મોહમ્મદ અલી જિન્હા માટે એવું કહેવાય છે કે ભારત-પાકિસ્તાનનું વિભાજન નિશ્ચિત થઇ ગયું તે પછી એમણે અમુક લોકોની ઉપસ્થિતિમાં વિધાન કર્યું હતું કે એમણે ખાલી એક ટાઇપરાઇટર અને ક્લાર્કની મદદથી પાકિસ્તાન મેળવ્યું હતું. એ કાયદે-આઝમનું મગરૂરીનું વિધાન હતું. ગાંધીજી, જેમણે સ્વતંત્રતા માટે હિન્દુ-મુસ્લિમ સૌને જાગૃત કર્યા હતા, એ એમના અંતિમ ઉપવાસના આગલા દિવસે બોલ્યા હતા, ‘ભારતના ટુકડા થતાં જોવાની લાચારી કરતાં મૃત્યુથી છુટકારો મળે એ મને ગમશે.’ આ મહાત્માની નિષ્ફળતાના શબ્દો હતા.
બન્ને ગુજરાતી પરિવારના ફરજંદ, સૌરાષ્ટ્રમાં આવેલા બન્નેના વતન વચ્ચે માંડ 70 કિલોમીટરનું અંતર હશે, અને જેમણે એકસાથે એક જ સ્વપ્ન જોયું હતું, તેઓ ઉંમર અને ઇતિહાસના એક પડાવ પર આવીને કેવી રીતે પરસ્પર વિરોધિતા અને વિવાદ પર્યાય બની ગયા એ જાણવું દિલચસ્પ કવાયત છે.
એ યોગાનુયોગ તો નથી જ કે પૂરા દક્ષિણ એશિયાના ઇતિહાસની કરવટ બદલી નાખનાર આ નાયક અને પ્રતિનાયક, મોહનદાસ કરમચંદ ગાંધી અને મોહમ્મદ અલી જિન્હા (ઝીણા) ગુજરાતી વેપારી પરિવારમાંથી આવ્યા હતા. ગાંધીજી મોઢ વાણિયા હતા. એમણે પાલનપુરના નવાબ તૈલી મોહમ્મદ ખાનને મજાકમાં કહેલું કે, ‘હું વાણિયો છું. તમે મને મૂરખ ન બનાવી શકો.’
જિન્હા ખોજા પરિવારમાં પેદા થયા હતા. એમના પિતા ઝીણાભાઈ પૂંજા કપાસ, ઊન અને અનાજની નિકાસ કરતા હતા. ખોજા શબ્દ મૂળ ફારસી ‘ખ્વાજાહ’ પરથી આવે છે, જેનો અર્થ થાય છે ધનવાન વેપારી. જિન્હાના દાદા પ્રેમજીભાઈ ઠક્કર ગોંડલના હતા અને વેરાવળમાં મચ્છીનો વ્યવસાય કરતા હતા. એનાથી એમનો શાકાહારી લોહાણા સમાજ નારાજ થઈ ગયો અને પ્રેમજીભાઈને બહિષ્કૃત કરવામાં આવ્યા.
પ્રેમજીભાઈના દીકરા પૂંજાલાલ ઠક્કરનું લોહી એવી રીતે જ ઊકળી ઊઠ્યું જેવી રીતે એક લોહાણાનું લોહી ઊકળી ઊઠે. પિતાની બેઇજ્જતથી વ્યથિત પૂંજાલાલ મુસ્લિમ બની ગયા અને એમના ચારે દીકરાનાં નામ બદલી નાખ્યાં. એમને ઘરમાં ‘ઝીણાભાઈ’ કહીને બોલાવતા હતા.
‘ઝીણા’ નામ ગુજરાતમાં બહુ સામાન્ય છે. એક તર્ક એવો છે કે પૂંજાલાલ શરીરે સુકલકડી અને નાના હતા એટલે ‘ઝીણા’ કહેવાતા. અચ્યુત યાજ્ઞિક એમની કિતાબ ‘ધ શેપિંગ ઑફ મોડર્ન ગુજરાત: પ્લુરાલિટી, હિન્દુત્વ એન્ડ બિયોન્ડ’માં એવો તર્ક કરે છે કે ‘ઝીણા’ શબ્દ જૈન ‘જિન’ પરથી આવ્યો છે, આનો અર્થ થાય છે જેણે મન અને ઇન્દ્રિયોને જીતી લીધી છે. જિન એટલે આત્મજયી. જૈન ધર્મની ઉત્પત્તિ આ જિન શબ્દથી થઈ છે. પિતાના આ ‘ઝીણા’ નામને જિન્હાએ પોતાની અટક બતાવી દીધી હતી.
દિલચસ્પ વાત એ છે કે ગાંધીજી પર જૈન ધર્મની ખાસી અસર હતી. એ નાના હતા ત્યારથી જૈન પંડિત રાયચંદભાઈ રાવજીભાઈ મહેતાની અસર હેઠળ હતા અને દક્ષિણ આફ્રિકા વસવાટ દરમિયાન એ ગાંધીના આધ્યાત્મિક ગુરુ બની ગયેલા. આ રાયચંદભાઈ એટલે શ્રીમદ્દ રાજચંદ્ર જેમણે 28 વર્ષની વયે પૂરા જૈન ધર્મનું આત્મસિદ્ધિ નામના મહાકાવ્યમાં અર્થઘટન કર્યું હતું. ગાંધીજીની અહિંસાની ધારણા આ જૈન તત્ત્વજ્ઞાનની અસરમાંથી આવી છે.
ઇતિહાસમાં ‘જો આમ થયું હોત તો’નો એક રિવાજ છે. ઇતિહાસ ખાસ્સો દર્દનાક હોય છે, અને એને બદલવો આપણા હાથમાં હોતો નથી, એટલે ઘણા લોકો ‘જો અને તો’ના તુક્કા લડાવતા રહે છે. વિચાર કરો કે જિન્હાના દાદાને લોહાણા સમાજે નાત બહાર ન મૂક્યા હોત અને જિન્હાના પિતા વટલાઈને મુસ્લિમ બની ગયા ન હોત તો? ઇતિહાસના રસિકો કહે છે કે તો દક્ષિણ એશિયાનો ઇતિહાસ અલગ જ હોત.
થોડું નાટ્યાત્મક રીતે કહીએ તો ‘દીવાર’ ફિલ્મમાં ‘એક હી પુલ કે નીચે સે’ મોટા થયેલા બે ભાઈ જે રીતે ન્યાય અને અન્યાયના સામા છેડાઓ પર જઈ ઊભા એવી રીતે ગાંધીજી અને જિન્હા સામાજિક, ધાર્મિક અને પારિવારિક પરિસ્થિતિઓના પ્રવાહમાં તણાઈને વિરોધી બની ગયા. 18 જાન્યુઆરી, 1943ના દિવસે પૂણેમાં મહાદેવ ગોવિંદ રાનડેના જન્મદિવસ પ્રસંગે એક પ્રવચનમાં ડૉ. આંબેડકરે જરા આકરી ભાષામાં કહેલું ‘બંને વચ્ચે મેળાપ શક્ય નથી. જિન્હાની જીદ છે કે ગાંધી એ સ્વીકારે કે તેઓ હિન્દુ છે. ગાંધીનો આગ્રહ છે કે જિન્હા કબૂલ કરે છે એ મુસ્લિમોના નેતા છે. એક મહાત્મા તરીકે ઓળખાય છે, અને બીજા કાયદે-આઝમ છે. આ બે મહાન માણસોના હાથમાં રાજનીતિ, બેતુકી પ્રતિસ્પર્ધી બનીને રહી ગઈ છે.’
જિન્હામાં ક્યાંક ને ક્યાંક બચપણની પેલી અસમ્માન અને લઘુતાની વૃત્તિ હતી, જે સામાજિક બહિષ્કાર અને ધાર્મિક આભડછેટમાંથી આવી હતી. એ કરાચીમાં જન્મેલા, મુંબઈમાં ભણેલા અને કચ્છી-અંગ્રેજી બોલતા હતા. તેમને આજન્મ ઉર્દૂ આવડ્યું ન હતું. જિન્હામાં એક પવિત્ર મુસ્લિમમાં જે નીતિ-નિયમ કે રિવાજ હોય તેમાનું કશું જ ન હતું. એ પૂરું જીવન એકલવાયું જીવ્યા હતા.
ગાંધીજી એમની સરખામણીમાં ખુલ્લા અને જાહેર વ્યક્તિ હતા. જિન્હાને જન્મથી જ કોઈ શ્રેષ્ઠ અવસર મળ્યા ન હતા અને એમણે એકલા હાથે જ પોતાની નિયતિ ઘડી હતી. ગાંધીજી ઊંચા અને વગદાર ઘરાનામાંથી આવ્યા હતા. એમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર, રાજકોટ અને વાંકાનેર સ્ટેટના દીવાન રહી ચૂક્યા હતા. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દીવાન હતા.
ગાંધીજીની શરૂઆત જ જોરથી થઈ હતી અને એટલે જ તાકાત એમના હાથમાં કઠપૂતળી બની ગઈ, જ્યારે જિન્હા ખુદ તાકાતની જડ બની ગયા. ગાંધીજી સમાવેશી હતા અને ‘કટ્ટર દુશ્મન’ અંગ્રેજોને પણ સાથે લઈને ચાલતા હતા. જિન્હા ઠંડા કલેજાવાળા, તાર્કિક ભાવશૂન્ય અને એક જ દિશામાં વિચારવાળા હતા. ગાંધીજી ભારતીય સમાજ, સમજ અને કરુણામાં ડૂબેલા હતા. જિન્હાને કમજોર, ગરીબ, દલિત સાથે કોઈ લેવા-દેવા ન હતી, અને એ નખશિખ અંગ્રેજ હતા.
ગાંધીજીની મહિલા-બ્રિગેડમાંની એક સરોજિની નાયડુ પહેલી વખત 30 વર્ષના જિન્હાને મળી (સરોજિનીને એમના પ્રત્યે પ્રીતિ હતી એવી પણ ગોસિપ છે) ત્યારે જિન્હાને એમણે ‘મર્દાના દેશપ્રેમ’ના પ્રતીક ગણાવ્યા હતા. 8 જૂન, 1940માં ‘હરિજન’માં ગાંધીજીએ લખેલું ‘કાયદે-આઝમ પોતે ઉમદા કૉંગ્રેસી હતા.’ અસહકારની ચળવળ પછી જ, બીજી અનેક કોમના કૉંગ્રસીઓની જેમ એ કૉંગ્રેસ છોડી ગયા. એમનો નિર્ણય શુદ્ધ રૂપે રાજકીય હતો.’
એમ. જે. અકબર નામના સંપાદક-પત્રકાર આનું અર્થઘટન કરતા કહે છે કે, કૉંગ્રેસ છોડીને મુસ્લિમ લીગના લીડર બનવા પાછળ કોમવાદની ભાવના ન હતી, પણ તકવાદી રાજકારણ હતું. હકીકત એ છે કે જિન્હા ગયા ત્યારે ય લગભગ બધા જ મુસ્લિમો ગાંધી સાથે જ હતા. સંજોગો માણસને બદલે છે, અને પછી માણસ આવનારા સમયને બદલે છે.
1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે મુંબઈના ગુજરાતી સમાજે એમનું શાનદાર સ્વાગત કરેલું. ગુજરાતી હોવાના નાતે જિન્હા આ ગુજરાતી સભાના અધ્યક્ષ હતા, અને આ જ પ્રસંગ હતો જ્યારે બંને પહેલીવાર આમને સામને થયા હતા. મુંબઈના મશહૂર લોકોની આ સભામાં જિન્હાએ અધ્યક્ષના નાતે અંગ્રેજીમાં ભાષણ આપેલું અને એમાં એમણે ગાંધીજીની તારીફનાં ફૂલ બાંધ્યાં હતાં.
ગાંધીજી જવાબ આપવા ઊભા થયા તો એમણે જાણીબૂઝીને ગુજરાતીમાં શરૂ કર્યું. એમાં એમણે એ વાતની ખુશી વ્યક્ત કરી હતી કે એક ‘મોમેડિયન’ અે સભાના અધ્યક્ષ હતા. આ ઘટનાની બે-ત્રણ ગોસિપ છે. કહે છે કે ગાંધીજીએ જિન્હાને ગુજરાતીમાં બોલવા ટોક્યા અને એ ગુજરાતીમાં બોલવા ગયા પણ ગૂંચવાઈ ગયા. એ વખતના ‘ધ બોમ્બે ક્રોનિકલ’ સમાચારપત્રમાં આ સભાના અહેવાલમાં તો એવું છપાયેલું કે જિન્હા પછી કનૈયાલાલ માણેકલાલ મુનશી પણ અંગ્રેજીમાં બોલેલા પણ એમને ટોકવામાં આવ્યા ન હતા.
ગાંધીજીએ જિન્હાને પ્યારથી ‘મોમેડિયન’ કહેલા, પરંતુ જિન્હાને તે સભામાં પહેલીવાર એવું લાગેલું કે એમને આંગળી ચીંધવામાં આવી છે. એમ તો જિન્હાની માતા પણ બચપણમાં એમને ‘માર્મદ’ કહીને બોલાવતી હતી. ગાંધીજી જિન્હાને એમનો ધર્મ યાદ કરાવે કે ગુજરાતીમાં બોલવા માટે થઈને શરમમાં નાખે એ મનાય તેવું નથી પરંતુ જિન્હામાં બચપણથી લઘુતાની પેલી ગ્રંથિ પડી હતી તે આ ગુજરાતી સભા પછી તાકાત સાથે બહાર આવી તે સાચું.
મહાત્મા ગાંધીજી હત્યા થઈ ત્યારે જિન્હા ગાંધી સાથેના એમના પેલા ધાર્મિક વિભાજનને યાદ કરવાના હતા. એમના શબ્દો હતા, ‘અમારા રાજનૈતિક મતભેદ ગમે તે હોય, હિન્દુ કોમે ગાંધીના નામે એક મહાન શખ્સીયત પેદા કરી હતી તેમાં કોઈ શક નથી. હું હિન્દુ કોમ અને એમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું.’
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રંગરસ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 01 મે 2016
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5312855-NOR.html
બલરાજ મધોક : ૧૯૨૦-૨૦૧૬ – મધોક સવાયા હિન્દુત્વવાદી હોવા છતાં અને સંઘની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં વધારે બુદ્ધિશાળી હોવા છતાં સંઘને તેઓ માફક નહોતા આવ્યા. જો સહઅસ્તિત્વ માથે મારવામાં આવે તો સંઘીઓ કૉન્ગ્રેસીઓ સાથે જીવી શકે, સામ્યવાદીઓને પણ ખમી શકે; પરંતુ પોતાના જ જાતભાઈ હિન્દુ મહાસભાવાળાઓને અને આર્ય સમાજીઓને ન ખમી શકે. આનું કારણ એ કે જાતભાઈઓ દરેક પ્રસંગે સાચી જાત બતાવવા લલકારતા રહે છે
નવી પેઢીના વાચકોએ કદાચ પ્રોફેસર બલરાજ મધોકનું નામ પણ નહીં સાંભળ્યું હોય. ક્લોઝ્ડ કૅડરબેઝ્ડ પાર્ટીઓનાં આ લક્ષણો છે. એક વાર કોઈ નેતાને ધકેલી દેવામાં આવે તો એ પછી એ નેતાનો અરણ્યવાસ આજીવન હોય છે. ભારત અને વિશ્વભરમાં સામ્યવાદી પક્ષોમાં આવાં સેંકડો ઉદાહરણ મળી આવશે. ભારતમાં સામ્યવાદી પક્ષની સ્થાપના કરનારાઓમાંના એક શ્રીપાદ અમૃત ડાંગેને પક્ષે બરતરફ કર્યા એ પછી સામ્યવાદીઓ તેમની સાથે એવી રીતે વર્તતા હતા કે જાણે તેઓ આ ધરતી પર હયાતી જ નથી ધરાવતા. જો કે ડાંગે મરાઠી શબ્દ વાપરીએ તો અક્ટપેલુ વ્યક્તિત્વ (બહુમુખી પ્રતિભા) ધરાવતા હતા એટલે અનેક જગ્યાએ તેમની ઉપસ્થિતિ નજરે પડતી હતી, પરંતુ બિરાદર ડાંગેને તો સાવ વિસરી જવાયા હતા.
ભારતીય જનસંઘમાં અને એ પછી BJPમાં ૧૯૭૩થી બલરાજ મધોકની સ્થિતિ આવી જ હતી. બરાબર ૪૩ વરસનો વનવાસ ભોગવીને બલરાજ મધોક ૯૬ વર્ષની ઉંમરે દિલ્હીમાં અવસાન પામ્યા ત્યારે મધોક વિશે જાણનારા લોકોને જાણકારી મળી હશે કે તેઓ હજી હયાત હતા. સામ્યવાદી પક્ષોની જેમ જનસંઘ/BJP પણ ક્લોઝ્ડ કૅડરબેઝ્ડ પાર્ટી છે એટલે ઉપરથી જ્યારે નિર્ણય લેવાય ત્યારે માણસને જીવતેજીવત ભુલાવી દેવામાં આવે છે. છેલ્લાં વર્ષોમાં ખબર નહીં કયા ગુના માટે પણ સુંદર સિંહ ભંડારીની પણ આવી હાલત કરવામાં આવી હતી. સુંદર સિંહ ભંડારીએ પોતે આવો બળાપો કાઢ્યો હતો. અત્યારે BJPના ભૂતપૂવર્ અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ ર્દીઘ અરણ્યવાસ ભોગવી રહ્યા છે. બંગારુ લક્ષ્મણ કરતાં અનેકગણો મોટો ભ્રષ્ટાચાર કરનાર યેદિયુરપ્પાની એક વાર નહીં બે વાર પુન: સ્થાપના કરવામાં આવી છે, પરંતુ બંગારુ લક્ષ્મણની કરવામાં નથી આવતી.
મૂળમાં RSSનો રાજકીય પક્ષ સ્થાપવાનો કોઈ ઇરાદો નહોતો. રાજકીય પક્ષ હિન્દુઓમાં સાવર્ત્રિક માન્યતા અપાવવામાં અવરોધરૂપ નીવડશે એવી તેમની ધારણા હતી અને એ સાચી પણ હતી. પક્ષ હોય તો પક્ષવિરોધી હિન્દુઓ હિન્દુ હોવા છતાં પણ સાથે ન આવે એવું બને. એટલે તો મહાત્મા ગાંધીની હત્યા પહેલાં અનેક કૉન્ગ્રેસીઓ કૉન્ગ્રેસી હોવા છતાં RSS માટે સહાનુભૂતિ ધરાવતા હતા અને મદદ કરતા હતા. બિનરાજકીય ચહેરો ધારણ કરીને રાજકીય પ્રવૃત્તિ કરવામાં જેટલો ફાયદો અને સલામતી છે એટલો ફાયદો પક્ષની સ્થાપના કરવામાં નથી એ સંઘના નેતાઓ જાણતા હતા. સંઘના સ્વયંસેવક રહી ચૂકેલા નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી અને સંઘ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો ત્યારે સંઘના નેતાઓને લાગ્યું હતું કે સંકટની ઘડીએ દિલ્હીમાં સંઘનો અવાજ બને એવા રાજકીય પક્ષની જરૂર છે.
સંઘે ઘણાં વરસો સુધી દૂધ-દહીંમાં પગ રાખવાનો પ્રયાસ કર્યો હતો કે સંઘ સાંસ્કૃિતક સંગઠન છે, જનસંઘ/BJP સાથે એનો સીધો કોઈ સંબંધ નથી વગેરે જેથી BJPનો વિરોધ કરનારા હિન્દુઓનું સમર્થન ગુમાવવું ન પડે. હવે મોહન ભાગવત સરસંઘચાલક બન્યા પછી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી બે મોટાં પરિવર્તનો જોવા મળી રહ્યાં છે. કેન્દ્ર સરકારે દોણી સંતાડ્યા વિના હિન્દુ કોમવાદી એજન્ડા અપનાવી લીધો છે અને સંઘે દોણી સંતાડ્યા વિના BJP સાથેના સીધા સંબંધનો સ્વીકાર કરી લીધો છે. મોહન ભાગવત નરેન્દ્ર મોદી કરતાં પણ વધુ સત્તાકીય વગ ધરાવે છે અને તેમના પુરોગામીઓથી ઊલટું તેઓ એનો આનંદ પણ ભોગવી રહ્યા છે.
જો કે એવો એક સમય હતો જ્યારે સંઘે રાજકીય પક્ષની રચના કરવી પડી હતી અને સંઘ બને ત્યાં સુધી રાજકીય બાબતોમાં મોખરે ન આવવું પડે એનું ધ્યાન રાખતો હતો. સમસ્યા હતી નેતૃત્વની. સંઘ પાસે એવો કોઈ નેતા નહોતો જે રાજકીય પક્ષનું નેતૃત્વ કરી શકે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી ઉંમરમાં અને હેસિયતમાં હજી નાના હતા. તેઓ સંઘ વતી પક્ષમાં પાછળથી દોરીસંચાર કરવા જેટલા સક્ષમ હતા, પરંતુ નેતૃત્વ કરી શકે એટલી તેમની ક્ષમતા નહોતી. ભારતીય જનસંઘના પહેલા બે દાયકા ઉધારના નેતૃત્વના હતા અને એમાં બલરાજ મધોક છેલ્લા હતા. જનસંઘના સ્થાપક-પ્રમુખ શ્યામ પ્રસાદ મુખરજીનું અકાળે અવસાન થયું એ પછી મૌલી ચન્દ્ર શર્મા જેવા સંઘ સાથે સીધો સંબંધ ન હોય એવા માણસોને અધ્યક્ષપદે બેસાડવામાં આવતા હતા. નેતા ગમે તે હોય, સંઘ પાછળથી દોરીસંચાર કરતો હતો. સંઘ સાથે સીધો સંબંધ તો શ્યામ પ્રસાદ મુખરજીનો પણ નહોતો એટલે તેઓ જો લાંબું જીવ્યા હોત તો તેમના હાલ પણ સંભવત: બીજા બહારના ઉધારના નેતાઓના થયા હતા એવા જ થયા હોત.
બલરાજ મધોક સંઘના નેતાઓને પણ ઝાંખા પાડે એવા કટ્ટર હિન્દુત્વવાદી હતા, પરંતુ હતા મૂળમાં આર્ય સમાજી. બલરાજ મધોકનો ૧૯૩૮થી RSS સાથે સંબંધ હતો. સ્વયંસેવક હતા, સક્રિય હતા; પણ તેમના આર્ય સમાજી સંસ્કાર પ્રબળ હતા. સરેરાશ આર્ય સમાજી સ્પષ્ટ વક્તવ્ય માટે અભિમાન ધરાવનારો અને પોતાને બીજા કરતાં અદકેરો માને છે. આ બાજુ સંઘના સંસ્કાર અનેક મોઢે બોલવાના છે અને નીતિ દહીં-દૂધમાં પગ રાખવાની છે. આર્ય સમાજી સ્પષ્ટવક્તા બલરાજ મધોક સવાયા હિન્દુત્વવાદી હોવા છતાં અને સંઘની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં વધારે બુદ્ધિશાળી હોવા છતાં સંઘને તેઓ માફક આવ્યા નહોતા. જો સહઅસ્તિત્વ માથે મારવામાં આવે તો સંઘીઓ કૉન્ગ્રેસીઓ સાથે જીવી શકે, અરે સામ્યવાદીઓને પણ ખમી શકે; પરંતુ પોતાના જ જાતભાઈ હિન્દુ મહાસભાવાળાઓને અને આર્ય સમાજીઓને ન ખમી શકે. આનું કારણ એ છે કે જાતભાઈઓ દરેક પ્રસંગે સાચી જાત બતાવવા લલકારતા રહે છે.
બલરાજ મધોક જનસંઘને સાચો હિન્દુત્વવાદી પક્ષ બનાવવા માગતા હતા, પરંતુ સંઘ માટે જનસંઘ જો તક મળે તો સત્તા માટેની નિસરણી હતો અને નહીં તો સંઘના હિતનું રક્ષણ કરનાર દિલ્હીમાંનો રખોપિયો હતો. બલરાજ મધોક આ વાત ક્યારે ય સમજી શક્યા નહોતા. દરમ્યાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી બૅકસીટ-ડ્રાઇવિંગ કરવાની જગ્યાએ પોતે જ ડ્રાઇવ કરી શકે એટલા તૈયાર થઈ ગયા હતા. આ ચારે ય નેતાઓને સંઘના સંસ્કાર ગળથૂથીમાં મળ્યા હતા અને એ સાથે જનસંઘનું નેતૃત્વ સીધું સંઘ પાસે આવી ગયું હતું.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 મે 2016
http://www.gujaratimidday.com/features/columns/balraj-madhok-wanted-to-create-a-true-hindu-jan-sangh-party-but-for-rss-jan-sangh-just-a-ladder-to-get-power-2