આ અંક (નિ. ૧૬/૧૦) ટપાલ થશે ત્યારે અમદાવાદને આંગણે એક મોટો અવસર ઊઘલી ગયો હશેઃ દરિયાપારના મિત્રોની ઉમંગી પહેલથી હાથ ધરાયેલ દર્શક વ્યાખ્યાનમાળાનું પ્રથમ વાર્ષિક વ્યાખ્યાન આપણા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રાજકીય ચિંતક પ્રો. ભીખુ પારેખ આપી ચૂક્યા હશે. એમણે ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિ’ (‘ડિબેટિંગ ઇન્ડિયા’) એ વિષય ચહીને પસંદ કર્યો છે. જેમ અમર્ત્ય સેનનું ‘આર્ગ્યુમેન્ટેિટવ ઇન્ડિયન’ તેમ ભીખુભાઈનું ‘ડિબેટિંગ ઇન્ડિયા’ તાજેતરનાં વર્ષોનું એક સમયસરનું, સમસામયિક એટલું જ દૂરવર્તી મહત્ત્વ ધરાવતું પ્રકાશન છે. અમર્ત્ય સેન અને ભીખુ પારેખના વિચારો આજના દિવસોમાં સવિશેષ મહત્ત્વના એટલા માટે પણ છે કે સ્વરાજનો સાતમો દાયકો પૂરો થવામાં છે એવે દેશમાં દિલ્હી સ્તરે વિરાજિત પરિબળો એક વૈકલ્પિક વિમર્શની આવડે એવી કોશિશમાં છે. આ કોશિશને, સ્વાતંત્ર્યસંગ્રામ અને પ્રજાસત્તાક સ્વરાજની હજુ હમણે લગીની કોશિશને પણ, જોવામૂલવવાની રીતે, સાતત્ય અને શોધન-રિપીટ, શોધન-ની રીતે જેમ નિકષ તેમ નીરક્ષીરવિવેક સારુ મહત્ત્વનું પાથેય સેન-પારેખ ઊહાપોહમાં પડેલું છે.

નિરીક્ષક ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ દર્શકના ૧૦૩મા જન્મદિવસ(ઑક્ટોબર ૧૫, ૨૦૧૬)નો જોગાનુજોગ આ ઊહ અને અપોહ વાસ્તે નિમિત્ત બને એનો આનંદ જ હોય. લોકભારતીના કૃષિ-સ્નાતકને વિશ્વના વિવિધ વિચારપ્રવાહોનીયે કંઈક ખબર હોય એની કાળજી અધ્યાપક દર્શક લેતા. ઉત્પાદક એ નાગરિક નથી અને નાગરિક એ ઉત્પાદક નથી, આ વિચારજુવારું ભાંગે એ એમની નિસબત હતી. દેશભરના કૃષિગ્રામવિદ્યાના અભ્યાસક્રમોમાં લોકભારતી સ્કૂલની આ પાયાની પહેલ હતી અને છે. દર્શકનાં, એ અંગેનાં વર્ગખંડનાં વ્યાખ્યાનો (કેટલાંક ધ્વનિમુદ્રિત, કેટલાંક કાચી હાથનોંધમાં) રામચંદ્ર પંચોળી અને રવીન્દ્ર પંચોળી દ્વારા સંપાદિત થઈ ‘સોક્રેટિસથી માર્ક્સ’ એ શીર્ષકે ભીખુ પારેખનાં આવકારવચનો સાથે ગુજરાતવગાં થઈ રહ્યાં છે એનો અહીં વિશેષોલ્લેખ કરવો જોઈએ, ખાસ તો હમણાં જે વિમર્શકોશિશનો નિર્દેશ કર્યો તે સંદર્ભમાં.
આ વ્યાખ્યાનોમાંથી પસાર થતાં ભીખુ પારેખને શું લાગ્યું તે એમના જ શબ્દોમાં જોઈએ : “મનુભાઈનું આ પુસ્તક એ માત્ર પાશ્ચાત્ય વિચારોનું ક્રમબદ્ધ સરવૈયું નથી. તેઓ આ વિચારપરંપરાના મહત્ત્વના તબક્કાઓને પિછાણી શક્યા છે અને એનાં આગવાં પાસાં ઉજાગર કરી શક્યા છે. તદુપરાંત, તેઓ પાશ્ચાત્ય વિચારકોને ભારતીય અનુભવો સાથે જોડીને તેમના વિચારોને યોગ્ય ભારતીય દૃષ્ટાંતો આપી નિરૂપે છે. જરૂર પડ્યે ભારતીય વિચારકોને દાખલ કરી, તેમનો પાશ્ચાત્ય વિચારકો સાથે સંવાદ પણ ઊભો કરે છે, જે આ પુસ્તકનું એક અનન્ય પાસું છે. આ પુસ્તકમાં તેઓ પોતાના નાગરિકત્વના વિચારોને વિકસાવે છે અને જાહેર હિત માટે વ્યક્તિગત નાગરિક ધર્મને કેળવવાની ફરજને પણ નિરૂપે છે.” લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ઓપિનિયન પુરસ્કૃત દર્શક વ્યાખ્યાનમાળાના શ્રીગણેશ સાથે ‘સોક્રેટિસથી માર્ક્સ’ એ પુસ્તકનું દર્શક ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થવું, તે પણ અતીત-સામ્પ્રત-અનાગતના સંદર્ભમાં ગુજરાતછેડેથી ભારત સમસ્ત જોગ એક અચ્છું અર્પણ લેખાશે. કાશ, તે હિંદી-અંગ્રેજીમાં પણ ઉતરે!
આ અંકમાં ફાર્બસ ત્રૈમાસિકમાંથી ભીખુભાઈનું એક વિશેષ વ્યાખ્યાન ઉતાર્યું છે. એમાંથી પસાર થતાં વાચક જોશે કે ડેમોફિલિયા, પેટ્રિયટિઝમ, નેશનલિઝમ વિશે એક સુરેખ અભિગમનાં સંકેતો પડેલા છે. આપણે ત્યાં મે ૨૦૧૪ના પલટા સાથે જે.એન.યુ., કાશ્મીર, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી અને હવે ઉરી ઘટના નિમિત્તે ‘રાષ્ટ્રવાદ’ની વ્યાખ્યા અને સમજ અંગે જે મુદ્દા આગળ આવ્યા છે તે તપાસવા સારુ આ અભિગમ ઉપયોગી થઈ પડે એમ છે.
બંગભારતીય સાહિત્યમાં બંકિમથી રવીન્દ્રની અને ગુર્જરભારતીય સાહિત્યમાં મુનશીથી ઉમાશંકર-દર્શક ભણીની જે ગતિ છે એના મેળમાં ભીખુ પારેખનો ‘ડેમોફિલિયા’ પરનો, આ મારા માણસો છે કે પ્રજાપ્રેમનો, ઝોક ઠીક બેસતો આવે છે. નાગરિક ધર્મની (અને એને અનુષંગે રાજધર્મની) દર્શકની મીમાંસા એ રીતે જોવાસમજવા જેવી છે.
પેટ્રિયટિઝમ – નેશનલિઝમના સેળભેળ શોર વચાળે આજના લોકશાહી સંદર્ભમાં સોક્રેટિસનું બચાવનામું જોવા જેવું છે. ભીખુભાઈએ ચોક્કસ સંદર્ભમાં એનો ઉલ્લેખ પણ કર્યો જ છે. પણ અહીં ‘સોક્રેટિસ’ એ દર્શકકૃત નવલકથાનું સ્મરણ થઈ આવે છે. પોતે ગૃહમાં હતા અને ધારાસભ્યોની હરાજી જોઈ એના આંચકાથી દર્શકે લખેલી આ નવલકથા છે. એથેન્સની અન્યથા નમૂનેદાર લોકશાહીએ સોક્રેટિસનો ભોગ લીધો એની આખી દાસ્તાંમાં નહીં જતાં અહીં સારરૂપે બે વાનાંની જ જિકર કરીશું. લોકશાહીને ભયરૂપ જે બે તત્ત્વો કે પરિબળો એમાં જોવા મળે છે તે ‘ડેમેગોગી’ અને ‘સોફિસ્ટ્રી’નાં છે. સ્વસ્થ, સમ્યક્, નિરામય મતઘડતરની પ્રક્રિયા બરાડાબહાદુરો અને ભળતીસળતી દલીલના ધંધાદારીઓ હસ્તક બલાત્કૃત ને અપહૃત શી બની રહે છે. આપણો જાહેર વિમર્શ આવા કોઈ કળણમાં ન ખૂંપે તે જોવાપણું છે.
તેથી સ્તો, દર્શક વ્યાખ્યાન સારુ, ‘ડિબેટિંગ ઇન્ડિયા’ તરેહના ઊહ અને અપોહની પસંદગી, અને ‘નિરીક્ષક’ના તંત્રીસ્થાનેથી આ થોડીક નુક્તેચીની.
ઑક્ટોબર ૧૩, ૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 01-02
![]()


સિતાંશુભાઈ, અમિત ધોળકિયા, અત્રે ઉપસ્થિત થયેલાં સજ્જનો અને સન્નારીઓ, હું મારું વક્તવ્ય, જો કે વક્તવ્ય શબ્દ જરા વધારે પડતો મોટો થઈ ગયો, શરૂ કરું એ પહેલાં બે કારણસર માફી માગી લેવી જરૂરી છે. પહેલું તો એ કે સિતાંશુએ જેમ કહ્યું તેમ ગુજરાતીમાં બોલવાની ટેવ મેં ઘણાં વર્ષોથી છોડી છે. છેલ્લું ગુજરાતીમાં મેં પ્રવચન આપ્યું’તું એક સિરિયસ વિષય ઉપર, ૧૯૮૩માં. કાર્લ માર્ક્સની શતાબ્દી હતી. મારું માર્ક્સ વિશેનું પુસ્તક, ‘માર્ક્સિઝ થિયરી ઑફ આઇડિયોલૉજી’ તે જ વખતે પ્રસિદ્ધ થયું હતું. અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં શામલાલે એનો સેન્ટર પેઇજ ઉપર મોટો અને સુંદર રિવ્યૂ કર્યો અને કહ્યું હતું કે માર્ક્સ ઉપર ઘણાં પુસ્તકો લખાયાં છે પણ અત્યાર સુધી distinctively Indian perspective મળ્યો નથી. ફ્રૅન્ચ પર્સ્પેક્ટિવ આલ્થુઝરે આપ્યો છે, ચાઇનીઝ પર્સ્પેક્ટિવ માઓ ત્સે તુન્ગે આપ્યો છે, પણ ઇન્ડિયન પર્સ્પેક્ટિવ નથી. જ્યારે આ ચોપડીમાં ઇન્ડિયન પર્સ્પેક્ટિવ દેખાય છે, એમ શામલાલે લખ્યું. મને આશ્ચર્ય થયું કે આટલાં બધાં વર્ષો વિદેશમાં રહ્યા પછી ઇન્ડિયન પર્સ્પેક્ટિવ ક્યાં રહ્યો ? અને કોક-કોક વાર એમણે એમ પણ કહ્યું’તું કે ‘બ્રાહ્મેનિકલ ઍન્ગલ’ છે. ત્યારે મને થયું કે મારા જેવો સોનીનો દીકરો ‘બ્રાહ્મેનિકલ ઍન્ગલ’ ક્યાંથી લાવ્યો ? છતાં ય, એ ઉમાશંકરભાઈએ વાંચ્યું’તું ને ખૂબ ખુશ થયા. મને ચોપડી આપો મારે વાંચવી છે. આપી. ઘણી ગમી એમને. પછી મને કહ્યું એ આ માર્ક્સવાદ અને સૌંદર્યશાસ્ત્ર ઉપર તમે લેક્ચર આપો. ને એક શરતે કે ગુજરાતીમાં બોલવું પડશે. મેં એમને કહ્યું કે એક શરતની સામે મારી બીજી સામી શરત એ છે કે અડધું અંગ્રેજી, અડધું ગુજરાતી – compromise કરીએ! તૈયાર થયા. ત્યારથી સિતાંશુએ મને કહ્યું કે એક દિવસ તમારી પાસે સંપૂર્ણ ગુજરાતીમાં બોલાવીશ. મને ડર હતો કે કદાચ જો સિતાંશુ સત્યાગ્રહ કરે તો મારી પાસે એનો પ્રત્યુત્તર નથી. એટલે મેં હા પાડી. અને ત્રીસ વર્ષ પછી પહેલી વાર આ રીતે ગુજરાતીમાં એક ઊંડા વિષય ઉપર કે જે ખૂબ ચિંતન માગી લે છે, એ વિષય ઉપર ગુજરાતીમાં બોલી રહ્યો છું. જ્યારે મારી આખી વૈચારિક ભૂમિકા જે છે conceptual framework જે આ વિષય ઉપર ઍપ્લાય કરીશ એ આખું અંગ્રેજીમાં ઘડાયેલું છે. કોક-કોક વાર જો કંઈક લાગે કે આ માણસ કંઈક વિચિત્ર બોલે છે, તો ભાષાનો વાંક છે. મારો વાંક નથી.
પહેલો સવાલ જે હું ઝડપમાં બાજુએ મૂકી દઈશ, કારણ કે બાકીના બે સવાલો મારે માટે વધારે મહત્ત્વના છે. આપણે ઘણી વાર કહીએ છીએ, ગાંધીનું ગુજરાત – આ વાક્ય મને ખૂબ મૂંઝવે છે. ગુજરાતને ગાંધીનો કેદી બનાવી દેવામાં આવે છે. ગાંધીનું ગુજરાત એટલે જો હિંસા થઈ હોય કોમી તો કહે કે ગાંધીના ગુજરાતમાં તો આવું ન થાય! અરે ભાઈ, ગાંધીનો ઇજારો છે, ગુજરાત પર? ગાંધીના ગુજરાતમાં નશાબંધી તો હોવી જ જોઈએ? શું કામ ? ગુજરાતમાં હોવી જોઈએ એ જુદી વસ્તુ છે. પણ ગાંધીના ગુજરાતમાં? એટલે એમ કહેવાથી ‘ગાંધી’, ગુજરાતને મુક્ત કરવાને બદલે ‘ગુજરાત’નું બંધન થઈ પડે. એટલે ‘ગાંધીનું ગુજરાત’એ વાક્યનું વિશ્લેષણ, અંગ્રેજીમાં કહીએ તો એનું deconstruction શું ? એનો અર્થ શું ? અને એનો અને એની સાથે આવતો સવાલ : ગુજરાતમાં ગાંધીપણું, ગાંધીમાં ગુજરાતીપણું કેટલું હતું ? આજ સુધીમાં મારી નજરે એના આ બે વિષયો ઉપર એક પણ લેખ લખાયો નથી, એનું શું કારણ ? એ તો સાહિત્યકાર જ જવાબ આપશે. પણ એ અંગે મારે સહેજ અંગુલિનિર્દેશ કરવો છે. ગાંધીમાં એવું શું દેખાય છે કે આપણે કહીએ કે આ તો ગુજરાતી વાણિયા છે અથવા તો આ ગુજરાતની જ પેદાશ હોઈ શકે. મારું એવું માનવું છે કે ગાંધીજીની અંદર ગુજરાતીની અસર હોવાની જ. જીવનનાં પહેલાં સત્તર વર્ષ એમણે ગુજરાતમાં ગાળ્યાં, રાજકોટ અને પોરબંદરની વચ્ચે. એને લઈને ગુજરાતની સંસ્કૃિત જે હોય, ગુજરાતની સમાજપદ્ધતિ, વર્ણવ્યવસ્થા, ગુજરાતની ધાર્મિકતા, ખાસ કરીને એમની માતાનો પ્રણામી સંપ્રદાય કે જેમાં આપણા હિંદુઓનો ધર્મ અને મુસલમાનોનો ધર્મ, બંનેને સરખી રીતે સ્વીકારવામાં આવે છે, એણે એમના પર ઊંડી અસર કરેલી. એટલે આ ગુજરાત એ એમની સાથે જોડાય છે પાયા રૂપે. પણ એમના ઘડતરમાં આનો ફાળો બહુ મર્યાદિત છે. ઇંગ્લૅન્ડ જાય છે ત્યારે કંઈક અંશે ઇંગ્લૅન્ડ, લંડનનો. કંઈક વધારે અંશે દક્ષિણ આફ્રિકાનો કે જ્યાં એમણે એકવીસ વર્ષ ગાળ્યાં. જેટલાં સૌરાષ્ટ્રમાં ગાળ્યાં હતાં, પછી એના કરતાં વધારે તેમણે દક્ષિણ આફ્રિકામાં ગાળ્યાં. લંડનમાં જ્યારે જાય છે, ત્યારે ત્યાં મૅડમ બ્લેવેેટ્સ્કીની થિયોસૉફીની મોટી મૂવમેન્ટ ચાલતી હતી. ત્યાં ગાંધીને અવારનવાર પૂછવામાં આવતું કે આ મોક્ષ એટલે શું ? તમારો ધર્મ શું કહે છે? આટલા બધા ઈશ્વર તમારી પાસે ? એમની પાસે કોઈ જાતનો જવાબ ન હતો. અને એમણે એમની આત્મકથામાં લખ્યું છે કે હિંદુધર્મ વિશે સામાન્ય માણસ, સામાન્ય હિંદુ જે થોડું ઘણું બા-બાપુજી પાસેથી મેળવતો હોય છે, એ સિવાય મારી પાસે બીજું કંઈ હતું નહીં. ત્રિમૂર્તિ એટલે શું છે? ક્રિશ્ચિયનોની trinity છે. God the Father, God the Son, God the Holy Spirit. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પ્રકારના છે કે બીજું કંઈક છે ? શું છે ? કંઈ કરતાં કંઈ ખ્યાલ નહીં. પહેલી જ વાર ત્યાં Edwin Arnold-નો The Light of Asia, જે ‘ગીતા’નો અંગ્રેજીમાં અનુવાદ છે (અને ગાંધીજીએ છેલ્લે સુધી કહ્યુું હતું કે ‘ગીતા’નો અંગ્રેજીમાં કોઈએ સારામાં સારો અનુવાદ કર્યો હોય તો આ) – એ અનુવાદ વાંચે છે. પોતાના ધર્મ વિશે પહેલી વાર અભિમાન અને સદ્ભાવ જાગે છે. એમણે લંડનમાં એમ પણ કહ્યું છે કે લંડનના શરૂઆતના મહિનામાં તો મેં મારો ધર્મ ગુમાવ્યો. મારો ઈશ્વર ગુમાવ્યો. વિશ્વાસ જ નહોતો બેસતો અને ખાસ કરીને હિંદુ તરીકે મારી જે મજાક ઉડાવવામાં આવતી’તી, ટીકાઓ થતી’તી ત્યારે મને થયું કે આ ધર્મમાં હું ક્યાંથી જન્મ્યો? – તેને બદલે એમાંથી ધીરે ધીરે બહાર નીકળે છે. અને પોતે હિંદુ છે તેનું અભિમાન કોને લઈને? પેલા બહારના માણસો કહે છે એટલે. બહારના માણસો એમની પાસે જે વંચાવે છે. તે વાંચીને અભિમાન આવે છે. પણ એ જ ગાળામાં, જ્યારે પોતાનો ધર્મ એ શોધે છે તે જ વખતે ખ્રિસ્તી ધર્મની પણ અસર થતી જાય છે. અને ગાંધીજીના જીવનમાં હિંદુ ધર્મ અને ખ્રિસ્તીની નજરે જુએ છે અને ખ્રિસ્તી ધર્મને હિંદુની નજરે જુએ છે. એટલી હદ સુધી કે છેલ્લે સુધી કોઈ કહી શકતું નથી કે આ માણસ સાચા અર્થમાં હિંદુ છે કે ખ્રિસ્તી હિંદુ છે. તમને ખ્યાલ હશે ૧૯૩૬માં શંકરાચાર્યે મોટી ચળવળ શરૂ કરી હતી. બ્રિટિશ ગવર્નમેન્ટની સામે દોઢ લાખ માણસોની અરજી રજૂ કરી હતી કે ગાંધીજીને નોન હિંદુ તરીકે જાહેર કરો. ગાંધી સાઉથ આફ્રિકા જાય છે ત્યારે, ત્યાં જે નહોતી એ રાજકીય શક્તિ એમનામાં આવે છે. રંગભેદ અનુભવ એમને થાય છે. લડવું જરૂરી છે. સત્યાગ્રહની શોધ થાય છે. અને આ બધી સામગ્રી લંડન, સાઉથ આફ્રિકાથી લઈને આવી આ માણસ ભારતમાં ફરતો ફરતો, ભારતમાંથી ઊભો થાય છે. દુનિયાને શોધે છે. અને એ દુનિયામાંથી શોધેલું લઈને હિન્દુસ્તાનમાં આવે છે અને ત્યાર પછી ગાંધી કદી હિન્દુસ્તાન છોડતા નથી. સિવાય ‘રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’ માટે એક વાર; અને તમે જે ટાગોરનો ઉલ્લેખ કર્યો એ તો સમજવા જેવો છે કે આપણા દેશના નેતાઓમાં મને કોઈ પણ એવો નેતા મારા ધ્યાનમાં નથી કે દુનિયાની જેણે આટલી બધી મુસાફરી કરી હોય. દર વર્ષે ક્યાંક ને ક્યાંક ટાગોર વિદેશ જતા. ગાંધીજી ક્યાં ય નહીં. આજ મારી કર્મભૂમિ છે. અહીંયા જ મારે રહેવાનું છે. ખૂબ આગ્રહ કર્યો ત્યારે ૧૯૩૧ની અંદર એ ‘રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’માં લંડન ગયા. બાકી આઈન્સ્ટાઇનનું આમંત્રણ આવ્યું. જે વિશે મેં લખ્યું છે. આઇન્સ્ટાઈનના Archivesમાં એમની અને ગાંધીજી વચ્ચેનો સુંદર કોરસ્પોન્ડન્સ છે. ‘તમે આવો અહીંયાં’ – તો ગાંધીજી કહે છે કે ‘હું તો મારો દેશ છોડતો નથી, કારણ કે મારા જીવનની એકેક સેકન્ડ હું મારા દેશને ગિરવે આપી ચૂક્યો છું. પણ તમે આવશો તો આનંદ થશે : એ શરતે કે મારા આશ્રમમાં આપણે જામીન ઉપર સુઈશું.’ માણસ દેશ છોડતો જ નથી. જે જોવાનું તે જોઈ લીધું છે.