courtesy : mahendraaruna1@gmail.com
દીનદયાલને તેમનો આ વસ્તાર ગ્રાહ્ય હોત ? અથવા, ખરું પૂછો તો, આ વસ્તારને એ સોરવાયા હોત ?
વડાપ્રધાને ઇન્સ્ટિટ્યુટ ઑફ કમ્પની સેક્રેટરીઝનો સુવર્ણ જયંતીએ બોલતાં વિવેક તો સોજ્જો કીધો કે અમારી આર્થિક નીતિના હાલના તબક્કાની ટીકા હું નમ્રતાથી સ્વીકારું છું. વાજપેયી સરકારમાં પ્રધાનપદે રહેલા યશવંત સિંહાએ એમના પ્રત્યક્ષ કાર્યાનુભવને ધોરણે, પોતાના જ પક્ષની સરકારની લડખડાતી ને ખોડંગાતી આર્થિક નીતિની ટીકા કરી ત્યારે નાણાંપ્રધાન અરુણ જેટલીએ એમની એંશીમાં વરસે નોકરી માટેના અરજદાર તરીકે હાંસી ઉડાવી હતી અને પક્ષપ્રમુખ અમિત શાહે તબિયતથી આર્થિક જ્ઞાન ડહોળ્યું હતું કે આ ધિમાકત (સ્લો ડાઉન) તો ભૈ જરી ટેકનિકલ કારણસર છે (બાકી તો, એઈ બખ્ખેબખ્ખા) … જેટલીએ અને અમિત શાહે જુમલે પે જુમલાની શૈલીએ આવનારા ફૂલગુલાબી દિવસોની જિકર કરી હોય તો પણ વડાપ્રધાને આજકાલ વરતાતી આર્થિક સુસ્તીને એક વાસ્તિવિકતા તરીકે કબૂલ રાખી છે.
જો કે આટલા તત્ક્ષણ ચાપલ્ય અને ઉત્સ્ફૂર્ત દાક્ષિણ્ય સાથે આખી વાત શરૂ થયા પહેલાં જ પૂરા જેવી થઈ જાય છે; કેમ કે વડાપ્રધાને કહ્યું છે કે આ તો મૂઠીભર લોકો છે અને એમને નિરાશાના મરસિયા ગાવાનું ઠીક ફાવી ગયું છે. કદાચ એથી સ્તો, ત્યાર પછી એમને ઊંઘ પણ સારી આવતી હશે. પણ એમને એ ખ્યાલ નથી આવતો કે તેઓ મહાભારતમાં કર્ણના સારથી શલ્ય જેવા છે. શલ્ય કુશળ સારથી હશે તો હશે, પણ એમણે શક્તિ બધી રથી કર્ણને હતોત્સાહ કરતાં વેણ વણથંભ્યે બોલવામાં યોજી હતી.
આટલે સુધી વડાપ્રધાન મુસ્તાકઅલીની જેમ અડધી પીચે દડો ફટકારનારા લાગ્યા હશે એ ચોક્કસ, પણ ગુરુવારે યશવંત સિંહાએ ચુનંદા શબ્દો સાથે વળતો દાવ બરોબરનો લીધો છે: ‘હું શલ્ય નથી, ભીષ્મ છું.’ અને પછી જે ઉમેર્યું છે તે તો અડવાણી સહિતના સર્વ પર બોલતી ટિપ્પણીરૂપ છે: ‘હું ભીષ્મ છું – પણ એવો ભીષ્મ જે અર્થનીતિનાં ચીરહરણ વેળાએ સભામાં મૌન રહી શકતો નથી.’ મોદી અને સિંહા વચ્ચેનો આ વાગ્મિતાવિનિમય – જો સિંહા આટલેથી જ ખરેખાત ન અટકવાના હોય તો દેશના જાહેર મતની દૃષ્ટિએ એક ખુશકિસમતી બની રહેશે.
અત્યારે જે અઢી માણસ, શૌરીના શબ્દોમાં, વડાપ્રધાન અને પક્ષપ્રમુખ ઉપરાંત અડધું જણ તે પેલા વકીલબાબુ, સંધું ય રોડવેગજવે છે એમને આપણી આર્થિક વાસ્તવિકતાની જમીની જાણકારી કોઇકે તો આપવી રહે છે. તમે છેલ્લા મહિનાઓની તવલીન સિંહની સાપ્તાહિક કોલમકારી જુઓ. એક કુલીન એવી કારુણિકા(અને પ્રહસનિકા)ના દોરમાંથી એ ગુજરી રહી છે. નેતા તો મોદી અને મોદી જ એકમાત્ર છે એ વિશે એ આરંભથી નિ:શંક છે. કરી શકે તેવો જણ તો આ જ છે એમ તવલીન અસંદિગ્ધ શબ્દોમાં લખતાં રહ્યાં છે. પણ આર્થિક બાબતોમાં જેમની સચ્ચાઈ (અને કોમી રાજકારણ) બાબતે નેતા કેમ અસરકારક નથી (કેમ અસરકારક થવા માગતા નથી) એ મતલબની ખાસી ભદ્ર ચિંતા અને કંઇક રુદ્ર ટિપ્પણી સોનિયાશાઇ દિલ્લી દરબારથી દાઝેલાં તવલીનની સતત જારી છે.
જે દિવસે કમ્પની સેક્રેટરીઝના રાવણા વાટે વડાપ્રધાન દેશજનતાને આશ્વસ્ત કરવાનો વ્યાયામ કરી રહ્યા હતા, બરાબર એ જ દિવસે રિઝર્વ બૅંકના ગવર્નર ઊર્જિત પટેલ એમના બે માસી આકલનમાં કહેતા ટંકાયા હતા કે 2017-18 માટે 7.3ના વૃદ્ધિદરની જે ગણતરી હતી તે સુધારવી રહેશે. હવે તે 6.9 ટકાની અંદાજવી રહેશે. યશવંત સિંહા અને પી. ચિદમ્બરમ બંને પૂર્વનાણાંમંત્રીઓ તો ક્યારનાયે 5.7 ટકાનો અંદાજ આપી ચૂક્યા છે. રિઝર્વ બૅંકના સુધારેલો અંદાજ એમના ભણી ઢળતો જણાય છે.
યશવંત સિંહા ભીષ્મની ઓળખ સુધારતાં સુધારશે. દરમ્યાન, ભાજપી દોરની વ્યક્તિકેન્દ્રી તાસીર વિશે મે 2014થી દો ટૂક શબ્દોમાં કહેવા માંડ્યું છે: નેતાને સહસા સપનું આવે છે, ‘સાક્ષાત્કાર’નું સત્ જાગે છે – ઇલ્હામ કહેતાં ‘રિવિલેશન’ની આ ક્ષણોમાં એ નોટબંધી જેવું ‘ભડ પગલું’ ભરે છે. માત્ર મારે (શૌરીએ) યાદ આપવું જોઈએ કે, એમ તો, આપઘાત પણ એક બહાદુરીભર્યું પગલું ક્યાં નથી. સીલ્ડ ઇકો-ચેમ્બરમાં બેઠા અઢી જણ ખુદ સરકારી આંકડાને મોદ તળે છુપાવી દે છે અને અવશ્યંભાવી આગેકૂચનો આત્મસંતોષી ઓડકાર લે છે. નોટબંધીથી નાનાં ને મધ્યમ સાહસોના જે ‘ખસ્તા હાલ’ થયા છે એ વિશે રિઝર્વ બૅંકની ખુદની નોંધ આ ઇકો-ચેમ્બરને બહારથી અફળાઈને પાછી પડે છે. ઇકોનોમિક સર્વે, આર.બી.આઈ. સર્વે, સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાનો હેવાલ – કશું જ નહીં વાંચતા હોય આ સાહેબલોગ, શૌરી પૂછે છે. જી.ડી.પી. આખો 3.7 ટકા થઈ ગયો છે, અને 2015-16માં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો ઇન્ડેક્સ 9 ટકે હતો તે 2017ના એપ્રિલ-જુલાઇમાં 1.7 ટકે ડચકાં ખાય છે. એમને આ કશું દેખાતું નથી, કેમ કે તેઓ એકબીજાને જ સાંભળે છે, બીજાને સાંભળે મારી બલા.
શો છે, ઉપાય એમની કને. ટીકાકારને ‘હતાશ’ કહી દો – એંશીમાં અરજદાર કહી ઉતારી પાડો: આ સ્તો એમની કને રામબાણ નંબર બે છે (રામબાણ નંબર એક તો અડવાણી હસ્તક નિ:શેષ થઈ ચૂક્યું છે.) અને ટીકાકારને ઉતારી પાડવાની કરતાલ સાથે કાંસીજોડાં કિયાં તે પણ શૌરી જાણે છે. એ છે, મોટા દઇતવાદ અને ઇવેન્ટ મેનેજમેન્ટ તેમ જ ગાજોવાજો ઘમકાવી લોકને અન્યથા અંધબધિર કરી મેલવું તે. સરદારના બાવલાની કથિત ઊંચાઈમાં ધરતી પરનું લોક કિસ ગિનતી મેં … સાદો હિસાબ છે, મારા ભૈ!
એકના એક દીનદયાલને નામે અંત્યોદયનો નારો ને નેજો આ મંડળી પાસે હોય તો પણ એની સામે એમની સઘળી આર્થિક નીતિઓ એકંદરે એક નાનકડા નવશ્રીમંત વર્ગની ફરતે કેન્દ્રિત વિકાસ ઉર્ફે કોર્પોર્મેન્ટ (કોપોરેટ વત્તા ગવર્નમેન્ટ) કરતાં વિશેષ કંઈ જ નથી. દીનદયાલના ચાહકો હોંશે હોંશે યાદ કરે છે કે રાજસ્થાનમાં પક્ષ (જનસંઘ) પાસે આખા આઠ જ ધારાસભ્યો હતા ત્યારે પણ એમાંના પાંચને દીનદયાલે પક્ષખારિજ કરતાં સંકોચ કર્યો નહોતો, કેમ કે એ શૂરા પાંચ જમીનદારી-જાગીરદારી નાબૂદીમાં અવરોધની ભૂમિકાએ ઊભા હતા. સામંતવાદી પરંપરામાં જમીનદારી-જાગીરદારીનું લોકશાહી ભયસ્થાન જેને સમજાયું હતું તે દીનદયાલ આજના કોર્પોરેટ કૈવલ્યવાદમાં નિરત-પ્રમત્ત વિધાનસભ્યો અને સાંસદોને કઈ રીતે મૂલવત? એમને આ વસ્તાર ગ્રાહ્ય હોત? અથવા, ખરું પૂછો તો આ વસ્તારને એ સોરવાયા હોત?
જમીનદારી-જાગીરદારી સામે લડ્યા હોઈશું ત્યારે લડ્યા હોઈશું. પણ આજે કોર્પોર્મેન્ટના સંદર્ભે ક્યા ઊભા છીએ આપણે? આ પ્રશ્ન જો નરસિંહરાવ – મનમોહનસિંહને પૂછવો લાજિમ હતો તો આજે તો એ દૈત્યકાય પરિમાણ ધારણ કરી રહેલ છે. મનમોહનસિંહના લાભાર્થીઅો મોદીના જાનૈયા માલૂમ પડે ત્યારે યશવંત સિંહા અને અરુણ શૌરીએ ઉઠાવવા જોગ સવાલોમાં આ તો પાશેરામાં પહેલી પૂણી માંડ છે. નમો તંત્રે નાલંદામાંથી જેમને દેશનિકાલ કીધા તે અમર્ત્ય સેન સાથે સિંહા અને શૌરીએ તેમ રઘુરામ રાજને સાર્થક સંવાદમાં ઊતરવાપણું છે … કાશ, દેશજનતા તેમને એ માટે બાધ્ય કરી શકે!
સૌજન્ય : ‘નારાબાજીની અસલિયત’, “દિવ્ય ભાસ્કર”, 07 અૉક્ટોબર 2017
અંદર તો
બધું અંદર જ.
અંદરનાં કપડાં
બાલ્કનીમાં
સૂકવવાનાં જ નહીં.
સાડા પાંચે
બાલ્કનીમાંથી
બહારનાં કપડાં
લઈ જ લેવાનાં.
છ વાગે
ચારે દીવાલોની
ગડી વાળી દેવાની
અને
તરત
બંધ બારીઓની
ગરમાગરમ ભારે ઈસ્ત્રી
તેનાં પર
ફેરવી દેવાની.
છ ને એક મિનિટે
અંધારું જોઈએ.
ન
દીવો જોઈએ
ના
દીવાનાં પ્રકાશે
પુસ્તક જોઈએ.
ના
ચર્ચા જોઈએ
ના
સભા જોઈએ
ના
સંવાદ જોઈએ
ના
વિવાદ જોઈએ.
છોકરાઓનું હસ્તમૈથુન ચાલુ રહેશે.
બનારસી પાન,
મર્દોકી શાન,
જય જય હિંદુસ્તાન !
૨૫ સપ્ટેમ્બર
(છેડતી સામે સુરક્ષાની માંગણી કરતી બનારસ હિંદુ યુનિવર્સિટીની છાત્રાઓ પર પોલીસ લાઠીચાર્જ)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 15