વિધાનગૃહોની ચર્ચાઓ અને બહારના વિરોધ છતાં ધર્મના પીઠબળથી શરમજનક દેવદાસી પરંપરા હજુ ચાલુ છે.
આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન, તો 10મી માર્ચ સાવિત્રીબાઈ ફુલેની પુણ્યતિથિ. દેશનાં પ્રથમ મહિલા શિક્ષિકા એવાં સાવિત્રીબાઈ ફુલેએ આજથી પોણા બસો વરસ પહેલાં પોતાના પતિ જોતીબા ફુલે સાથે મળીને સમાજ સુધારણાનાં અનેક મહત્ત્વનાં કામો કર્યાં હતાં. સ્ત્રીશિક્ષણ, સ્ત્રીસમાનતા અને દલિત ઉત્થાન માટે ફુલેદંપતી આજીવન મથતું રહ્યું હતું. બાબાસાહેબ આંબેડકર સમાજની પ્રગતિનો માપદંડ તે સમાજની સ્ત્રીઓની પ્રગતિને માનતા હતા. એ દૃષ્ટિએ આપણે હજુ પ્રગતિની લાંબી મજલ કાપવાની છે. ભારતમાં સ્ત્રીઓ અનેક બંધનો, શોષણ અને અત્યાચારમાં જકડાયેલી છે.
તેને ધર્મનું પણ સમર્થન મળી રહે છે. એટલે લોકશાહી પ્રજાસત્તાક દેશ છતાં આપણે ત્યાં પિતૃસત્તાક સમાજ યથાવત રહ્યો છે. આજે સ્ત્રીઓના એક વર્ગે અનેક ક્ષેત્રોમાં પ્રગતિ હાંસલ કરી છે, સમાનતા મેળવી છે એ ખરું. છતાં હજુ અનેક ક્ષેત્રો અને સમાજોમાં સ્ત્રીનું સ્થાન ઉતરતું રહ્યું છે. હવે તો સ્ત્રી શોષણનું ‘તાડનકે અધિકારી’ રૂપ વધુ વરવાં સ્વરૂપે પ્રકટી રહ્યું છે. દેવદાસીપ્રથાને રાજ્યોના કાયદા કે 2015ના અનુસુચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદામાં ગુનો ગણી હોવા છતાં દક્ષિણનાં રાજ્યોમાં હજુ ય તે જીવંત છે. તાજેતરમાં જ દેશની સર્વોચ્ચ અદાલતે ભારતમાં દેવદાસીપ્રથા હયાત હોવાનો સ્વીકાર કર્યો છે.
વિધાનગૃહોની ચર્ચાઓ અને બહારના વિરોધ છતાં ધર્મના પીઠબળથી આ પરંપરા હજુ ચાલુ છે. સ્ત્રીશોષણના અત્યંત વરવા રૂપસમી દેવદાસી પ્રથા ધર્મના ઓથે ટકી રહી છે અને અનેક નિર્દોષ દલિત કન્યાઓનું શોષણ કરતી રહે છે. સ્ત્રી શોષણનાં કેટલાંક રૂપ તો જાણીને આઘાત જ લાગે એટલાં બર્બર અને વરવાં છે. આજે દેશના સૌથી શિક્ષિત રાજ્યમાં જેની ગણના થાય છે તે કેરળમાં 19મી સદીમાં દલિત સ્ત્રીઓ પાસે બાકાયદા સ્તન કર લેવાતો હતો. મુલકકરામ અર્થાત બ્રેસ્ટ ટેક્સ નામક આ અત્યંત હીણા અને દમનકારી કાયદા હેઠળ તિરુવનંતપુરમના ત્રાવણકોર રોયલ પરિવાર દ્વારા આ કર ઉઘરાવાતો હતો.
આ કર હેઠળના પ્રદેશોની દલિત સ્ત્રીઓને પોતાની છાતી ઢાંકવા પર તો પ્રતિબંધ હતો જ. પણ તેમને સ્તનના આકાર પ્રમાણે રાજવી પરિવારને વેરો આપવો પડતો હતો. તિરુવનંતપુરમના ચેરથલા ગામની એક દલિત મહિલા નંગલીના ઘરે જ્યારે બાકી વેરો ઉઘરાવવા રાજપરિવારના માણસો ગયા ત્યારે આ ગરીબ સ્ત્રીએ તેમને ન માત્ર પડકાર્યા, પણ હથિયારથી એક જ ઝાટકે પોતાના બંને સ્તન કાપી નાખીને તેમની સામે ધરી દીધા. લોહીલુહાણ નંગલી ત્યાં જ ફસડાઈ પડીને મરણ પામી.
નંગલીના આ મોતે લોકોને જાગ્રત કર્યા, વિરોધ અને સંઘર્ષ ચાલ્યો. એટલે અંતે આ અત્યાચારી-ઘાતકી કર નાબૂદ થયો. આઝાદી પછી સામ્યવાદની અસર છતાં કેરળના કેટલાક પ્રાંતોમાં દલિત સ્ત્રીઓનું શોષણ ચાલુ રહ્યું. ત્રિચુરના કેચેરી નજીકના મણિમલ્લારકાપૂ મંદિરના બિનદલિત નાયર અધિપતિઓ એક ધાર્મિક અનુષ્ઠાનમાં દલિત સ્ત્રીઓને ઉઘાડી છાતીએ સરઘસાકારે ફરવાની ફરજ પાડતા હતા. આ પ્રથા અહીં વરસોથી ચાલતી હતી, પણ 1952માં એક દલિત સ્ત્રી વલ્લથુ લક્ષ્મીકુટ્ટીએ તેને પડકારી.
એ વરસે લક્ષ્મીકુટ્ટીની આગેવાનીમાં દલિત સ્ત્રીઓ પૂરું શરીર ઢાંકીને સારાં કપડાં પહેરીને આ અનુષ્ઠાનમાં જોડાઈ. એનાથી બ્રાહ્મણો ગભરાયા અને આ પરંપરાનો અંત આણવા મજબૂર બન્યા. ગુજરાત પણ સ્ત્રી શોષણ અને સ્ત્રીઓ પરનાં બંધનોથી મુક્ત નથી. આઝાદીના એકાદ દાયકા પૂર્વે ગરીબ દલિતોને નાણાં ધીરનારા તેમની સ્ત્રીઓનું ‘ચોટલાખત’ના નામે કેવું શોષણ કરતા હતાં તેનો પુરાવો ગાંધીજીના અક્ષરદેહમાંથી મળે છે. દલિતોદ્ધારને વરેલા ગાંધીવાદી રચનાત્મક આગેવાન પરીક્ષિતલાલ મજમુદારે ગાંધીજીને પત્ર લખીને આ શોષણને ઉઘાડું પાડ્યું હતું.
તેમણે લખ્યું હતું, ‘મહેસાણા પ્રાંતના હરિજનો પોતાના લેણદારો પાસે રકમ ઉછીની લઈને તેના વ્યાજ પેટે પોતાના કુટુંબોની યુવાન બહેનદીકરીઓના ચોટલા ગિરો મુકે છે. એનો અર્થ લેણદારો એવો કરે છે કે જ્યાં સુધી એ રકમ પાછી તેમને ન મળે ત્યાં સુધી એ બહેનો ઉપરના સર્વ હકો લેણદારો ભોગવી શકે.’ તા. 15મી ઓગસ્ટ, 1937ના ‘હરિજનબંધુ’માં ‘ચોટલાખત’ એ નોંધ હેઠળ ગાંધીજીએ લખ્યું હતું. ‘જો આ હકીકત બરોબર હોય તો એ તો સ્પષ્ટ ગુનો છે, અને રાજ્યે એ પ્રથાને શીઘ્ર બંધ કરવી ઘટે.” (ગાંધીજીનો અક્ષરદેહ, ખંડ-66, પૃષ્ઠઃ50)
સ્ત્રીપુરુષ વસ્તીપ્રમાણ કન્યાભ્રૂણહત્યાને કારણે ઘટતું રહ્યું છે. તે માટે પુરુષપ્રધાન માનસિકતા જવાબદાર છે. પરંતુ ઓછા સ્ત્રી-પુરુષ પ્રમાણે પણ સ્ત્રીશોષણના નવાં દ્વાર ખોલ્યાં છે. સમગ્ર દેશમાં સ્ત્રીઓનું સહુથી ઓછું પ્રમાણ જાટ બહુમતી ધરાવતા હરિયાણામાં છે. ત્યાં 1000 પુરુષે માંડ 879 સ્ત્રીઓ જ છે. એટલે પુરુષો પોતાની શારીરિક જરૂરિયાત અને વંશવૃદ્ધિ માટે દેશના અસમ, બંગાલ અને ઓરિસ્સા જેવા રાજ્યોની ગરીબ કન્યાઓને 5 હજારથી 40 હજાર રૂપિયે ખરીદી લાવે છે.
આવી સ્ત્રીઓને હરિયાણામાં ‘મોલકી’(ખરીદેલી) કહેવામાં આવે છે. આ સ્ત્રીઓને માંડ એક ટંક રોટલો મળે છે. એને ઘરનાં સઘળાં વેઠ વૈતરાં કરવા પડે છે અને તેનો કહેવાતો પતિ વારસદાર મળતાં જ તેને બીજે વેચી નાંખે છે. આ સ્ત્રીઓનું જીવન નર્યું દોજખ હોય છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મુખ્યત્વે પાટીદારો અત્યંત ઓછા સ્ત્રીપ્રમાણને કારણે ગરીબ આદિવાસી સ્ત્રીઓને આ જ રીતે વેચાતી લાવે છે. તેને પણ ગુલામડીની જેમ કશા જ અધિકારો વિના રાખે છે. પાણીની તીવ્ર અછતવાળા ગુજરાતના વિસ્તારોમાં સુખી કહેવાતા પુરુષો ‘પાણીવાળી બાઈ’ તરીકે બીજી પત્ની માત્ર પાણી ભરવા રાખે છે, એ પણ સ્ત્રી શોષનું નોખું રૂપ છે.
જૂના જમાનાનાં રાજારજવાડાનાં યુદ્ધોમાં જ નહીં, આધુનિક અને સભ્ય કહેવાતા સમયનાં યુદ્ધોમાં પણ વેઠવાનું સ્ત્રીઓને જ આવે છે. 1945માં સમાપ્ત થયેલા બીજા વિશ્વયુદ્ધમાં હારેલા દેશોની અને અન્ય દેશોની લાખો સ્ત્રીઓને સૈનિકોના શરીર ઉપભોગ માટે સેક્સ સ્લેવ બનાવવામાં આવી હતી. મોટે ભાગે જાપાનના સૈનિકો માટે આ સેક્સસ્લેવ આફ્રિકા, ચીન, સાઉથ કોરિયા અને ફિલિપાઈન્સમાંથી આણી હતી. આવી લાખો સેક્સસ્લેવ સ્ત્રીઓની યાતનાઓનો હજુ અંત આવ્યો નથી. હવે આટલાં વરસે જાપાનના વડાપ્રધાને આવી પીડિતાઓની જાહેર ક્ષમાયાચના અને આર્થિક સહાયની ઘોષણા કરી છે.
આ એક સારું પણ અપૂરતું કદમ છે અને તેનાથી જાપાનનું બર્બર કલંક ભૂંસાવાનું નથી. જાપાન વિશ્વમહાસત્તા છતાં આ મુદ્દે કલંકિત અને હીણું જ રહેશે. દલિત સ્ત્રીઓનું શોષણ તો સ્ત્રીશોષણમાં બેવડું અને વધુ વરવું હોય છે. દલિત હોવાના લીધે અને સ્ત્રી હોવાના લીધે દલિત સ્ત્રીને વધારે શોષાવાનું આવે છે. એ રીતે તેની લડાઈ વધુ કઠિન હોય છે. સાવિત્રીબાઈ ફુલેએ કપરા સંજોગોમાં સ્ત્રી શિક્ષણ અને સમાજસુધારણાની જે મશાલ પેટાવી હતી તે આજે પણ પ્રેરક અને દિશાદર્શક છે જ. ઇતિહાસમાં સદાય ઉવેખાયેલી નંગલી અને લક્ષ્મીકુટ્ટી તેમાં ઉમેરાય છે તે આશા જગવે છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘દેવના નામે દાનવતા’, “દિવ્ય ભાસ્કર”, 10 માર્ચ 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-female-exploitation-abuse-5270775-NOR.html