૨૦૦૩ના વર્ષમાં તમિલનાડુમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર એક દંપતીને તેના કુટુંબીજનોએ જીવતું જલાવી દીધું હતું. કથિત નિમ્ન જ્ઞાતિની યુવતી સાથે કથિત ઉચ્ચ વર્ણના યુવકનું લગ્ન કુટુંબને સ્વીકાર્ય નહોતું. ‘ઑનર કિલિંગ’ કહેતાં જ્ઞાતિગુમાનને કારણે થયેલી આ હત્યાનો અઢાર વરસે, ૨૦૨૧માં ચુકાદો આવતાં હત્યારા કુટુંબીજનોને જિલ્લા અદાલતે મૃત્યુ દંડની સજા ફરમાવી છે. કર્ણાટકના બેલગાવી જિલ્લાની યુવતીએ માતા-પિતાની મરજી વિરુદ્ધ આંતરજ્ઞાતીય લગ્ન કરતાં માતાપિતાએ તેમની દીકરીના અપહરણ અને ભોળવીને લગ્ન કર્યાની પોલીસ ફરિયાદ કરી હતી. મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચતા ગયા વરસે અદાલતે પોલીસ ફરિયાદ રદ્દ કરવાના આદેશ સાથે માબાપને આંતરજ્ઞાતીય લગ્નના સ્વીકારની સલાહ આપી હતી. અદાલતે સમાજને જૂનાપુરાણા નાતજાતના બંધનો છોડી દેવા જણાવી ઉમેર્યું હતું કે જ્ઞાતિબાધ વિનાના લગ્નોથી જ્ઞાતિઓ અને સમુદાયો વચ્ચેનો તણાવ ઓછો થશે.
બંધારણને અનુસરીને અદાલતોએ આપેલા આ ચુકાદા આંખમાથા પર રાખીને પણ એ વાસ્તવ સ્વીકારવું રહ્યું કે દેશમાં આજે ય જ્ઞાતિને ધ્યાનમાં રાખીને જ લગ્નવ્યવહાર થાય છે. ઓનલાઈન વેબસાઇટ્સ કે અખબારોમાં આવતી લગ્ન વિષયક જાહેરાતો પર નજર નાંખતા જણાય છે કે લગ્નની પાત્રપસંદગીમાં જ્ઞાતિબાધનું પ્રાધાન્ય હોય છે. આઝાદી પૂર્વે રાજકીય આઝાદીના આંદોલન સાથે જ સમાજસુધારણાનું પણ આંદોલન ચાલતું હતું. આભડછેટનો મુદ્દો દેશના સામાજિક-રાજકીય એજન્ડા પર મુકાયો હતો. ગાંધીજી, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અન્ય સમાજ સુધારકોના પણ આ દિશાના સંનિષ્ઠ પ્રયાસો છતાં આઝાદીના અમૃત પર્વે ભારતીય હિંદુ સમાજ હજુ પણ જ્ઞાતિભેદમાં જકડાયેલો છે. પ્રેમ અને લગ્નની બાબતમાં જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ, પરગણાને જ મહત્ત્વ આપવામાં આવે છે.
‘નૅશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઈડ ઇકોનોમિક્સ રિસર્ચ’ના ‘ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે’ના તારણોમાં જણાવાયું છે કે ભારતમાં પંચાણુ ટકા લોકો જ્ઞાતિમાં જ પરણે છે. માંડ પાંચ જ ટકા લગ્નો જ્ઞાતિ બહાર થાય છે. નાતને તડકે મૂકી પરણી જનારામાં ટચૂકડા અને ખ્રિસ્તીબહુલ ઉત્તરપૂર્વીય રાજ્યોના લોકો મોખરે છે. દેશમાં સૌથી વધુ આંતરજ્ઞાતીય લગ્નો મિઝોરમમાં (૫૫%) થાય છે. તે પછીના ક્રમે મેઘાલય (૪૬ %), સિક્કિમ (૩૮%), જમ્મુ-કશ્મીર (૩૫%) અને ગુજરાત (૧૩%) છે. જાતિભેદ અને સામંતવાદમાં જકડાયેલા ઉત્તર ભારતના રાજ્યોમાં સૌથી ઓછા લગ્નો થાય છે. આ પ્રમાણ મધ્ય પ્રદેશમાં માત્ર ૧ ટકો અને હિમાચલ, છત્તીસગઢ, ગોવામાં માત્ર બે ટકા જ આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. દેશના રાજ્યની કુલ વસ્તીમાં સૌથી વધુ દલિત વસ્તી ધરાવતા રાજ્ય, પંજાબમાં માત્ર ત્રણ ટકા લોકો જ જ્ઞાતિબહાર પરણે છે.
વિદુષી સમાજવિજ્ઞાની ગેલ ઓમવેટે આંતરજ્ઞાતીય લગ્નોની વાસ્તવિકતા પોતાના ગામના ઉદાહરણથી સ્પષ્ટ કરી હતી. હજુ ગયે વરસે જ વિદેહ થયેલાં, અમેરિકી મૂળના ઓમવેટ ભારતની નાગરિકતા મેળવી મહારાષ્ટ્રના પૂણેથી આશરે દોઢસો કિલોમીટરના અંતરે આવેલા કાસેગાંવમાં રહેતાં હતાં. ગામની વસ્તી પંદરેક હજારની છે. વિકસિત અને દેખાવે શહેરી કાસેગાંવ દેશના અન્ય ગામોની તુલનાએ પ્રગતિશીલ પરંપરાઓના ગામ તરીકે જાણીતુ છે. કાસેગાંવમાં છેલ્લા ૫૦ વરસોમાં ૩૦ આંતરજ્ઞાતીય લગ્નો થયાંનું ગેલ ઓમવેટ ખાતરીપૂર્વક નોંધે છે. ૩૦ પૈકીના ૨૦ દંપતી ગામમાં જ રહે છે. આ હકીકતનું વિષ્લેષણ કરતાં ઓમવેટ લખે છે, “પચાસ વરસમાં ત્રીસ આંતરજ્ઞાતીય લગ્નો, ટકાવારીની દૃષ્ટિએ એક ટકાનો દસમો ભાગ થાય. ૧૫,૦૦૦ની વસ્તીના ગામમાં ૫૦ વરસમાં ૩૦ આંતરજ્ઞાતીય લગ્નો એટલે ૦.૦૦૧૩૩ ટકા થાય.”
આંતરજ્ઞાતીય લગ્નોમાં ગામડાં અને શહેરો વચ્ચે ખાસ ભેદ નથી. દેશમાં કુલ ૫.૩૪ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. તેમાં શહેરોમાં ૫.૩૭ ટકા અને ગામડાંઓમાં તેનાથી સહેજ જ ઓછા ૫.૩૨ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. વિકાસશીલ સમાજ અધ્યયન કેન્દ્રનું ૨૦૦૪ની રાષ્ટ્રીય ચૂંટણીનું એક સર્વેક્ષણ નોંધે છે કે ૬૦ ટકા ઉત્તરદાતાઓ આંતરજ્ઞાતીય લગ્નો પર પ્રતિબંધ ઇચ્છતા હતા. ૪૭ ટકા શહેરી ભારતીયો પણ આંતરજ્ઞાતીય લગ્નોના પ્રતિબંધની તરફેણમાં હતા. અમેરિકી રિસર્ચ સંસ્થા ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’નો તાજેતરનો એક વ્યાપક સર્વે જણાવે છે કે ૬૪ ટકા ભારતીયો મહિલાઓને આંતરજ્ઞાતીય લગ્નો કરતી રોકવી જોઈએ તેમ માને છે. તો ૬૨ ટકા ભારતીયો માને છે કે પુરુષોએ આંતરજ્ઞાતીય લગ્નોથી દૂર રહેવું જોઈએ.
જો કોઈ યુવક-યુવતી રાજીખુશીથી પરસ્પર પ્રત્યેના પ્રેમને કારણે જ્ઞાતિને બાજુએ હડસેલી પ્રેમ કે લગ્ન કરે, તો તેનો અંજામ ક્રૂર હત્યામાં આવતો હોવાનું અવારનવાર જોવા-વાંચવા મળે છે. કહેવાતી નીચલી જ્ઞાતિમાં લગ્નથી ઉપલી જ્ઞાતિમાં જ્ઞાતિગુમાન જાગી ઊઠે છે અને ઑનર કિલિંગ થાય છે. લોકસભા પ્રશ્નના જવાબમાં રજૂ થયેલ માહિતી મુજબ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન દેશમાં ઑનર કિલિંગની ૧૪૫ ઘટનાઓ બની હતી. સૌથી વધુ ઝારખંડમાં ૫૦ હત્યાઓ ઑનર કિલિંગના નામે થઈ હતી.
મહારાષ્ટ્રના કોલ્હાપુરના પ્રગતિશીલ રાજા શાહૂ મહારાજે છેક ૧૯૧૩(૧૨-૦૭-૧૯૧૩)માં પોતાના રાજ્યમાં જ્ઞાતિબહાર થતા લગ્નોને કાયદેસર ઠેરવતો નિયમ કર્યો હતો. ડૉ. આંબેડકરે ૧૯૩૬માં લાહોરના ‘જાતપાત તોડક મંડળ’ના અધિવેશન માટે તૈયાર કરેલ વ્યાખ્યાન’ એનિહિલેશન ઓફ કાસ્ટ” (જાતિ નિર્મૂલન)માં જ્ઞાતિ પ્રથા નાબૂદીના જે ઉપાયો ચીંધ્યા હતા તેમાં આંતરજ્ઞાતીય લગ્નોને સૌથી વધુ મહત્ત્વના માન્યા હતા. ડૉ.આંબેડકરે કહ્યું હતું “મને ખાતરી થઈ ચૂકી છે કે આંતરજ્ઞાતીય લગ્નો જ જ્ઞાતિના નિકંદનનો સાચો ઉપાય છે. એકલું લોહીનું મિશ્રણ જ સગાંસ્વજન હોવાની લાગણી સર્જી શકે છે. અને જ્યાં સુધી આ સગપણની ભાવના, સગાં હોવાની ભાવના સર્વોપરી નહિ બને ત્યાં સુધી જ્ઞાતિએ સર્જેલી અલગતાની ભાવના, પરાયા હોવાની ભાવના નાશ પામશે નહીં”. અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું કલંક માનતા ગાંધીજી આભડછેટ નાબૂદી માટે આંતરજ્ઞાતીય લગ્નોને અસરકારક હથિયાર ગણતા હતા. એટલું જ નહીં, તેઓ એવાં જ લગ્નોમાં હાજર રહેતા હતા, જેમાં એક પાત્ર કહેવાતા અસ્પૃશ્ય સમાજનું હોય.
દેશમાં આજે જે પાંચેક ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે, તેમાં પુરુષની જ્ઞાતિ જ પત્ની–બાળકોને મળે છે. જો બેમાંથી એક પાત્ર ઉપલી જ્ઞાતિનું અને બળુકું હોય તો સંતાનોને ઉપલી જ્ઞાતિ મળે છે, પરંતુ તેનાથી જ્ઞાતિ તૂટતી નથી. આંતરજ્ઞાતીય લગ્નો, તેને કારણે મિશ્ર લોહી અને સરવાળે જ્ઞાતિનો ખાતમો હાલના આંતરજ્ઞાતીય લગ્નોથી શક્ય બનતાં નથી.
“હવે નાતજાત જેવું કશું રહ્યું નથી. ચૂંટણીમાં મીડિયાવાળા જ જ્ઞાતિનું સ્મરણ કરાવે છે.” એવું માનનારો દેશમાં એક મોટો વર્ગ છે, પરંતુ ભારતમાં આંતરજ્ઞાતીય લગ્નોનું નહિવત્ પ્રમાણ નાતજાત ખતમ થઈ ગયાનું કહેનારને પડકારે છે. અને ભારતમાં જ્ઞાતિ જડબેસલાક અને હાજરાહાજૂર છે તે સ્વીકારવા મજબૂર કરે છે.
E-mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 07