સલામ, સબકો સલામ
જેના હાથમાં ડંડો, એને સલામ
લાત પડવાની બીકથી, ડાબો હાથ ગાંડ પર રાખી
જમણા હાથે સલામ
સિંદૂર ચોપડેલા પથ્થરને સલામ
મંદિરના દેવોની ધાકને સલામ
દેવ અને ધર્મનો કંત્રાટ લેનારાને સલામ
ખાલી હાથમાંથી અંગારો કાઢનારાને સલામ
શનિને સલામ, મંગળને સલામ
ભાષણોના, સભાઓના રિપોર્ટ છાપનારાને સલામ
છાપાના માલિકોને સલામ
એમની નથ પકડનારા રાજ્યકર્તાઓને સલામ
ભીડને ડોલાવનારા જાદુગરોને સલામ
લોકશાહીને સલામ, ઠોકશાહીને સલામ
સત્તાની ટ્રક હાંકનારાંને સલામ
ટ્રક નીચે કચડાતાં અળસિયાં, કૂતરાંને સલામ
તમામ રંગોના તમામ ઝંડાઓને સલામ
બોચી પકડનારા બધા હાથોને સલામ
અદૃશ્ય મુક્કાને સલામ
સલામ, ભાઈઓ ઔર ભેંનો, સબકો સલામ
સત્તા, સંપત્તિના ભડવાઓનો દેશ કહું
તો માથું ભાંગી નાખશે
હલકટ, લાચારોનો દેશ કહું
તો રસ્તા પર ફટકારશે
વેચાઉ લોકોનો દેશ કહું
તો રસ્તા રોકશે
દેવ કે ધર્મ વિશે ઘસાતું બોલું
તો નાકા પર પકડીને ઠોકશે
માટે પહેલાં આ મારા નપુંસકત્વને સલામ
અને તે પછી, અલબત્ત
આ મારા પરમ પવિત્ર, સુઉદાત્ત, સુમંગલ દેશને સલામ
આ મહાન દેશની મહાન પરંપરાને સલામ
અનેક હાથ હોત, તો અનેક હાથે સલામ કરત
પણ માફ કરજો ભાઈઓ,
હાથ તો બે જ છે, અને એમાંનો ડાબો
લાત પડવાની બીકથી, રાખ્યો છે ગાંડ ઉપર
માટે માત્ર જમણા હાથે સલામ
ભાઈઓ ઔર ભેંનો, સબકો સલામ!
(મરાઠીમાંથી અનુવાદ : વિવેક કાણે, ટૂંકાવીને.)
રીંગણાં લઉં કે બે-ચાર?
શેરીને નાકે એકાદ ગરીબડો માણસ બેઠો હોય છે. લઘુતાગ્રંથિ એનામાં એવી ઘર કરી ગઈ હોય છે, કે પસાર થતા દરેકને તે – ઓળખ્યા પારખ્યા વિના – સલામ કરતો રહે છે. એવા ડરી ગયેલા માણસનું આ કાવ્ય છે. – આ શબ્દોથી પાડગાંવકરે પોતાની કૃતિનો પરિચય આપ્યો છે. ‘સલામ’ કાવ્યનો માત્ર ટૂંકો અંશ અહીં લીધો છે. સુરેશ દલાલ કહે છે કે વિષ્ણુના સહસ્ર નામ બોલતાં જઈને પ્રત્યેક પછી ‘સ્વાહા’નો પાઠ કરીએ, તેમ અહીં ‘સલામ’નો પાઠ થતો રહે છે. શોષણનો ઇતિહાસ મનુષ્યજાતિના ઇતિહાસ જેટલો જ જૂનો છે. કવિ શોષકોનો તિરસ્કાર કરવાને બદલે ‘સલામ’ કહીને પુરસ્કાર કરે છે, આમ કટાક્ષથી કાવ્ય સિદ્ધ થાય છે.
સરકારની અને સૈન્યની ભાષા હિંદી હોવાથી આ મરાઠી કાવ્યનો આરંભ હિંદી શબ્દોથી થાય છે, ‘સલામ, સબકો સલામ.’ કોઈ લઘરવઘર માણસ દેખાય તો વાંકગુના વગર પણ હવાલદાર એને ડંડો ઠોકી દે છે, હાથમાં હાથ પરોવતાં પ્રેમીઓની રેવડી દાણદાણ કરી નાખીને ખંડણી વસૂલી લે છે.
પથ્થર પર સિંદૂર ચોપડીને ફૂલહાર પહેરાવવામાં આવે, તો લોકો કલાક-બે કલાકમાં દાનદક્ષિણા ચડાવતાં થઈ જાય છે. બીજાનાં માથાં પથ્થરથી ફોડ્યા પછી, પોતાનું માથું પથ્થર પર ટેકવે, એવા માણસોનો આ દેશ છે. ધર્મમાં આનંદ નહિ પણ આતંક હોય, તો જ ધર્મના કોન્ટ્રેક્ટરોનો ધંધો ચાલે. (’કંત્રાટ’ ’ભેનોં’ શબ્દોથી ઓછું ભણેલા વર્ગનું સૂચન થયું છે.)
શેક્સપિયરનાં નાટકોનું જેમણે મરાઠીમાં રૂપાંતરણ કર્યું છે તેવા વિદ્વાન સર્જક પાડગાંવકર અપશબ્દો વાપરે તે કલ્પી ન શકાય, પણ સફેદપોશ બદમાશોની બોલબાલા જોઈને તેમનો પુણ્યપ્રકોપ ભભૂકે છે. તેમની સામે પડવાની હિંમત ન હોવાનું કબૂલીને કવિ પોતાના નપુંસકત્વને પણ સલામ ભરે છે. દેશનું ગૌરવ કરતાં વિશેષણો (પરમ પવિત્ર, સુઉદાત્ત, સુમંગલ) અહીં એટલાં વિસંગત લાગે છે, કે આપણી ‘મહાન’ પરંપરા પોકળ હોવાનું ભાન થાય છે. ગમે તે ઘડીએ લાત પડશે એ ભયે કાવ્યનો નાયક માત્ર એક હાથે સલામ કરે છે. આવી ટ્રેજિકોમિક (કરુણગર્ભ રમૂજવાળી) પરિસ્થિતિ વચ્ચે કાવ્ય પૂરું થાય છે.
‘રીંગણાં લઉં કે બે-ચાર?’ એમ પૂછીને દલા તરવાડી પોતે જ જવાબ આપે છે, ‘લેને, દસ-બાર!’ રીંગણાચોરોને કૂવામાં દસ-બાર ડુબકાં ખવડાવે એવા વશરામ ભૂવા ક્યાં છે?
‘સલામ’ નામના પાડગાંવકરના કાવ્યસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
− ઉદયન ઠક્કર
સૌજન્ય : “નિરીક્ષક”, 26 માર્ચ 2018; પૃ. 16
આ सलाम કવિતાનો પાઠ, ખુદ કવિ મંગેશ પાડગાંવકરને કંઠે માણીએ :-
https://www.youtube.com/watch?v=VmhjVAiICzU