courtesy : "The Hindu", 30 May 2017
courtesy : "The Hindu", 30 May 2017
ધાર્મિક સ્વતંત્રતામાં પોતાના ધર્મને બગાડવાની કે તેને ચૂપચાપ બગડવા દેવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે ?
ત્રણ વાર ‘તલાક’ અને મુસ્લિમ સમાજ વિશે લખવામાં અતિસરળીકરણ થઈ જવાની સંભાવના ઘણી રહે છે. સૌ પ્રથમ તો, આ રીતે તલાક આપવા તે ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે કે નહીં, એ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનવણી પૂરી થઈ ચૂકી છે.
બીજી વાતઃ ત્રણ તલાકનો વિરોધ કરનારાએ યાદ રાખવાનું છે કે આ જોગવાઈનો ઉપયોગ કરનારા મુસ્લિમોનું પ્રમાણ નજીવું છે. માટે, વ્યાપક મુસ્લિમ સમાજને ટ્રિપલ તલાકના નામે બદનામ કરી શકાય નહીં. ‘ટ્રિપલ તલાક’ના વિરોધનો વિરોધ કરનારે યાદ રાખવું જોઇએ કે અદાલતમાં દાદ મુસ્લિમ મહિલાઓએ માગી છે. આથી, મામલો ‘મુસ્લિમ વિરુદ્ધ હિંદુ’ કે ‘મુસ્લિમ વિરુદ્ધ અન્ય ધર્મીઓ’ જેવી ખેંચતાણનો નથી અને તેને એ ખાનામાં ન મૂકવો જોઇએ.
કોઇ મુસ્લિમ એવું ઇચ્છે કે ‘બીજા ધર્મના લોકોને અમારી અંગત ધાર્મિક બાબતમાં કે પરંપરામાં અભિપ્રાય આપવાનો અધિકાર નથી’, તો તેમનું આ વલણ લોકશાહી દેશમાં સ્વીકારી શકાય નહીં. મુસ્લિમદ્વેષમાં સરી પડ્યા વિના કે કોમવાદના રાજકારણના હાથા બન્યા વિના, સામાજિક જાગૃતિના ભાગ તરીકે આવા રિવાજની બેશક ટીકા કરી શકાય. અન્યાયી લાગતા (ત્રાસવાદવિરોધી જેવા) કાયદાની ટીકા થઈ શકતી હોય છે, તો અન્યાયી જણાતી પરંપરાની કેમ નહીં?
ટીકા કરનારે એટલું ધ્યાન રાખવાનું કે તેમની ટીકાનો ધક્કો સ્ત્રીને થતા અન્યાયમાંથી અને ‘આવું તો કેવી રીતે ચલાવી લેવાય?’ એવી પ્રતીતિમાંથી આવવો જોઇએ — નહીં કે મુસ્લિમોની છડેચોક, આકરી ટીકા કરવાની તક મળી – તેમના પ્રત્યેનો દ્વેષ ફેલાવવાની કે દૃઢ કરવાની તક મળી એમાંથી. મુસ્લિમોએ પણ કઈ ટીકા દ્વેષથી થાય અને કઈ ટીકા સદ્દભાવથી, તેનો ફરક સમજવો પડે અને એ સ્વીકારવું પડે કે બીજા પક્ષના કુરિવાજ પ્રત્યે આંગળી ચીંધવાથી પોતાનો કુરિવાજ વાજબી ઠરી જતો નથી.
આ તબક્કે કોઈને એવો સવાલ થાય કે ‘ટ્રિપલ તલાકને પરબારો ‘કુરિવાજ’ કેમ કહી શકાય? અને એવું કહી દેનારા તમે કોણ?’ તેનો સાદો જવાબ આટલો જ છેઃ કોઈ પુરુષ પોતાની પત્નીને ત્રણ વાર ‘તલાક’ બોલીને છૂટાછેડા આપી શકતો હોય (અને સ્ત્રી પાસે એવો વિકલ્પ ન હોય) ત્યારે, એ રિવાજ સમાનતાની અને કુદરતી ન્યાયની સાદી સમજનો ભંગ કરે છે — અને એટલું સમજવા માટે કોઈ ગ્રંથના કે બંધારણના અભ્યાસની જરૂર નથી.
મોટા ભાગના મુસ્લિમો ટ્રિપલ તલાકની અનિષ્ટ જોગવાઈનો ઉપયોગ કરતા નથી, તે આનંદની વાત છે. એ જ કારણથી, મુસ્લિમોએ — ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે — ટ્રિપલ તલાકની નાબૂદીની સામેથી જાહેરાત કરવી જોઈએ. ઇસ્લામની શક્તિ ને ધાર્મિક મુસ્લિમોનું આત્મસન્માન એટલાં તકલાદી ન હોય કે ‘ટ્રિપલ તલાક’ની નાબૂદીથી તેને ઘસરકો પહોંચે.
પર્સનલ લૉ બૉર્ડને કે ટ્રિપલ તલાકના વિરોધનો વિરોધ કરનારા ઘણાને ડોશી મરે તેનો ભય નથી. જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે. એક વાર મુસ્લિમોના અંગત ધાર્મિક મામલામાં દખલના દરવાજા ખુલી ગયા, તો ભવિષ્યમાં દરેક બાબતમાં બીજા લોકોનો ચંચુપાત વધી શકે છે — ખાસ કરીને, સામાજિક-ધાર્મિક મુદ્દામાંથી રાજકીય રોકડી કરવા ઇચ્છતા નેતાઓનો. આ બીક વાજબી છે, પરંતુ તેનો ઉકેલ ટ્રિપલ તલાક જેવા મુદ્દાને ધાર્મિક ઓળખ સાથે સાંકળવામાં કે ટ્રિપલ તલાકના ટીકાકારોને તેમની ખામી બતાવવામાં નથી.
ધર્મના નામે ચાલતા કુરિવાજ-અનિષ્ટ પરંપરાઓનો વિરોધ બીજા ધર્મના લોકો કરતાં એ ધર્મનો માણસ વધારે સારી રીતે કરી શકે. અનેક ખાસિયતો અને જ્ઞાતિપ્રથા જેવાં તોતિંગ અનિષ્ટ ધરાવતા હિંદુ ધર્મમાં અનેક સંતકવિઓથી માંડીને વિદ્રોહીઓ અને સમાજસુધારકો થયા. તેમણે સમાજનો –ખાસ કરીને પોતાના ધર્મના લોકોનો — આકરો વિરોધ વેઠીને પણ પોતાની વાત મુકી. એટલા પ્રમાણમાં ભારતીય મુસ્લિમ સમુદાયમાં એવું ન બન્યું.
1857ના સંગ્રામ પછીના અરસામાં મુસ્લિમોને અંગ્રેજી કેળવણી ભણી વાળનાર સર સૈયદ અહમદ હોય, મહંમદ ઇકબાલ જેવા મોટા ગજાના કવિ હોય કે પછી એક જમાનામાં ‘મુસ્લિમ ગોખલે’ બનવા ઇચ્છતા મહંમદઅલી ઝીણા, એ બધાને આખરે સમાજસુધારાને બદલે એક યા બીજા પ્રકારની પરંપરાગત ધાર્મિક ઓળખના શરણે જવું પડ્યું.
બીજી તરફ બાદશાહખાન જેવા નેતાઓ ઇસ્લામને વળગીને અહિંસાના રસ્તે ચાલ્યા કે ડૉ.અન્સારી – મૌલાના આઝાદ જેવા નેતાઓએ ગાંધીજીની કૉંગ્રેસ સાથે તેમની કારકિર્દી સાંકળી, ત્યારે વ્યાપક મુસ્લિમ સમર્થન મેળવવાનું- ટકાવી રાખવાનું તેમના માટે અઘરું સાબીત થયું. (બાદશાહખાને અંગ્રેજોની જેલ કરતાં મુ્સ્લિમોના અલગ દેશ પાકિસ્તાનની જેલમાં વધુ સમય વીતાવ્યો – વધુ અત્યાચાર વેઠ્યા.)
આમ પણ, ધાર્મિક ઓળખનો મામલો પેચીદો હોય છે. મુસ્લિમોનો અલગ દેશ માગનાર ઝીણા મૂળભૂત રીતે ધાર્મિક ન હતા, જ્યારે ભારતને પાકિસ્તાનનું હિંદુ અડધિયું ન બનવા દેનાર ગાંધીજી પોતાની જાતને ચુસ્ત હિંદુ તરીકે ઓળખાવતા હતા.
અત્યારની આઇ.ટી.ની પરિભાષામાં ધર્મને ઘણે અંશે ઑપરેટિંગ સીસ્ટમ (OS) સાથે સરખાવી શકાય. ઑપરેટિગ સીસ્ટમના સૉફ્ટવેરમાં રહેલાં છીંડાં કે નબળી કડીઓ થકી વાઇરસ ઘૂસી આવે અથવા સમય પ્રમાણે ફેરફાર (અપડેટ્સ) ન થયા હોય તો પણ વાઇરસ આવી પડે. મૂળ ઑપરેટિગ સીસ્ટમ ખરાબ નથી હોતી, પણ અસહિષ્ણુતાના પર્યાય જેવી ‘ધાર્મિક લાગણી’, ધર્મનું સગવડિયું અર્થઘટન કે ધર્મઝનૂન જેવા વાઇરસ ઑપરેટિગ સીસ્ટમને ખરાબ કરે છે.
એ સમયે બે વિકલ્પ રહે છેઃ વાઇરસને ક્લીન કરીને ઑપરેટિગ સીસ્ટમને ચોખ્ખી રાખવી અથવા વાઇરસને પણ ઑપરેટિગ સીસ્ટમના હિસ્સા તરીકે ગણીને, વાઇરસની ટીકાને ઓપરેટિંગ સીસ્ટમની ટીકા ગણવી. ધાર્મિક સ્વતંત્રતામાં પોતાના ધર્મને બગાડવાની કે તેને ચૂપચાપ બગડવા દેવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? એ પોતાની જાતને ધાર્મિક ગણતા સૌએ વિચારવા જેવો સવાલ છે.
ધર્મનો સંબંધ નૈતિકતા અને નૈતિક ફરજ સાથે છે. તેને કાયદા અને બંધારણના પથ્થર પર કસવામાં આવે એ સ્થિતિ આમ તો ઇચ્છનીય નથી. પરંતુ ધર્મના નામે ધાર્મિક લાગણી, અનિષ્ટ રિવાજો, પરધર્મીઓ માટેના દ્વેષ, હિંસા, શોષણ, દુરાચાર જેવી લાગણીઓ ઉભરાવા લાગે, ત્યારે કોર્ટકચેરી વિના આરો રહેતો નથી.
ધર્મના મામલે ઘણી વાર અદાલતો પણ યથાસ્થિતિને બહુ છંછેડવાનું પસંદ કરતી નથી. ટ્રિપલ તલાક વિશેની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે એ મતલબનું કહ્યું હતું કે જો આ રિવાજ ધર્મનો અભિન્ન હિસ્સો હશે તો અદાલત તેને બહાલી આપશે. ધર્મના નામે ચાલતા રિવાજ અને માનવતા —એ બન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવે, ત્યારે માનવતાને તડકે મૂકનારા ખરેખર તો તેમનો ધર્મ ચૂકે છે અને તેમના ધર્મને નીચો પાડે છે. કારણ કે કોઈ ધર્મ માનવતાની ઉપર હોઈ ન શકે અને માનવતાને અવગણવાનું કહેનાર સાચો ધર્મ ન કહેવાય.
સૌજન્ય : ‘ધર્મપ્રશ્ન’, “દિવ્ય ભાસ્કર”, 30 મે 2017
આતંકવાદી હુમલાનો ભોગ બનીને નિર્દોષ પ્રજાના જાન ગુમાવવાની શૃંખલાનો છેલો મણકો તારીખ 22 મે 2017માં માન્ચેસ્ટરનો પરોવાયો. તે ઘટનાને આજે એક સપ્તાહ વીતી ગયું, પણ હૃદયની દાહ હજુ એવી જ પ્રજ્વળે છે.
કોઈ કુદરતી કે માનવ સર્જિત ઘટના રાતોરાત કે અચાનક નથી બનતી કે નથી તેમાં માત્ર એક પરિબળ જવબાદર હોતું. આવો કાળો કેર વર્તાવનારાઓ કોણ છે, શા માટે આવી હિંસા આચરવા પ્રેરાય છે, તેમને કોણ કુમાર્ગે દોરે છે, આવા આતતાયીઓને કેમ રોકી શકાય, વગેરે સેંકડો સવાલો આવી ઘટનાઓ બન્યા બાદ ઊઠે, એકાદ બે જવાબ મળે, તેના પર પ્રતિક્રિયાત્મક પગલાં લેવાય અને બીજો હિંસક હુમલો થાય ત્યાં સુધી બધું રાબેતા મુજબ ચાલતું થાય. સખેદ નોંધ લેવી ઘટે કે ઘૃણિત કર્મોનો અંત આવતો નથી કેમ કે તેને માટે જવાબદાર પરિબળોનો સામનો કરનાર શક્તિ એકત્ર થઈને સંગઠિત પ્રયાસ નથી કરતી.
બાળક જન્મે ત્યારથી તેનું લાલનપાલન, પોષણ, ઘડતર થાય ત્યાંથી માંડીને સમાજ પાસેથી લીધા-દીધાનો હિસાબ ચૂકતે કરી સ્વર્ગે સીધાવે ત્યાં સુધી તે વ્યક્તિ સિવાય અને તેના ઉપરાંત અનેક વ્યક્તિ, સંસ્થાઓ અને સંગઠનો પરસ્પરની સાથે કે એક બીજાની વિરોધમાં કામ કરે છે એટલે એ તમામને એક જાહેર વિનંતી કરવી ઉચિત લાગે છે.
પ્રથમ વિનંતી તમામ ધર્મ, જાતિ અને રંગના માતા-પિતાને. મહેરબાની કરીને તેઓ પોતાનાં સંતાનોને જેમ સારો પોષક આહાર આપી તંદુરસ્ત બનાવે, તેમ તેમનું માનસિક અને વૈચારિક ઘડતર પણ એવું કરે જેથી દુનિયાના કોઈ પણ પડમાં રહે તો પણ તેમનાં બાળકો જે તે ભોમકાના એક ઉત્તમ વફાદાર નાગરિક અને કાયદાને અનુસરનાર યુવાન-યુવતી બને.
બીજી વિનંતી શાળા-મહાશાળાના સંચાલકો, શિક્ષકો અને પ્રોફેસરોને. અક્ષરજ્ઞાન અને વિષયજ્ઞાન આપવાની સાથે સાથે તેમની સંભાળમાં આવેલ વિદ્યાર્થીઓને બધી ઇંદ્રિયોને કેળવણી મળે, સ્વતંત્ર વિચાર શક્તિ ખીલે અને સારાસારનો વિવેક કરી શકે તેવી તાલીમ આપી એવા નાગરિકોનું ઘડતર કરે જેથી તેઓ ઉદાર મત અને સહિષ્ણુતાના તાણાવાણાના પોત વાળો સમાજ રચી શકે. આજે કેટલીક યુનિવર્સિટીમાં ધર્મ પરિવર્તન અને ધર્મ વિશેના ઝેરીલા પ્રચારની પ્રવૃત્તિઓ જોર પકડતી જોવા મળે છે જેની સામે આંખ આડા કાન કરવાથી એ જ વિદ્યાર્થીઓને હાથે ગૈર કાનૂની કર્મો અને કદાચ આક્રમક કે હિંસક કૃત્યોનો ભોગ સામાન્ય પ્રજાને બનવું પડે ત્યારે તેમાં પોતાનું ઉત્તરદાયિત્વ કેટલું એ વિચારવા જેટલી નૈતિક તાકાત પણ એવી શાળા-મહાશાળાઓના સંચાલકોમાં નહીં રહી હોય.
ત્રીજી વિનંતી કહેવાતા ધર્મ ગુરુઓ અને ધાર્મિક સંસ્થાઓને. પોતપોતાના ધર્મના ઉદ્દભવ સમયે કહેવાયેલા ઉપદેશ કે લખાયેલા સંદેશાઓ પોતાના અને અન્ય ધર્મના લોકો મુક્ત પણે જાણી-સમજી શકે તેવી સુવિધા કરે. તમામ ધર્મના મૂળભૂત આદર્શો સમજવાનો ઈજારો માત્ર એ ધર્મમાં જન્મેલા લોકોનો જ નથી હોતો, કેમ કે એ સિદ્ધાંતો તો દરેક ધર્મમાં લગભગ સમાન હોય છે. જે કંઈ તફાવત હોય છે તે બાહ્યાચારમાં હોય છે. દરેક પ્રજાને પોતાનાં સામાજિક મૂલ્યો અને શિષ્ટાચારો પાળવાની સ્વતંત્રતા હોય, જેને એ મંજુર હોય તે તેમાં જોડાય, તેમાંથી અનુકૂળ હોય તે અપનાવે અને જો એ સ્વીકાર્ય ન હોય તો એવી જીવન પદ્ધતિથી તે અળગા રહે. જીવો અને જીવવા દો એ ઉત્તમ રીત છે કોમી એખલાસ ટકાવવા માટે અને એ મંત્રને અમલમાં મૂકે તેવી મુક્ત તથા સહિષ્ણુ પ્રજા ઊભી કરવી એ દરેક ધર્મના રખેવાળોની પવિત્ર ફરજ બની રહે છે.
ચોથી વિનંતી છે રાજકારીઓને. પોતાના પક્ષનું પલ્લું નમાવવા, પોતાની સત્તાને આંચ ન આવે તે માટે પોતાના દેશના નાગરિકોને પક્ષપાત કે ભેદભાવ કરીને વિભાજીત ન કરશો. એ જ રીતે પોતાના દેશની રાજ્ય પદ્ધતિ બીજા દેશ પર ઠોકી બેસાડવા કે બીજા દેશના આંતરિક પ્રશ્નો હલ કરવાને બહાને જે તે દેશના ફીરકાઓને ઉશ્કેરી, શસ્ત્ર સહાય કરીને સામસામે લડવા મદદ કરવાથી શો અંજામ આવે તે છેલ્લા ત્રીસેક વર્ષનો આંતરરાષ્ટ્રીય ઇતિહાસ બતાવે છે. માનવ પથ્થર યુગમાં પથ્થરની ધાર કાઢીને બનાવેલ ઓજારોથી લડતો, પછી તલવાર, બરછી, ભાલાનો યુગ આવ્યો. ત્યાર બાદ તો બન્દૂક, મશીનગન, તોપગોળા અને હવે તો મિસાઈલ, બોમ્બનો ઉપયોગ કરે તેવો વિકાસ થયો છે. ખરું પૂછો તો હવે અણુ શસ્ત્રો પણ લડાઈની જુનવાણી રીતમાં ખપે તેમ છે. તો ભલા ચૂંટણી ઢંઢેરામાં ‘મારો પક્ષ સંરક્ષણ પાછળ અમુક બિલિયન ખર્ચશે માટે મને મત આપો’ એમ એક પક્ષ કહે તો બીજા પક્ષને ‘અમે વિરોધી પક્ષથી વધુ ખર્ચ અણુ સબમરીન પાછળ ખર્ચીશું માટે અમને ચૂંટો’ તેવી બૂમરાણ મચાવતા સાંભળીએ ત્યારે સવાલ થાય કે ભાઈ, તો આ આત્મઘાતી હુમલા કરનારાઓને શાનાથી મારશો? એમને હિંસા કરતા રોકવા કયા શસ્ત્રો બનાવવા અને વેચવાની યોજના છે? લાખો-કરોડો પાઉન્ડ એવાં શસ્ત્રો પાછળ ખર્ચવાને બદલે પ્રજાના ચારિત્ર્ય ઘડતર અને સંઘર્ષ નિવારણ માટે શાંતિમય ઉપાય પાછળ ખર્ચીને જુઓ તો ખરા, કદાચ માનવ જાત તમારો પાડ માનશે.
એક હકીકત ધીમે ધીમે દરેક જાગૃત પ્રજાજનને સમજાતી જાય છે કે આતંકીઓને કોઈ ધર્મ નથી હોતો, તેમને મન પોતાની કે પોતાના ફીરકાની દરેક માગણી, ઈચ્છા કે મહત્ત્વકાન્ક્ષા પૂરવાનો એક માત્ર માર્ગ હિંસા છે, બીજા કશા માર્ગની તેઓને કાં તો જાણ નથી અથવા તેને અનુસરવાની તાકાત નથી. દરેક દેશ અને ધર્મના ઇતિહાસ પર નજર નાખતા જણાશે કે તેમનું પોત કયાંક ને ક્યાંક આંતરિક ઝઘડા અને હિંસાથી ખરડાયેલું હોય છે. તો છેલા ત્રણ-ચાર દાયકાઓ દરમ્યાન ખાસ કરીને જે દેશો અને કોમના ભલે ચપટીભર લોકો, પણ દુનિયા આખીમાં અશાંતિ અને અરાજકતાનો કાળો કેર વર્તાવી રહ્યા છે એ તમામ દેશો અને કોમની અમન પ્રિય પ્રજાને વિનંતી કે પોતાના દેશના કે ધર્મના આવા માર્ગ ભૂલેલા લોકોનું માનસ સમજે, તેમની સાથે વાત કરે, તેમની માગણીઓ જાણવા પ્રયાસ કરે, એ સંતોષવી સંભવ હોય તો તે માટે તમામ રાજકીય અને સામાજિક રસ્તાઓ અપનાવે અને જો એ અસંભવ હોય તો તેના બદલામાં જે કંઈ આપી શકાય તેમ હોય તે આપવા તૈયાર રહેવું અને કોઈ પણ ભોગે એ અસંતુષ્ટ જૂથ વાટાઘાટ અને સમાધાનના માર્ગથી ચળીને આક્રમણ કે હિંસાને પોતાના હેતુને સિદ્ધ કરવા સાધન ન બનાવે તે માટે પૂરતી કાળજી કરે.
આ માટે માત્ર સરકાર કડક કાયદા અને વ્યવસ્થા તંત્રના સહારે બધું સંભાળશે એવી આશા રાખવી વ્યાજબી નથી. જ્યાં કોઈ અભ્યાસ કે નોકરી કરતા હોય તેવા યુવાન કે યુવતી ઘરના ખૂણે બેસી વિનાશક યંત્ર બનાવી આત્મઘાતી હુમલા કરી પોતાના જ શહેરના નિર્દોષ બાળ બચ્ચાં સહિત લોકોને મોતને ઘાટ ઉતારે તેને સરકારી તંત્ર કેવી રીતે પિછાણી શકે કે પકડીને સજા કરી શકે? તે માટે સહુથી પ્રથમ એવા વિકૃત માનસ ધરાવતા લોકોના કુટુંબીજનો, પડોશીઓ અને સાથે કામ કરનારાઓના સહકારની જરૂર રહે. તેમણે આતંકીઓ પેદા થતા અને સક્રિય થતા રોકવા પોતાની જવબદારી સ્વીકારવી જોઈશે। કોઈ પણ પ્રકારની સમાજહિત વિરોધી વિચારધારા કે પ્રવૃત્તિ વિષે લાગતા વળગતા હોદ્દેદારને જાણ કરવી તે દરેક નાગરિકની ફરજ બને. આવા હિંસક અને આતંકી હુમલાઓ એ સહુની સમસ્યા છે અને એ સામાજિક, ધાર્મિક અને રાજકીય એમ ત્રિપક્ષી સહકારી સંગઠનથી જ ઉકેલી શકાશે. તેવા પ્રામાણિક પ્રયાસો માટેનું શુભ મુહૂર્ત આજે અને અત્યારે જ છે અને તેમાં જોડાવા માનવ જાતના સહુ સભ્યોને આહ્વાહન છે.
e.mail : 71abuch@gmail.com