત અને મરજી મુજબની જે કોઈ વાનગી તમારે આરોગવી હોય તે આરોગો. જો કે અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે તમે સર્ચમાં માત્ર ‘મૂકેશ’ એટલું જ નામ લખો તો બને કે તે મૂકેશ શાહ, મૂકેશ પ્રજાપતિ, મૂકેશ દેસાઈ એવાં અનેક નામો સાથે હાજર થઈ જશે. ફેઈસબૂકને કેવી રીતે ખબર પડે કે તમે ફિલ્મી ગાયક મૂકેશની વાત કરી રહ્યા છો ? આખી વાતનો મતલબ એ કે સાચો જવાબ મેળવવા માટે તમને સાચો પ્રશ્ન પૂછતા પણ આવડવો જોઈએ. જો તમે એમ પૂછ્યું હોત કે “Who are playback singer Mukesh fans in Vadodara ?” તો તમને સચોટ જવાબ મળત. તમારો સવાલ જેટલો pointed હોય તેટલો pointed જવાબ તમને મળે.
ગ્રાફ સર્ચ કેવી રીતે કામ કરે છે તેની વાત કર્યા પછી આ ટેકનિકનો આપણી શૈક્ષણિક સજ્જતા વધારવામાં, સંશોધનોમાં, પેપર્સ કે થિસિસ તૈયાર કરવામાં અને શિક્ષણ સમુદાય સાથે નવા સંપર્કો બનાવવામાં કેવી રીતે લાભ લઈ શકાય તે જોઈએ. ધારો કે તમે ગ્લોબલ વોર્મિંગની સાથે સંકળાયેલા વિદ્યાર્થી, શિક્ષક, કે સંશોધક હો અને તમે ફેઈસબૂકના સર્ચબોક્સમાં “global warming researches in India” તેવું ટાઈપ કરો એટલે આ બાબત સાથે સંકળાયેલ તમામ સંશોધકો, સરકારી અધિકારીઓ, પ્રાધ્યાપકો, એક્ટિવિસ્ટ અને તેમણે ગ્લોબલ વોર્મિંગ વિષે કરેલા પોસ્ટિન્ગ્સ, તેમની કોમેન્ટ્સ, તેમના અભિપ્રાયો, અનુભવો, તેમણે એટેન્ડ કરેલ કોન્ફરન્સ, વર્કશોપ્સ, સેમિનારો અને તેમા રજૂ કરેલા પેપર્સ વગેરેની માહિતી ઉપલબ્ધ થઈ શકે છે. વધુમાં તેમના પ્રોફાઈલમાં જઈને તેમનું ઈ-મેઈલ એડ્રેસ મેળવી અથવા તો તેમને Friends request મોકલીને તેમનો સીધો સંપર્ક કરી શકાય છે. ઘણી વાર તો કોઈક અંતરિયાળ ગામડામાં બેઠા બેઠા કોઈ સંશોધક એકલપંડે કોઈ સંશોધન કરી રહ્યા હોય તો તેની આપણને જાણ પણ હોતી નથી, પણ આવી જાણકારી ફેઈસબૂક તમને પલકભરમાં આપી શકે છે. આ લોકો સાથે એક વાર સંપર્ક ઊભો કર્યા પછી તેમની સાથે સક્રિય વિનિમય કરીને એકબીજાના સંશોધનોને સમૃદ્ધ કરી શકો છો.
“ફેઈસબૂકનું અવનંવુ” તે લેખમાળાના આ પ્રથમ મણકામાં આ વખતે માત્ર આટલુ જ. હજી ફેઈસબૂકના પટારામાં બીજા અનેક રત્નો છુપાયેલા છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો કે જ્ઞાનપ્રાપ્તિના સર્વ રાહગીરો માટે ફેઈસબૂકની અન્ય કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે તેની રસપ્રદ વાતો હવે પછીના હપ્તાઓમાં કરીશું.
દરમ્યાનમાં માત્ર એક જ વિનંતી કે આ લેખ માત્ર વાંચીને સંતોષ મેળવવાને બદલે જાતે ફેઈસબૂક ઉપર જઈને તેના સર્ચ બોક્સમાં જાતજાતના સવાલો પૂછીને trial-error દ્વારા ગ્રાફ સર્ચ અંગે મહાવરો કરતા રહેશો તો તમારી એકેડેમિક સજ્જતા વધારવામાં ફેઈસબૂક કેટલું ઉપયોગી સાધન બની શકે છે તેનો વાસ્તવિક ખ્યાલ આવી શકશે.
Best wishes for the productive graph search.
e.mail : ybhatt@yahoo.com
ટોરેન્ટો, કેનેડા
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અૉગસ્ટ 2015, પૃ. 11-13