courtesy : "The Indian Express", 03 April 2017
courtesy : "The Indian Express", 03 April 2017
બીજલી અને તેનો વર રોજ બાજુના ગામડેથી અહીં શાક, ફળ વેચવા આવતાં. બન્ને મહેનતુ હતાં. યુવાન હતાં. પોતાની મીઠી બોલીથી ઘરાકને પ્રસન્ન કરતાં તેમને આવડતું હતું. તેમનો ભાવ હમ્મેશાં વ્યાજબી રહેતો. પતિ–પત્ની ક્યારે ય કોઈને છેતરતાં નહીં. સતત હસતાં રહેતાં આ દમ્પતીના આમ તો લગભગ બધા બાંધેલા, નિયમિત ઘરાક હતા. બધો માલ ખાલી કરીને જ રોજ જતાં. સાંજે સાત વાગે તેમની છેલ્લી બસ આવતી. પતિ–પત્ની હાથમાં આવેલા પૈસા ગણતાં, બસમાં રવાના થઈ જતાં. છેલ્લા એક વરસથી તેઓ અહીં શાક વેચવા આવતાં. તેમનાં જેવાં બીજાં પણ કેટલાયે શાકવાળા અહીં આવતાં. તેમને ક્યારેક વધેલું શાક પાછું લઈ જવું પડતું. પણ બીજલીને તો બધું શાક ખાલી થઈ જ ગયું હોય ! કદાચ તેમની મીઠી જીભ, તેમની સરળતા અને કોઈને ન છેતરવાની તેમની વૃત્તિ આ માટે કારણભૂત હતી.
આજે બીજલીના વરને શરીરે થોડું અસુખ જેવું હતું. તેથી બીજલી એકલી જ શાક લઈને આવી હતી. શાક વેચીને જાય ત્યારે તેમનો ચૂલો પેટતો. એટલે બીજલીને અનિચ્છાએ પણ પતિને મૂકીને આવવું પડ્યું. આજે બીજલીનો જીવ સ્વાભાવિક રીતે જ ઉતાવળમાં હતો. આજે બને તો શાક જલદી વેચી તેને વહેલાસર ઘર ભેગા થઈ જવું હતું. પણ સાથે સાથે શાક પડ્યું રહે એ પણ પોષાય તેમ નહોતું ! અને મોટા ભાગના ઘરાકો સાંજે તડકો નમે પછી જ આવતા. એટલે બહુ વહેલું પહોંચવાની કોઈ શક્યતા નહોતી.
થોડા ભાવ ઓછા કરીનેયે તેણે જલદી જલદી શાક ખાલી કરવા માંડ્યું. મોટા ભાગનું શાક તો ખાલી થઈ ગયું. માત્ર થોડાં બોર ઘરાકની રાહ જોતાં હતાં. તેની બસનો સમય પણ થવા આવ્યો હતો. આજે બોર પાછાં લઈ જવાં પડશે કે શું ? બીજલી હવે ક્યારની ઊંચીનીચી થતી હતી. તેનું મન તો ઘરે પહોંચી ગયું હતું. પણ બોર વેચાઈ જાય તો પાછાં ન લઈ જવાં પડે .. વળી, આજે તો પતિ માટે દવા પણ લઈ જવાની હતી. એટલે તે થોડી લાલચમાં પણ હતી. તેણે આશા રાખી બે પાંચ મિનિટ વધુ રાહ જોવાનું નક્કી કર્યું.
ત્યાં જ એક ગાડી પાસે આવી ને ઊભી રહી. એક શેઠાણી તેમાંથી ઉતર્યાં. બીજલીને હાશ થઈ ! હવે બોર વેચાઈ જશે. શેઠાણીએ પાસે આવી બોર હાથમાં લીધાં. બોર સરસ મજેનાં તાજાં જ હતાં. પણ ભાવ ઓછા કરાવવાના ઈરાદાથી બોલી ઊઠ્યાં, ‘કેવા છે? તાજાં નથી લાગતાં!’
બીજલી કહે, ‘ના, ના, એકદમ તાજાં અને મીઠાં છે. લો, ચાખો.’ કહી એક મોટું સરસ મજાનું બોર આપ્યું. શેઠાણીએ ઊભાં ઊભાં મોટું બોર નિરાંતે ખાધું.
પછી કહે, ‘આ તો તું શોધીને આપે. એ તો સારું જ હોય ને ! એમ ખબર ન પડે’, કહી બીજાં ત્રણ–ચાર બોર જાતે લઈ ઊભાં ઊભાં ખાધાં.
બીજલી અકળાતી હતી. બોર લેવા આવ્યાં છે કે મફત ખાવા? પણ આજે પોતાને બોર વેચવાની ગરજ હતી તેથી કંઈ બોલી નહીં. ત્યાં શેઠાણીએ ભાવ પૂછ્યો. ભાવ સાંભળીને કહે, ‘ના રે, વીસ રૂપિયે કિલો તે હોતાં હશે? બોલ, દસમાં દેવાં છે?’
બીજલી આમ પણ ગુસ્સે થઈ હતી. કદાચ જવાની ગરજને લીધે આપી પણ દેત. પણ શેઠાણીની વૃત્તિ જોઈ તેને ગુસ્સો આવ્યો હતો. તેથી બોર આપવાનું મન ન થયું. તેણે સાફ ના પાડી દીધી. ભલે, પાછાં લઈ જવાં પડે. આને તો નથી જ આપવાં.
શેઠાણીને ખબર હતી કે આ લોકોને ગામડે પાછા જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે નહીં આપે તો જશે ક્યાં? રાહ જોઈ જોઈને પાંચ–સાત મિનિટ જોશે. એટલે ધીરજ ધરીને શેઠાણી દલીલો કરતાં રહ્યાં.
ત્યાં સાઈકલ પર એક કાકા આવ્યા. અને ધીમેથી પૂછ્યું, ‘બહેન, કેમ આપ્યાં આ બોર? બીજલીએ કાકા સામે જોયું અને બોલી, ‘કાકા, લઈ જાઓ. તમને ઠીક લાગે તે આલજો.’
કાકાએ કંઈ બોલ્યા સિવાય બધાં બોર લીધાં અને પૂછ્યું, ‘પંદર રૂપિયા ચાલશે ?‘
બીજલી મીઠું હસીને કહે, ‘કાકા, દસ આપત તોયે ચાલત.’ અને બીજલીએ પ્રેમથી કાકાના હાથમાં બોરની કોથળી મૂકી.
પેલા શેઠાણી જરા ધૂંધવાઈને તરત બોલ્યાં, ‘હું ક્યારની કે’તી ’તી તો મને કેમ ન આપ્યાં?’
બીજલી શાન્તિથી બોલી, ‘એ તમને નહીં સમજાય.’
“સન્ડે ઇ મેહફીલ”માંથી સાભાર, [લેખકની પરવાનગી સાથે]
ઓવેસી જેનું નામ, એમના રાજકારણ સાથે સમ્મત થવાનો સવાલ તો અલબત્ત ન જ હોય. પણ હમણાં ભાજપની ચૂંટણીફતેહને અંગે, નવયુગી કમ્પ્યૂટરી ભાષામાં એમણે જે સૂત્રાત્મક ટિપ્પણી કરી એ સંભારવા જોગ છે. સાગરિકા ઘોષે નોંધ્યું છે કે ઓવેસીના શબ્દોમાં કહીએ તો ડેવલપમેન્ટ (વિકાસ) એ યુઝર નેમ અને હિંદુત્વ એ પાસવર્ડ સાથે તમે કામ પાડ્યું એટલે વ્યાપક જનાદેશ જોડે લૉગ ઑન થઈ ગયા સમજો ! અરુણ શૌરિનું ‘કૉંગ્રેસ વત્તા ગાય’ એ નિરીક્ષણ ટાંકવાનું આ પૂર્વે બનતું રહ્યું છે, પણ એ ટિપ્પણી શાસન શૈલી વિશે વિશેષરૂપે હતી. ઓવેસીનું અવલોકન ચૂંટણી ફતેહના વિશેષ સંદર્ભમાં છે.
ઉપાડમાં જ આ વાત ઉખેળવાનું તત્કાળનિમિત્ત ભાજપ શ્રેષ્ઠીઓએ જે સિફ્ત અને સલુકાઈથી છેલ્લી ઘડીએ યોગી આદિત્યનાથને લખનૌની ગાદીએ બેસાડ્યા એ છે. નરેન્દ્ર મોદી, સળંગ વિકાસમંત્રની તરજ પર બોલતા રહ્યા છે. વચમાં સ્મશાન વિ. કબ્રિસ્તાન જેવું કાંક ઉછાળે તો પણ અગ્રતાક્રમે એમણે વિકાસવેશ ધારણ કરેલો છે. ઉત્તર પ્રદેશમાં એમણે એકદમ જ યોગીને આગળ કર્યા એ બીના આ રીતે જોતાં દેખીતા અપવાદરૂપ છે. સમુદાર ધોરણે ટીકા કરીએ તો આ કિસ્સો નમો-અમિતને પક્ષે મજબૂરીનો હશે એવું પણ કહી તો શકીએ. ઉલટ પક્ષે, મોદીચાહકો પૈકી કેટલાક જુઓ એમણે યોગીને આગળ કરીને રામ મંદિર બાબતે જવાબદારીનો ગાળિયો કેવો કાઢી નાખ્યો તેમ પણ કહેતા માલૂમ પડે છે. મંદિર બને તો યશ નમોને અને ન બને તો અપયશ યોગીને, એવું આ એક ધૂર્તચતુર નહીં તો પણ મુત્સદ્દીભર્યું પગલું છે એમ આ સ્કૂલ કહેશે. ગમે તેમ પણ, એટલું ચોક્કસ કે યોગી આદિત્યનાથનું લખનૌ આરોહણ કંઈક અણધાર્યું તો છે.
ભાજપ પ્રત્યે સમુદાર નહીં તો પણ કંઈક સહાનુભૂતિથી જોનારાઓએ વીતેલા દાયકાઓમાં લાડથી પાળેલું એક જોડકું અહીં સાંભરે છે. વાજપેયી એટલે લિબરલ અને અડવાણી એટલે હાર્ડલાઈનર. નહીં કે આ અવલોકન પરબારું ખોટું હતું. પણ જરી સબૂરીથી જોઈએ તો એમાં એક કાર્યસાધક ગોઠવણ પણ હતી. બધા પ્રકારના લોકોને સાચવીને વ્યાપ વધારવાનો એક વ્યૂહ પણ એ હતો સ્તો. લિબરલ વાજયેપીને હાર્ડલાઈનર ડિપોટી અડવાણી વિના નહોતું ચાલતું, અને અડવાણીને વાજપેયી વિના. એકબીજા અંગે એકંદરે મત્સર વિનાની જોડલી તરીકે એમને જોઈ શકીએ અને રાજી પણ થઈએ. પરંતુ, હતી તો એ ગોઠવણ. જો આ રીતે જોઈએ તો દિલ્હીમાં મોદી અને લખનૌમાં યોગી એવું કથિત સ્વયંસ્ફૂર્ત સૂત્ર અને એમાં રહેલી વ્યૂહાત્મકતા તરત સામે આવશે.
રવિશંકર પ્રસાદ અને વેંકય્યા નાયડુ આ પરિણામો સાથે પડમાં પધાર્યા ત્યારે એમણે કહ્યું હતું કે દેશના ગરીબો મોદીમાં મસીહા જુએ છે અને પ્રજાએ જે પણ મત આપ્યો છે તે વિકાસની એમની ભૂમિકાને આપ્યો છે. જો આ જનાદેશ ભાજપના સત્તાવાર દાવા પ્રમાણે વિકાસ (અને ‘ગરીબી હટાવો’) સારુ હોય તો યોગી આદિત્યનાથની લાંબી સંસદીય કારકિર્દી તે માટેની કોઈ જમીની કારવાઈ માટે જાણીતી નથી. લવ જેહાદ સહિતના ભળતાસળતા મુદ્દે આપણે ત્યાં જે બાબુ બજરંગી મંડળી સુકીર્તિત છે એ ધોરણે મઠાધીશ જરીક વધુ જ સુપ્રતિષ્ઠ હોય તો હોય. એમના મઠમાં મુસ્લિમો સુખે કામ કરે છે વગેરે વાનાં હમણે હમણે આગળ ધરાઈ રહ્યાં છે, પણ આદિત્યનાથના રાજકારણની ઓળખ વિકાસવેશના નવપ્રાપ્ત શોરઉજવણાં વચ્ચે મુખ્યત્વે હિંદુત્વ હાર્ડલાઈનર તરીકે હતી અને છે.
સંઘ શ્રેષ્ઠીઓએ કે બીજા જે પણ નિર્ણાયક તત્ત્વોએ આદિત્યનાથને આગળ કર્યા હોય એમની પસંદગી પાછળની ગણતરી અને માનસિકતા હિંદુત્વ ચહેરા માટેની હોય એ સમજી શકાય એમ છે. તે સાથે સમજવાનું એ પણ છે કે મે ૨૦૧૪ના જનાદેશથી માંડીને હમણાંના જનાદેશમાં ભાજપી ફતેહનું રહસ્ય હિંદુત્વ મતો અકબંધ રાખી તેની ઉપર વિકાસ તરેહના મતોનો મજલો ખડો કરવામાં છે. એટલે ભાજપ હાડે કરીને પલટાયેલો નવયુગી પક્ષ નથી. એ ‘હિંદુત્વ વત્તા’ના ગણિત – અને સવિશેષ તો વ્યૂહથી – ચાલતું જંતરડું છે. એટલે યોગી લખનૌનશીન બને એ કદાચ દુર્નિવાર પણ હોઈ શકે.
તાજેતરનાં વરસોમાં જેઓ ભાજપના ચાહક તરીકે ઉભર્યા છે એ સાધારણપણે વાજપેયીની લિબરલ છાપથી અને પછી નમોના વિકાસવેશ વત્તા નિર્ણાયક હોઈ શકતા નેતૃત્વથી ખેંચાયેલા છે. લખનૌ ઘટના સાથે આ સૌ સ્વાભાવિક જ એક કસોટી કે કટોકટીની સ્થિતિમાં મુકાયા છે. નમો તો બરોબર છે, પણ આ યોગીનું થયું એ બરાબર નથી એવી ભદ્ર નુક્તેચીની સાથે તેઓ આ કસોટી/ કટોકટીથી કિનારો કરવા ઇચ્છે તો નવાઈ ન થવી જોઈએ. નમોને સાચવી લેવા અને યોગીની ટીકા કરવી, એ જો એક અર્થમાં તટસ્થ ભૂમિકાની દ્યોતક વાત છે તો બીજે છેડેથી જોતાં એમાં ખાસી માસૂમિયત રહેલી છે. અને જો તે કોઠે પડી ગયેલ હોય તો આપણે એને સરળધૂર્ત પણ કહી શકીએ.
મોદીના નવચાહકોને આ ટિપ્પણી ન ગમે તે સમજી શકાય એમ છે. માત્ર, પેકેજ અને પેકેજિંગની જે તરાહ ને તાસીર ભાજપે છેલ્લાં વરસોમાં ઉપસાવી છે એનો નજીકથી અભ્યાસ કરતાં આ ટિપ્પણીનું મહત્ત્વ સમજાઈ રહેશે. જસ્ટિસ વર્માએ હિંદુત્વ એ એક જીવનપ્રણાલિ (વે ઑફ લાઇફ) છે એવી ટિપ્પણી એમના એક ચુકાદામાં કરી હતી જે ટાંકતાં અડવાણી થાકતા નહોતા. આ જ જસ્ટિસ વર્મા, પછીથી, માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે ૨૦૦૨માં ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે ‘હિંદુત્વ ઈન ઍક્શન’ના સાક્ષાત્કાર પછી એમને પોતાની જીવનપ્રણાલિ ટિપ્પણી (અને એના રાજકીય દુરુપયોગ) વિશે ખાસો અફસોસ થયો હતો એ સૌ જાણે છે. મુદ્દે, હિંદુધર્મ એક વાત છે અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા તે બીજી વાત છે એ પાયાનો મુદ્દો નહીં પકડાયાથી ગરબડગોથાં અને વિચારવ્યામોહને ખાસો અવકાશ રહે છે. આ જ વ્યામોહ, પછીથી, યોગી નહીં ને મોદી સહી એવા અભિગમમાં પોતાનો મોક્ષ લહે છે. ભાઈ, પેકેજ અને પેકેજિંગની લીલાની આરપાર જરી તો જોતા શીખો!
કૉંગ્રેસથી માંડીને જનતાદળ (યુ) અને આપ સહિતના પક્ષો વિશે ચર્ચાને અને ટીકાટિપ્પણને અવશ્ય અવકાશ છે. ખાસ કરીને સ્વરાજ વડી પાર્ટી તરીકે કૉંગ્રેસ બેહદ ઊણી ઊતરી છે એ સાફ છે. બિહારનો બિનભાજપવાદ કારગત રહ્યા છતાં એની પરંપરાગત તાસીર સાફ છે. આપ સામે સૌથી મોટી બોલતી ટીકા કોઈ હોય તો તે યોગેન્દ્ર યાદવ – પ્રશાન્ત ભૂષણનું સ્વરાજ અભિયાનરૂપે અલગ ઉભરવું છે તે પણ સાફ છે. પણ આવનારાં વર્ષોમાં દેશ સમક્ષ વૈકલ્પિક વિમર્શદાવાની રીતે જોતાં ભાજપનો કેસ સવિશેષ હોઈ યોગી ઘટના નિમિત્તે આટલી સખોલ ટિપ્પણી કરવી જરૂરી લાગે છે.
ભાજપે જે બધા વૈકલ્પિક વિચારમુદ્દાઓ ઉછાળ્યા અગર આગળ કર્યા છે તે વિચારણીય હશે એના કરતાં તપાસલાયક વધુ છે. આ સૌ કથિત વિચારમુદ્દાઓ પણ કોઈ ઊંડી સમજ અને સઘન અભ્યાસ કરતાં વધુ તો પેકેજ અને પેકેજિંગનો મામલો છે. તે સાથે, વ્યૂહરચનાની રીતે ‘બીજા’ને રાષ્ટ્રને નામે ધ્વસ્તપરાસ્ત કરવાનું ને લોકમતને મૂર્છિત અગર ઉચ્ચાલિત કરવાનું એનું સતત લક્ષણ રહ્યું છે.
અહીં પૂર્વે લખવાનું બન્યું જ હતું કે માર્ચ ૨૦૧૭માં ભાજપ જીતો કે ન જીતો, સંગઠિત રાષ્ટ્રવ્યાપી વિકલ્પના અભાવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એની ફતેહ હોવાની છે એવું સાર્વત્રિક અવલોકન છે. પણ યોગી ઘટના (અને એવાં બીજાં નિમિત્તો) આસપાસ ઊહાપોહ જારી રહે તે જરૂરી છે; કેમ કે તો અને તેથી જ નાગરિકની વિકલ્પખોજને રાજપથ-જનપથ બાબતે સુધબુધ રહેશે.
માર્ચ ૨૯, ૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 01-02