courtesy : "The Times of India", 17 July 2017
courtesy : "The Times of India", 17 July 2017
અહમદશાહે આબાદ કર્યા પછી સતત છ સદી સુધી આબાદ રહેલા અમદાવાદને 'યુનેસ્કો’ તરફથી વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની માન્યતા મળી. તેનો વાજબી આનંદ-ઑચ્છવ મનાવી લીધા પછી ગૌરવવંતા અમદાવાદી કે ગુજરાતી તરીકે મથાળામાં પુછાયેલા સવાલ અંગે થોડો વિચાર કરવા જેવો છે. ‘યુનેસ્કો’ ખાતે ભારતનાં કાયમી પ્રતિનિધિ રુચિરા કમ્બોજે અમદાવાદ વિશે લખ્યું કે,’ગાંધીજીએ શરૂ કરેલી આઝાદીની ચળવળનું કેન્દ્ર, હિંદુ અને જૈન મંદિરો, હિંદુ-મુસ્લિમ કળા અને ઇન્ડો-ઇસ્લામિક શૈલીનાં સ્થાપત્યો અને આ બધા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ખ્યાલ મૂર્તિમંત કરતું શહેર.’ ('સસ્ટેનેબલ ડેવલપમેન્ટ' એટલે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગરનો વિકાસ)
આ તો થઈ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનમાં લખવાની વિગતો, જે સાચી છે, પણ પૂરતી નથી. અમદાવાદ શહેરમાં બે-એક દાયકાથી ચાલતા હેરિટેજ કાર્યક્રમમાં જૂની પોળો, તેનાં મકાન, પાણી ભરવાનાં ટાકાં, કોતરકામ, હીંચકા, ચબૂતરા જેવી બાબતો પ્રાધાન્ય ભોગવે છે. પણ હેરિટેજના ખ્યાલને આટલેથી અટકાવી દેવા જેવો નથી. અમદાવાદ એ ચાંપાનેર કે હમ્પીની જેમ ઊજડી ગયેલું શહેર નથી. છ સદીથી તેમાં લોકો રહે છે. માટે તેમના વિના હેરિટેજની સમજ કે વાત કદી પૂરી થઈ શકે નહીં.
શહેરને વૈશ્વિક વારસાના ભાગરૂપ જાહેર કરવામાં આવે, તેનો અર્થ એવો પણ નહીં કે પચાસ-સો-બસો જોવાલાયક વસ્તુઓ દેખાડીને, બાકીની ચીજોને લીલા પડદા પાછળ સંતાડી દેવી (જેવું મહાનુભાવોના — અને હવે તો સ્થાનિક એવા વડાપ્રધાનના — આગમન વખતે પણ કરવામાં આવે છે.) આ એક જીવંત શહેર છે અને મોટા ભાગના ભારતની જેમ અહીં પણ બે-અઢી સદીઓ એકસાથે ચાલે છે. હેરિટેજનો વિશાળ અર્થ છેઃ જાળવવા જેવી જૂની ચીજો-લાક્ષણિકતાઓ જાળવી રાખવી અને તજવા જેવી બાબતો તજી પણ દેવી. ગોટાળો ત્યારે થાય છે, જ્યારે આપણા આયોજનોમાં ઘણી કામની ચીજોની ઉપેક્ષા સેવાય છે અને ઘણે ઠેકાણે હેરિટેજનાં નામે કરોડોના ધુમાડા કરીને મૂળ વસ્તુનો કબાડો કરી નાખવામાં આવે છે. હેરિટેજની જાળવણીના પાયામાં રહેલા ઍસ્થેટિક્સ(સૌંદર્યદૃષ્ટિ)ની તેમાં સદંતર અવગણના થાય છે ને રૂપિયા ખર્ચીને સંતોષ મેળવવાનું મુખ્ય બની જાય છે.
તેનું એક શરમજનક ઉદાહરણ એટલે ભદ્ર વિસ્તારમાં ભારે ખર્ચ કરીને તૈયાર કરવામાં આવેલું ભદ્ર પ્લાઝા. હેરિટેજનાં નામે ભદ્રના કિલ્લાના વિસ્તારમાં રસ્તા પર પથ્થરો જડી દેવા, લોકો મુક્ત રીતે હરીફરી શકે તે માટે વાહનનો પ્રવેશ બંધ કરી દેવો અને સદીઓ જૂની આ હેરિટેજ સાઇટની બન્ને બાજુએ અત્યંત કદરૂપા અને આંખમાં વાગે એવા લોખંડી દરવાજા લગાડી દેવા. તેમ છતાં, અંદર દ્વિચક્રી-ત્રિચક્રી વાહનો ધરાર ફરતાં હોય, પહેલાંની જેમ બજાર પણ લાગેલું હોય.
ભદ્ર પ્લાઝાનું પ્રવેશદ્વાર
આખું આયોજન અત્યંત કૃત્રિમ લાગે એવું અને ત્યાં ચાલનારાઓ માટે જરા ય સગવડદાયક કે હેરિટેજનો અહેસાસ કરાવે એવું નથી. હેરિટેજની જાળવણી એટલે ધૂમ ખર્ચો કરીને મોંઘા પથ્થર લગાડવા ને રાત પડ્યે રંગબેરંગી લાઇટિંગ કરવું — એવી જૂનવાણી, મુગ્ધ સમજને 'વૈચારિક હેરિટેજ' તરીકે વળગી રહેવાની જરૂર નથી — ભલે સરેરાશ લોકો તેનાથી પ્રભાવિત થઈ જતા હોય.
એમ તો ‘યુનેસ્કો’ ગમે તે કહે, પણ કાંકરિયાના કહેવાતા વિકાસને ભાગ્યે જ હેરિટેજનું રક્ષણ કહી શકાય. જૂનું કાંકરિયા તળાવ ખરા અર્થમાં લોકોને મળેલો વારસો હતું. તેમાં સરકારની કોઈ દખલગીરી ન હતી. કાંકરિયાની ફરતેના રસ્તા પરથી પસાર થનાર ગરીબ-અમીર સૌ કોઈને કાંકરિયાના શાતાદાયક દૃશ્યનો અને ઉનાળામાં તેની ઠંડકનો થોડોઘણો અહેસાસ વિના મૂલ્યે — અને ઘણી વાર વિના પ્રયાસે મળી જતો હતો. ત્યાર પછી તેનો 'વિકાસ’ કરવામાં આવ્યો, ત્યારે સ્વચ્છતા જાળવવાનાં નામે તેની ચોતરફ કિલ્લેબંધી કરી નાખવામાં આવી. રાષ્ટ્રપતિભવનના દરવાજાની નકલ જેવા દરવાજા લગાડી દેવાયા અને પ્રવેશ માટે ટિકીટ થઈ ગઈ. 'પબ્લિક સ્પેસ' કહેતાં જાહેર જગ્યાઓ પણ આપણો હેરિટેજ છે, પરંતુ તેને જાળવવા માટે આપણાં વહીવટી તંત્રો જરા ય ઉત્સાહી નથી. બાકી, તળાવને દીવાલો વચ્ચે પૂરી દેવાની અને તેમાં પ્રવેશના રૂપિયા લેવાની કમતિ રાજાશાહીમાં રાજાઓને ન સૂઝી, તે લોકશાહીના 'સેવકો'ને કેવી રીતે સૂઝત ?
દરવાજામાં બંધ કાંકરિયા તળાવ
પરંતુ 'પબ્લિક સ્પેસ'ના લોકશાહી ખ્યાલને વહીવટી તંત્રે 'સ્વચ્છ' કરી દીધો છે. એટલે એક સમયે જાહેર જીવનથી અને વૈકલ્પિક વિચારસરણીઓથી ધબકતા અમદાવાદમાં ધીમે ધીમે એવી જગ્યાઓ ખતમ થતી ચાલી છે. ગુજરાતમાં રાત્રે બે વાગ્યે પણ સલામતીની ચિંતા હોતી નથી, એવું ગાઇવગાડીને કહેનારા શબ્દાર્થમાં સાચા, છતાં બે કારણસર તાત્ત્વિક રીતે જૂઠા છેઃ આવી સલામતી કોઈ શાસકે આપેલી નથી. એ મહદ્ અંશે સામાજિક પોતમાંથી આવી છે. બીજા શબ્દોમાં કહો તો, એ પણ ગુજરાતનો-અમદાવાદનો હેરિટેજ છે. તેના માટે કોઈ શાસકોએ જશ ઉઘરાવવાની જરૂર નથી. ઉલટું, વર્તમાન વહીવટી તંત્રોના પ્રતિનિધિઓ રાત્રે અગિયાર-સાડા અગિયાર વાગ્યે દંડા પછાડતા સડકો પર નીકળી પડે છે અને લોકોને ઘરભેગા કરી દઈને, પોતાની ફરજ અદા કર્યાનો સંતોષ અનુભવે છે. રાત્રે બે વાગ્યે કોઈ નીકળતું જ ન હોય, પછી સલામતીની ચિંતા ક્યાંથી હોય?
હેરિટેજમાં મહત્ત્વનો હિસ્સો અમદાવાદની વિખ્યાત પોળોનો છે. એક સમયે નવી ચેતના ઝીલવાના કેન્દ્રો બનેલી પોળો સમય જતાં રાજકીય સંકીર્ણતાનો ભોગ બનીને, તેમનાં બીબામાં ધીમે ધીમે ઢળતી ગઈ. હવે પોળોમાં હવેલીઓ ને મકાનો રીસ્ટોર કરવામાં આવે છે, તેમાં શોખીન દેશી-પરદેશીઓ રહેવા આવે છે, પણ પોળના લોકોને પૂછશો તો કહેશે કે પોળની અસલી સંસ્કૃિત મરી પરવારી છે. જીવતા શહેરોમાં ફક્ત ઇમારતો હેરિટેજ હોઈ શકતી નથી. ત્યાં રહેનારાની સંસ્કૃિત અને સાંસ્કૃિતક આદાનપ્રદાન – સહઅસ્તિત્ત્વ હેરિટેજનો સૌથી મહત્ત્વનો હિસ્સો હોય છે, પરંતુ નવાં સમીકરણોમાં રાજકીય યોજનાઓને અનુકૂળ ન હોય એવી બાબતોની ખાસ ચર્ચા કરવામાં આવતી નથી.
સાંસ્કૃિતક આદાનપ્રદાનની વાત આવે ત્યારે એ પણ કહેવાનું થાય કે ઇન્ડો-ઇસ્લામિક પરંપરાનું સ્થાપત્ય ધરાવતી ઘણી મસ્જિદો, મીનારા ને રોજા અમદાવાદની શાન છે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવામાં આ ઇમારતોનો મોટો ફાળો છે. પરંતુ ત્યાં લટકતાં વાયરનાં લટકણિયાં કે તેના દેખાવમાં વચ્ચે વચ્ચે ખૂંચતાં માઇકનાં ભૂંગળાં ખટકે એવાં હોય છે. એમાં ધર્મ કે ધર્મસ્થાનની ટીકાનો સવાલ આવતો નથી. પરંતુ આપણે વડવાઓ તરફથી મળેલી એક સુંદર જગ્યામાં બંદગી કરતા હોઈએ, ત્યારે એ જગ્યાના સૌંદર્યમાં વધારો ન થાય તો ભલે, પણ ઘટાડો ન થાય એ જોવાની આપણી જવાબદારી છે. એટલે આ જગ્યાઓની દેખરેખ રાખનાર સમિતિઓએ પોતાની પહેલથી ઇમારતની શોભા બગાડતાં વાયર ને માઇકનાં લટકણિયાં દૂર કરીને તેમને એવી રીતે ગોઠવવાં જોઈએ કે જેથી તે જોનારને નડે નહીં. આમ કરવામાં ધર્મને કે ધાર્મિક ભાવનાને કશું નુકસાન પહોંચવાનું નથી. ઉલટું, સૌંદર્યદૃષ્ટિ ધરાવતા, લાયક વારસદારો તરીકેનું ગૌરવ આપણે અનુભવી શકીશું.
સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.co.uk/2017/07/blog-post_16.html
(‘વારસાનો વિચાર’, “દિવ્ય ભાસ્કર”, 11 જુલાઈ 2017)
કાસ્મીરમાં સંવાિદતા રચવા સરકાર કે અલગતાવાદીઓ બંને પક્ષે સક્ષમ એવા કોઈ પરિબળ / વ્યક્તિત્વ / સંસ્થા નથી
અમરનાથ દર્શનથી પાછા આવી રહેલા યાત્રીઓ પરનો હુમલો પાકિસ્તાને લશ્કર-એ-તૈબાના માસ્ટર માઈન્ડ અબુ ઇસ્માઇલ થકી કરાવ્યો હોવાનું જમ્મુ અને કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ મુનીર ખાને જણાવ્યું છે. કાશ્મીરની અશાંતિની કોઈ પણ ઘટનામાં અનેક સ્થાનિક સંગઠનોનો ટેકો હોય છે. તેઓ પાકિસ્તાનના ઇશારે નાચે છે તે ઓપન સિક્રેટ છે. તેઓ ભારત સરકાર સાથે દેશહિતની વાતો કરે છે અને બીજી બાજુ આતંકવાદી સંગઠનોને પોષે છે. આમ છતાં વાજપેયીએ એમના વડાપ્રધાન તરીકેના કાળમાં અલગતવાદીઓને ચર્ચામાં સંડોવી રાખ્યા હતા. આવો ડિપ્લોમૅટિક ડાયલૉગ એ દેશની અંદરના ટીકાકારો અને દુનિયાના દેશોના દબાણ સાથે કામ પાડવા માટે જરૂરી હોય છે. મુત્સદ્દગીરીના કે હૃદયપૂર્વકના આવા સંવાદની બાબતે મોદી સરકાર અક્કડ જણાય છે. આપણા દેશના આંતરરાષ્ટ્રીય સ્તરના નાજુક પ્રશ્નોમાં ‘આયર્ન હૅન્ડ ઇન વેલ્વેટ ગ્લોવ્ઝ’ની નીતિ જરૂરી બને છે. કાશ્મીર સમસ્યા એ માત્ર દેશનો દૂઝતો જખમ જ નથી, પણ ઇસ્લામિક દુનિયામાં જે કંઈ બને છે તેના પડઘાનો પ્રદેશ છે. શ્રીનગરમાં ‘ઇસ્લામિક સ્ટેટ’ના ઝંડા ફરકે એ એની જ નિશાની ગણાય. આવા ટાણે આતંકવાદનો ખાતમો કરવાની અને કાશ્મીરના લોકોને દિલાસો આપવાની બેવડી નીતિ જરૂરી બને છે. એટલે હવે અમરનાથ પરના હુમલાની ઘટનાનો ઉપયોગ કરીને મહેબૂબા અને મોદી સરકાર લોકમતને કેવો ઘાટ આપે છે તેની પર પાકિસ્તાનના ષડયંત્રના જશઅપજશનો આધાર રહે છે.
અમરનાથમાં શ્રદ્ધાળુઓએ જાન ગુમાવ્યા છે, અને સાથે દેશના એક વર્ગે સંભવત: વિશ્વાસ પણ ગુમાવ્યો છે. સદીઓથી ભારતને કાશ્મીરની હિન્દુ-મુસ્લિમ સમન્વયવાદી સંસ્કૃિત પર વિશ્વાસ હતો. કાશ્મીરીઓના સાંસ્કૃિતક અવકાશમાં વૈદિક હિંદુત્વ અને સૂફી ઇસ્લામનું મિશ્રણ છે. અમરનાથ મંદિર એ કાશ્મીરની કોમી સંવાદિતાનું પ્રતીક રહ્યું છે. કથા તો એવી છે કે ભગવાન શંકરે તેમના અમરત્વનું રહસ્ય પાર્વતીને કહેવા માટે આ હિમાલયની અમરનાથ ગુફાની પસંદગી કરી. પછીનાં વર્ષોની વાયકા એવી ચાલી છે કે 1850 આ ગુફા બુટા મલિક નામના એક મુસ્લિમ ભરવાડને જડી. એક વાર પહાડીઓમાં ઘેટાં-બકરાં ચરાવતાં તેને એક સૂફી સંત મળ્યા કે જેમણે તેને કોલસાની એક થેલી આપી. તેણે ઘરે આવી એને જોયું તો એમાં સોનું હતું. એટલે એ સંતને મળવા પાછો ડુંગરામાં ગયો અને તેને સંત તો ન મળ્યા પણ ગુફા અને શિવલિંગ મળ્યાં. બુટા મલિકનો પરિવાર આ ગુફાનો રખેવાળ બન્યો. તે ઉપરાંત દશનામી અખાડા અને પુરોહિત સભાના હિંદુ પૂજારીઓ પણ આ સ્થાનક સંભાળતા રહ્યા. આ વહીવટી ગોઠવણ કોમી એખલાસની મિસાલ હતી. કમનસીબે ફારુક અબ્દુલ્લાની સરકારે યાત્રાને વધુ સગવડો આપવાના હેતુથી અમરનાથ સ્થાનકના સંચાલન માટે અમરનાથ શ્રાઇન બોર્ડની રચના કરી. તેમાં તેણે મુસ્લિમ અને હિન્દુ બંને કોમોના વહીવટકર્તાઓને દૂર કર્યા. તેમાં સાંસ્કૃિતક સંવાદિતાને મોટો ફટકો પડ્યો. જો કે અત્યારે પણ યાત્રાળુઓને મોટાભાગની સુવિધા મુસ્લિમો પૂરી પાડે છે. તેમાં મોટરોવાળા, પાલખી અને ટટ્ટુવાળા, દુકાનદાર, હોટલમાલિકો એમ બધા આવી જાય.
બે ધર્મોનો આ સુમેળ આતંકવાદીઓ તોડી પાડવા માગે છે. એટલે તેની પર એકથી વધુ સુરક્ષા જોખમો આવ્યાં છે. સહુથી પહેલાં 1993માં બાબરી ધ્વંસને પગલે પાકિસ્તાની આંતકવાદી જૂથ હરકત-ઉલ-અન્સારે બાબરી ધ્વંસને પગલે અમરનાથ યાત્રા પર પ્રતિબંધની માગણી કરી હતી. પણ તેનો ભારે વિરોધ થયો હતો, યાત્રા સલામત ચાલતી રહી હતી. જો કે પહેલી ઑગસ્ટ 2000ના રોજ પહેલગામ બેઝકૅમ્પ પર થયેલા મોટા આતંકવાદી હુમલામાં 25 લોકો માર્યા ગયા હતા. તેના પછીના બે વર્ષમાં પણ અનુક્રમે શેષનાગ અને નુનવાનમાં હુમલાથી મોત નોંધાયાં છે. જો કે યાત્રાનો સહુથી ઊંચો 200નો મૃત્યઆંક 1996ના સપ્ટેમ્બરમાં બરફવર્ષાને કારણે પહોંચ્યો હતો. આ બધા વચ્ચે પણ યાત્રા ચાલુ રહી તેનો શ્રેય શ્રદ્ધા ઉપરાંત સુરક્ષકર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને સ્થાનિક વહીવટીતંત્રને આપી શકાય. વળી અભ્યાસીઓ એમ માને છે કાશ્મીરમાં લગભગ સાર્વત્રિક અને હિંસાચારના પ્રમાણની સરખામણી આ યાત્રા સલામત રહી છે. કાશ્મીરના લોકોનો, સ્વતંત્ર કાશ્મીરમાં માનતા જૂથો સુદ્ધાં અમરનાથ પરના કોઈ પણ હુમલાને વખોડે છે.
આ હુમલો કાશ્મીરની સ્થિતિ ખૂબ નાજુક હોય તેવા વધુ એક તબક્કે થયો છે. મોદીના શરીફ સાથેના સૌહાર્દની વચ્ચે પણ સરહદે પાકિસ્તાની લશ્કરની હરકતો ગયાં બેએક વર્ષથી સતત ચાલુ છે. અમરનાથ હુમલો મિલિટન્ટ બુરહાન વાનીની પહેલી વરસીના ત્રીજા જ દિવસે થાય એ પણ સૂચક છે. બુરહાનના એન્કાઉન્ટરના વિરોધમાં કાશ્મીરમાં છએક મહિના મોટા પાયે હિંસા ફેલાઈ હતી. તાજેતરમાં શ્રીનગરના ટોળાંએ એક પોલીસ અધિકારીની જામિયા મસ્જિદ ખાતે હત્યા કરી. તેના પછીના જ દિવસે પાન્થા ચોક વિસ્તારમાં લશ્કરે તોઈબાના આતંકવાદીઓના હુમલામાં સી.આ.રપી.એફ.ના બે જવાન શહીદ થયા હતા. લશ્કરએ તૈબા, હિઝબુલ મુજહિદ્દિન અને જૈશ એ મોહમ્મદ સાથે મળીને કામ કરતા હોવાની બાતમીઓ મળતી રહી છે.
બીજી બાજુ કાશ્મીરમાં રાજકીય ખાલીપો છે. કાશ્મીરમાં રાજકારણ અને અસ્મિતા/ઓળખના જે પ્રશ્નો હતા તેમાં 1990ના અરસામાં ધર્મ ઉમેરાયો છે. એક વર્ગ આઝાદ કાશ્મીરને બદલે ઇસ્લામિક કાશ્મીર તરફ ચાલી રહ્યો છે. સરકાર કે અલગતાવાદીઓ બંને પક્ષે સંવાદિતા રચવા સક્ષમ એવા કોઈ પરિબળ/વ્યક્તિત્વ/સંસ્થા નથી. કેન્દ્ર સરકારના ઘટકો અતિરાષ્ટ્રવાદી અને રાજ્ય સરકારના અકાર્યક્ષમ જણાય છે. અલગતાવાદીઓ કેવળ હિંસામાં રાચી રહ્યા છે.
અમરનાથ યાત્રામાં ભોગ બનાનાર જે બસમાં બેઠાં હતાં તેણે સલામતી વ્યવસ્થાના નિયમોનો ભંગ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સી.આર.પી.એફ.ના ડિરેક્ટર જનરલ ભટનાગરે કહ્યું છે કે ગુજરાતના આ યાત્રીઓએ નોંધણી કરાવી ન હતી. એટલું જ નહીં પણ તે લોકો, જેને સિક્યોરિટી કવર મળે છે તે યાત્રા માટેના કૉન્વોયનો હિસ્સો પણ ન હતા. ઉપરાંત તેમણે યાત્રીઓની અવરજવર પર સાંજે સાત વાગ્યાથી મૂકવામાં આવેલા પ્રતિબંધનો પણ ભંગ કર્યો હતો. જો કે આ શરૂઆતના મંતવ્યો પછી બસમાં પંક્ચર હતું તેથી તે મોડી પડી એ મતલબના કારણો પણ જાહેર થયાં છે. આ બાબતે અલબત્ત તપાસ પછી જ કોઈ તારણ પર આવી શકાય.
અમરનાથમાં યાત્રાળુઓની આતંકવાદીઓ હત્યા કરે છે. વારાણસીના પુલ પર, કેરળના સરીમાલા મંદિરમાં, આંધ્ર પ્રદેશના ગોદાવરી પુષ્કરમમાં કે હજમાં મક્કામાં ધક્કામુક્કીથી સંખ્યાબંધ ભાવિકોના મોતની ઘટનાઓ બનતી રહી છે. અત્યારના જમાનામાં સંચાલન, સંસાધનો, સલામતી અને સાર્થકતા જેવી અનેક દૃષ્ટિએ ધાર્મિક યાત્રાઓનો પુનર્વિચાર કરવાની જરૂર જણાય છે. અખાભગતની ‘તીરથ ફરી ફરી થાક્યા ચરણ તો ય ન આવ્યો હરિને શરણ’ એવી વાત કેટલાંકને ન ગમે. પણ આપણાં શ્રદ્ધાસ્થાનો જુદાં હોય તો ? જેમ કે, શામળાજી પાસે આવેલું સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, મહારાષ્ટ્રના નક્ષલગ્રસ્ત વિસ્તારમાં આમટે પરિવારે ચલાવેલો હેમલકસાનો તબીબી સેવા યજ્ઞ, શ્રીનગરના એરપોર્ટ રોડ પર આવેલી એ.પી.ડી.પી. અસોસિએશન ઑફ ધ પેરન્ટસ ઑફ ડિસઅપિર્ડ પર્સન્સ … આપણે આપણી યાદી બનાવીએ.
+++++
13 July 2017
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 14 જુલાઈ 2017