ભારતમાં મુઘલ વંશના શાસનની સ્થાપના બાબરે ૧૪૮૩માં કરી હતી. તેમના પૌત્ર અકબરનો જન્મ ૧૫૪૨માં ભારતમાં જ થયો હતો અને મૃત્યુ ૧૬૦૫માં થયું હતું. તેણે ૧૫૫૬માં શાસનની ધૂરા સંભાળી હતી અને ૪૯ વરસ શાસન કર્યું હતું. આમ અકબર બાદશાહ બન્યો એ પહેલાં મુઘલ સામ્રાજ્યને ૭૩ વરસ થઈ ગયાં હતાં અને ભારતમાં મુસલમાનોનું શાસન આવ્યું એને સાડા ત્રણસો વરસ કરતાં વધુ વરસ થઈ ચૂક્યાં હતાં. પોતાના વંશના શાસનના ૭૩ વરસ અને વિદેશી મુસલમાનોના શાસનના સાડા ત્રણસો કરતાં વધુ વરસ એ કોઈ નાનોસૂનો સમયખંડ નથી.
અકબરે આખી જિંદગીમાં ભારત સિવાય બીજો કોઈ દેશ જોયો પણ નહોતો. ભારતમાં જન્મ્યો, ભારતમાં મોટો થયો, ભારતમાં ૭૩ વરસના મુઘલ શાસનનો વારસો સમજ્યો, ભારતમાં સાડા ત્રણસો વરસનો મુસલમાનોના શાસનનો ઇતિહાસ ભણ્યો એટલે એ જ્યારે બાદશાહ બન્યો ત્યારે આમાંથી કોઈ બોધપાઠ ન લીધો હોય એવું બને? મૂરખ હોય એની બાબતમાં આવું બને જેમ મહારાષ્ટ્રના બ્રાહ્મણ પેશ્વાઓની બાબતમાં બન્યું હતું. તેમણે માત્ર એટલો વિચાર કર્યો હોત કે શા માટે વિદેશી આક્રમણખોરો સામે હિંદુઓનો પરાજય થયો અને શા માટે વિદેશીઓ વિદેશી હોવા છતાં ભારત પર સદીઓ સુધી શાસન કરી શક્યા તો રાજ કેમ કરાય એ તેમને સમજમાં આવ્યું હોત. તેમણે અંગ્રેજો અને બીજા યુરોપિયનો તરફ પણ એક દૃષ્ટિ કરવી જોઈતી હતી. શા માટે તેઓ જાનના જોખમે વેપાર ખેડવા ભારત આવે છે અને સ્વાર્થવશ એકબીજાના જીવ લે છે અને શા માટે ભારતના લોકો પોતાનો માલ વેચવા વિદેશ જતા નથી. પેશ્વાઓ પોતાની કહેવાતી સનાતનસિદ્ધ મહાનતામાં મશગૂલ હતા.
અકબરની બાબતમાં આવું નહોતું. અકબર શું તેનો દાદો બાબર અને હૂંમાયું પણ દૂરંદેશી ધરાવતા હતા. બાબરે વસિયતનામામાં તેના પુત્ર હૂમાયૂંને સલાહ આપી હતી કે, “બેટા, હિંદુસ્તાનમાં અનેક ધર્મોના લોકો વસે છે. ખુદાનો આભાર માન કે તને આ દેશનો બાદશાહ બનાવ્યો. તું નિષ્પક્ષ રહીને, કોઈની ધાર્મિક શ્રદ્ધાને ઠેસ ન પહોંચે એ રીતે સબૂરીથી શાસન કરજે. હિંદુઓ ગાયને પવિત્ર સમજે છે એટલે બને ત્યાં સુધી ગોવધ ન થાય તેનું ધ્યાન રાખજે અને કોઈના પૂજાસ્થાનોને હાથ લગાડવામાં ન આવે તેનું પણ ધ્યાન રાખજે.” (બાબરનું આ વસિયતનામું ભોપાળના સંગ્રહાલયમાં ઉપલબ્ધ છે અને વિદ્વાનો તે બાબરનું હોવાનું માને છે) બાબરની જેમ જ હુમાયૂંએ અકબરને વ્યવહારુ સલાહ આપી હતી કે ભારતમાં ક્ષત્રિય કોમ લડનારી કોમ છે એટલે ક્ષત્રિયો સાથે વિવાહસંબંધ જોડવામાં ફાયદો છે. જે લડી શકે છે તેની સાથે અંતર ઘટશે એટલે લાંબો સમય રાજ કરી શકાશે.
અકબર તમામ મુઘલ શાસકોમાં વધારે વિચક્ષણ હતો, વધારે દીર્ઘદૃષ્ટિ ધરાવતો હતો, વધારે સહિષ્ણુ હતો, ભારતમાં મુસ્લિમ શાસનના અનુભવનો વારસો ધરાવતો હતો અને વધારે સાહસિક પણ હતો. તેણે મુઘલ શાસન પહેલાંના મુસ્લિમ શાસન વિષે અનુભવ્યું હશે કે તેઓ સ્થિર ન થઈ શક્યા અને એકબીજાને ઊખાડતા રહ્યા એનું એક કારણ તેઓ વિદેશીના વિદેશી જ રહ્યા અને ભારતીય થવાનો પ્રયાસ ન કર્યો એ હોવું જોઈએ. આને કારણે તેમને જોઈએ એવો સ્થાનિક પ્રજાનો ટેકો ન મળ્યો જે ટકી રહેવા માટે જરૂરી છે. બીજું, તેઓ ત્યારે તાજા તાજા વિદેશથી આવ્યા હતા એટલે તેમને ભારત વિષેની પૂરતી માહિતી નહીં હોય, પણ અકબર જ્યારે ગાદીએ બેઠો ત્યાં સુધીમાં સાડા ત્રણસો વરસનાં વહાણાં વાઈ ચૂક્યાં હતાં અને સહઅસ્તિત્વના પરિપાકરૂપે એક રસાયણ વિકસ્યું હતું જેને ગંગા-જમુની સંસ્કૃતિ કહેવામાં આવે છે. અકબરના ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે હિંદુ અને મુસલમાનોની ધર્મશ્રદ્ધામાં મોટું અંતર હોવા છતાં હિંદુ સંતો અને મુસ્લિમ સૂફીઓએ ખૂબ પ્રમાણમાં અંતર ઘટાડી આપ્યું છે. અકબરના ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે હિંદુઓ પાસેથી ઘણું શીખવા જેવું અને અપનાવવા જેવું છે. અને છેલ્લે અકબરના ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે બીજા વંશોની તુલનામાં મુઘલ વંશ લાંબો સમય સ્થિર રહ્યો એનું કારણ તેના બાપા અને દાદાએ અપનાવેલો વ્યવહારુ માર્ગ હતો.
હમણાં કહ્યું એમ અકબર તમામ મુઘલ શાસકોમાં વધારે વિચક્ષણ હતો, વધારે દીર્ઘદૃષ્ટિ ધરાવતો હતો, વધારે સહિષ્ણુ હતો, ભારતમાં મુસ્લિમ શાસનના અનુભવનો વારસો ધરાવતો હતો અને વધારે સાહસિક પણ હતો. બાબર કહી ગયો હતો કે ભારતનાં સામાજિક સ્વરૂપ અને શાસિત વિધર્મીઓની લાગણીઓનું ધ્યાન રાખજો. હૂમાંયું કહી ગયો હતો કે જેને લડતા આવડે છે અને લડે છે એને સગાં બનાવ એટલે આપોઆપ પડકારો ઘટી જશે અને રાજકીય સ્થિરતા મળશે. અકબર આમાં થોડો વધારે સાહસિક સાબિત થયો. તેણે વિચાર્યું કે આપ-લેના માર્ગે જે ભારતીય રસાયણ વિકસ્યું છે તેને હજુ વધારે ઘટ્ટ સ્વરૂપ આપવામાં આવે તો! જેની પાસે જે સારું હોય એ લેવાનું. દિને ઈલાહી આવો એક પ્રયાસ હતો. એક એવો ધર્મ જેમાં દરેક ધર્મનાં સારાં ગ્રાહ્ય તત્ત્વો હોય. સંસારના દરેક ધર્મના સારમાંથી વિકસાવવામાં આવેલો ધર્મ.
આ પ્રયોગ વિષે એક અભિપ્રાય એવો છે કે અકબરે શુદ્ધ રાજકીય સ્વાર્થથી પ્રેરાઈને આવો પ્રયાસ કર્યો હતો કે જેથી હિંદુઓ તરફથી કોઈ પડકાર જ પેદા ન થાય. જેદીતેદી હિંદુઓ અને મુસલમાનો વચ્ચેનું મઝહબી અંતર સમસ્યા બની શકે એટલે ઉત્તમ માર્ગ એ છે કે એ અંતર જ ખતમ કરી નાખવું અથવા ઘટાડી નાખવું. બીજો એક અભિપ્રાય એવો છે કે અકબર પ્રચંડ ધાર્મિક જિજ્ઞાસા ધરાવતો હતો. તેણે હિંદુ, બૌદ્ધો અને જૈનોના ધર્મગુરુઓને જ નહીં; પણ ભારતમાં સંખ્યાની દૃષ્ટિએ નગણ્ય અસ્તિત્વ ધરાવતા પારસીઓના દસ્તૂર મેહેરજી રાણાને પણ પોતાના દરબારમાં બોલાવ્યા હતા અને જાણવા માગ્યું હતું કે જરથોસ્તનો ધર્મ શું કહે છે? પ્રચંડ જિજ્ઞાસા અને એટલી જ ધાર્મિક એકતા માટેની તાલાવેલી અકબરના આ પ્રયોગ પાછળનું કારણ હતું. કદાચ એવું પણ હોય કે હિંદુ સંતો અને મુસ્લિમ સૂફીઓએ બે ધર્મોને એટલા નજીક લાવી દીધા હતા કે અકબરે વિચાર્યું હોવું જોઈએ કે આ નજદીકીને એક ઔપચારિક ચહેરો બક્ષીને રાજકીય મહોર મારી દેવી જોઈએ કે જેથી કોઈ સમસ્યા જ ન રહે.
અકબરે કઈ મહેચ્છાથી આ સાહસ કર્યું હતું એ ભલે ખાતરીપૂર્વક ઇતિહાસકારો નથી કહી શકતા, પણ એક વાત નક્કી છે કે તેણે પ્રજાકીય એકતા માટેની સાચી લગન બતાવી હતી. હિંદુ-મુસ્લિમ એકતા માટે ચાર જણાએ પ્રામાણિકતાપૂર્વક ભગીરથ પ્રયત્નો કર્યા હતા એમાં એક અકબર હતો. બીજા ત્રણ હતા : આમીર ખુસરો, કબીર અને ગાંધીજી.
પણ આ પ્રયોગમાં સમસ્યા એ હતી કે મુસલમાનો આચારમાં ઉદાર હતા પણ વિચારમાં સંકુચિત હતા અને હિંદુઓ આચારમાં સંકુચિત હતા અને વિચારમાં ઉદાર હતા. મુસલમાન વિચારોમાં બાંધછોડ કરે નહીં અને હિંદુઓ આચારમાં બાંધછોડ કરે નહીં. અકબર પર જે આક્રમણો થયાં એ ઈસ્લામના કટ્ટર વિચારમાં માનનારા મુસલમાનો તરફથી અને વિરોધ થયો સનાતની રૂઢિચુસ્ત હિંદુઓ તરફથી. ભલે મોળો પણ વિરોધ થયો. અહીં એક વાત નોંધવા જેવી છે. હિંદુ-મુસ્લિમ એકતાના ચાર શિલ્પીઓમાંથી અકબર અને ગાંધીજી નિંદા અને આક્રમણના શિકાર બન્યા છે, કારણ કે તેઓ એકતાના તત્ત્વને રાજકીય/શાસકીય ધરાતલ પર લઈ આવ્યા. આમીર ખુસરો અને કબીર જો ઉપદેશના ભાગરૂપે એકતાની મહાન વાત કરતા હોય તો વાહ વાહની દાદ દેવામાં આપણા બાપાનું ક્યાં કાંઈ જાય છે!
આમ દિને ઇલાહી માટે અકબરની જે વલે થઈ એની વાત હવે પછી.
e.mail : ozaramesh@gmail.com
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 17 નવેમ્બર 2019