માનો જન્મ વાંસદામાં 10.10.1915, ત્રીજે નોરતે થયેલો. તેમના બાપ, અમારા નાનાબાપુ દીવાન હતા, એટલે સારી રીતે બાળપણ ગયું હશે. તેમને પાંચ બહેનો અને એક ભાઈ. મારા ખ્યાલ પ્રમાણે મંગળમાસી અને બાબુમાસીથી નજીકનો પણ શાન્તામાસી અને બાળામાસી(માડી)થી દૂરથી નાતો ખરો. ભાઈ સાથે લેણા દેવી ઓછી એટલે અમને માસીના લાડ વધારે મળ્યાં મામાનો પરિચય ઓછો, જે માના છગન કાકા અને છોટુ કાકાના બાળકોથી સંતોષ મેળવ્યો.
મા મિતભાષી, મિતાહારી અને કર્મ પરાયણ હતાં, બા’ઈ ને 100 % સહકાર આપ્યો. બા’ઈ કર્મકાંડી અને વેદાંતી હતાં. આ જમાનામાં એમ થાય કે એ કેમ મેળ પડ્યો હશે ? જેમ ગાડાનું પૈડું અને ધરીની જેમ જ, જો ઘર્ષણ ન થાય તો જીવન શું કામનું? પણ સમજથી સમાધાન કરવું એ જ અગત્યનું છે.
ખંભાળિયાની નદીમાં તણાતા બચી ગયાં એટલે બચીબે’ન નામ પડ્યું. આમ તો રમણબાળા નામ. બા’ઈને ક્યારેક રમણ મહર્ષિ કહેતાં. એ જમાનામાં ભણતર ઓછું, ગણતર વધારે, મારી દ્રષ્ટૃિએ તેઓ એમ. એ. હતાં. સાસુને, વરને બાળકોને સગાં સંબંધીને કેમ સંભાળવાં તે બરાબર જાણતાં. બાળ ઉછેરની સૂઝ, ઘર ગથ્થુ ઈલાજની સમજ હતી, તેમાં બા’ઈની મદદ ખરી. અમને કોફીમાં નાખીને આપે તે એરંડિયું પીવું ન ગમતું, ગળું પકડાય તો હળદરવાળું દૂધ ન ભાવતું પણ નાક બંધ કરીને પીતાં. શરદી થાય તો સૂંઠની ગોળી ચગળવી ગમતી કેમ કે એ ગળી હોય ને ! વિના સહકાર નહિ ઉધ્ધાર, એટલે ઘરમાં લીંપણ-ગૂંપણ – શ્રીનિકેતનમાં પહેલાં ગાર હતી. મને યાદ છે વિદ્યાનગર રોડ પર ગાયોની અવર જવર હતી તે પોદળો મફત મળતો ! જયંત પાઠક યાદ આવ્યા તે કહે છે ‘તે તો મા જ ભીના ભીના લીંપણમાં નાનકડી પગલી જોવાનો કોડ કરે’. ઘરનાં છાણાં, પથરિયા કોલસા ભાંગવાની મજા કોઈને યાદ છે? મોચી વાપરે તેવી લોઢાની એરણ કે શું કહેવાય તે યાદ નથી, પણ ઉઘાડા ઓરડામાં કામ કરવાની મજા આવતી. રસોઈની તો શું વાત કરું? યોગેશભાઈ કહેતા અહીં તો ભજિયું, મૂઠિયું છમ બહુ થાય. મીઠાઈ બનાવવાની મજા મોટા ભાઇઓને આવતી, મને ખાવાની. માજી, આ તમારી આશાગૌરી છે ને, તેણે અહીંની સંગીત સંધ્યામાં મોહનથાળ કેક બનાવેલી; હું તો ગળગળો ! બીજાં કામમાં તો સફાઈ કરવી, સિંધિયાને ત્યાંથી નાની મોટી ખરીદી કરી લાવવી, દીવાળી પહેલા માંડ આંબલીથી સાફ કરવાની મજા આવતી, કપડાં ધોવાં એ રમત થઇ પડતી.
યાદ છેને, મા કહેતાં, અભણને ઝટ મળે ભગવાન. સાંજના દીવા કરી જીબાને જે શ્રીકૃષ્ણ કહેવાનો રિવાજ હતો. ત્યારે મા બોલતાં ‘હે દીનાનાથ, ભોળા શમ્ભુ, કૈલાશપતિ, નિરંજન, નિરાકાર, બધાની રક્ષા કરજે’. મા ફરજ પરસ્ત કર્મ માર્ગથી, ભજનના તાનથી આનંદ અનુભવતાં.
તમારાં લાલન પાલન કેમ ભૂલાય? રાત ઉજાગરા કરી, તાવ હોય ત્યારે પોતાં મુકતાં. રમેશ જોશી કહે છે ‘ જિન્દગી પણ કેવી કમાલ છે? પહેલા આંસુ આવતાં ત્યારે બા યાદ આવતી ને આજે બા યાદ આવે છે ત્યારે આંસુ આવી જાય છે!’ શું દિવાળી, જન્માષ્ટમી, હોળી, શ્રાવણના સોમવાર, શિવરાત્રીની બાઈ’ની ચાર પ્રહરની પૂજા, લગન પ્રસંગો કેમ ભૂલાય ? હવે તો શ્રીનિકેતન એક સ્મરણ જ, પણ ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય યાદ આવે છે કે ‘અમારે ઘર હતાં, વ્હાલા હતાં, ભાંડું હતાં (ત્રણ સ્વર્ગે સીધાવ્યાં તેને પણ સ્મરણ-અંજલિ) ને પિતાની છાય હતી, ગોદ માતાની હતી.’
નર્મદે કહેલું, ‘ખરેરાત મા પુત્ર સંબંધ કેવો? ખરે જાણવો પૃથ્વીને વૃક્ષ જેવો, કૃતઘ્ની છતાં વ્હાલ તો આણતા જી, વળાયે નહિ પાડ, માયાળુ માજી જ’
માને યાદ કરવાનો રસ્તો ઉશનસે બતાવ્યો છે,
‘જનેતા, જ્યારે યે જન્મીશ જુદા રૂપ ધરી તું,
મને પૂરી શ્રદ્ધા : લઈશ અમથી ઓળખી તને
બને કે તું કો’દી જન્મીશ તરુ થઈ ભવરણે
તને હું છાયાથી લઈશ પરખી શીતલપણે
અમસ્તો ઘેરાઈ સજલઘન કો ગ્રીષ્મ ઋતુમાં
ધરી રહેશે છાયા શિર મુજે
થશે એ તું, તું જ માં.
જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી
માતા, નદી,વૃક્ષ, જન્મભૂમિ માતૃભાષા ને લાખ લાખ વંદન
માં તમને 100મી જન્મતિથિના કોટિ કોટિ વંદન
જય શ્રી કૃષ્ણ 1 4.10.2015 માન્ચેસ્ટર અને લંડનથી તમારાં બાળકોના સ્મરણ
e.mail : 71abuch@gmail.com