કુદરત અને માણસના સહઅસ્તિત્વની સમજ દુનિયાને બચાવી શકશે
करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् ।
वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि ॥
વડનાં પાંદડાના ઉલ્લેખવાળો આ શ્લોક કૃષ્ણ ભગવાન પરનાં સ્તોત્રોમાં જાણીતો છે (અને એટલો જ જાણીતો છે ઘણા લોકોનો વટવૃક્ષ માટેનો અભાવ પણ). તેમાં વડનાં પાન પર સૂતા હોય તેવા બાળકૃષ્ણની કલ્પના છે. વડની સાથે માર્કણ્ડેય પુરાણની પ્રલયકથા જોડાયેલી છે. તેમાં ખુદ ઇશ્વર પાંદડા પર બાળકૃષ્ણનું રૂપ લઈને પ્રલયમાંથી સકલસૃષ્ટિને તારવા આવ્યા છે. પ્રલયમાં ય વટવૃક્ષ અડીખમ છે. ક્લાઇમેટ ચેઇન્જને કારણે ધીમે ધીમે આવી શકનારા પ્રલયમાં ય વૃક્ષો જ વિશ્વને વિનાશમાંથી બચાવી શકવાનાં છે. સંસ્કૃિતએ સંખ્યાબંધ વનસ્પતિને ધર્મ સાથે જોડી છે. ‘ગીતા’ના દસમા અધ્યાયના વિભૂતિયોગમાં ભગવાન કહે છે ‘અશ્વત્થ સર્વ વૃક્ષાણામ્’. પંદરમા અધ્યાયના ‘પુરુષોત્તમયોગ’માં અશ્વત્થ એટલે કે પીપળાને સંસારનું પ્રતીક ગણીને ‘ઉર્ધ્વ મૂલ: અધ: શાખા’ એવી કલ્પના છે.
આપણા બધાં દેવતા વનસ્પતિને ચાહે છે. જેમ કે, કૃષ્ણ તુલસીને, મહાદેવ બિલીને, હનુમાનજી આકડાને, લક્ષ્મીજી કમળને. ગણપતિને તો એક નહીં એકવીસ વનસ્પતિ ગમે છે. તેને મરાઠીમાં ‘પત્રી’ કહે છે. તેમાં ધરો કહેતાં દુર્વાંકુર એટલે ઘાસના એક પ્રકારનો પણ સમાવેશ છે. ઘાસ વગર આપણે ભાગ્યે જ જીવી શકીએ કારણ કે ઘઉં, ચોખા, બાજરી જેવાં ધાન એ ઘાસના પ્રકાર છે ! વનસ્પતિ અને પ્રાણીઓને ભારતીય સંસ્કૃિતએ દેવતાઓ સાથે જોડ્યાં છે પ્રભુ અને પ્રકૃતિના આ જોડાણની પાછળ તેમના રક્ષણની ભૂમિકા છે. દરેક ઘર ભલે વર્ષમાં એક વખતની પૂજા માટે પણ તેના ભગવાનને ગમતાં ફૂલ-છોડ-ઝાડ ઊગાડે તો ધરતી ન્યાલ થઈ જાય. કમનસીબે વિધિવિધાનનો આ અર્થ પકડાતો નથી. આપણા લોકો દેવસ્થાનો બાંધવા-વધારવામાં લખલૂટ ખર્ચ કરે છે, રસ્તા વચ્ચે દેરીઓ અને મજારો બાંધે છે.પણ જેમાં સંસ્કૃિતએ ભગવાન જોયા છે તે, વૃક્ષ-વનસ્પતિને ભૂલે છે, એટલું જ નહીં તેને સતત દૂર પણ રાખે છે. ખરેખર તો એક વૃક્ષ કાપવું એ એક મંદિર તોડવા બરાબર ગણાય. આપણે ઠેરઠેર છોડની દેરીઓ અને વૃક્ષરૂપી મંદિર-મસ્જિદની જરૂર છે.
અલબત્ત, ધાર્મિકતાથી દૂર જઈને કેવળ માનવજીવનની રીતે જોઈએ તો પણ વૃક્ષોની અનિવાર્યતા સમજાય. વૃક્ષો અંગારવાયુ શોષીને પ્રાણવાયુ આપે, છાંયડો ધરે, ગરમી ઘટાડે, વરરસાદ લાવે, જમીનનું ધોવાણ અટકાવે, ફળ આપે, અનેક જાતનાં ઇલાજો-ઓસડો પૂરાં પાડે, તેની ઉપર વિશાળ જીવસૃષ્ટિ વિકસે – વૃક્ષો વિશે આવી સાદી પાયાની માનવીય સમજ પણ આપણે ગુમાવતા જઈ રહ્યા છીએ. એની જગ્યાએ આવી છે કેવળ જડતા – પાંદડાંનો કચરો થાય (પ્લાસ્ટિક, ઇ-વેસ્ટ, પૅકિંગ મટિરિયલનો નહીં), ઝાડનાં મૂળ ઇમારતના પાયામાં પેસે (જાણે બાંધકામ પદ્ધતિમાં એનો કોઈ વિકલ્પ ન હોય), એ મકાનને નુકસાન કરે ( જાણે એ મિસાઈલ હોય).
હમણાં વળી વારંવાર એક દલીલ આવે છે : ‘ઝાડ ટ્રાફિકને નડે તો કાપી નાખવાં પડે’. આ વાત અવિચારી છે. ટ્રાફિક સમસ્યા વૃક્ષોને લીધે હોત તો જ્યાં જ્યાં વૃક્ષો નથી ત્યાં ત્યાં ટ્રાફિક સમસ્યા ન હોવી જોઈએ. પણ એમ નથી બનતું. શાસકોએ વૃક્ષો હઠાવ્યાં, રોડ પહોળા કર્યાં, ફ્લાયઓવરો બાંધ્યાં, ટ્રાફિક સર્કલ બનાવ્યાં, કૅમેરા લગાવ્યા, ઇ-મેમો મોકલ્યા, સપ્તાહો ઊજવ્યાં … પણ સમસ્યા તો કિલોમીટર સુધી એકે ય વૃક્ષ ન હોય તેવાં રસ્તાઓ પર પણ વધતી જ રહી. ઝાડ નહીં આડેધડ પાર્કિંગ રસ્તાને સાંકડા બનાવે છે. લગભગ દરેક કૉમર્શિયલ બાંધકામમાં પાર્કિંગ માટે ફાળવવાની જગ્યાના નિયમનો છડેચોક ભંગ થાય છે. સત્તાવાળા તેના માટે પૈસા ખાય છે. રસ્તા પહોળા કરતી વખતે વગદારોનાં ગેરકાયદે બાંધકામો અને એક્સટેન્શન્સ, ટ્રાવેલ્સવાળા સહિત કેટલા ય ધંધાદારીઓએ કરેલાં દબાણ હઠાવી શકાતાં નથી. હઠાવવામાં આવે છે તે હંમેશની જેમ અવાજ વિનાનાં ગરીબ શ્રમજીવીઓને, તેમ જ ઝાડને. ખરેખર તો દુનિયાને ટકાવવા માટે બંને અનિવાર્ય હોવા છતાં! આપણે આ બંનેને ટ્રાફિક માટે જવાબદાર ગણીએ છીએ. ખરેખર તો બાંધકામ અને જાહેર વાહનવ્યવહારના નિયમો અંગે ચોંપ રાખવી એ નાગરિક તરીકેની આપણી જવાબદારી બને છે. પણ ઝાડ અને ફૂટપાથ બજારોને દોષ દઈને આપણે તેમાંથી છટકી જઈએ છીએ.
બીજી એક દલીલ થાય છે તે માણસની જિંદગી અને જાયદાદ કરતાં ઝાડપાન-પ્રાણીઓ મહત્વનાં હોઈ ન શકે. રસ્તો પહોળો કરવા માટે લોકોનાં ઘર અને દુકાનો ગયાં છે તેમને બચાવવા કોઈ આવતું નથી. તેમને પૂરું વળતર મળતું નથી. આ દલીલ સાચી હોય, તે માટે લાગણી અને તેની તરફદારીય હોય. પણ તેને જ્યારે બંધો અને હાઇવે સહિતની, સત્તા અને શહેરલક્ષી મોટી યોજનામાં જમીનો ગુમાવનારની બાબતમાં મૂકવામાં આવે ત્યારે તેને વિકાસ વિરોધી ગણવામાં આવે છે. અહીં ઝાડ કાપવા માટે થઈને મકાનો-દુકાનો ગુમાવનાર માટે ફટકાબાજ દલીલો કરનારા એકાએક વંચિતોના અને વિકાસના બંનેના એક સાથે ટેકેદાર ગણાઈ જાય છે. બાય ધ વે, ઝાડનાં રિપ્લાન્ટેશનનું ગાજર આપણે ત્યાં ગળે ઊતરે તેવું નથી.
હકીકત એ છે કે માણસ અને કુદરત બંનેનું એક સરખું જ મહત્ત્વ છે એ સમજવામાં આવશે તો જ બંનેનું અસ્તિત્વ ટકી રહેશે. ગિરનાં સિંહ, નળસરોવરનાં કે થોળનાં પક્ષી, સારિસ્કાના કે કાન્હાનાં વાઘ એ માત્ર બેફામ શોખિયા ટુરિઝમ માટે નથી. વિશ્વ ચકલી દિવસ માત્ર જીવદયાના ઊભરા માટે નથી. ઝાડ હશે તો જ ચકલી હશે, જળાશયો હશે તો જ પક્ષીઓ હશે, જંગલ હશે તો જ વાઘ-સિંહ હશે, અને બધાં જ પ્રકારનાં ઝાડ હશે તો જ માણસ હશે. શહેરોમાં બહુ મોટાં પ્રમાણમાં કપાતાં હોય, ઊનાળામાં આગ વરસતી હોય તો પણ મકાનમાં રહેનારા ને નોકરીધંધો કરનારા તો ટકી જાય. પણ હજારો મજૂરો-મહેનતકશો, ફેરિયા-ફરંદા, બેનામ-બેઘર આ બધાંને માટે તો વૃક્ષ એ જ હોમ, ને એ જ વર્કપ્લેસ. ખરેખર તો આપણાં ગુજરાતની જમીન અને આબોહવા અનેક વૃક્ષોને અનુકૂળ છે – આસોપાલવ, આંબલી, આંબો, કણજી, ગરમાળો, ગુલમહોર, ચંપો, પીપળો, પેલ્ટોફોરમ, બોરસલ્લી, લીલી બદામ, વડ. પણ આ ઝાડ એક પછી એક બહુ ઝડપથી ઘટતાં જાય છે.
વડ તો લીમડાની જેમ જ ગામનો વૈદ્ય છે. તે ઓછામાં ઓછો એક ડઝન દરદોનો દાક્તર છે. વળી, બારેમાસ લીલો રહેનારો, ગરમી અને સૂકાશનો ભોગ ન બનનારો, મજબૂતીથી સદીઓ વટાવી જનારો આ વૃક્ષરાજ છે. તે આપણું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે. પુરાણોએ વડને દેવપદ આપ્યું છે, લોકમુખે તેને વડીલપદ મળ્યું છે – વડદાદા! બરગદ એ બિનશહેરી વિરાસતનો મોટો હિસ્સો છે તેનો અંદાજ ગામનામો પરથી આવે છે. ગુજરાતનાં સિત્તેરથી વધુ ગામનાં નામ ‘વડ’ થી શરૂ થાય છે. મહારાષ્ટ્રમાં પણ વડ શબ્દ ધરાવતાં ગામનામ મોટી સંખ્યામાં છે. દેશમાં જ્યાં ભાગ્યે કોઈ ગામ કે નગર હશે કે જ્યાં વડ ન હોય. અમદાવાદમાં પાંચેક હજાર જેટલા વડ હોવાની માહિતી અમદાવાદ મહાનગર પાલિકાના બગીચા વિભાગના નિયામક જિજ્ઞેશ પટેલે એક અખબારને વસ્ત્રાપુરનાં વડને લગતા સમાચારમાં જણાવ્યું હતું. તેમણે વધુ ખુશીની વાત તો એ કરી હતી કે ‘એમાંથી એક પણ વડનો ઘટાડો અમે ઘટવા નહીં દઈએ.’
*********
૨૮ માર્ચ ૨૦૧૮
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 30 માર્ચ 2018