ગાંધી ૧૫૦ સમયે એક જુવાળ ઊભો થયો છે, જે સામાન્ય છે. સોડા બોટલ ફોડીએ તો ગૅસના પરપોટા ઉપર આવે અને પછી બધું શમી જાય. ગાંધી-શતાબ્દીમાં એવું થયું અને ગાંધી ૧૨૫માં પણ એવું જ થયું, ગાંધી ૧૫૦માં એવું જ થવાનું. બાપુ લોકોના હૃદયમાં તો છે, પણ અંગત વ્યવહારમાં આત્મસાત્ નથી થતા. આ પ્રસંગે પણ કાર્યક્રમો ઘણા થશે. સરકારી કાર્યક્રમો પણ ભવ્ય હશે અને બીજી સંસ્થાઓ જે ગાંધીવિચારની સંસ્થાઓ કહેવાય છે, તે સમુદાય પણ પોતાની શ્રદ્ધા અને સંસાધનોની મર્યાદામાં કાર્યક્રમો ગોઠવશે.
ગાંધીજયંતી પસાર થઈ જશે અને પછી આપણે સૌ આપણે રાહે. એક વાતનો વસવસો રહી જાય છે. અમદાવાદ ગાંધીજીના આશ્રમ અને ગઢ રહ્યું હતું. કોચરબ આશ્રમ(૧૯૧૫)થી સાબરમતી આશ્રમ સંકુલ (૧૯૧૭), ગૂજરાત વિદ્યાપીઠ (૧૯૨૦), નવજીવન પ્રકાશન મંદિર, મજૂર મહાજન જેવી સંસ્થાઓ અને દેશભરમાં અને વિશેષ તો સેવાગ્રામ આશ્રમ અને વર્ધામાં બાપુના સમયની કેટકેટલી સંસ્થાઓ, આ બધાનું હીર, અલબત્ત ઝાંખું ઝાંખું, પણ ઝળકે તો છે. યુદ્ધિષ્ટરનો રથ તો ધરતીને અડકી ગયો છો (જો કે ગાંધી તો ધરતીના જ માણસ હતા). પણ આવા એક સમયે આ સઘળી સંસ્થાઓના કાર્યકરો નમતા સૂરજની સાખે બાપુના સાબરમતી આશ્રમમાં અથવા સેવાગ્રામ આશ્રમમાં મોટી સંખ્યામાં એકઠાં થઈ હાથમાં દીવો લઈ દેશને સંદેશો આપી શક્યા હોત કે ‘બધું બરાબર નથી’.



જે વ્યક્તિએ પ્રેમબળની મદદથી દેશના પ્રત્યેક વર્ણ, ધર્મ, ભાષાના લોકોને નજીક લાવવા સામી છાતીએ ગોળીઓ ઝીલી પ્રાણનું નૈવેદ્ય ચડાવ્યું, તે બાપુનો દેશ આજે ઘૃણા અને હિંસામાં નવેસરથી તરબોળ થઈ માનવતાને પીંખી રહ્યો છે. આવા સમયે વિકાસ અને સમૃદ્ધિના નામે થઈ રહેલા શરીરકેન્દ્રી આધુનિક 'સુ'ધારાની પહાડ જેવી ભૂલ તરફ પુન:નિર્દેશ સાથે ગ્રામ સમાજ અથવા વિકેન્દ્રિત સમાજ માટે અમે ઊભા છીએ, એવી વાત જનતા સામે મૂકી હોત, તો તે બાપુને ૧૫૦માં વર્ષે યોગ્ય શ્રદ્ધાંજલિ આપી કહેવાત. સાથે આવનાર સમયમાં ગાંધીદર્શન અને વ્યવહારના માનનાર વ્યક્તિઓ ઈમાનદારીપૂર્વક પોતાનાથી શરૂઆત કરી સમાજપરિવર્તન અંગેનો સંકલ્પ કરશે, ઉપરાંત સરકાર અને સમાજ બીજી દિશામાં જાય તો તેની સામે સત્યાગ્રહ કરવાનો નિર્ધાર કર્યો હોત તો બાપુને સાચી શ્રદ્ધાંજલિ કહી શકાત. મારી કોશિશ ચાલે છે અને ચાલતી રહેશે. અલબત્ત ગાંધી સાથે સહમત થઈને કે ‘મો સમ કૌન કુટિલ ખલ કામી …’
જાણીતા હિંદી ગઝલકાર દુષ્યંત યાદ આવે છે, ‘હો ગઈ હૈ પીર પર્વતસી, અબ પિઘલની ચાહિયે,’ પણ ગંગા અવતરણ થાય તેવો હિમાલય કયાં? સિત્તેર બોંત્તેર વરસથી હિંદુસ્તાનમાં આપણી જ સરકાર છે. પણ તેનું વલણ શું? તે તો ભવ્યતામાં પડી જણાય છે, બધું ભવ્ય, ઝાકઝમાળવાળું. સેલફોનની ઘંટડીઓ રણકે છે, સામેથી પૂછાય છે કે 'સાબરમતી આશ્રમ વર્લ્ડક્લાસ સ્મારક બનવા જઈ રહ્યો છે? સરકાર બધી જમીનો લઈ લેવાની છે? વારસમાં મળેલા મકાનો અને નિશાનીઓ ધરાશાયી થઈ આધુનિક સ્મારકોનું નિર્માણ થવાના ભણકારા છે. તમારે શું કહેવું છે? તમે તો ગાંધીવાળા કહેવાઓ. હું શું કહું? પહેલાં તો એ કે રાજ્ય કે સરકાર ગાંધીજી જે સ્થાવર થાણાં મૂકી ગયા છે આપણા વારસામાં, તે અનામતને સાચવશે જ એવી સમજ અને અપેક્ષા પૂરેપૂરી છે. એમાં ક્યાંય સમજફેર હોય તો નમ્ર વિનંતિ કે એ વારસાને યથા સ્વરૂપે સાચવે કારણ કે આજે પણ લોકો હજારોની સંખ્યામાં આ મહાન આત્માના સ્થળેની તીર્થયાત્રા કરી માથું નમાવવા આવે છે. સુખદ આશ્ચર્ય અને સદ્બભાવનો પ્રસાદ લઈને જાય છે.
અલબત્ત, હવે સાબરમતી આશ્રમ સ્મારક જ રહી ગયો છે, જીવંત આશ્રમ નથી. ગાંધીજી બાદની પેઢીઓમાં કૌવત રહ્યું નહીં કે ગાંધીદર્શનના નમૂનાને જીવંત રાખી દુનિયા સમક્ષા રજૂ કઈ શકે. અગાઉ જણાવ્યા અનુસાર કોઈ સંસ્થા આમ કરી શકી નથી. પરંતુ પ્રેરણા તો સ્મારકમાંથી પણ મળી શકશે. આશ્રમમાર્ગ પર સાત સિતારા હૉટેલ આવી ગયી છે. શરીરસુખ માણવાના દરેક કરણ-ઉપકરણ ઉપલબ્ધ છે. રોજે રોજ એક-બે બી.એમ.ડબલ્યુ. પણ પસાર થઈ જાય છે. આ માર્ગ બંધ થાય અને ગાંધીનો આ સાબરમતી આશ્રમ એક શાંત અને નિર્મળ સ્મારક સ્થળ બને, જ્યાં પ્રવાસી આવીને ગાંધીયુગની કલ્પના કરી શકે અને જરૂર લાગે તો ધ્યાન કરી શકે, સ્વને ઢઢોંળી શકે, ખોજ કરી શકે કે શું એ બાપુની વાતોની નજીક છે? આ અંગે કોઈ એક એક સંકલ્પ લઈને જઈ શકે. હાલ આ સંસ્થાઓના સંચાલકો (જેમાં હું સામેલ છું) આવું ભારપૂર્વક કહી અને કરી શક્યા નથી. પણ એ નિર્વિવાદ કે એવું થવું જરૂરી છે. આપણે નવેસરથી પ્રયાસ આદરવાની આવશ્યકતા છે. બને તો બાપુના સ્વપ્નના અહિંસા સમાજના નિર્માણ માટે જરૂરી રચનાત્મક કાર્યક્રમોને નવા સ્વરૂપે પુન: ચલાવવાનો પ્રયત્ન થવો જોઈએ.
પરંતુ ભવ્યતાના નામે તો ‘વર્લ્ડક્લાસ’ મેમોરિઅલ બનાવવાની કોઈ યોજના હોય અને જો ગાંધીજીના જીવન અને દર્શન અંગે શૂન્યવત્ સમજ ધરાવનારા સ્થપતિઓ, વિદ્વાનો અને કલાકારો પોતાના આગવા સૌંદર્યબોધ લઈ દુનિયાને આંજી નાખે એવું સ્મારક, મૂળ સ્થાવર વારસો રાખીને પણ, કરવાના હોય તો ભલે દૃષ્ટિ કોઈની પણ હોય, મારો નમ્ર પણ દ્રઢ વિરોધ નોંધાવું છું. બાપુના આ સ્મારકમાં કોઈ સ્થાવર બાંધકામ ઊમેરવાની જરૂર નથી. જે કંઈ કુરૂપતા અણસમજથી આવી ગઈ છે તે દૂર કરી, ગાંધીજીના સૌંદર્યબોધને પુષ્ટ કરનારી નવી સર્જનાત્મકતા ઉમેરાય તેવુ કરવું એ આપણી અંજલિ છે. તેમાં સાદાઈ, નિર્મળતા અને પ્રકૃતિ સાથે કોમળતાભર્યો વ્યવહાર હશે. સંગેમરમરનો તાજમહલ દુન્યવી અજાયબી ભલે હોય, પણ મારે તો સાહિર લુધિયાન્વીને યાદ કરવા પડે :
ताज तेरे लिये इक मज़हर-ए-उल्फ़त ही सही
तुझको इस वादी-ए-रंगीं से अक़ीदत ही सही
मेरी महबूब कहीं और मिला कर मुझ से!
એવું જો થાય તો ગાંધીનું સ્મારક વર્લ્ડક્લાસ નહીં હોય, પણ શું તેને વર્લ્ડક્લાસ બનાવવાની જરૂર ખરી?
e.mail : sudarshan54@gmail.com
![]()


મારી જાણકારી મુજબ દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં મળીને ગાંધીજીની હત્યા કરવાના નવ પ્રયાસ કરવામાં આવ્યા હતા, અને દસમાં પ્રયાસમાં તેમને ગાંધીજીની હત્યા કરવામાં સફળતા મળી હતી. આ દસ પ્રયાસ ૧૯૦૮થી ૧૯૪૮ એમ ચાળીસ વરસમાં કરવામાં આવ્યા હતા. આ તો ગાંધીજીના દેહનું ખૂન કરવાની વાત થઈ. તેમના ચારિત્ર્યનું ખૂન કરવાના પ્રયાસોનો તો કોઈ આંકડો જ નથી. નનામા પત્રો, ખોટા નામે લખવામાં આવેલા લેખો, નનામાં ચોપાનિયાં અને ભીંતપત્રો તેમ જ ભીંતચિત્રોની સંખ્યા ગાંધીજીની હયાતીમાં જ હજારોમાં હતી. ઓછામાં ઓછા એકાદ હજાર નનામા પત્રો અને લેખોનો ઉલ્લેખ તો ગાંધીજીના અક્ષરદેહમાં મળે છે. આ ઉપરાંત ટ્રેનમાં, પાર્કમાં, કેન્ટીનમાં, શાળાના વર્ગમાં, પિકનિકમાં કે જ્યાં મોકો મળે ત્યાં ગાંધીજી વિશેની ખોટી વાત વહેતી કરવાની કોશિશો લાખોમાં હશે. સોશ્યલ મીડિયા આવ્યા પછી તો આવા આંકડા દસલક્ષ(મિલિયન્સ)માં પહોંચી ગયા છે.

ગાંધીજીએ કહ્યું કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અને હંમેશાં અન્યાય અને શોષણ સામે લડી શકાય અને તેને દૂર કરી શકાય છે. એને માટે બે જરૂરિયાત છે. એક આપણે માણસ તરીકે સદાય જાગૃત રહીએ અને માત્ર માણસ તરીકે સંગઠિત થઈએ. જ્યારે પણ માણસને એમ લાગે કે મારું શોષણ થઈ રહ્યું છે કે ચોક્કસ સમૂહનું શોષણ થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે; ત્યારે સત્યને વફાદાર રહીને અવાજ ઉઠાવવો જોઈએ અને જોઈએ તો રસ્તા પર ઊતરીને આંદોલન કરવું જોઈએ. પ્લીઝ નોટ, સત્યને વફાદાર રહીને, અંગત કે વ્યક્તિના પોતાના સમૂહ(જ્ઞાતિ-ધર્મ-વંશ-ભાષા વગેરે)ને વફાદાર રહીને નહીં. આમાં ફાયદો એ છે કે તમે પોતે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે સતત વ્યવસ્થાને સુધારતા રહેશો. કોઈ મસીહાની, ભલા શાસકની કે ક્રાંતિની રાહ જોઇને બેસી નહીં રહેવું પડે.

ગાંધીજીએ બીજી એક રીતે પણ ગુજરાતી ભાષાને દેશ અને વિદેશમાં અનેક સ્થળે ગુંજતી કરી છે. આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાનું પદ ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાંધીજીનું અત્યંત પ્રિય ભજન હતું. સાબરમતી આશ્રમની સવારની પ્રાર્થનામાં તે નિયમિત રીતે ગવાતું. તેનું પહેલવહેલું રેકોર્ડિંગ ૧૯૦૭માં બહાર પડ્યું હતું. તે પછી આજ સુધીમાં એમ.એસ. શુભલક્ષ્મી અને લતા મંગેશકર, પંડિત જસરાજ, કૌશિકી ચક્રવર્તી, અનુપ જલોટા, બોમ્બે જયશ્રી, શ્રેયા ઘોષાલથી માંડીને અનેક અજાણ્યા, ઓછા જાણીતા, જાણીતા, અને વિખ્યાત ગાયક-ગાયિકાએ આ ભજન ગાયું છે. વિદેશના પણ અનેક કલાકારો આ ગીત ગાઈ ચૂક્યા છે. અનેક સભા, સમારંભ, કાર્યક્રમમાં તે ગવાતું રહે છે. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જુદા જુદા ૧૨૪ દેશના કલાકારોએ ભેગા મળીને આ ગીત ગાઈને રેકોર્ડ કર્યું છે. ગાંધીજીને કારણે આ ગીત લોકપ્રિય થયું તે પહેલાં ગુજરાતમાં – ખાસ કરીને કાઠિયાવાડમાં – નરસિંહનાં બીજાં પદોની સાથે તે પણ ગવાતું. પણ ગાંધીજીએ આ ગુજરાતી ગીતને અને નરસિંહ મહેતાને એક અનન્ય ઓળખ આપી. તેમણે ગુજરાતી ભાષાના શબ્દોને આ ગીત દ્વારા અનેક દેશોમાં ગુંજતા કર્યા.
પણ ગાંધીજીની પ્રેરણાથી, તેમના આગ્રહથી, તેમની દેખરેખ નીચે ગુજરાતી ભાષા અંગે જે એક મોટું કામ થયું તે તો જોડણીની એકવાક્યતા સિદ્ધ કરવા માટે તૈયાર થયેલ ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ.’ ૭ એપ્રિલ ૧૯૨૯ના ‘નવજીવન’માં ગાંધીજીએ લખ્યું હતું: “નાક વિનાનું મનુષ્ય જેમ શોભે નહિ, તેમ જોડણી વિનાની ભાષાનું સમજવું”. આ અર્થમાં ગાંધીજીએ આપણી ભાષાનું નાક રાખ્યું. અલબત્ત, ગુજરાતી જોડણીમાં એકવાક્યતા લાવવા માટેનો તેમનો પ્રયત્ન પહેલો નહોતો. ૧૯મી સદીમાં મુદ્રણ અને છાપેલાં પુસ્તકો, સામયિકો, અખબાર, આવ્યાં ત્યારથી એ દિશામાં વખતોવખત પ્રયત્નો થયા હતા. પણ તેમાંના કોઈ પ્રયત્નને ઝાઝી સફળતા મળી નહોતી. પરિણામે કેપ્ટન જર્વિસ, સર થિયોડોર હોપ, રેવરન્ડ જે.એસ.વી. ટેલર, કવિ નર્મદાશંકર, વગેરેના પ્રયત્નો અમુક નાનકડા વર્ગ પૂરતા જ મર્યાદિત રહ્યા હતા. જ્યારે ગાંધીજી પ્રેરિત ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશને ધીમે ધીમે વ્યાપક માન્યતા મળી. ૧૯૨૯માં તેની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે તે માત્ર ‘જોડણીકોશ’ હતો, ‘શબ્દકોશ’ નહિ. એટલે કે તેમાં શબ્દોના અર્થ આપ્યા નહોતા, માત્ર સાચી-જોડણી જાણવા માટે જ તેનો ઉપયોગ થઇ શકે તેમ હતું. પછી જ્યારે ૧૯૩૧માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે તેમાં શબ્દોના અર્થ ઉમેરવામાં આવ્યા, અને એટલે તે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ બન્યો. પણ વિદ્યાપીઠના આ કોશને વ્યાપક માન્યતા મળી તે તો ૧૯૪૦માં તે વખતની મુંબઈ સરકારે લીધેલા એક નિર્ણયને પ્રતાપે. એ નિર્ણય અનુસાર સરકારે એવો હુકમ બહાર પાડ્યો કે ભવિષ્યમાં ‘જોડણીકોશ’માં નક્કી કરાયેલી જોડણીને અનુસરે એવાં જ પુસ્તકોને પાઠ્યપુસ્તકોની મંજૂર થયેલી યાદીમાં મૂકવામાં આવશે.” એ વખતે સરકારે પાઠ્યપુસ્તકો તૈયાર અને પ્રગટ કરવાનું અવિચારી સાહસ કર્યું નહોતું. ખાનગી પ્રકાશકોનાં મંજૂર થયેલાં પુસ્તકો શાળાઓમાં વપરાતાં. કોઈ પણ પુસ્તક પાઠ્યપુસ્તક બને તો તેનું વેચાણ ઘણું વધી જાય. એટલે કોઈ પ્રકાશકને આ હુકમની અવગણના કરવી પાલવે તેમ નહોતું. એટલે ‘જોડણીકોશ’ની જોડણી અપનાવ્યા સિવાય તેમનો છૂટકો નહોતો. અંગ્રેજીમાં જેને રિપલ ઈફેક્ટ કહે છે તેની કારણે પછી અખબારો, સામયિકો, વગેરેએ પણ જોડણીકોશની જોડણી અપનાવી.
ગાંધીજીના તંત્રીપણા નીચે બે ગુજરાતી સામયિકો પ્રગટ થયાં – નવજીવન અને હરિજનબંધુ. એ બેમાંથી એકે આજે આપણે જેને ‘સાહિત્યનું સામયિક’ કહીએ તેવું નહોતું. ગાંધીજીની વિચારણામાં સાહિત્યનો નિષેધ નહોતો જ, પણ તે સાહિત્ય પૂરતી મર્યાદિત નહોતી. એ જીવનલક્ષી હતી. અને છતાં આજે આપણે જે લેખકોનાં નામ આપણા સાહિત્યની પહેલી હરોળમાં મૂકીએ છીએ તેવા કેટલા બધા લેખકો આ બે સામયિકોમાં નિયમિત રીતે લખતા હતા! થોડાંક જ નામ : મહાદેવ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, સ્વામી આનંદ, નરહરિ પરીખ. ગાંધીજીનાં જે પુસ્તકો (સંચયો, ભાષણો વગેરે નહિ) પ્રગટ થયાં છે તે પણ પહેલાં ‘નવજીવન’ કે ‘હરિજનબંધુ’માં હપ્તાવાર પ્રગટ થયાં હતાં. ‘આત્મકથા’ ઉપરાંત તેમનાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, ગીતાવિચાર, મંગલપ્રભાત, જેવાં પુસ્તકો પહેલાં આ રીતે પ્રગટ થયાં હતાં.